23 May, 2025 06:55 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક નોંધાઈ છે. સેન્સેક્સ મંગળવારે ૮૭૩ પૉઇન્ટ બગડીને ૮૧,૧૮૬ તથા નિફ્ટી ૨૬૧ પૉઇન્ટ ખરડાઈને ૨૪,૬૮૪ બંધ થયો છે. બજારનો આરંભ નહીંવત સુધારાથી થયો હતો. સેન્સેક્સ આગલા બંધથી ૫૭ પૉઇન્ટ વધી ૮૨,૧૧૬ ખુલ્યા પછી ઉપરમાં ૮૨,૨૫૦ વટાવી ગયો હતો. ત્યાર પછી શરૂ થયેલી લપસણી ચાલમાં બજાર નીચામાં ૮૧,૧૫૪ની અંદર ઊતરી ગયું હતું. બંધ પણ એની નજીકમાં જ થયું છે. માર્કેટકૅપ ગઈ કાલે ૫.૬૫ લાખ કરોડ રૂપિયા ગગડી ૪૩૮.૦૩ લાખ કરોડ રહ્યું છે. સેન્સેક્સ નિફ્ટીની એક ટકા પ્લસની નબળાઈ સામે સ્મોલકૅપ એક ટકો, બ્રૉડર માર્કેટ સવા ટકો તથા મિડકૅપ ૧.૭ ટકા ડાઉન થતાં માર્કેટ બ્રેડ્થ ખરડાઈ છે. NSEમાં વધેલા ૯૧૫ શૅરની સામે ૧૯૭૪ કાઉન્ટ ડાઉન હતાં. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. ઑટો ઇન્ડેક્સ ૧૧૫૦ પૉઇન્ટ કે ૨.૧ ટકા, પાવર-યુટિલિટીઝ દોઢ ટકા આસપાસ, કૅપિટલ ગુડ્સ-ટેલિકૉમ તથા ફાઇનૅન્સ બેન્ચમાર્ક સવા ટકાની આજુબાજુ, નિફ્ટી મીડિયા ૧.૪ ટકા, નિફ્ટી ફાર્મા સવા ટકો, બૅન્ક નિફ્ટી એક ટકો કટ થયા હતા.
બજારની ગઈ કાલની નરમાઈ માટે ચૅનલિયા વિશ્લેષકો વિશ્વબજારોની કમજોરી અને કોવિડ-19ના નવા વેરિયેન્ટનો શરૂ થયેલો ઉપદ્રવ કારણભૂત ગણાવે છે, પરંતુ ગઈ કાલે એશિયા ખાતે માત્ર ઇન્ડોનેશિયા અડધો ટકો નરમ હતું. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, ચાઇના અડધા ટકા નજીક, સિંગાપોર અને થાઇલૅન્ડ સાધારણ તો અન્ય બજાર નહીંવત વધીને બંધ થયાં છે. યુરોપ પણ રનિંગમાં અડધા ટકા આસપાસ પ્લસ હતું. બ્રેન્ટ ક્રૂડ ૬૫ ડૉલર અને નાયમેક્સ ક્રૂડ ૬૨ ડૉલરે ટકેલાં હતાં. સોનામાં ધીમો સુધારો દેખાતો હતો. બિટકૉઇન અડધા ટકાના ઘટાડે રનિંગમાં ૧,૦૫,૧૨૯ ડૉલર ચાલતો હતો.
પ્રાઇમરી માર્કેટમાં મેઇન બોર્ડ ખાતે સુરતની બોરણા વીવ્ઝ ૧૦ના શૅરદીઠ ૨૧૬ની અપર બૅન્ડમાં આશરે ૧૪૫ કરોડનો ઇશ્યુ મંગળવારે લાવી છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં પચીસ ગણા પ્રતિસાદ સાથે કુલ સાડાઆઠ ગણું છલકાયું છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ૬૦નું બોલાય છે. અમદાવાદી ઇન્ટીગ્રીટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૧ ખૂલી ૧૦૩ ઉપર બંધ રહેતાં અત્રે સાડાત્રણ ટકાનો મામૂલી લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ પાંચના શૅરદીઠ ૯૦ની અપર બૅન્ડમાં ૨૧૫૦ કરોડનો આઇપીઓ આજે કરવાની છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૧૪ થયું છે. આ ઉપરાંત દાર ક્રેડિટ ઍન્ડ કૅપિટલ ૧૦ના શૅરદીઠ ૬૦ના ભાવથી ૨૫૬૬ લાખનો SME IPO પણ આજે, બુધવારે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૧૨નું પ્રીમિયમ સંભળાય છે. એક્રીશન ફાર્માસ્યુટિકલ્સનો શૅરદીઠ ૧૦૧ના ભાવનો SME IPO પણ આજે લિસ્ટિંગમાં જવાનો છે.
ડિફેન્સ અને રેલવે શૅરોમાં સાગમટે ખરાબી, ઝેન ટેક્નૉલૉજીઝ અપવાદ
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ તરફથી ૪૦ હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ ઑર્ડરને લીલી ઝંડી અપાઈ છે. ડિફેન્સ શૅરોની તેજીને એ સહાયક બનશે. જોકે ડિફેન્સ શૅરોના ભાવ ટૂંકા ગાળામાં ઘણા વધી ગયા છે એટલે વૅલ્યુએશનનો સવાલ તો છે જ. ગઈ કાલે જૂજ એકાદ-બે શૅરો વધ્યા છે. ઊંચા વૅલ્યુએશનને લઈ મોતીલાલ ઓસ્વાલે ઝેન ટેક્નૉલૉજીઝમાં ૧૭૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની સલાહ આપી છે. શૅર સતત આઠમાં દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૯૭૮ વટાવી અંતે એક ટકો વધી ૧૯૦૨ બંધ થયો છે. આની સામે પ્રીમિયર એક્સ્પ્લોસિવ્ઝ સાડાત્રણ ટકા, ડેટા પેટર્ન્સ ૬ ટકા, પારસ ડિફેન્સ સાડાછ ટકા, કોચીન શિપયાર્ડ આઠ ટકા, માઝગાવ ડૉક સવાબે ટકા, ગાર્ડન રિચ સાડાત્રણ ટકા, સિકા ઇન્ટરપ્લાન્ટ સાડાચાર ટકા, ભારત ડાયનેમિક્સ ૧.૪ ટકા, ભારત અર્થમૂવર પોણાચાર ટકા, આઇડિયા ફોર્જ ૫.૬ ટકા, અપોલો માઇક્રો સાડાત્રણ ટકા, યુનીમેક ઍરોસ્પેસ ૪.૮ ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૩.૩ ટકા, DCX સિસ્ટમ્સ ૪.૪ ટકા, મિશ્ર ધાતુ નિગમ ત્રણ ટકા ગગડ્યા હતા. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ સવાબે ટકા ખરડાયો છે. એના ૧૮માંથી ૧૬ શૅર માઇનસ હતા. રેલવે શૅરોમાંય બહુધા નરમાઈ જોવાઈ છે. રેલવિકાસ નિગમ ૩.૭ ટકા, ઇરકોન ઇન્ટરનૅશનલ સાડાચાર ટકા, IRFC ૩.૪ ટકા, ઇન્ડિયન રેલવે કૅટરિંગ સવાબે ટકા, રેલટેલ કૉર્પો. પાંચ ટકા, રાઇટ્સ સાડાછ ટકા, ટીટાગર રેલ પાંચ ટકા, જ્યુપિટર વૅગન્સ ૪.૮ ટકા, ટેક્સમાકો રેલ ૩.૨ ટકા, ઓરિયેન્ટલ રેલ બે ટકાની નીચલી સર્કિટમાં ડાઉન હતી. હિન્દ રેક્ટિફાયર ત્રણ ટકા ઘટી ૧૦૨૦ રહી છે.
સેન્સેક્સમાં એક શૅર વધ્યો તો સામે નવ જાતો ઘટીને બંધ રહી
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી વધેલા ત્રણ શૅરમાં તાતા સ્ટીલ માંડ પોણો ટકો સુધરી મોખરે હતો. ઇન્ફી અને આઇટીસી નામપૂરતા પ્લસ હતા. નિફ્ટીના ૫૦માંથી વધેલા ૭ શૅરમાં કૉલ ઇન્ડિયા સવા ટકો, ONGC એક ટકો, હિન્દાલ્કો અડધા ટકાથી વધુ તો ડૉ. રેડ્ડીઝ લૅબ ૦.૪ ટકા વધ્યા છે. ઝોમાટોવાળી એટર્નલ ચાર ટકાથી વધુ ગગડી ૨૨૮ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની છે. અન્યમાં મારુતિ સુઝુકી પોણાત્રણ ટકા કે ૩૫૮ રૂપિયા, મહિન્દ્ર બે ટકાથી વધુ, અલ્ટ્રાટેક તથા પાવરગ્રીડ બે-બે ટકા, હીરો મોટોકૉર્પ સવાત્રણ ટકા, બજાજ ઑટો સવાત્રણ ટકા કે ૨૮૬ રૂપિયા, શ્રીરામ ફાઇનૅન્સ પોણાત્રણ ટકા, આઇશર અને સિપ્લા અઢી ટકા, જિયો ફાઇનૅન્સ બે ટકા, ટ્રેન્ટ તથા તાતા કન્ઝ્યુમર પોણાબે ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ દોઢ ટકો, નેસ્લે અને બજાજ ફાઇનૅન્સ બે ટકા નજીક, હિન્દુસ્તાન યુનિલીવર પોણાબે ટકા, બજાજ ફીનસર્વ દોઢ ટકો ડાઉન હતી.
HDFC બૅન્ક સવા ટકો બગડી ૧૯૧૪ના બંધમાં બજારને ૧૫૯ પૉઇન્ટ નડી છે. રિલાયન્સે એક ટકાથી વધુની નરમાઈમાં ૧૪૨૫ બંધ આપી એમાં ૯૫ પૉઇન્ટનો ઉમેરો કર્યો છે. ICICI બૅન્ક પોણા ટકા નજીક, સ્ટેટ બૅન્ક સવા ટકા નજીક, તાતા મોટર્સ દોઢ ટકા નજીક, કોટક બૅન્ક એક ટકો, ટેક મહિન્દ્ર સવા ટકો, લાર્સન એક ટકા નજીક કપાઈ છે. ટીસીએસ અડધો ટકો ઢીલી હતી.
નબળા બજારમાં રોકડામાં તત્ત્વ ચિંતન ફાર્મા, HLE ગ્લાસકોટ, એપ્લેબ, હોન્ડા ઇન્ડિયા પાવર, આલ્કલી મેટલ, એચ.ટી. મીડિયામાં ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી હતી. સામે આગરાની પીસી કોસ્મા સોપ ૨૦ ટકા કે ૧૩૪ રૂપિયા તૂટી ૫૩૫ બંધ થઈ છે. કંપનીનો નફો ૨૭૧ લાખથી ગગડી ૬૪ લાખની અંદર આવી જવાનું આ પરિણામ છે. ગણેશ બેન્ઝોપ્લાસ્ટ ૮ ગણા વૉલ્યુમે ૧૫ ટકા બગડી ૧૦૯ રહી છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ સવા ટકો ઘટી ૧,૨૯,૩૦૦ હતી. સામે MRF સાધારણ સુધારે ૧,૪૦,૫૦૦ બંધ થઈ છે.
અશોલ લેલૅન્ડ ૧૪ વર્ષે બોનસ આપશે, ૨૩મીએ બોર્ડ મીટિંગ
અશોક લેલૅન્ડમાં બોનસ માટે ૨૩મીએ બોર્ડ મીટિંગની જાહેરાત કરાઈ છે. કંપનીએ છેલ્લે ૧૫ જૂન ૨૦૧૧માં બોનસ જાહેર કર્યું હતુ જે શૅરદીઠ એકના પ્રમાણમાં હતું. બોનસની જાહેરાત શૅરમાં ઝમક લાવી શકી નથી. ભાવ ઉપરમાં ૨૫૦ નજીક જઈ અડધો ટકો વધી ૨૪૨ બંધ થયો છે. વૉલ્યુમ ૭ ગણું હતું. BSE લિમિટેડમાં શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ ડેટ ૨૩ મે છે. શૅર ૭૫૮૮નું નવું શિખર બનાવી એકાદ ટકો ઘટી ૭૩૮૫ બંધ હતો. માર્કેટકૅપ ઘટીને ૯૯,૯૮૨ કરોડ રૂપિયા નોંધાયું છે. સરકારના PAN 2.0 પ્રોજેક્ટમાંથી નામ નીકળી જતાં આગલા દિવસે ૨૦ ટકા તૂટેલી પ્રોટીન ઇ.ગવ. ટેક્નૉલૉજીઝ ગઈ કાલે નીચામાં ૯૮૧ થઈ ૮.૨ ટકા લથડી ૧૦૪૯ રહી છે. બ્રોકરેજ હાઉસ ઇક્વિરસ દ્વારા ૧૭૩૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડીને સીધી ૯૦૦ રૂપિયા કરી નાખવામાં આવી છે.
નબળા બજારમાં પણ અદાણીની NDTV જોરમાં રહી છે. શૅર ૧૦ ગણા વૉલ્યુમે ૧૭૪ની પાંચ ટકાની ટૉપ બતાવી સાડાઅગિયાર ટકા ઊછળી ૧૬૪ બંધ આવ્યો છે. બે દિવસ પૂર્વે ભાવ ૧૩૪ હતો. અદાણી ગ્રુપના બાકીના ૧૦ શૅર અડધો ટકાથી માંડીને પોણાત્રણ ટકા માઇનસ હતા. ફાઇઝરે ૮૫ ટકાની નફાવૃદ્ધિ સાથે શૅરદીઠ ૧૬૫નું ડિવિડન્ડ જાહેર કરતાં ભાવ ૫૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૦૫૦ થઈ સવાનવ ટકા કે ૪૧૨ રૂપિયા ઊછળી ૪૮૭૬ બંધ હતો. ન્યુજેન સૉફ્ટવેરને સાઉદી ખાતેથી મોટો ઑર્ડર મળતાં ભાવ ૧૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૩૭૯ થઈ ૧૮ ટકા કે ૨૦૮ રૂપિયાના જમ્પમાં ૧૩૫૭ બંધ રહ્યો છે. CCL પ્રોડક્ટ્સ ૧૦.૯ ટકા, આઇનોક્સ ગ્રીન ૧૨.૮ ટકા અને બાસ્ફ ૮.૩ ટકા મજબૂત હતી. સ્ટેશનરી કંપની ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ સવાઆઠ ટકા કે ૨૨૮ રૂપિયા ગગડીને ૨૫૬૮ રહી છે. ક્વેસ કૉર્પ દ્વારા ડી-મર્જર પછી સારાં રિઝલ્ટ જાહેર થયાં છે. ઍડ્જસ્ટેડ નેટ નફો ૪૯ ટકા વધ્યો છે. આમ છતાં શૅર ગઈ કાલે પાંચ ગણા કામકાજે નીચામાં ૩૩૦ થઈ સવાનવ ટકા ખરડાઈ ૩૩૯ બંધ આવ્યો છે.