07 October, 2026 10:28 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બ્રેન્ટ ક્રૂડ બે ટકા ઘટી ૯૮ ડૉલર આસપાસ આવ્યું છે. સાઉથ કોરિયાની એક ટકા નજીકની નરમાઈ બાદ કરતાં તમામ અગ્રણી એશિયન બજાર વધ્યાં છે. ઇન્ડોનેશિયા સવા ટકો, જપાન ૧.૧ ટકા, હૉન્ગકૉન્ગ પોણો ટકો, સિંગાપોર ૦.૭ ટકા, ચાઇના-થાઇલૅન્ડ તથા તાઇવાન સાધારણ પ્લસ થયાં છે. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર હતું. ડૉલર સામે રૂપિયો નીચામાં ૯૬.૪૫ થઈ બારેક પૈસાની નરમાઈમાં ૯૬.૪૧ રહ્યો છે. ઘરઆંગણે શૅરબજારે પણ સોમવારનો સુધારો આગળ ધપાવ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૨૬ પૉઇન્ટ, ૭૨,૫૦૮ ખૂલી છેવટે ૬૮૫ પૉઇન્ટ વધી ૭૩,૦૬૮ તથા નિફ્ટી ૨૨૦ પૉઇન્ટ વધીને ૨૨,૭૭૬ બંધ રહ્યો છે. આરંભથી અંત સુધી પૉઝિટિવ માર્કેટમાં શૅરઆંક નીચામાં ૭૨,૩૮૫ તથા ઉપરમાં ૭૩,૦૬૮ થયો હતો. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી મજબૂત બની છે. NSEમાં વધેલા ૨૪૫૫ શૅર સામે ૧૧૨૫ કાઉન્ટર ઘટ્યાં છે. માર્કેટકૅપ ૪.૫૩ લાખ કરોડ વધીને ૪૭૩.૬૧ લાખ કરોડ થયું છે.
તાતાની ટ્રેન્ટ લિમિટેડે સ્ટ્રોન્ગ બિઝનેસ અપડેટમાં ૨૩ ટકા વધારામાં ૫૭૮૮ કરોડની સ્ટૅન્ડ, એલોન રેવન્યુ જાહેર કરતાં ભાવ સવાપાંચ ગણા કામકાજે ઉપરમાં ૨૯૧૪ થઈ પોણાતેર ટકા કે ૩૨૯ રૂપિયા ઊછળી ૨૯૦૪ બંધમાં બન્ને બજારમાં મોખરે રહ્યો છે. કોટક બૅન્કમાં સિટી ગ્રુપે ૪૬૫ તથા ગોલ્ડમૅન સાક્સે ૫૪૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ આપતાં શૅર પોણાત્રણ ગણા કામકાજે ૩.૬ ટકા ઊંચકાઈ ૪૩૧ થયો છે. ઍક્સિસ બૅન્ક પ્રાઇસથી બાયનો કૉલ આવ્યો છે. શૅર બે ટકા વધી ૧૨૪૮ હતો. જ્યારે HDFC બૅન્કમાં બર્નસ્ટેન દ્વારા ૧૧૫૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ જાળવી રખાયું છે. શૅર પોણો ટકો સુધરી ૭૧૦ થયો છે. જિયો પ્લૅટફૉર્મનો IPO આવવાની તૈયારીમાં છે. રિલાયન્સ માટે વૅલ્યુ-અનલૉકિંગનો લાભ એમાં છે એટલે શૅર ૨.૮ ટકાની આગેકૂચમાં ૧૨૧૯ બંધ રહ્યો છે, બજારને ૧૮૪ પૉઇન્ટ ફાયદો થયો છે. વધેલા અન્ય મહત્ત્વના શૅરમાં ગઈ કાલે સેન્સેક્સ ખાતે હિન્દુસ્તાન યુનિલીવર પોણાત્રણ ટકા, ઇન્ડિગો સવાબે ટકા, એટર્નલ ૨.૧ ટકા, એશિયન પેઇન્ટ્સ બે ટકા, ભારતી ઍરટેલ દોઢ ટકો, જ્યારે નિફ્ટીમાં હિન્દુસ્તાન યુનિલીવર ૩ ટકા, નેસ્લે ૩.૪ ટકા, HDFC લાઇફ ૨.૪ ટકા, જિયો ફાઇનૅન્શિયલ પોણાત્રણ ટકા, SBI લાઇફ ૨.૪ ટકા, તાતા કન્ઝ્યુમર ૨.૩ ટકા, JSW સ્ટીલ બે ટકા, ભારતી ઍરટેલ પોણાબે ટકા મુખ્ય હતા.
ટેક મહિન્દ્ર સવાબે ટકા, ટાઇટન સવા ટકો, બજાજ ફાઇનૅન્સ એક ટકો, ITC અને અલ્ટ્રાટેક પોણો ટકો, કૉલ ઇન્ડિયા ૩.૨ ટકા, મૅક્સ હેલ્થકૅર ૧.૬ ટકા નરમ હતી. TCS અડધો ટકો તો ઇન્ફી અડધા ટકાથી વધુ ઘટી છે. પરાગ મિલ્ક ૧૦ ટકાની આગેકૂચમાં ૩૦૯ થઈ હતી. રિલાયન્સની આલોક ઇન્ડસ્ટ્રીઝે ૧૦ ટકાની તેજી દાખવી છે. ભેલ પાંચ ગણા વૉલ્યુમે ૪૫૪ની ઑલટાઇમ હાઈ બતાવી સાડાપાંચ ટકા ઊંચકાઈ ૪૫૧ વટાવી ગઈ છે.
ગઈ કાલે પાંચ IPO નવા લિસ્ટેડ થયા છે. મેઇન બોર્ડ ખાતે બૅન્ગલોરની SRIT ઇન્ડિયા પાંચના શૅરદીઠ ૧૩૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૧૨થી શરૂ થઈ ઉપર ૬૨ બતાવી છેલ્લે ચાલતા ૫૯ના પ્રીમિયમ સામે ૧૪૦ ખૂલી ૧૫૫ બંધ થતાં ૧૯.૩ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. ગાંધીનગરની શાહ ઇન્વેસ્ટર્સ હોમ ૧૦ના શૅરદીઠ ૧૬૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૧૦થી શરૂ થઈ નીચામાં ૯ થઈ છેલ્લે બોલાતા ૧૭ના પ્રીમિયમ સામે ૧૭૧ ખૂલી ૧૭૪ બંધ આવતાં ૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SME સેગમેન્ટમાં એક મે યુનિવર્સલ સેફઝોન નાઇન ૧૦ના શૅરદીઠ ૭૧ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૦થી શરૂ થઈ છેલ્લે ચાલતા ૧૬ના પ્રીમિયમ સામે ૧૦૧ ખૂલી ૧૦૬ બંધ રહેતાં ૪૯.૪ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. શિવકેમ ઍગ્રો પાંચના શૅરદીઠ ૬૨ની ઇશ્યુ પ્રાઇસ અને ૬થી શરૂ થઈ ૧૦ થયા બાદ છેલ્લે બોલાતા દોઢના પ્રીમિયમ સામે ૬૨ ખૂલી ૫૯ થયા બાદ પાંચ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. જ્યારે પિન્દ હૉસ્પિટૅલિટી ૧૦ના શૅરદીઠ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ૭૯ ખૂલી ૭૫ બંધ આવતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે.
આજે, બુધવારે વેન્ચ ઇલેક્ટ્રો એન્જિનિયરિંગ, પાપડમલજી ઍગ્રો ફૂડ્સ તથા બ્લૅક ઓપલ કન્સલ્ટન્ટ્સનું લિસ્ટિંગ થવાનું છે. અત્યારે ગ્રેમાર્કેટ ખાતે વેન્સમાં ૧૧૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૩નું અને બ્લૅક ઓપલમાં ૧૯૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૦નું પ્રીમિયમ બોલાય છે. દરમ્યાન જિયો પ્લૅટફૉર્મ ૧૦ના એક એવા કુલ ૨૭ કરોડ શૅરનો દેશના ઇતિહાસનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં છે. આ લખાય છે ત્યાં સુધી ઇશ્યુની પ્રાઇસ-બેન્ડ, તારીખ તથા સાઇઝ વિધિવત જાહેર થઈ નથી. ભરણું સંભવતઃ ચાલુ મહિનાના ત્રીજા સપ્તાહના અંતે ખૂલશે એવી ચર્ચા છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૪૮થી શરૂ થયા બાદ ઉપર ૧૫૬ થઈ હાલમાં ૧૫૧ મુકાય છે.
દરમ્યાન આગલા દિવસે લિસ્ટેડ થયેલાં ૮ ભરણાંમાંથી મેઇન બોર્ડ ખાતે ૪૮.૩ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૪૦૩ બંધ રહેલી ઓરિયેન્ટ કેબલ્સ ગઈ કાલે ૩૬૩નું વર્સ્ટ લેવલ બતાવીને દોઢ ટકો ઘટી ૩૯૭ થઈ છે. નામપૂરતી લિસ્ટિંગ લૉસમાં ૨૯૯ નીચે બંધ થયેલી રુણવાલ એન્ટરપ્રાઇઝિસ ગઈ કાલે ૨.૯ ટકા ઘટી ૨૯૦, પોણાઆઠેક ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૮ બંધ આવેલી જર્મન ગ્રીન સ્ટીલ ૧૧૭ના નવા તળિયે જઈ ૭.૮ ટકા તૂટીને ૧૧૮ તથા સ્નૅપડીલ ફેમ એઇસવેક્ટર જે ૨૦ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૨૬ ઉપર બંધ થઈ હતી એ વળતા દિવસે ઉપરમાં ૨૮ નજીક જઈ પોણો ટકો ઘટી ૨૬ રહી છે. SME સેગમેન્ટમાં પાંચ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૧૫ બંધ થયેલી બેન્ચમાર્ક ઇન્ફોટેક ૧૨૧ ઉપર નવી ટોચે જઈ પાંચ ટકા વધી ત્યાં જ, સવાચોવીસ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૪૦ બંધ થયેલી સાંઈ ઊર્જા ઇન્ડો વેન્ચર્સ ૧૪૭ પ્લસના બેસ્ટ લેવલે જઈને પાંચ ટકા ઊછળી ત્યાં જ, પોણાચૌદ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૨૫ બંધ રહેલી દુદાણી રીટેલ ૨૩.૭૫ના નવા તળિયે તથા ૧૭.૭ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૮૫ની અંદર બંધ થયેલી હિમાલયન સોલર ૮૦.૬૫ની નવી બૉટમ દેખાડી ૪.૮ ટકા ગગડી ૮૧ નજીક થઈ છે. પેશ્વા વ્હીટ જે ૫.૯ ટકા લિસ્ટિંગ લૉસમાં ૯૫ બંધ થયા પછી વળતા દિવસે ઝીરો ટ્રેડિંગમાં હતી એ ગઈ કાલે વધુ પાંચ ટકા તૂટી ૯૦ ઉપરનું વર્સ્ટ લેવલ નોંધાવી ત્યાં જ બંધ આવી છે. તાજેતરમાં લિસ્ટેડ અન્ય શૅરમાં એડ્રોઇટ પાંચ ટકા બગડી ૨૧૩, આર્મી ઇન્ફોટેક ૭.૨ ટકા ઊછળી ૨૭૨, સ્વસ્તિકા ઇન્ફ્રા ૪ ટકા ઘટી ૨૦૦ તથા એલિવેટ કેમ્પાસિસ સાધારણ સુધારે ૩૩૬ બંધ થઈ છે. એડ્રોઇટ અને સ્વસ્તિકામાં નવું નીચું તળિયું બન્યું છે. ૧૦૪ના નવા વર્સ્ટ લેવલે જતાં રૂપા સ્ક્રીન ૩.૩ ટકા વધી ૧૧૩, એ-વન સ્ટીલ્સ એકાદ ટકો ઘટી ૩૮૫ તો મની વ્યુ લિમિટેડ બે ટકા ઘટી ૫૦ બંધ થઈ છે. જિંદલ સુપ્રીમ સતત ૧૦મી ઉપલી સર્કિટે પાંચ ટકા ઊછળી ૧૮૯ના નવા શિખરે જઈ ત્યાં જ બંધ રહી છે.
ચાલુ સપ્તાહે નવા IPOની યાદી ખાલીખમ્મ છે. ગઈ કાલે ૩ SME ભરણાં પૂરાં થયાં છે. નવી દિલ્હીની એકમે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૧૯૬ના ભાવનો ૧૨૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૮૫ ગણા સહિત કુલ ૧૨૫ ગણા, મુંબઈના ચિંચબંદર ખાતેની પેરામાઉન્ટ સિન્ટેક્સનો ૧૦ના શૅરદીઠ ૧૨૭ના ભાવનો ૮૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૧ ગણા સહિત કુલ ૧.૯ ગણો તથા ઇન્દોરની TNA સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૭૦ના ભાવનો ૩૮ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૬ ગણા સહિત કુલ ૫૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. અત્યારે એકમે ઇન્ડિયામાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ વધીને ૫૦ તથા TNA સૉલ્યુશન્સમાં ગગડીને પાંચ બોલાય છે. કલકત્તાની આર.કે. ફૅશનનો ૧૦ના શૅરદીઠ ૮૨ના ભાવનો ૩૫ કરોડનો NSE SME IPO આજે બુધવારે પૂરો થવાનો છે. ભરણું અત્યાર સુધીમાં રીટેલમાં માત્ર ૧૫ ટકા અને કુલ ૪૪ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટમાં ૭થી શરૂ થયેલું પ્રીમિયમ અત્યારે ત્યાં જ ચાલે છે.
ભોપાલની GTV એન્જિનિયરિંગ શૅરદીઠ એકના તથા મુંબઈના લોઅર પરેલની પી.એચ. કૅપિટલ શૅરદીઠ ૧૦ના બોનસમાં આજે બોનસ બાદ થશે. GTV એન્જિનિયરિંગ ગઈ કાલે ઉપરમાં ૭૦ બતાવી ૫.૩ ટકા તૂટીને ૬૬ નીચે તથા પી.એચ. કૅપિટલ ૧૩૬૨ના નવા શિખરે જઈ બે ટકા ઘટી ૧૩૨૮ હતી. BLS ઈ-સર્વિસિસ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપર ૧૬૪ થઈ એક ટકો વધી ૧૬૧ થઈ છે. શંકરા બિલ્ડપ્રો ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૮મીએ એક્સ-સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે નીચામાં ૧૨૭૧ની અંદર જઈ અઢી ટકા વધી ૧૩૦૫ હતો. SEBI એની વિવાદાસ્પદ CAS સિસ્ટમ્સ, જેને લોકો કસીનો-સેશન કહે છે એની સામેના વ્યાપક વિરોધને ધ્યાનમાં લઈ કેટલાક ફેરફાર કરવા વિચારી રહી હોવાના અહેવાલ છે. ગઈ કાલે BSE લિમિટેડ ઉપરમાં ૩૩૦૫ થઈ ૪ ટકાની આગેકૂચમાં ૩૩૦૫ થઈ છે, જ્યારે NSE લિમિટેડ ઉપરમાં ૧૭૬૦ બતાવી દોઢ ટકા સુધરી ૧૭૫૦ હતી.
સતત ૭ દિવસની ખરાબીમાં ૧૯૦૨થી તૂટી ૯૪૫ના ૩૨ માસના તળિયે પહોંચી ગયા પછી પૉલિસી બાઝારવાળી પીબી ફિનટેક ગઈ કાલે સારા કામકાજે નીચામાં ૯૭૨ થઈ શાર્પ બાઉન્સબૅકમાં ૧૦૪૨ નજીક જઈ ૫.૬ ટકા વધીને ૧૦૩૪ બંધ આવી છે. સોમવારે નવ ગણા વૉલ્યુમે સવાછ ટકા કે ૨૩૭ રૂપિયા ખરડાયા પછી ડી-માર્ટ ફેમ એવન્યુ સુપરમાર્ટ ગઈ કાલે નીચામાં ૩૫૨૧ની ૧૯ માસની બૉટમ દેખાડી છેવટે નજીવી ઘટી ૩૫૭૨ના લેવલે ફ્લૅટ બંધ આવી છે. રેમન્ડ લિમિટેડ ૧૩૩૮ની ૧૭ મહિનાની નવી ટોચે જઈ પોણો ટકો ઘટી ૧૨૯૪ થઈ છે.
અમેરિકા ખાતે શુગર વાયદો ૪ ટકા વધીને આવતાં ઘરઆંગણે શુગર શૅરને વધવાનું એક કારણ મળી ગયું હતું. ગઈ કાલે શુગર સેક્ટરના ૩૪માંથી ૨૮ શૅર પ્લસ હતા. વિશ્વ રાજ ૮.૪ ટકા, ધામપુર શુગર ૬.૮ ટકા, દાલમિયા શુગર ૫.૯ ટકા, શક્તિ શુગર ૬.૭ ટકા, સિમ્ભોલી શુગર પાંચ ટકા, દ્વારકેશ સાડાછ ટકા, ઇન્ડિયન સુક્રોઝ ૩ ટકા, અવધ શુગર ૩.૬ ટકા, રાજશ્રી શુગર ૨.૭ ટકા, બજાજ હિન્દુસ્તાન સાતેક ટકા, રેણુકા શુગર ૪.૫ ટકા મજબૂત બની છે. વેદાન્ત લિમિટેડ દ્વારા ૮ સપ્ટેમ્બરે ક્વૉર્ટરનાં પરિણામ સાથે વર્ષનું પ્રથમ ઇન્ટરિમ જાહેર થવાનું છે એની રેકૉર્ડ ડેટ ૧૪ ઑક્ટોબર નક્કી થઈ છે. શૅર બમણા વૉલ્યુમે ૨૬૮ થઈ ૪.૫ ટકા વધી ૨૬૬ થયો છે.
મામા અર્થવાળી હોનાસા કન્ઝ્યુમર સ્ટ્રોન્ગ બિઝનેસ અપડેટ જારી થતાં શૅર સાડાછ ગણા કામકાજે ૪૯૩ નજીક જઈ સવાઆઠ ટકાની તેજીમાં ૪૭૮ થયો છે. સ્પેશ્યલ કેમિકલ્સ કંપની આલ્કાયમ એમાઇન્સ ૫૮ ગણા જંગી વૉલ્યુમે ઉપર ૨૦૬૦ બતાવી ૧૩.૨ ટકા કે ૨૨૮ રૂપિયાના ઉછાળે ૧૯૫૮ તથા બાલાજી એમાઇન્સ ૧૭ ગણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૨૩૪૯ થઈ ૧૭ ટકા કે ૩૩૧ રૂપિયાના જમ્પમાં ૨૨૮૮ બંધ આવી છે. ઇન્ડો એમાઇન્સ ૧૪ ગણા કામકાજે ૧૬૮નું બેસ્ટ લેવલ દેખાડી ૧૨.૭ ટકાની તેજીમાં ૧૬૧ થઈ છે. DMCC સ્પેશ્યલિટી કેમિકલ્સ ૧૦ ગણા વૉલ્યુમે ૩૭૪ની નવી ટૉપ હાંસલ કરી ૧૧.૨ ટકાની મજબૂતીમાં ૩૫૫ હતી. અન્યમાં ફાઇનોટેક્સ કેમિકલ્સ ૯.૬ ટકા, એથર ઇન્ડસ્ટ્રીઝ ૧૮૧૩ના શિખરે જઈ ૮.૩ ટકા વધી ૧૭૯૬, પોષક લિમિટેડ ૬.૭ ટકા, વિષ્ણુ કેમિકલ્સ ૭ ટકા, કેમબોન્ડ મટેરિયલ ૯ ટકા, લક્ષ્મી ઑર્ગેનિક ૬૬. ટકા, કેમપ્લાસ્ટ સનમાર સવાછ ટકા ઊંચકાઈ છે. ફાઇન ઑર્ગેનિક ૮ ગણા વૉલ્યુમે ૫૫૯૪ના શિખરે જઈ ૬.૬ ટકા કે ૩૪૩ રૂપિયાના જમ્પમાં ૫૫૪૦ થઈ છે. પટેલ કેમ સ્પેશ્યલિટી ૧૫૦ની નવી ટૉપ બનાવી ૮.૬ ટકા વધી ૧૫૦ તો ક્રોનોક્સ લૅબ પાંચ ટકા ઉપલી સર્કિટે ૨૦૭ હતી. દેવસન પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૩૭૨ના બેસ્ટ લેવલે બંધ હતી. નિફ્ટીનો કેમિકલ્સ ઇન્ડેક્સ ૨૦માંથી ૧૮ શૅરના સથવારે બે ટકા વધ્યો છે.