રેન્જ-બાઉન્ડ ચાલમાં બજાર હળવા ઘટાડાના મૂડમાં, માર્કેટબ્રેડ્થ નબળી

15 August, 2026 08:05 AM IST  |  Mumbai | Anil Patel

ભારત ડાયનૅમિક્સનો દમદાર દેખાવ છતાં શૅર માત્ર ૧.૯ ટકા પ્લસ : ૧૦૦૦ કરોડના FCCB ઇશ્યુના અહેવાલમાં બાલુ ફોર્જ ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની : નાટકો ફાર્મા નબળા રિઝલ્ટમાં સવાપાંચ ટકા ડાઉન : અલ્કેમ લૅબોરેટરીઝ નફામાં ઘટાડાનો આંચકો પચાવી બાઉન્સબૅક થઈ : માર્કસન્

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રેન્જ-બાઉન્ડ ટ્રેન્ડ સાથે બજારમાં હળવો ઘટાડો આગળ વધ્યો છે. સેન્સેક્સ આગલા બંધથી ૧૭૭ પૉઇન્ટ નીચે ૭૭,૯૦૩ ખૂલી છેવટે ૭૧ પૉઇન્ટ નજીકની પરચૂરણ નરમાઈમાં ૭૮,૦૦૯ તથા નિફ્ટી ૩૦ પૉઇન્ટ ઘટી ૨૪,૩૬૬ ગઈ કાલે બંધ થયો છે. શૅરઆંક નીચામાં ૭૭,૬૮૪ અને ઉપરમાં ૭૮,૦૪૯ થયો હતો. બજારનું માર્કેટકૅપ ૭૨,૦૦૦ કરોડ ઘટી ૪૯૨.૧૬ લાખ કરોડ થયું છે. નિફ્ટી ખાતે અપોલો હૉસ્પિટલ્સ પોણાચાર ટકા કે ૩૨૦ના ઉછાળે ૮૯૨૦ બંધ આપીને ઝળકી છે. સેન્સેક્સમાં ભારતી ઍરટેલ અઢી ટકા વધી ૧૯૯૨ના બંધમાં મોખરે રહી બજારને ૧૨૬ પૉઇન્ટ ફળી છે.

અદાણી પોર્ટ્‍સ પોણાબે ટકા વધી હતી. નિફ્ટીમાં અદાણી પોર્ટ્‍સ અઢી ટકા, અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૪ ટકા, ICICI બૅન્ક પોણો ટકો પ્લસ થઈ છે. તાતા મોટર્સ પૅસેન્જરનો ત્રિમાસિક નફો ૮૦ ટકા ઘટીને આવતાં સિટી ગ્રુપે ૩૦૫ની ટાર્ગેટ પ્રાઇસથી બેરિશ-વ્યુ તો મેકવાયરે ૩૮૧ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ-વ્યુ જારી કર્યો છે. શૅર ગઈ કાલે ૪.૩ ટકા ગગડી ૩૩૪ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લુઝર બન્યો છે. જિયો ફાઇનૅન્શિયલ અઢી ટકા, હિન્દાલ્કો ૧.૬ ટકા તથા ONGC દોઢ ટકો નરમ હતી. સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકાના ઘટાડે ૨૭૧૦ના બંધમાં ટૉપ લુઝર હતી. નિફ્ટીમાં આ શૅર ૨.૧ ટકા બગડી ૨૬૯૬ રહ્યો છે. NTPC ૧.૪ ટકા, પાવરગ્રીડ, સ્ટેટ બૅન્ક તથા HCL ટેક્નૉલૉઝિસ એક ટકો, ટેક મહિન્દ્રા અને સનફાર્મા એક ટકા નજીક સેન્સેક્સમાં ઘટી છે. રિલાયન્સ અડધા ટકાથી વધુ ઘટી ૧૩૦૮ હતી.

બાલુ ફોર્જ ઇન્ડસ્ટ્રીઝે ૨૯ ટકા વધારામાં ૩૦૧ કરોડની આવક ઉપર ૧૬ ટકા વધારામાં ૬૬ કરોડ નેટ નફો કર્યો છે. કંપનીએ ફૉરેન કરન્સી કન્વર્ટિબલ બૉન્ડ (FCCB) ઇશ્યુ મારફત ૧૦૦૦ કરોડ ઊભા કરવાનો નિર્ણય કર્યો છે. ભાવ ૧૪ ગણા વૉલ્યુમે ઉપરમાં ૫૦૬ વટાવી ૧૦.૭ ટકાના ઉછાળે ૪૯૪ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ઝળક્યો છે. માર્કસન્સ ફાર્મા રિઝલ્ટનું જોર જાળવી રાખતાં ૩૩૭ની પોણાબે વર્ષની નવી ટૉપ દેખાડી ૧૦ ટકા નજીકના જમ્પમાં ૩૩૩ થઈ છે. સાડાચાર મહિના પહેલાં, ૩૦ માર્ચે શૅર ૧૫૬ના તળિયે હતો. મનોરમા ઇન્ડસ્ટ્રીઝમાં આવક ૩૯ ટકા વધી ૪૦૪ કરોડ તથા નફો ૬૭.૬ ટકા વધી ૭૮૬૬ લાખ આવતાં ભાવ ૬૮ ગણા વૉલ્યુમે ૧૮૬૭ની સર્વોચ્ચ સપાટી બતાવી ૭.૭ ટકા કે ૧૨૪ની મજબૂતીમાં ૧૭૩૯ થયો છે. સુદર્શન કેમિકલ્સ રિઝલ્ટનો કરન્ટ વધારતાં સવાછ ટકા વધી ૧૧૧૬ વટાવી ગઈ છે.

વિશ્વબજારમાં ઍલ્યુમિનિયમના ભાવવધારા પાછળ ઊભરામાં વધેલી નાલ્કો ગઈ કાલે અઢી ગણા કામકાજે પોણાસાત ટકા ઓગળી ૩૭૬ના બંધમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બની છે. હિન્દાલ્કો સવા ટકો તથા વેદાન્તા ઍલ્યુમિનિયમ દોઢ ટકો ડાઉન હતી. મિશ્રધાતુ નિગમ સવા છ ટકા બગડી ૪૧૭ નીચે ગઇ છે. અશોક લેલેન્ડની આવક ૧૦ ટકા વધી છે પણ નફો અઢી ટકા વધી ૬૦૯ કરોડ થયો છે. સરવાળે ભાવ ૨.૯ ટકા ખરડાઈ ૧૭૨ થયો છે. સરકારી ખાતર કંપની ફેક્ટ લિમિટેડની આવક ૨૦ ટકા વધીને ૧૨૫૩ કરોડ થવા છતાં કંપની ૪૩૦ લાખના નફામાંથી ૬૨૦૦ લાખની ખોટમાં આવી છે. ભાવ ગઈ કાલે માત્ર ૧.૪ ટકા ઘટી ૮૦૯ રહ્યો છે પણ આગળ ઉપર વધુ ગગડે એમ લાગે છે. નાટકો ફાર્માએ આવકમાં ૪૪ ટકાના ઘટાડા સાથે ૫૭ ટકાના ગાબડામાં ૨૦૭ કરોડ નફો બતાવતાં શૅર સવાપાંચ ટકા તૂટી ૯૦૨ બંધ આવ્યો છે. અલ્કેમ લૅબોરેટરીઝની આવક ૨૦ ટકા વધી છે, પણ નફો ૨૧.૭ ટકા ગગડી ૫૨૦ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૫૧૭૩ થઈ બાઉન્સબૅકમાં સાધારણ ઘટાડે ૫૩૯૯ થયો છે. ભારત ડાયનૅમિક્સની આવક ૧૩૦ ટકા વધી ૫૭૨ કરોડ તથા નફો ૫૫૦ ટકા ઊછળી ૧૧૯ કરોડ થવા છતાં શૅર માત્ર ૧.૯ ટકા વધી ૧૩૯૯ બંધ રહ્યો છે.

મુંબઈની ખોટ કરતી હૉરાઇઝન ૨૬૦૦ કરોડનો ઇશ્યુ સોમવારે કરશે

સોમવારે કુલ ૪૩૦૦ કરોડનાં બે ભરણાં મેઇન બોર્ડમાં ખૂલશે. મુંબઈના લોઅર પરેલની હૉરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ ૧૦ના શૅરદીઠ ૬૦ની અપરબેન્ડમાં કુલ ૨૬૦૦ કરોડનો IPO કરવાની છે. QIB પોર્શન ૭૫ ટકા તથા રીટેલ પોર્શન ૧૦ ટકા છે. કર્મચારીઓ માટે શૅરદીઠ પાંચનું ડિસ્કાઉન્ટ છે. બ્લૅક સ્ટોન ગ્રુપના નેજા હેઠળ ૨૦૦૯માં સ્થપાયેલી આ કંપની દેશની સૌથી મોટી ઇન્ડસ્ટ્રિયલ તેમ જ લૉજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપર્સ હોવાનો દાવો કરે છે. એ દેશનાં ૧૦ જેટલાં શહેરોમાં કુલ ૪૫ જેટલી લૉજિસ્ટિક્સ તેમ જ ઇન્ડસ્ટ્રિયલ વસાહતો ધરાવે છે. કંપનીએ ગત વર્ષે ૭૫ ટકા વધારામાં ૭૬૮ કરોડની આવક ઉપર ૧૪ ટકા જેવા વધારામાં ૨૦૪ કરોડ નજીકની ચોખ્ખી ખોટ કરી છે. દેવું ૬૮૮૪ કરોડનું છે. કંપની સતત ખોટમાં છે. ઇશ્યુમાંથી ૨૨૫૦ કરોડ દેવાની આંશિક પરત ચુકવણીમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં સાડાચાર રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ૪ ચાલે છે. ઇશ્યુમાંથી ૨૨૫૦ કરોડની લોનની પરત ચુકવણી થતાં કંપની બ્રેક-ઇવન હાંસલ કરશે એમ મનાય છે.

બીજી કંપની ચેન્નાઈની લલિતા જ્વેલરી માર્ટ પાંચના શૅરદીઠ ૨૦૧ની અપરબેન્ડમાં કુલ ૧૭૦૦ કરોડનું ભરણું સોમવારે કરશે. એમાંથી ઑફર ફૉર સેલ પેટેના ૫૦૦ કરોડ રૂપિયા પ્રમોટર કિરણકુમાર જૈન લઈ જશે. QIB પોર્શન ૫૦ ટકાનો છે એટલે રીટેલ ક્વોટા ૩૫ ટકા રહેશે. વર્ષ ૧૯૮૫માં સ્થપાયેલી આ કંપની મુખ્યત્વે દક્ષિણ ભારત ખાતે સોના-ચાંદી તથા ડાયમન્ડ જ્વેલરી બનાવી વેચાણ કરે છે. કુલ ૭૦૫૯ કર્મચારી કંપનીમાં કામ કરે છે. ગત વર્ષે ૪૮ ટકાના વધારામાં કંપનીએ ૨૫,૦૪૦ કરોડની આવક ઉપર ૧૭૭ ટકા વધારામાં ૧૦૧૦ કરોડ જેવો નેટ નફો મેળવ્યો છે. દેવું ૯૪૯ કરોડથી વધીને ૧૬૦૪ કરોડ થયું છે. ઇશ્યુમાંથી ૯૯૮ કરોડ ૧૦ નવા સ્ટોર્સની સ્થાપનામાં વપરાશે. હાલ એના ૫૬ સ્ટોર્સ છે. ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહીને ૪૧ થયા બાદ હાલમાં ૩૫ બોલાય છે.

ગોરેગામની લીપ ઇન્ડિયામાં પોણાનવ ટકા લિસ્ટિંગ લૉસ

ગઈ કાલે ૩ ભરણાં લિસ્ટેડ થયાં છે. મુંબઈના ગોરેગામ ખાતેની લીપ ઇન્ડિયા એકના શૅરદીઠ ૧૫૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૮થી શરૂ થઈ નીચામાં ૩ થયા બાદ ઉપરમાં ૧૬ બતાવી છેલ્લે ચાલતા ૧૪ જેવા પ્રીમિયમ સામે ૧૬૬ ખૂલી ૧૪૫ બંધ થતાં ૮.૭ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. નવી દિલ્હીની ટેકનોક્રાફટ વેન્ચર્સ ૧૦ના શૅરદીઠ ૨૧૨ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રેમાર્કેટમાં ૧૦થી શરૂ થઈ ઉપરમાં ૪૦ થયા બાદ છેલ્લે ચાલતા ૨૪ના પ્રીમિયમ સામે ૨૮૫ ખૂલીને ૩૧૧ બંધ આવતાં ૪૬.૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. SMEમાં મુંબઈના અંધેરીની વિપુલ ડી. શાહની ઑપ્ટિમાયસિક્સ એન્ટરટેઇનમેન્ટ ૧૦ના શૅરદીઠ ૧૭૫ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં પાંચથી શરૂ થઈ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૧૮૦ ખૂલી ૧૮૯ બંધ રહેતાં ૮ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે ૩૬ લિસ્ટિંગ ગેઇનમાં ૧૨૮ બંધ થયેલી LAPL ઑટોમોટિવ ગઈ કાલે ૧૨૨ની બૉટમ બનાવીને નજીવો ઘટી ૧૨૮ હતી. મહારાષ્ટ્રના પુણેની ધૂત ટ્રાન્સમિશન તેમ જ ગોવાની મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ સોમવારે લિસ્ટિંગમાં જશે. હાલ ધૂતમાં ૨૭૧ રૂપિયા તથા મોલબાયોમાં ૧૩૦ રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.

દરમ્યાન પ્રથમ દિવસે ટેકનોક્રેક્ટ્સ પ્લાઝામાનો ૧૦ના શૅરદીઠ ૧૩૨ની અપરબેન્ડમાં ૬૧ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૫ ટકા સહિત કુલ ૩૨ ટકા, ENS એન્ટરપ્રાઇઝિસનો ૧૦ના શૅરદીઠ ૯૨ની અપરબેન્ડ સાથે ૩૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૭ ટકા સહિત કુલ ૪૨ ટકા તથા સ્કાયટેક ઇન્ફિનિટનો ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવનો ૨૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૬૨ ટકા સહિત કુલ ૪૦ ટકા ભરાયો છે. હાલ ટેકનોક્રેક્ટ્સમાં ૨૪, ENSમાં ઝીરો અને સ્કાયટેકમાં ૧૩ પ્રીમિમય છે. ક્રિડેન્ટ કનેક્ટનો ૧૦ના શૅરદીઠ ૧૮૯ની અપરબેન્ડમાં ૯૪ કરોડનો SME IPO બીજા દિવસના અંતે ૧૧ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૭૫ છે. નિયત મુદતના અંતે કુલ માત્ર ૪૧ ટકા રિસ્પૉન્સ મળતાં જેની મુદત લંબાવી ૧૯ ઑગસ્ટ કરાઈ છે તેમ જ ઇશ્યુ પ્રાઇસ ઘટાડી ૧૫૧ કરોડ કરવી પડી છે એ કલકત્તાની ફેસિનેટ ટેક્સટાઇલ્સનો કુલ ૬૫ કરોડનો ઇશ્યુ અત્યાર સુધીમાં રીટેલમાં ૪૨ ટકા સહિત કુલ ૪૪ ટકા ભરાયો છે.

ગઈ કાલે ૪ ભરણાં પૂરાં થયાં છે. એમાં ખોટ કરતી શિપરૉકેટનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો કુલ ૧૬૧૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૭ ગણા સહિત કુલ ૧૦૦ ગણો, બિહારીલાલ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૨૮૫ની અપરબેન્ડમાં ૩૦૨ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૫૧ ગણા સહિત કુલ ૧૧૨ ગણો ભરાયો છે. શિપરૉકેટમાં પ્રીમિયમ ૩૫ રૂપિયા તથા બિહારીલાલમાં એ ૮૦ રૂપિયા બોલાય છે. SME સેગમેન્ટમાં પ્રમોદિની મેડીકૅરનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૬૯ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩.૫ ગણા સહિત કુલ ચારેક ગણો અને Q&T ફૂડ્સનો ૧૦ના શૅરદીઠ ૧૧૫ના ભાવનો ૨૬ કરોડ પ્લસનો ઇશ્યુ રીટેલમાં ૨.૮ ગણા સહિત કુલ દોઢ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રમોદિનીમાં ઝીરો તો Q&Tમાં એકનું પ્રીમિયમ છે. 

રિઝલ્ટની તેજીમાં LG ઇલેક્ટ્રૉનિક્સ BSEમાં ઑલટાઇમ હાઈ

સરકારની ૫૧.૩ ટકા માલિકીની એન્જિનિયર્સ ઇન્ડિયાએ પોણાછ ટકાના ઘટાડામાં ૮૨૦ કરોડની આવક ઉપર ૧૪૧ ટકાના વૃદ્ધિદરથી ૧૫૮ કરોડનો નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૨૫૩ બતાવી ૧.૪ ટકા વધી ૨૪૪ બંધ આવ્યો છે. ઓલેક્ટ્રા ગ્રીનટેકની આવક ૬૬ ટકા વધીને ૫૭૬ કરોડ થવા છતાં ચોખ્ખો નફો નેગેટિવ બાયસમાં ૨૫૯૦ લાખે ફ્લૅટ નોંધાયો છે. શૅર નીચે ૧૩૧૧ થઈ ૫.૫ ટકા ગગડી ૧૩૧૮ હતો. ફીનો પેમેન્ટ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ ૧૩ ટકા વધી ૩૭ કરોડ થઈ છે પણ બૅન્ક ૧૭૮૦ લાખના નેટ નફામાંથી ૧૩૭૦ લાખની નેટ લૉસમાં આવી છે. ભાવ ૮.૪ ટકા તૂટીને ૧૫૦ થયો છે. JSW સિમેન્ટ્સની આવક ૨૧.૬ ટકા વધીને ૧૮૯૬ કરોડ થઈ છે. કંપની ૧૫૬૦ કરોડની નેટ લૉસમાંથી ૧૫૧ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર નીચામાં ૧૨૮ દેખાડી અડધો ટકો ઘટીને ૧૩૦ થયો છે.

મુંબઈની સુપ્રિયા લાઇફ સાયન્સની આવક ૩૧ ટકા વધીને ૧૯૦ કરોડ થવા છતાં ચોખ્ખો નફો ૩૧.૪ ટકાના ઘટાડામાં ૨૪ કરોડ નોંધાયો છે. ભાવ નીચે ૭૪૦ થઈ પોણાત્રણ ટકા ઘટી ૭૯૦ હતો. સેન્ટમ ઇલેક્ટ્રૉનિક્સની આવક સાડાચૌદ ટકા વધીને ૨૦૪ કરોડ થઈ છે. નેટનપો સાડાચાર કરોડથી અનેક ગણો ઊછળી ૧૦૬ કરોડ જોવાયો છે. માર્જિન સવાચાર ટકા ઘટી ૧૧.૨ ટકા નોંધાયું છે છતાં નેટ નફો આટલા તગડા દરે વધ્યો એની નવાઈ છે. શૅર ઉપરમાં ૩૮૭૩ થઈ સાડાપાંચ ટકા ગગડી ૩૫૯૪ રહ્યો છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસની આવક ૧૩ ટકા ઘટી ૧૧૧૬ કરોડ થવા છતાં ચોખ્ખો નફો ૩૩.૬ ટકા વધીને ૨૦૦ કરોડ આવ્યો છે. ભાવ ઉપરમાં ૬૦૬ બતાવી સામાન્ય ઘટાડે ૫૮૮ થયો છે. સ્વાન કૉર્પની આવક ૧૬.૪ ટકા ઘટી ૧૦૧૪ કરોડ થઈ છે. કંપની ૧૯ કરોડના નફામાંથી ૩૧૪૦ લાખની નેટ લૉસમાં સરી પડી છે. શૅર નીચામાં ૨૯૮ થઈ દોઢ ટકા ઘટીને ૩૦૪ થયો છે. ટ્રાવેલ ફૂડની આવક ૨૦.૫ ટકાના વધારામાં ૪૫૨ કરોડ તથા નેટ નફો ૩૮ ટકા વધી ૧૨૭ કરોડ નજીક પહોંચ્યો છે. શૅર નીચામાં ૧૩૪૧ થઈ ૧.૭ ટકા ઘટી ૧૩૬૮ થયો છે.

LG ઇલેક્ટ્રૉનિક્સે ૧૫.૫ ટકા વધારામાં ૭૨૩૩ કરોડની આવક અને ૨૭ ટકા વધારામાં ૬૫૩ કરોડ નેટ પ્રૉફિટ મેળવ્યો છે. શૅર ઉપર ૧૭૩૬ થઈ ૯.૭ ટકા ઊછળી ૧૭૩૧ થયો છે. તાતા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સની આવક સવાનવ ટકા વધી ૯૫,૭૯૯ કરોડ થઈ છે પણ નેટ નફો ૮૦.૩ ટકા ગગડી ૭૭૫ કરોડ થયો છે. માર્જિન ૨.૧ ટકા ઘટી ૬.૬ ટકા નોંધાયું છે. શૅર નીચામાં ૩૨૯ બતાવી ૪ ટકા તૂટી ૩૩૪ હતો. ઍક્સિસ કેડ્સની આવક ૯૫ ટકા વધી ૧૮૩ કરોડ થવા છતાં કંપની ૨૧ કરોડના નફામાંથી ૧૫ કરોડની ખોટમાં આવી છે. શૅર ત્રણ ટકા ઘટી ૧૪૮૭ બંધ રહ્યો છે. ભાવ નીચામાં ૧૪૦૦ થયો હતો.  

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange