બજારમાં ૨૩૮ની વધુ નરમાઈ, માર્કેટકૅપ નવી સર્વોચ્ચ સપાટીએ

22 July, 2026 10:38 AM IST  |  Mumbai | Anil Patel

નફામાં ૧૨૪ ટકા વધારા પાછળ અદાણી એનર્જી સાડાત્રણ વર્ષની ટોચે જઈ સામાન્ય સુધારામાં બંધ: પરિણામનો વસવસો જાળવી રાખતાં HDFC બૅન્ક વધુ ખરડાઈ : માથે રિઝલ્ટ વચ્ચે ઇન્ફોસિસમાં નબળાઈ, રિલાયન્સમાં નરમાઈ વધી : બહેતર રિઝલ્ટ્સમાં TVS મોટર્સમાં ૨૦૧ રૂપિયાની તેજી આવ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ઈરાન-અમેરિકા વચ્ચે અથડામણના દસમા દિવસે યમન ખાતે નવો મોરચો ખુલ્યો છે. મતલબ કે વૉરનો વ્યાપ વધતાં અશાંતિ ઘેરી બનવાની આશંકા જાગી છે. બ્રેન્ટ ક્રૂડ ૮૮-૮૯ ડૉલરની રેન્જમાં છે. સોનું વિશ્વબજારમાં સવા-દોઢ ટકો તથા ચાંદી પોણાચાર ટકા ઊંચકાઈ છે. તાજેતરની નરમાઈ બાદ ગઈ કાલે તમામ અગ્રણી એશિયન બજાર વધ્યાં છે. તાઇવાન ચાર ટકા, સાઉથ કોરિયા સાડાત્રણ ટકા, જપાન ત્રણેક ટકા, ચાઇના પોણાબે ટકા, ઇન્ડોનેશિયા ૧.૪ ટકા, થાઇલૅન્ડ તથા સિંગાપોર અડધો ટકો પ્લસ હતાં. હૉન્ગકૉન્ગ ફ્લૅટ હતું. યુરોપ પણ રનિંગમાં પૉઝિટિવ બાયસ બતાવતું હતું. ડૉલર સામે રૂપિયો ૯૬.૪૬ના આગલા બંધ સામે સુધરી રનિંગમાં ૯૬.૨૦ હતો. બિટકૉઇન દોઢ ટકો વધીને ૬૬,૨૧૪ ડૉલરે હતો.

સેન્સેક્સ આગલા બંધથી ૫૯ પૉઇન્ટની વધુ પીછેહઠમાં ૭૭,૬૪૯ ઉપર ખૂલી છેવટે ૨૩૮ પૉઇન્ટ ઘટીને ૭૭,૪૭૦ તથા નિફ્ટી ૫૧ પૉઇન્ટ ઘટી ૨૪,૧૮૮ ગૅ કાલે બંધ રહ્યો છે. શૅરઆંક ઉપરમાં ૭૭,૭૫૩ તથા નીચામાં ૭૭,૩૩૭ થયો હતો. પૉઝિટિવ માર્કેટ બ્રેડ્થમાં વધેલા ૧૮૧૨ શૅર સામે ૧૫૦૫ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૧.૬૭ લાખ કરોડ વધી ૪૮૪.૨૯ લાખ કરોડની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ્સ સાંકડી વધઘટે મિશ્ર વલણમાં હતાં. ટેલિકૉમ ઇન્ડેક્સ એક ટકા, ઑટો ૦.૯ ટકા, યુટિલિટી એક ટકા, નિફ્ટી કેમિકલ્સ તથા નિફ્ટી સિમેન્ટ્સ પોણાથી એક ટકો પ્લસ હતા. આઇટી, પીએસયુ બૅન્ક નિફ્ટી, એનર્જીમાં અડધા-પોણા ટકાની નરમાઈ હતી.

HDFC બૅન્ક આગલા દિવસની પાંચ ટકાની ખરાબી આગળ વધારતાં વધુ ૨.૧ ટકા બગડી ૭૬૧ બંધમાં બજારને ૨૦૮ પૉઇન્ટ નડી છે. સામે કોટક બૅન્ક એક ટકા પ્લસ હતી. સ્ટેટ બૅન્ક દોઢ ટકા ઘટી છે. ICICI બૅન્ક તથા અૅક્સિસ બૅન્ક નહીંવત સુધરી હતી. રિલાયન્સ દોઢ ટકા ઘટી ૧૩૦૪ બંધમાં બજારને ૧૧૨ પૉઇન્ટ ભારે પડી છે. ITમાં ઇન્ફોસિસ માથે પરિણામ વચ્ચે સવા ટકો ઘટી ૧૦૭૩ હતી. TCS ૧.૩ ટકા નરમ તો HCL ટેક્નૉલૉજીઝ ૧.૩ ટકા પ્લસ હતી. નિફ્ટી ખાતે શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા તો સેન્સેક્સમાં બજાર ફીનસર્વ બે ટકા વધી મોખરે રહી છે. ઇન્ડિગો ૧.૬ ટકા, અલ્ટ્રાટેક ૧.૪ ટકા, મહિન્દ્રા સવા ટકો વધીને બંધ હતી.

અદાણી એનર્જી સૉલ્યુશન્સે ૪૨ ટકા વધારામાં ૯૭૧૧ કરોડ આવક ઉપર ૧૨૪ ટકા વધારામાં ૧૧૪૯ કરોડ નેટ નફો કરતાં ભાવ ૧૭૮૯ની સાડાત્રણ વર્ષની ટોચે જઈ ૦.૭ ટકા સુધરી ૧૭૪૧ રહ્યો છે. TVS મોટર દ્વારા ૩૮ ટકા વધારામાં ૧૩,૮૯૬ કરોડની આવક ઉપર ૫૧ ટકાના વૃદ્ધિદરથી ૧૧૭૪ કરોડ ચોખ્ખો નફો હાંસલ થયો છે. શૅર ઉપરમાં ૩૮૦૮ થઈ સાડાપાંચ ટકા કે ૨૦૧ રૂપિયા ઊચકાઈ ૩૭૯૧ બંધ આવ્યો છે. એમટાર ટેક્નૉલૉજીઝ ચોથા દિવસે નીચલી સર્કિટમાં ૫૪૫૪ થઈ બે ટકા ઘટી ૫૬૨૫ હતી. 

લોઢાની નૅશનલ સ્ટાન્ડર્ડ નીચલી સર્કિટે ૭૦ માસના તળિયે

રિયલ્ટી અગ્રણી શોભા લિમિટેડે ૫૦ ટકાના વધારામાં ૧૨૭૮ કરોડની આવક ઉપર ૨૭૩ ટકાના વૃદ્ધિદરથી ૫૦૮૦ લાખ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૪૪૯ થઈ ૧૪૫૫ના લેવલે યથાવત રહ્યો છે. અૅક્શન કન્સ્ટ્રક્શન ગ્વારા ૨૦.૫ ટકાના વધારામાં ૭૮૬ કરોડની આવક ઉપર ૨૨.૩ ટકા વધારામાં ૧૨૦ કરોડનો નેટ નફો બતાવાયો છે. ભાવ ઉપરમાં ૧૦૮૧ વટાવી પાંચ ટકા ઊછળી ૧૦૪૦ હતો. ટ્રાન્સફૉર્મર્સ અૅન્ડ રેક્ટીફાયર્સે આઠ ટકા વધારામાં ૫૭૨ કરોડની આવક ઉપર પોણાનવ ટકા ઘટાડામાં ૬૧૫૦ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઇન્ટ્રા-ડેમાં ૩૦૯ની બૉટમ બતાવીને ૫.૨ ટકા તૂટીને ૩૧૬ થયો છે.

બ્લુસ્ટોન જ્વેલરી દ્વારા ૫૦ ટકા વધારામાં ૭૩૭ કરોડની આવક ઉપર ૩૪.૮ કરોડની નેટ લોસ સામે છ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૭૩૦ થઈને ૧૯.૫ ટકાની તેજીમાં ૭૨૭ હતો. લોઢા ડેવલપર્સની ૭૪ ટકા માલિકીની સબસીડીયરી નૅશનલ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા તરફથી જૂજ ક્વા ક્વૉર્ટરમાં ૨૦ ટકા ઘટાડામાં કુલ ૩૪૭ લાખ નજીકની આવક ઉપર ૧૫૭ ટકા વધારામાં ૨૫૪ લાખ નેટ નફો મેળવ્યો છે. ભાવ ગઈ કાલે ૭૦ માસના તળિયે ૩૭૬ થઈ પાંચ ટકા ગગડી ૩૭૬ હતો. બીએસઈ લિસ્ટેડ આ શૅરનો ભાવ ૧ નવેમ્બર ૨૦૨૧માં ૧૯,૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. વર્ષની ટૉપ ૨૬૦૦ છે, જે ૨૨ જુલાઈના રોજ બની હતી. તાતા ગ્રુપની રાલિસ ઇન્ડિયા તરફથી જૂન ક્વૉર્ટરમાં પોણાસાત ટકા વધારામાં ૧૦૨૨ કરોડની આવક ઉપર ૩૧.૬ ટકા વૃદ્ધિદરમાં ૧૨૫ કરોડ નેટપ્રૉફિટ હાંસલ થયો છે. શૅર ઉપરમાં ૨૪૨ થઈ પાંચેક ટકાની નરમાઈમાં ૨૨૮ બંધ આવ્યો છે. 

બજાજ ઑટો સારાં ‌‌રિઝલ્ટ્સ વચ્ચે ૧૧૧ રૂપિયા નરમ

વિનસ રેમેડીઝે જૂન ક્વૉર્ટરમાં ૩૦.૪ ટકા વધારામાં ૧૭૯ કરોડ નજીકની આવક ઉપર ૧૧૮ ટકા વૃદ્ધિદરથી લગભગ ૨૩ કરોડ ચોખ્ખો નફો મેળવ્યો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૪૯૭ જેટલી છે. મેઇડન બોનસની રાહ જોવાય છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૮૦૯ થઈ ૩.૭ ટકા વધી ૧૭૮૭ બંધ થયો છે. બજાજ હેલ્થકૅર દ્વારા ૧૧.૩ ટકાના વધારામાં આશરે ૧૬૬ કરોડની આવક ઉપર ૧૪ ટકા વૃદ્ધિદરથી ૧૩૭૦ લાખ નેટ નફો બતાવાયો છે. કંપનીએ માર્ચ ક્વૉર્ટરમાં ૨૨૮૫ લાખની નેટ લૉસ કરી હતી. શૅર ગઈ કાલે ઉપરમાં ૩૯૨ બતાવી ૩.૯ ટકા ગગડી ૩૭૦ બંધ હતો.

બજાજ ઑટોની ત્રિમાસિક આવક ૬૫ ટકા વધીને ૨૧,૬૮૯ કરોડ તથા નેટ પ્રૉફિટ ૪૬ ટકા વધી ૩૨૨૬ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૧૦,૬૫૨ વટાવી એક ટકો ઘટી ૧૦,૪૦૮ રહ્યો છે. Paytm તરફથી બોનસની યોજના પડતી મૂકવામાં આવી છે. કંપનીએ ૨૮ ટકા વધારામાં ૨૨૦ કરોડ ત્રિમાસિક નફો દર્શાવ્યો છે. શૅર ત્રણ ગણા કામકાજમાં ઉપરમાં ૧૩૮૨ થયા પછી બગડી ૧૨૯૯ બતાવી ૩.૬ ટકા ગગડી ૧૩૦૦ નીચે બંધ હતો. કિર્લોસ્કર ન્યુમેટિક્સે ૧૦ ટકા વધારામાં ૩૦૦ કરોડ આવક ઉપર ૨૧ ટકા વધારામાં ૩૪ કરોડ નફો મેળવ્યો છે. શૅર જોકે ઉપરમાં ૧૭૭૬ વટાવી નોઝડાઇવમાં ૧૫૭૯ થઈ સાડાછ ટકા તૂટી ૧૬૦૯ રહ્યો છે. કૅરના HSBC લાઇફ દ્વારા ૨૩.૮ ટકાના વધારામાં ૨૦૪૭ કરોડની નેટ પ્રીમિયમ ઇન્કમ ઉપર ૨૦ ટકા વધારામાં ૨૮૧૪ લાખ ચોખ્ખો નફો દર્શાવાતા શૅર ચાર ગણા કામકાજમાં ૧૬૬ ઉપર વિક્રમી સપાટી બતાવી સવાત્રણ ટકા ઊંચકાઈ ૧૫૫ થયો છે. 

શ્રી બાલાજી માલાનો SME IPO આજે ખૂલશે

આજે, બુધવારે કલકત્તાની શ્રી બાલાજી (માલા) ટેક્સટાઇલ્સ ૧૦ના શૅરદીઠ ૭૦ની અપર બૅન્ડમાં કુલ ૧૯ કરોડ રૂપિયાનો BSE SME IPO કરવાની છે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૯.૭ ટકા તથા રીટેલ પોર્શન ૩૫.૧ ટકા છે. ૨૦૦૫માં સ્થપાયેલી માલાશ્રી બ્રૅન્ડ નેઇમ હેઠળ હાઈ ક્વૉલિટીની કૉટન સાડી બનાવી હોલસેલમાં વેચે છે. કંપનીએ ગયા વર્ષે ૧૦ ટકા વધારામાં ૨૧૨ કરોડની આવક ઉપર ૧૮ ટકા વધારામાં ૫૮૫ લાખ નેટ નફો કર્યો છે. દેવું ૪૯ કરોડથી વધીને ૬૯ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૧૬૫૦ લાખ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. કંપની ૯૫ ટકા પ્રોડક્ટ્સ જૉબવર્ક મારફત આઉટસૉર્સ કરીને વેચે છે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર કેટલી છે એ કહેવાયું નથી. ઇશ્યુ બાદ ઇક્વિટી ૭૨૧ લાખથી વધીને ૯૯૧ લાખ થશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ૧૯થી શરૂ થયા બાદ ૧૦ રૂપિયા થઈ હાલ ૧૫ ચાલે છે.

મેઇન બોર્ડમાં ગઈ કાલે મહારાષ્ટ્રના ચંદ્રપુરની કેલીબર માઇનિંગનો ૧૦ના શૅરદીઠ ૪૨૪ના ભાવનો ૪૫૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪૩ ગણા સહિત કુલ ૧૫૫ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ઘટીને હાલ ૮૩ બોલાય છે. SME કંપની ગલ્ફ લૉઇડ્સ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ના ભાવનો ૧૮૧૯ લાખનો BSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૯ ગણો ભરાયો છે. પ્રીમિયમ ગગડીને ૩ ચાલે છે. ગુજરાતના રાજકોટની મેટાલિક ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૭૭ની અપર બૅન્ડમાં કુલ ૫૦ કરોડનો NSE SME ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૫૬ ટકા સહિત કુલ ૩૪ ટકા ભરાયો છે. પ્રીમિયમ પહેલેથી શરૂ થયું નથી. 

SBI ફન્ડ્સનું ગ્રેમાર્કેટની ધારણા કરતાં મોળું લિસ્ટિંગ

ગઈ કાલે ત્રણ ભરણાંનું લિસ્ટિંગ થયું છે જેમાંથી મેઇન બોર્ડ ખાતે SBI ફન્ડ્સ મૅનેજમેન્ટનો એકના શૅરદીઠ ૫૭૪ના ભાવનો કુલ ૯૮૧૩ કરોડનો ઇશ્યુ ગ્રેમાર્કેટમાં ૧૪૦થી શરૂ થઈ નીચામાં ૭૫ થયા બાદ છેલ્લે ચાલતા ૬૫ના પ્રીમિયમ સામે ૬૧૦ ખૂલીને ૬૧૦ નીચે બંધ થતાં એમાં સવાછ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. અમદાવાદની અલ્પાઇન ટેક્સવર્લ્ડનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૧૨૬ કરોડનો ઇશ્યુ ગ્રેમાર્કેટમાં બેથી શરૂ થઈ પાંચ થયા પછી છેલ્લે બોલાતા એકના પ્રીમિયમ સામે ૧૦૫ ખૂલી ૧૦૦ નીચે બંધ થતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ ગઈ છે. SME કંપની મિલવર્ક્સ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૩૩૧ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૧૬૦ કરોડનો મોટો ઇશ્યુ ગ્રેમાર્કેટમાં ૩૫૦થી શરૂ થઈ નીચામાં ૩૦૦ થયા પછી ઉપરમાં ૪૦૦ બતાવી છેલ્લે બોલાતા ૩૯૫ના પ્રીમિયમ સામે BSEમાં ૬૨૯ ખૂલી ૬૬૦ બંધ રહેતાં એમાં લગભગ ૧૦૦ ટકા કે શૅરદીઠ ૩૨૯ રૂપિયા લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે.

પૉન્ડી ઓક્સાઇડ્સ પાંચના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૫૮૪ થઈ ૦.૪ ટકા સુધરી ૫૬૩ બંધ રહ્યો છે. સુરતની અગાઉ એમ.બી. પરીખ ફિન સ્ટૉક્સ તરીકે ઓળખાતી કાલિન્દ લિમિટેડ બે શૅરદીઠ એક બોનસ તથા ૧૦ના શૅરના બે રૂપિયામાં વિભાજનમાં ૨૪મીએ એક્સ બોનસ તથા એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે નીચામાં ૮૦ જેવો થઈ આગલા લેવલે ૮૨ બંધ રહ્યો છે. સાઇબર સિક્યૉરિટી અંગેનાં નિયત ધારા-ધોરણના ભંગ બદલ સેબી તરફથી CDSL ઉપર એક કરોડની પેનલ્ટી લગાડવામાં આવી છે. શૅર આગલા દિવસના સવાબે ટકાના ઘટાડા બાદ ગઈ કાલે દોઢ ટકા ઘટીને ૧૩૬૫ બંધ હતો.

હેવેલ્સ ઇન્ડિયાએ જૂન ક્વૉર્ટરમાં ૧૯.૫ ટકા વધારામાં ૬૫૧૮ કરોડની આવક ઉપર ૧૬.૭ ટકા ઘટાડામાં ૨૯૦ કરોડ નેટ નફો કર્યો છે. નફા માર્જિન ૯.૪ ટકાથી ઘટી ૭.૨ ટકા નોંધાયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૧૨૦૦ની બૉટમ બનાવી ૧.૪ ટકા વધી ૧૨૧૭ હતો. એટર્નલ પરિણામની પૂર્વસંધ્યાએ ૨૮૩ થઈ મહિન્દ્રા છેવટે ૨૮૭ નજીક હતો. SML મહિન્દ્રાની આવક સવાતેર ટકા વધીને ૯૫૮ કરોડ થઈ છે, પણ ચોખ્ખો નફો ૫.૧ ટકા ઘટી ૬૩૬૦ લાખ નોંધાયો છે. માર્જિન ૧૨.૪ ટકાથી ગગડી ૧૦.૪ ટકા જોવાયું છે. શૅર ઉપરમાં ૪૩૩૫ થઈ ૨.૯ ટકા વધી ૪૦૭૫ બંધ હતો. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange