પૉઝિટિવ ઓપનિંગ બાદ માર્કેટ માઇનસ ઝોનમાં સરી પડ્યું

25 August, 2026 12:33 PM IST  |  Mumbai | Anil Patel

ડિમાન્ડ થીમમાં રાઇસ શૅરમાં તેજીની સોડમ, LT ફૂડ્સ તથા ચમનલાલ સેટિયા ૧૩ માસના શિખરે

અનિલ પટેલ

ડિમાન્ડ થીમમાં રાઇસ શૅરમાં તેજીની સોડમ, LT ફૂડ્સ તથા ચમનલાલ સેટિયા ૧૩ માસના શિખરે : ગોલ્ડ લોન શૅરની આગેકૂચ, IIFL ફાઇનૅન્સ સવાઆઠ વર્ષના નવા શિખરે : 
એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ મુંબઈની વૉટરવેઝ લીઝરમાં નવા શિખર સાથે ૪ આંકડાનો ભાવ : લિસ્ટિંગની પૂર્વસંધ્યાએ સનશાઇનમાં પ્રીમિયમ ઘટ્યું, શાંકેશ જ્વેલર્સ એક રૂપિયાના ડિસ્કાઉન્ટમાં : ઇન્ડિયન હોટેલ્સ સાથે મર્જરના નિર્ણયમાં ઓરિયેન્ટલ હોટેલ્સમાં કરન્ટ આવ્યો

બ્રેન્ટ ક્રૂડ ૯૫ ડૉલર ભણી ગતિમાન થયા પછી પીછેહઠમાં પોણાબે ટકા ઘટી ૯૧ ડૉલર આસપાસ આવ્યું છે. બિટકૉઇન ૭૯,૪૪૩ ડૉલરની નવી મલ્ટિ-મન્થ્સ ટૉપ બનાવ્યા પછી હાલ ૭૭,૬૩૮ ડૉલર ચાલી રહ્યો છે. હાજર અને વાયદામાં સોનું ત્રણેક માસની ટોચે જઈ એકથી અડધા ટકાના સુધારામાં હતું. ચાંદી એકાદ ટકો ઘટી ૬૯.૬૦ ડૉલર અંદર આવી છે. એશિયન બજારોમાં નવા સપ્તાહની શરૂઆત ઘટાડાથી થઈ છે. સાઉથ કોરિયા સવાત્રણ ટકા, હૉન્ગકૉન્ગ બે ટકા, તાઇવાન એક ટકો, થાઇલૅન્ડ પોણો ટકો, જપાન પોણો ટકો, ચાઇના અડધા ટકાથી વધુ ડાઉન થયું છે. ઘરઆંગણે બજાર સામા પ્રવાહે પૉઝિટિવ ઓપનિંગ બાદ માઇનસ ઝોનમાં બંધ થયું છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધો ટકો પ્લસ હતું પણ અત્રે એ ની અસર વરતાઈ નથી. સેન્સેક્સ આગલા બંધથી ૮૮ પૉઇન્ટ પ્લસ, ૭૭,૬૨૯ ખુલ્યા પછી ઉપરમાં ૭૭,૭૮૯ વટાવી ગયું હતું. દોઢેક કલાકના પ્રારંભિક સુધારા પછી વેચવાલીનું પ્રેશર શરૂ થતાં માર્કેટ રેડ ઝોનમાં આવી ગયું હતું. શૅરઆંક નીચામાં ૭૭,૨૦૨ની અંદર જઈ છેવટે ૧૭૨ પૉઇન્ટ ઘટી ૭૭,૩૬૯ તથા નિફ્ટી ૩૩ પૉઇન્ટની નરમાઈમાં ૨૪,૨૧૯ બંધ થયો છે. માર્કેટકૅપ ૨૧,૦૦૦ કરોડ વધી ૪૯૧.૯૬ લાખ કરોડ રહ્યું છે. 
બજારનાં બહુમતી સેક્ટોરલ નરમ હતાં. મેટલ ઇન્ડેક્સ ૧.૪ ટકા, ટેલિકૉમ એક ટકો, નિફ્ટી રિયલ્ટી અડધો ટકો વધ્યો છે. PSU બૅન્ક નિફ્ટી એક ટકો તથા બૅન્ક નિફ્ટી અડધા ટકા નજીક નરમ હતો. હિન્દુસ્તાન યુનિલીવર ૨૦૦૭ અંદર નવી મલ્ટિયર બૉટમ બતાવી અડધા ટકાના બાઉન્સબૅકમાં ૨૦૨૭ થયો છે. સેન્સેક્સમાં તાતા સ્ટીલ ૧.૯ ટકા વધી ૧૮૬ના બંધમાં ટૉપ ગેઇનર હતી. નિફ્ટીમાં JSW સ્ટીલ ૨.૬ ટકા અને હિન્દાલ્કો ૨.૪ ટકા વધી મોખરે હતી. HCL ટેક્નૉલૉજીઝ સેન્સેક્સમાં સવા ટકો તો ૧.૩ ટકા, તાતા કન્ઝ્યુમર સવા ટકો, બજાજ ઑટો ૦.૯ ટકા સુધરી છે. 
નિફ્ટી ખાતે ઘટવામાં SBI લાઇફ પોણાબે ટકા, બજાજ ફાઇનૅન્સ અને અદાણી પોર્ટ્સ ૧.૬ ટકા, બજાજ ફીનસર્વ દોઢ ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ સવા ટકો મોખરે રહી છે તો સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ ૧.૩ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિક્સ અને બજાજ ફાઇનૅન્સ સવા ટકો, બજાજ ફીનસર્વ ૧.૨ ટકા, ટ્રેન્ટ ૦.૯ ટકા નરમ હતી. રિલાયન્સ અડધો ટકો ઘટી ૧૩૦૭ થઈ છે. રાઇસ શૅર ખાસ કરીને બાસમતી ચોખાના બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓના શૅર ડિમાન્ડ ગ્રોથની થીમ કામે લાગતાં ગઈ કાલે લાઇમ લાઇટમાં હતા. KRBL સાડાચાર ગણા કામકાજે ૪૪૩ વટાવી પોણાઆઠ ટકા ઊંચકાઈ ૪૩૯, દાવત ફેમ LT ફૂડ્સ ૪૯૧ નજીક ૧૩ માસની ટૉપ બનાવી સાડાસાત ટકા વધી ૪૫૯, ચમનલાલ સેટિયા પણ ૩૨૧ની ૧૩ મહિનાની ઊંચી સપાટીએ જઈ ૯ ટકા ઊછળી ૩૧૩, GRM ઓવરસીઝ ૪ ટકા વધી ૯૦ થઈ છે. કોહીનૂર ફૂડ્સ અડધો ટકો નરમ હતી. રત્નમણિ મેટલ્સ ૧૪.૭ ટકા કે ૩૪૫ની તેજીમાં ૨૬૯૮ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. BLS ઇન્ટરનૅશનલ ૭ ગણા વૉલ્યુમે ૧૧ ટકા તૂટીને ૨૪૧ના બંધમાં અત્રે વર્સ્ટ પર્ફોર્મર બની છે. બાલુ ફોર્જ ૧૩.૫ ટકા ઊછળી છે. 

નવી દિલ્હીની અન્નુ પ્રોજેક્ટ્સનો ૧૭૫ કરોડનો IPO આજે મૂડીબજારમાં

આજે, મંગળવારે બે IPO નવાં ખૂલશે. મેઇન બોર્ડમાં નવી દિલ્હીની અન્નુ પ્રોજેક્ટ્સ ૧૦ના શૅરદીઠ ૯૯ની અપરબેન્ડમાં ૧૭૫ કરોડનો ઇશ્યુ લાવી રહી છે. QIB પોર્શન ૧૦ ટકા તથા રીટેલ પોર્શન ૫૦ ટકા છે. કંપની EPC સેગમેન્ટમાં ટેલિકૉમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સીવરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ગૅસ પાઇપલાઇન ક્ષેત્રે કામ કરે છે. ગત વર્ષે ૩૪ ટકા વધારામાં ૨૪૪ કરોડની આવક ઉપર ૫૬ ટકા વધારામાં ૩૩૦૩ લાખ નેટ નફો બતાવ્યો છે. ઇશ્યુમાંથી ૧૧૫ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૧૫ કરોડ કેપેક્સમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૪થી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ત્યાં જ છે. બીજી કંપની સુમેક્સ એન્જિનિયરિંગ તેલંગણાના સિકંદરાબાદની છે એ ૧૦ના શૅરદીઠ ૧૦૧ની અપરબેન્ડ સાથે કુલ ૫૩ કરોડનો NSE SME ઇશ્યુ આજે કરશે. માર્કેટ મેકર્સ માટે ૩ કરોડના શૅર રિઝર્વ્ડ છે. QIB પોર્શન ૫૦ ટકા છે. ઇશ્યુમાંથી ઑફર ફૉર સેલ પેટે ૧૦ કરોડ રૂપિયા પ્રમોટર્સ મહેતા દંપતી લઈ જશે. ૧૯૯૪માં સ્થપાયેલી કંપની ઑટોમોટિવ તેમ જ ઑટો રીફિનિશ પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને ટ્રેડિંગ કરે છે. ગત વર્ષે એક ટકા વધારામાં ૧૪૮ કરોડની આવક ઉપર ૨૮ ટકા વધારામાં ૧૨૭૬ લાખ નફો કર્યો છે, દેવું ૧૩૦ લાખ છે. ઇશ્યુમાંથી ૧૨ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૨૧૫૧ લાખ નવા એકમ માટે અને વિસ્તરણ માટે વપરાશે. ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ ૨૦થી શરૂ થઈ હાલ ૩૨ ચાલે છે. 
દરમ્યાન ગઈ કાલે પાંચ નવાં ભરણાં ખુલ્યાં છે એ માંથી પ્રથમ દિવસે મેઇન બોર્ડમાં સિમ્બાયોટેક ફાર્મા લૅબનો બેના શૅરદીઠ ૯૮૮ની અપરબેન્ડમાં ૧૭૫૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં એક ગણા સહિત કુલ ૮૪ ટકા, સ્કાયવેઝ અૅર સર્વિસીસનો ૧૦ના શૅરદીઠ ૧૩૮ની અપરબેન્ડમાં ૫૮૩ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧.૭ ગણા સહિત કુલ ૧.૨ ગણો તથા હાઇટેક એન્જિનિયર્સનો પાંચના શૅરદીઠ ૫૩ની અપરબેન્ડમાં ૧૩૬ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૧૧.૪ ગણા સહિત કુલ ૭.૮ ગણો ભરાયો છે. હાલ ગ્રેમાર્કેટમાં સિમ્બાયોટેકનું પ્રીમિયમ ૪૦૩, સ્કાયવેઝનું ૨૭ અને હાઇટેકનું ૨૫ બોલાય છે. SMEમાં મધુર નીટ ક્રાફ્ટ્સનો ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપરબેન્ડમાં ૫૩૨૭ લાખનો NSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં ૨૪ ટકા સહિત કુલ ૩૨ ટકા તેમ જ ABH હેલ્થકૅરનો ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવનો ૩૫ કરોડનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૩૨ ટકા સહિત કુલ ૩૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ મધુરમાં ૧૬ રૂપિયા અને ABHમાં ઝીરો છે.
દરમ્યાન મેઇન બોર્ડમાં બરોડાની ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ૪ના શૅરદીઠ ૩૦૦ના ભાવનો ૬૫૦ કરોડનો ઇશ્યુ આખરી દિવસે રીટેલમાં ૬૧ ગણા સહિત કુલ ૧૮૪ ગણો ભરાઈ પૂરો થયો છે. પ્રીમિયમ વધી ૩૨૩ બોલાય છે. મુંબઈના લોઅર પરેલની ઑગમૉન્ટ એન્ટરપ્રાઇઝીસનો પાંચના શૅરદીઠ ૭૮૮ની અપરબેન્ડમાં ૮૨૫ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૫ ગણો ભરાયો છે. પ્રીમિયમ સુધરી ૩૯૦ થયું છે. 

સોનામાં ઝમક સાથે જ્વેલરી શૅર અને ગોલ્ડ લોન શૅર મજબૂત

વિશ્વબજારમાં હાજર સોનું ૪૬૬૦ ડૉલર તથા કોમેક્સ ગોલ્ડ ૪૭૧૩ ડૉલરની ત્રણ માસની નવી ટોચે ગયું છે. એ ના પગલે ઘરઆંગણે જ્વેલરી શૅરોમાં સિલેક્ટિવ તેજી આગળ વધી છે. ગઈ કાલે અૅડ્વીટ જ્વેલ્સ ૨૦ના ઉછાળે ૨૧૩ વટાવીને ત્યાં જ, સેન્કો ગોલ્ડ ઉપર ૩૭૭ થઈ ૭ ટકાની મજબૂતીમાં ૩૭૦, RBZ જ્વેલર્સ ૧૫૬ નજીક જઈ ૪.૭ ટકાની આગેકૂચમાં ૧૪૫, PNGS રેવા ૫૭૪ વટાવી બે ટકા ઘટી ૫૪૪, TBZ ઉપર ૨૯૦ થઈ બે ટકા વધી ૨૮૫, થંગમયિલ જ્વેલરી ૫૩૪૬ બનાવી ૫૪૮૪ના લેવલે ફ્લૅટ, કલ્યાણ જ્વેલર્સ ઉપરમાં ૬૧૦ વટાવી ૦.૭ ટકા સુધરી ૬૦૭, મનોજ વૈભવ ૧૫૩ થઈ પોણો ટકો વધી ૧૫૧, શાંતિ ગોલ્ડ ૨૮૦ના બેસ્ટ લેવલે જઈ નજીવી વધી ૨૭૦, રેનેસાં ગ્લોબલ ઉપરમાં ૧૩૫ બતાવી સવા ટકો વધી ૧૩૨, PC જ્વેલર્સ ૮.૭ ટકા ઊછળી ૧૧ ઉપર, સ્વર્ણ સરિતા ૫.૪ ટકા વધી ૩૬, TP આભૂષણ ૧૫૬૮ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૪ ટકા વધી ૧૫૩૮ બંધ થઈ છે. ગોલ્ડ લોન શૅરમાં મનપ્પુરમ ફાઇનૅન્સ ૩૭૦ થઈ સવાબે ટકાની આગેકૂચમાં ૩૬૫, મુથૂટ ફાઇનૅન્સ ઉપરમાં ૩૨૨૦ થઈ ૫.૫ ટકા કે ૧૬૫ રૂપિયા વધી ૩૨૯૫ તથા IIFL ફાઇનૅન્સ ૮૦૫ની આશરે સવાઆઠ વર્ષની નવી ટોચે જઈ સવાબે ટકા વધી ૬૯૬ રહી છે. 
તાતા ગ્રુપ જેમાં સહપ્રમોટર્સ છે એ ઓરિયેન્ટલ હોટેલ્સનું ઇન્ડિયન હોટેલ્સમાં મર્જર જાહેર થયું છે. મર્જર બદલ ઓરિયેન્ટલ હોટેલ્સના શૅરધારકોને ૧૧૭ શૅર સામે ઇન્ડિયન હોટેલ્સના ૨૫ શૅર મળશે. ઓરિયેન્ટલ હોટેલ્સના એકના શૅરની બુકવૅલ્યુ ૪૩.૨૦ની છે. ઇન્ડિયન હોટેલ્સના એકના શૅરની બુકવૅલ્યુ ૯૪.૪૪ની છે. ગઈ કાલે ઇન્ડિયન હોટેલ્સનો શૅર નીચામાં ૭૦૮ અંદર જઈ ૦.૯ ટકા ઘટી ૭૨૭ બંધ થયો છે, જ્યારે ઓરિયેન્ટલ હોટેલ્સનો ભાવ બમણા વૉલ્યુમે ઉપરમાં ૧૪૬ વટાવી છેવટે દોઢેક ટકા વધી ૧૪૦ રહ્યો છે. ઓરિયેન્ટલ હોટેલ્સના નેજા હેઠળ એ ની ૭ હોટેલ્સ છે જે કુલ મળીને ૮૨૫ રૂમ્સ ધરાવે છે. 

શુગર શૅરો નવી તેજીના મૂડમાં, ડઝન જાતોમાં નવાં શિખર

સરકારે દ્વારા ૧૦ લાખ ટન ખાંડની ડ્યુટી ફ્રી આયાતની જાહેરાત પાછળ તેજીમાં એક દિવસની બ્રેક લીધા પછી શુગર શૅરમાં અેની નવી ઇનિંગ શરૂ થઈ છે. ગઈ કાલે શુગર ઉદ્યોગના ૩૪માંથી ૨૩ શૅર વધ્યા છે. બજાજ હિન્દુસ્તાન, અવધ શુગર, દાલમિયા ભારત શુગર, ધામપુર શુગર, દ્વારકેશ શુગર, કેએમ શુગર, રાણા શુગર, ઉગર શુગર, ઉત્તમ શુગર, કોઠારી શુગર્સ, પોની શુગર (ઇરોડા), મગધ શુગર જેવા ડઝનબદ્ધ શૅર નવા બેસ્ટ લેવલે ગયા છે. ગઈ કાલે વિશ્વરાજ શુગર ૧૯.૭ ટકા, પિકાડેલી શુગર ૧૬ ટકા, પાર્વતી શુગર ૨૦ ટકા, ગાયત્રી શુગર ૯.૬ ટકા, શક્તિ શુગર ૬ ટકા, રાવલગાંવ પાંચ ટકા, સિમ્ભોલી શુગર પાંચ ટકા, કેસર એન્ટરપ્રાઇઝ પોણાછ ટકા, બજાજ હિન્દુસ્તાન ૪.૭ ટકા, ઉગર શુગર સવાબે ટકા, ઉત્તમ શુગર બે ટકા વધીને બંધ થઈ છે. દાલમિયા શુગર ત્રણ ટકા, ધામપુર શુગર ૩.૪ ટકા, ધામપુર બાયો ૨.૮ ટકા, મગધ શુગર સવા ટકો, બલરામપુર પાંચ ટકા નરમ હતી. 
નારાયણા હૃદયાલયમાં કોટક સિક્યૉરિટીઝે ૨૩૫૦ની અપગ્રેડેડ ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આપ્યું છે. શૅર ઉપરમાં ૧૮૭૬ થઈ ૨.૯ ટકા વધી ૧૮૬૮ થયો છે. નેટવૅબ ટેક્નૉલૉજીઝ દ્વારા શૅરદીઠ ૪૭૯૦ની ફ્લૉર પ્રાઇસથી ક્વીક રૂટ મારફત ૧૨૦૦ કરોડ રૂપિયા ઊભા કરવામાં સફળતા મળી હોવાના અહેવાલમાં ભાવ દોઢા કામકાજે ૫૮૧૦ની સર્વોચ્ચ સપાટીએ જઇ પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં નીચામાં ૫૪૧૬ બતાવી અઢી ટકા કે ૧૪૫ રૂપિયા ગગડી ૫૪૫૭ થયો છે. તાતા મોટર્સે SUV તેમ જ કારના વેચાણભાવ ૧ સપ્ટેમ્બરથી ૨૫,૦૦૦ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. શૅર ઉપરમાં ૩૨૦ વટાવ્યા બાદ છેવટે ૧.૨ ટકા ઘટી ૩૧૪ રહ્યો છે. 

લલિતા જ્વેલરીનું પ્રોત્સાહક, હૉરાઇઝોનનું નબળું લિસ્ટિંગ

શુક્રવારે ૮૩ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૨૪૧ બંધ થયેલી વસઈ (ઈસ્ટ)ની ટેકનોક્રેટ્સ પ્લાઝમા ગઈ કાલે ૨૫૩ની નવી ટૉપ બનાવી પાંચ ટકા વધી ત્યાં જ, સાડાનવ ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૦૧ બંધ થયેલી નોઅેડાની ENS એન્ટરપ્રાઇસીઝ ૧૦૬ નજીકના શિખરે જઈ પાંચ ટકા વધી ત્યાં જ તથા પાંચ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૭૦ બંધ આવેલી બૅન્ગલોરની સ્કાયટેક ઇન્ફિનીટ ૬૭ નીચેનું બૉટમ બનાવી પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે. ગઈ કાલે મુંબઈના લોઅર પરેલની હોરાઇઝોન ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક્સ ૧૦ના શૅરદીઠ ૬૦ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં સાડાચારથી શરૂ થઈ નીચામાં એક થઈ છેલ્લે બોલાતા એકના પ્રીમિયમ સામે ૫૯.૬૫ ખૂલી ૫૮ બંધ થતાં ૩.૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૨૬૦૦ કરોડનું આ ભરણું રીટેલમાં એક ગણા સહિત કુલ દોઢ ગણું ભરાયું હતું. ચેન્નઈની લલિતા જ્વેલરી માટે પાંચના શૅરદીઠ ૨૦૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૭થી શરૂ થઈ ઉપરમાં ૭૭ થયા બાદ છેલ્લે ચાલતા ૭૫ના પ્રીમિયમની સામે ૨૬૫ ખૂલી ૨૪૮ બંધ રહેતાં ૨૩.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૭૦૦ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં સાડાબાર ગણા સહિત કુલ ૬૬.૬ ગણો છલકાયો હતો. મુંબઈ ખાતેની શાંકેશ જ્વેલર્સ અને સનશાઇન પિક્ચર્સ આજે મંગળવારે લિસ્ટેડ થશે. શાંકેશ જ્વેલર્સમાં હાલ ઝીરો અને સનફાઇનમાં ૫૯ પ્રીમિયમ છે. કલકત્તાની ફેસિનેટ ટેક્સટાઇલ્સ ૧૦ના શૅરદીઠ ૧૫૧ની ઇશ્યુ પ્રાઇસ સામે NSEમાં ૧૨૧ ખૂલી ૧૧૫ નીચે બંધ આવતાં ૨૪ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. કુલ ૬૫ કરોડનો આ ઇશ્યુ રીટેલમાં ૧.૪ ગણા સહિત દોઢ ગણો ભરાયો હતો. 
મયંક કેટલ ફૂડ્સ એક શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં ગઈ કાલે ઉપરમાં ૧૨૮ વટાવી પાંચ ટકા વધી ત્યાં જ બંધ થઈ છે. અમદાવાદની અભિષેક ઇન્ટિગ્રેશન એક શૅરદીઠ એક બોનસમાં બોનસ-બાદ થતાં ઉપરમાં ૩૨.૭૦ બતાવી ત્યાં જ બંધ રહી હતી. ટીડી પાવર સિસ્ટમ્સ બેના શૅરદીઠ એક રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ઉપરમાં ૭૯૨ જઈ સવાબે ટકા વધી ૭૮૪ રહી છે. વૉટરવેઝ લીઝર ૧૦ના શૅરના એક દિવસમાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. ભાવ ગઈ કાલે ૧૦૫૫નું નવું ટૉપ દેખાડી ૬.૭ ટકા ઊછળી ૧૦૪૩ હતો. 
GMR અૅરપોર્ટ્‍સ દ્વારા અેના મુંબઈ તથા હૈદરાબાદ અૅરપોર્ટના વિસ્તરણ માટે બે અબજ ડૉલર એટલે કે આશરે ૧૯,૪૦૦ કરોડનું રોકાણ કરવાનું નક્કી થયું છે. શૅર ગઈ કાલે ઉપર ૧૦૧ વટાવી સવા ટકો ઘટી ૯૯ રહ્યો છે. વિશાલ મેગા માર્ટના મૅનેજિંગ ડિરેક્ટર તથા CEO ગુપેન્દ્ર કપુરને વધુ પાંચ વર્ષ માટે રી-અપૉઇન્ટ કરવામાં આવ્યા છે. શૅર ઉપરમાં ૧૧૫ બતાવીને ૭ ગણા કામકાજે સવાનવ ટકાની તેજીમાં ૧૧૩ થયો છે. 

business news stock market sensex nifty share market national stock exchange bombay stock exchange