CASના નામે થયેલા ખેલાનું ઍડ્જસ્ટમેન્ટ, સેન્સેક્સના મુકાબલે નિફ્ટીમાં મોટો ઘટાડો

05 August, 2026 04:39 PM IST  |  Mumbai | Anil Patel

નજારા ટેક્નૉલૉજી નબળાં પરિણામો પચાવીને સુધારામાં બંધ: સરકારની ૩૧,૦૦૦ કરોડની રોકડી LICને ૪૨,૧૮૮ કરોડમાં પડી

પ્રતીકાત્મક તસવીર

ક્લોઝિંગ ઑક્શન સેશનમાં બીજા દિવસે પણ ગણતરીની મિનિટમાં નિફ્ટી ૧૫૧ પૉઇન્ટ વધી ગયો ઃ સેન્સેક્સ ખાતે રિલાયન્સ સવા ટકો તો નિફ્ટીમાં બે ટકાથી વધુ ડાઉન ઃ ડાબર ઇન્ડિયા હવે મધ, ઘી, તલનું તેલ, વિનેગર સહિતની અન્ય ફૂડ-પ્રોડક્ટ્સ ૧૦૦ ટકા શુદ્ધ હોવાનો દાવો નહીં કરી શકેઃ મનીપાલ હેલ્થ આજે લિસ્ટિંગમાં જશે, પ્રીમિયમ ૪ રૂપિયાનું ઃ નજારા ટેક્નૉલૉજી નબળાં પરિણામો પચાવીને સુધારામાં બંધ ઃ સરકારની ૩૧,૦૦૦ કરોડની રોકડી LICને ૪૨,૧૮૮ કરોડમાં પડી

ક્લોઝિંગ ઑક્શન સેશન (CAS)ના રૂપાળા નામ હેઠળ સોમવારે શૅરબજારમાં જે ખેલ ખેલાયો અેની અસર મંગળવારે પણ ચાલુ રહી છે. પ્રાઇસ ડિસ્કવરી અને લિક્વિડિટીને પ્રોત્સાહન આપવાની સેબીની ડાહી-ડાહી વાતો આ નવી સિસ્ટમ્સના વાસ્તવિક અમલમાં સદંતર ખોવાઈ ગઈ છે. બજારમાં ક્યારેય ન જોવાઈ હોય અેવી વિચિત્ર કે તઘલખી પરિસ્થિતિ સોમવારે જોવા મળી છે. નિફ્ટી બજાર બંધ થવાના ટાંકણે માંડ પાંચેક મિનિટમાં જ ૨૦૦ પૉઇન્ટ વધી ગયો હતો. સરવાળે BSE અને NSEમાં સંખ્યાબંધ હેવીવેઇટ્સ સાથે ફ્રન્ટલાઇનના ભાવમાં મોટો ગાળો નોંધાયો હતો. સેન્સેક્સના પોણા ટકાથી ઓછા સુધારા સામે નિફ્ટી દોઢ ટકાથીય વધુ પ્લસ થયો હતો. NSEનું માર્કેટકૅપ BSE કરતાં વધી ગયું હતું. બન્ને બજારનાં સેક્ટોરલ્સના વધારામાંય મોટી ગૅપ જોવા મળી હતી. વળતા દિવસે આ અસાધારણ ભાવ-ફરકનું અૅડ્જસ્ટમેન્ટ થયું હોય એમ લાગે છે. અેના લીધે સેન્સેક્સ મંગળવારે ૨૧૦ પૉઇન્ટ કે ૦.૨૭ ટકા ઘટ્યો છે. સામે નિફ્ટી ૦.૬૪ ટકા કે ૧૫૯ પૉઇન્ટ ડાઉન થયો છે. BSEનું માર્કેટકૅપ ગઈ કાલે ૧.૦૫ લાખ કરોડ ઘટીને ૪૮૯.૫૦ લાખ કરોડ થયું છે. સામે NSEનું માર્કેટકૅપ ૨.૧૭ લાખ કરોડ ઘટીને ૪૮૯.૯૭ લાખ કરોડ નોંધાયું છે. કૉલ ઑક્શન સેશનનો ગરબડ ગોટાળાભર્યો અમલ એ સેબી હજીય બેબી હોવાનું પુરવાર કરે છે.
એની વે, સેન્સેક્સ આગલા બંધથી ૪૯૪ પૉઇન્ટની ગેપમાં ઉપર, ૭૯,૧૩૩ ખૂલી ઉપરમાં ૭૮,૧૪૩ તથા નીચે ૭૮,૨૧૨ થઈ ૨૧૦ પૉઇન્ટ ઘટી ૭૮,૪૨૯ બંધ થયો છે. સામે નિફ્ટી આગલા બંધથી ૭૦ પૉઇન્ટ નીચે, ૨૪,૭૦૪ ખૂલી અેને જ ઇન્ટ્રા-ડે હાઈ બનાવી નીચામાં ૨૪,૪૨૮ થયા બાદ ૧૫૯ પૉઇન્ટ ઘટી ૨૪,૬૧૫ બંધ આવ્યો છે. NSE ખાતે બૅન્ક નિફ્ટી, નિફ્ટી ફાઇનૅન્સ, નિફ્ટી FMCG, નિફ્ટી IT, નિફ્ટી ઑઇલ-ગૅસ, નિફ્ટી કન્ઝ્યુમર જેવાં સેક્ટોરલ 
અડધો-પોણો ટકો તથા રિયલ્ટી ૨.૪ ટકા ડાઉન હતો. BSE ખાતે રિયલ્ટી ઇન્ડેક્સ ૧.૨ ટકા અને બાકીના ઉપરોક્ત બેન્ચમાર્ક નહીંવતથી અડધો ટકો નરમ હતા.
ગઈ કાલે સેન્સેક્સ ખાતે ટ્રેન્ટ ૧.૨ ટકા વધીને ૩૦૭૦ બંધમાં મોખરે હતી. બજાજ ફાઇનૅન્સ એક ટકો, ભારત ઇલેક્ટ્રૉનિકસ એકાદ ટકો, તાતા સ્ટીલ-મહિન્દ્રા તથા બજાજ ફીનસર્વ અડધા ટકા જેવી અપ હતી. નિફ્ટીમાં અપોલો હૉસ્પિટલ્સ ૨.૬ ટકા, હિન્દાલ્કો અઢી ટકા, ટ્રેન્ટ ૧.૯ ટકા, જિયો ફાઇનૅન્શિયલ પોણો ટકો, ITC ૦.૭ ટકા પ્લસ હતી. HDFC દોઢ ટકો ઘટી ૭૪૦ના બંધમાં બજારને ૧૪૩ પૉઇન્ટ તો રિલાયન્સ સવા ટકો ઘટી ૧૨૯૩ના બંધમાં ૯૧ પૉઇન્ટ નડી છે. અત્રે હિન્દુસ્તાન યુનિલીવર પોણાબે ટકા, NTPC ૧.૬ ટકા, ઇન્ડિગો એક ટકો, ટેક મહિન્દ્રા ૦.૬ ટકા, પાવરગ્રીડ અડધો ટકો નરમ હતી. નિફ્ટી ખાતે ગ્રાસીમ પોણાચાર ટકા, HDFC લાઇફ ૩.૧ ટકા, બજાજ ઑટો ૨.૨ ટકા, રિલાયન્સ ૨.૧ ટકા, મેક્સ હેલ્થકૅર ૨.૧ ટકા, NTPC ૨.૧ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર બે ટકા,  તાતા કન્ઝ્યુમર ૧.૬ ટકા, HDFC બૅન્ક દોઢ ટકા, આઇશર ૧.૪ ટકા, ટાઇટન ૧.૩ ટકા, વિપ્રો સવા ટકો, એશિયન પેઇન્ટ્સ સવા ટકો, ઇન્ફોસિસ ૧.૧ ટકા બગડી છે. 
પરિણામપૂર્વે BSE લિમિટેડ સવા ટકો સુધરી ૩૬૧૮ તો MCX પોણાબે ટકા વધી ૨૬૮૫ બંધ હતી. CASના અમલના બીજા દિવસે પણ નિફ્ટીમાં ૧૫૦ પૉઇન્ટ જેવો ઝડપી ઉછાળો જોવાયો છે. નિફ્ટી ૩.૨૦ વાગ્યે ૨૪,૪૬૩ હતો જે આગલા બંધથી ૩૧૦ પૉઇન્ટનો ઘટાડો દર્શાવે છે, અે ક્લોઝિંગ ઑક્શન સેશન દરમ્યાન ગણતરીની મિનિટમાં ઝડપી ઊછળી ૨૪,૬૧૫ ઉપર પહોંચીને ત્યાં બંધ થયો હતો. 

મેટલ રીસાઇક્લિંગ કંપની અર્ડી ઇન્ડસ્ટ્રીઝનો ઇશ્યુ આજે 
આજે, બુધવારે મેઇન બોર્ડમાં નવી દિલ્હીના મેહરૌલી ખાતેની અર્ડી ઇન્ડસ્ટ્રીઝ બેના શૅરદીઠ ૫૩ની અપરબેન્ડમાં કુલ ૪૨૬ કરોડનું ભરણું કરવાની છે. અેમાંથી ૧૦૬ કરોડ રૂપિયા ઑફર ફૉર સેલ પેટે પ્રમોટર્સના ઘરમાં જવાના છે. ઇશ્યુમાં QIB પોર્શન ૫૦ ટકા તથા રીટેલ પોર્શન ૩૫ ટકા છે. ૧૯૮૩માં સ્થપાયેલી આ કંપની મુખ્યત્વે લીડ તથા અન્ય મેટલ્સના રીસાઇક્લિંગનું કામકાજ કરે છે. કંપનીએ ગત વર્ષે ૫૭ ટકા વધારામાં ૧૧૬૯ કરોડની આવક ઉપર ૧૫૫ ટકાના વૃદ્ધિદરથી ૮૪૬૮ લાખ નેટ પ્રૉફિટ બતાવી દીધો છે. બે વર્ષ પૂર્વે આવક ૪૬૩ કરોડ તથા નફો માત્ર ૮૯૫ લાખ હતો. દેવું વર્ષમાં ૧૬૫ કરોડથી વધીને ૧૮૩ કરોડ નજીક પહોંચ્યું છે. ઇશ્યુમાંથી ૨૨૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં તથા ૨૦ કરોડ દેવાની પરત ચુકવણીમાં વપરાશે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૬૩૦૪ લાખની થશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર લગભગ શૂન્યથી માંડી એકાદ રૂપિયા જેવી છે. ત્રણ વર્ષની અૅવરેજ EPS ૨.૧૬ આવે છે. વર્ષ ૨૦૨૪-’૨૫ની કમાણીની રીતે ઇશ્યુ પ્રાઇસ ૫૦નો તથા ગત વર્ષની અર્નિંગની રીતે ૧૯.૭નો પીઇ બતાવે છે. ગ્રેમાર્કેટમાં ૧૩થી શરૂ થયેલું પ્રીમિયમ ઘટી નીચામાં સાડાછ રૂપિયા થયા બાદ હાલ ૭ જેવું છે. 
દરમ્યાન SME સેગમેન્ટમાં ગઈ કાલે બૅન્ગલોર અર્બનની એજસ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ની અપરબેન્ડ સાથે આશરે ૨૪ કરોડનો BSE SME IPO પ્રથમ દિવસે રીટેલમાં ૬૦ ટકા સહિત કુલ ૩૫ ટકા ભરાયો છે. પ્રીમિયમ બોલાતું નથી. વાપીની અનાવિલ વાયરનો ૧૦ના શૅરદીઠ ૨૭૦ની અપરબેન્ડ સાથે કુલ ૧૭૮ કરોડનો ૧૦ના શૅરદીઠ ૨૭૦ની અપરબેન્ડ સાથે કુલ ૧૭૮ કરોડનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૧ ગણો ભરાયો છે. પ્રીમિયમ ઘટીને ૮૦ ચાલે છે. મુંબઈના બોરીવલી-ઈસ્ટ ખાતેની ફ્યુઝન ક્લાસરૂમનો ૧૦ના શૅરદીઠ ૧૫૯ની ઇશ્યુ પ્રાઇસ સાથે ૩૯ કરોડનો BSE SME ઇશ્યુ અેના આખરી દિવસે રીટેલમાં બે ગણો સહિત કુલ પોણાબે ગણો તથા માહિમની જીવી ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૪૨ કરોડનો BSE SME IPO રીટેલમાં ૧૫૦ ગણા સહિત કુલ ૧૬૦ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલ ફ્યુઝનમાં ઝીરો અને જી.વી. ઇલેક્ટ્રિકલ્સમાં ૨૪નું પ્રીમિયમ બોલાય છે. 

થંગમયિલ જ્વેલરી સતત પાંચમા દિવસે નીચલી સર્કિટમાં 
સારા પરિણામ પછીય સતત પાંચમા દિવસે નીચલી સર્કિટમાં પાંચ ટકા ઘટીને થંગમિયલ જ્વેલરી ગઈ કાલે ૪૭૨૩ બંધ થઈ છે. કંપનીએ જૂન ક્વૉર્ટરમાં આવકમાં ૭૧ ટકા અને નેટ નફામાં ૮૬ ટકા વધારો બતાવ્યો હતો છતાં શૅર પાંચ દિવસમાં અેની ઑલટાઇમ હાઈથી ૨૭૦૬ રૂપિયા ખરડાયો છે. ટાઇટન ૪૯૪૪ની ઑલટાઇમ હાઈ બનાવી અડધો ટકો વધી ૪૯૨૫ હતી. સિગારેટ કંપની ગૉડફ્રે ફિલિપ્સ આગલા દિવસની મજબૂતી આગળ ધપાવતાં ઉપરમાં ૨૪૧૦ બતાવી ૨.૭ ટકા વધી ૨૩૦૫ રહી છે. એલિટકોન ઇન્ટરનૅશનલ તેજીની ચાલમાં વધુ ૧૦ ટકા ઊછળી ૧૯ નજીક જઈને ૧૦ ટકા ઊછળી ત્યાં જ હતી. VST ઇન્ડસ્ટ્રીઝ અડધો ટકો પ્લસ તો ITC નજીવા ઘટાડામાં ૨૮૬ હતી. એથર એનજીની ત્રિમાસિક નેટ લૉસ ૧૭૮ કરોડથી ઘટીને ૫૧ કરોડે સીમિત રહેતાં શૅર ૧૫૦૦ની નવી વિક્રમી સપાટી મેળવી ૧૪ ટકા કે ૧૭૮ રૂપિયાના જમ્પમાં ૧૪૫૧ થયો છે. GE શિપિંગની આવક ૬૭ ટકા વધી ૨૦૦૫ કરોડ થઈ છે. નફો ૫૦૫ કરોડ સામે તગડા વધારામાં ૧૩૦૮ કરોડ થયો છે. શૅર ઉપરમાં ૧૬૦૦ નજીક જઈ ૨.૮ ટકા વધી ૧૪૩૫ હતો. 
KEI ઇન્ડસ્ટ્રીઝની આવક ૨૩ ટકા વધીને ૩૧૮૫ કરોડ તથા નેટ પ્રૉફિટ ૪૦ ટકા વધી ૨૭૪ કરોડ થતાં ભાવ ઉપરમાં ૫૫૦૫ બતાવી ૪૮૮ રૂપિયા કે પોણાદસ ટકા ઊંચકાઈ ૫૪૯૮ બંધ આવ્યો છે. પેટીએમમાં 
પ્રી-આઇપીઓ ઇન્વેસ્ટર્સ તરફથી બ્લૉકડીલ મારફત ૧૪૯ લાખ શૅર વેચીને ૨૦૩૮ કરોડની રોકડી કરવામાં આવતાં શૅર ઉપરમાં ૧૪૩૬ થઈ ૨.૩ ટકા વધીને ૧૪૦૮ રહ્યો છે. 

પૂજા પ્રિસિશનમાં ધારણા કરતાં લિસ્ટિંગ ગેઇન નબળો
ગઈ કાલે પુણેની પૂજા પ્રિસિશન ૧૦ના શૅરદીઠ ૩૦૧ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૧૯૫થી શરૂ થઈને ઉપરમાં ૩૦૦ થયા બાદ છેલ્લે બોલાતા ૨૩૫ના પ્રીમિયમ સામે BSEમાં ૪૭૦ ખૂલી ૪૯૩ બંધ રહેતાં અેમાં ૬૪ ટકા કે શૅરદીઠ ૧૯૨ રૂપિયાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૧૬૦ કરોડનું આ ભરણું રીટેલમાં ૨૪૮ ગણા નજીક અને કુલ ૨૭૯ ગણું છલકાયું હતું. આજે, બુધવારે મેઇન બોર્ડમાં મનીપાલ હેલ્થનું તેમ જ SME સેગમેન્ટમાં એચઆર હાઇજીનનું લિસ્ટિંગ થવાનું છે. હાલ મનીપાલમાં ૪ રૂપિયા અને એચઆર હાઇજીનમાં બે રૂપિયા પ્રીમિયમ ચાલે છે. આગલા દિવસે ૧૬ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૫૭ બંધ થયેલી પ્રોપશૉપ ઇવેન્ટ્સ ગઈ કાલે ૫૯ની નવી ટોચે જઈ સવાત્રણ ટકા વધી ત્યાં તો છ ટકા લિસ્ટિંગ લૉસમાં ૮૯ બંધ થયેલી અૅડ્વાન્સ ટેકનોફોર્જ ૮૫ નીચે નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ રહી છે. સિલ્વર સ્ટૉર્મ પાર્ક્સ પણ ૧૧૫ના વર્સ્ટ લેવલે જઈને પાંચ ટકા તૂટી ૧૧૫ થઈ છે. 
નવી મુંબઈની ટેમ્બો ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં આજે એક્સ સ્પ્લિટ થવાની છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૫૮૧ થઈ અઢી ટકા વધી ૫૭૪ બંધ રહ્યો છે. અગાઉ ટુહીલ ફાર્માકેમ તરીકે ઓળખાતી અને હાલમાં મીડિયા-એન્ટરટેઇનમેન્ટ કંપની બની ગયેલી અમદાવાદની જોજો લિમિટેડ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં ૭ ઑગસ્ટે એક્સ સ્પ્લિટ થશે. શૅર ગઈ કાલે ૨૯૭ની ૨૦ માસની ટૉપ બનાવી ૯.૩ ટકાના જમ્પમાં ૨૮૯ બંધ આવી છે. સરકારે LICમાં સાડાછ ટકા હિસ્સો બજારભાવથી ૧૧ ટકા ડિસ્કાઉન્ટમાં એટલે કે ૩૮૨ની ફ્લોર પ્રાઇસથી વેચી આશરે ૩૧,૦૦૦ કરોડની રોકડી કરવાની કવાયત હાથ ધરી છે. અેના પગલે ભાવ ભારે વૉલ્યુમ સાથે નીચામાં ૩૮૯ થઈ ૭.૯ ટકા ગગડી ૩૯૧ બંધ થયો છે. કંપનીમાં સરકારનું હોલ્ડિંગ ૯૬.૫ ટકા છે. 

રેસ્ટોરાં બ્રૅન્ડ્સ પરિણામ પાછળ ૨૦ ટકા ઊછળી 
સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ FSSAI તરફથી અગ્રણી FMCG કંપની ડાબર ઇન્ડિયાને સકંજામાં લેવામાં આવી છે. ડિપાર્ટમેન્ટે એક ઑર્ડર જારી કરી મધ, ઘી, વિનેગર, કોકોનટ વૉટર, કોકોનટ મિલ્ક, તલનું તેલ સહિત અન્ય સંખ્યાબંધ ફૂડ પ્રોડક્ટ્સ ૧૦૦ ટકા શુદ્ધ હોવાના દાવા કરતી જાહેરાત કે પ્રચાર કરતા ડાબર ઇન્ડિયાને અટકાવી છે. ડાબર ઇન્ડિયાનો શૅર ગઈ કાલે નીચામાં ૪૦૫ થઈ ૩.૮ ટકા ઘટી ૪૦૮ રહ્યો છે. અૅગ્રોકેમ કંપની UPL લિમિટેડે ૧૦ ટકા વધારામાં ૧૦,૧૮૧ કરોડની આવક મેળવી છે. કંપની ૮૮ કરોડની નેટ લૉસમાંથી ૧૦ કરોડના નેટ નફામાં આવી છે. જેફરીઝે નબળાં પરિણામોના લીધે ૮૧૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૭૧૫ કરી છે. શૅર ૧૦ ગણા વૉલ્યુમે નીચામાં ૫૮૦ થઈ ૬.૯ ટકા તૂટીને ૫૮૨ હતો. ઝાયડ્સ વેલનેસની આવક ૬૭ ટકા વધી ૧૪૩૭ કરોડ થઈ છે, પરંતુ નેટ પ્રૉફિટ ૭ ટકા ઘટી ૧૧૯ કરોડ નોંધાયો છે. શૅર સાડાત્રણ ગણા કામકાજમાં નીચામાં ૫૩૧ થઈ ૧.૯ ટકા ઘટી ૫૪૯ થયો છે. રિયલ્ટી કંપની ગોદરેજ પ્રૉપર્ટીઝે સાડાસોળ ટકા વધારામાં ૫૦૬ કરોડની આવક ઉપર ૪૧.૭ ટકાના ગાબડામાં ૩૫૦ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ ૨૦૯૧ની 
ઇન્ટ્રા-ડે હાઈથી બગડી ૧૯૯૨ થઈ ૧.૭ ટકા ઘટી ૨૦૩૫ રહ્યો છે. નજારા ટેક્નૉલૉજીઝની આવક ૧૪ ટકા ઘટીને ૪૨૯ કરોડની આવતાં કંપની ૫૩૫૦ લાખના ચોખ્ખા નફામાંથી ૮૦ કરોડની નેટ લૉસમાં આવી ગઈ છે. શૅર જોકે ઉપરમાં ૩૫૫ બતાવી ત્રણ ટકા વધી ૩૪૯ બંધ હતો સારેગામા ઇન્ડિયાની ત્રિમાસિક આવક ૨૭.૫ ટકા વધી ૨૬૪ કરોડ અને નેટ પ્રૉફિટ ૪૦.૬ ટકા વધીને ૫૧૬૦ લાખ થયો છે. ભાવ નીચામાં ૪૯૬ દેખાડી સાડાપાંચ ટકા ઊછળી ૫૪૨ થયો છે. બર્ગરકિંગ ફેમ રેસ્ટોરાં બ્રૅન્ડ્સ એશિયાએ ૧૮ ટકા વધારામાં ૮૨૩ કરોડની આવક મેળવી છે, ચોખ્ખી ખોટ ૪૧૯૦ લાખ સામે ઘટી ૨૮૩૦ લાખ રહી છે. શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૮૫ વટાવી ૨૦ ટકા ઊછળી ૮૫ થયો છે. 

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange