04 December, 2025 09:19 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન ઇકૉનૉમી ફાઇવ ટ્રિલ્યન ડૉલર થવાનાં સપનાં મોદી સરકાર ક્યારની બતાવી રહી છે. ઇકૉનૉમી પાંચ લાખ કરોડ ડૉલરની તો થશે ત્યારે થશે, પરંતુ એ પહેલાં ડૉલર સામે રૂપિયો જરૂર શતાયુ થઈ ગયો હશે. હમણાં થોડા દિવસ પહેલાં જ પિન્ક મીડિયા અને કહેવાતા આર્થિક પંડિતો ડૉલર સામે રૂપિયાનો ખરાબ સમય પૂરો થયો હોવાની વાર્તા કહેતા હતા. ડૉલર સામે સતત માર ખાતો, ગગડતો રૂપિયો હવે થાળે પડશે, ધોવાણ ધીમું પડશે એવી હવા ઊભી કરવામાં આવી હતી. આ બધી વાતો પોકળ નીવડી છે. ખરાબીના નવા અધ્યાયમાં રૂપિયો વર્સ્ટ લેવલની હારમાળામાં ડૉલર સામે ૯૦ની પાર, ૯૦.૨૫ની આસપાસના ઑલટાઇમ તળિયે ગઈ કાલે આવી ગયો છે. સરકારના પસીનાની ગંધમાં ખુશ્બૂ શોધવાની અવિરત મહેનત કરતા કેટલાક અગ્રણીઓ હવે જણાવે છે કે રૂપિયાની નબળાઈથી ચિંતા કરવાની જરૂર નથી. આઇટી, ફાર્મા અને નિકાસલક્ષી ઉદ્યોગોને ઊલટું આનાથી ખાસ્સો લાભ થશે. આ શાણાઓને કોઈ સમજાવો કે ઇન્ડિયન ઇકૉનૉમીએ ઇમ્પોર્ટ ઇન્ટેન્સિવ અર્થતંત્ર છે. નિકાસ કરતાં આયાત હંમેશાં ક્યાંય વધુ રહે છે. આથી રૂપિયો નબળો પડે એટલે લાભ કરતાં નુકસાન વધી જાય છે. સરવાળે નબળો રૂપિયો સમગ્ર અર્થતંત્ર માટે ઘાતક બને છે.
ઍનીવે, સેન્સેક્સ આગલા બંધથી ૧૨ પૉઇન્ટના પરચૂરણ સુધારામાં ૮૫,૧૫૯ ખૂલી ૩૧ પૉઇન્ટ ઘટી ૮૫,૧૦૭ તથા નિફ્ટી ૪૬ પૉઇન્ટની નરમાઈમાં ૨૫,૯૮૬ બુધવારે બંધ થયો છે. ખૂલ્યા પછી શૅરઆંક ઉપરમાં ૮૫,૨૭૦ નજીક જઈ તરત રેડ ઝોનમાં સરી પડ્યો હતો જેમાં સેન્સેક્સ નીચામાં ૮૪,૭૬૪ થયો હતો. નિફ્ટી નીચામાં ૨૫,૮૯૧ દેખાયો હતો. આઇટી-ટેક્નૉલૉજીઝના અપવાદ સિવાય તમામ સેક્ટોરલ લાલ થયાં છે. સેન્સેક્સ નિફ્ટીનો નહીંવત્ નબળાઈ સામે ઑટો ઇન્ડેક્સ ૧.૧ ટકા, નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૩.૧ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સવા ટકો, પાવર ઇન્ડેક્સ ૧.૧ ટકા, યુટિલિટીઝ ૦.૯ ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧.૩ ટકા, એનર્જી ૦.૭ ટકા, ઑઇલ ઍન્ડ ગૅસ પોણો ટકો, રિયલ્ટી પોણો ટકો ખરડાયો છે. ઈવન FMCG હેલ્થકૅર તથા ફાઇનૅન્સ ઇન્ડેક્સ પણ નોંધપાત્ર ડાઉન હતા. આઇટી ઇન્ડેક્સ પોણો ટકો કે ૨૮૨ પૉઇન્ટ પ્લસ થયો છે. એના ૭૭માંથી ૩૫ શૅર સુધર્યા છે. ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૦.૪ ટકા વધ્યો હતો. ખરડાયેલી માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૦૫૨ શૅરની સામે ૨૦૭૪ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૨.૮૧ લાખ કરોડ ઘટીને ૪૬૯.૭૦ લાખ કરોડ રહ્યાં છે.
SME સેગમેન્ટમાં લોઅર પરેલ-વેસ્ટની કે. કે. સિલ્ક મિલ્સ ૧૦ના શૅરદીઠ ૩૮ની ઇશ્યુ પ્રાઇસ સામે ૩૨ ખૂલીને પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૩૦ થઈ ત્યાં બંધ રહેતાં ૨૦ ટકાની લિસ્ટિંગ લૉસ મળી છે. ગુજરાતના મહુવા-ભાવનગરની મધર ન્યુ ટ્રી ફૂડ્સ ૧૦ના શૅરદીઠ ૧૧૭ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૧૮ ઉપર ખૂલી ઉપલી સર્કિટમાં ૧૨૪ વટાવી ત્યાં જ બંધ થતાં એમાં સવાછ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. આગલા દિવસે ૩૭ ટકાની લિસ્ટિંગ લૉસ આપનારી SSMD ઍગ્રોટેક ગઈ કાલે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૮૦ ઉપર જઈ ત્યાં જ બંધ રહી છે. ગેલાર્ડ સ્ટીલ ૨૦૧નું વર્સ્ટ લેવલ નોંધાવી ૪.૨ ટકા ગગડી ૨૦૩ થઈ છે.
તાતા મોટર્સ પૅસેન્જરથી તાતા મોટર્સ (નવી) આગળ નીકળી ગઈ
ગઈ કાલે TCS ઉપરમાં ૩૨૧૨ બતાવી ૧.૪ ટકા વધી ૩૧૮૦ તથા વિપ્રો ૨૫૭ વટાવી ૧.૮ ટકા વધીને ૨૫૫ બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ઝળકી છે. ઇન્ફી એક ટકા, ટેક મહિન્દ્ર સાધારણ અને HCL ટેકક્નો નહીંવત્ સુધરી છે. ICICI બૅન્ક નીચામાં ૧૩૬૭ થયા બાદ બાઉન્સબૅકમાં ૧૩૮૭ બતાવી ૧.૪ ટકા વધી ૧૩૯૧ બંધ રહેતાં બજારને ૧૧૪ પૉઇન્ટ લાભ થયો છે. સામે સ્ટેટ બૅન્કની ૧.૭ ટકાની નબળાઈ માર્કેટને ૫૮ પૉઇન્ટ નડી છે. ઍક્સિસ બૅન્ક ૦.૯ ટકા તો HDFC બૅન્ક એક ટકો પ્લસ હતી. કોટક બૅન્ક નજીવી સુધરી છે. રિલાયન્સ અડધા ટકાની નરમાઈમાં ૧૫૩૯ તથા જિયો ફાઇનૅન્સ સવા ટકો ઘટી ૩૦૧ હતી. નિફ્ટી ખાતે મૅક્સ હેલ્થકૅર પોણાત્રણ ટકા ગગડી ૧૦૮૬ રહી છે. સેન્સેક્સમાં ભારત ઇલેક્ટ્રિક ૨.૧ ટકા તથા NTPC ૧.૭ ટકા બગડી હતી. ટ્રેન્ટ ૪૧૫૮ની લગભગ ૧૯ મહિનાની બૉટમ બનાવી ૧૧ ગણા કામકાજે એકાદ ટકો ઘટી ૪૧૮૮ બંધ થઈ છે. બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ્સ, લાર્સન, તાતા મોટર્સ પૅસેન્જર, મહિન્દ્ર, ટાઇટન, ઇન્ડિગો, શ્રીરામ ફાઇનૅન્સ, તાતા કન્ઝ્યુમર, કોલ ઇન્ડિયા, ONGC, બજાજ ઑટો ઇત્યાદિ એકથી બે ટકા ડાઉન હતા. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૨.૩ ટકાની વધુ નરમાઈમાં ૨૧૮૯ થઈ છે. એનો RE ૧૩.૪ ટકાના કડાકામાં ૩૫૮ના વર્સ્ટ લેવલે બંધ રહ્યો છે. મારુતિ સુઝુકી એક ટકો કે ૧૫૮ રૂપિયા ઘટી હતી. તાતા મોટર્સ કમર્શિયલ અર્થાત્ તાતા મોટર્સ દોઢ ટકો વધી ૩૬૦ બંધ થતાં એનું માર્કેટકૅપ ૧,૩૨,૬૯૩ કરોડ થયું છે. સામે તાતા મોટર્સ પૅસેન્જર ૧.૪ ટકા ગગડી ૩૫૬ બંધ થતાં એનું માર્કેટકૅપ ગગડીને ૧,૩૧,૨૯૩ કરોડ હતું. એશિયન પેઇન્ટ્સ ૨૯૬૮ની ૧૩ મહિનાની નવી ટૉપ બનાવી નજીવી ઘટી ૨૯૫૨ રહી છે. વેદાન્તા ૫૪૧ની નવી ટૉપ બનાવી નજીવી ઘટી ૨૯૫૨ રહી છે. વેદાન્તા ૫૪૧ની નવી ઐતિહાસિક ઊંચી સપાટી નોંધાવી એક ટકાની નરમાઈમાં ૫૩૩ હતી. બાટા ઇન્ડિયા ૫૧ ગણા કામકાજે ૯૬૦ની ૭ વર્ષની બૉટમ દેખાડી સવા ટકો સુધરી ૯૭૭ બંધ થઈ છે.
સરકારના નિવેદનમાં PSU બૅન્ક નિફ્ટી સર્વાધિક ત્રણ ટકા ખરડાયો
ગઈ કાલે બૅન્ક નિફ્ટી ૭૪ પૉઇન્ટ જેવો નહીંવત્ સુધર્યો છે, પરંતુ PSU બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરની ખરાબીમાં સર્વાધિક ૩.૧ ટકા ધોવાયો છે. સરકારી બૅન્કોમાં સીધા વિદેશી રોકાણ (FDI)ની મહત્તમ મર્યાદા ૨૦ ટકાથી વધારી ૪૯ ટકા કરવા સરકારનો કોઈ ઇરાદો નથી એવી રાજ્યકક્ષાના નાણાપ્રધાનની સ્પષ્ટતા આ ખુવારીનું કારણ બની છે. બૅન્કિંગના ૪૧માંથી ૯ શૅર ગઈ કાલે પ્લસ હતા. ઇન્ડિયન બૅન્ક સાત ગણા વૉલ્યુમે ૫.૪ ટકા લથડીને ૮૧૩ રહી છે. બૅન્ક ઑફ બરોડા, બૅન્ક ઑફ ઇન્ડિયા, કૅનેરા બૅન્ક, પીએનબી, કર્ણાટક બૅન્ક, CSB બૅન્ક, યુનિયન બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક, જેકે બૅન્ક ૨.૮થી ૪.૫ ટકા ધોવાઈ છે.
નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧.૮ ટકા બગડ્યો હતો. ડિફેન્સ ઉદ્યોગના ૨૨માંથી ૨૧ શૅર માઇનસ થયા છે. મિશ્ર ધાતુ નિગમ, ગાર્ડનરિચ, એસ્ટ્રામાઇક્રો, DCX ઇન્ડિયા, ભારત ડાયનૅમિક્સ, સવાન્ટેલ, અપોલો માઇક્રો, રસેલ ટેક્સિસ, નાઇબ લિમિટેડ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ડાયનામૅટિક ટેક્નૉલૉજીઝ, ભારત ઇલેક્ટ્રિક જેવી જાતો બેથી સવાચાર ટકા ખરડાઈ હતી. દ્રોણાચાર્ય એરિયલ સેબીનાં શિક્ષાત્મક પગલાંમાં વધુ ખરડાઈને ૩૨.૬૮ની ઑલટાઇમ બૉટમ બનાવી ૫.૬ ટકા તૂટી ૩૪.૨૮ રહી છે.
સનફાર્માની સ્પાર્ક આગલા દિવસની ૨૦ ટકાની તેજીમાં ૧૬૧ બંધ થયા પછી ગઈ કાલે ઉપરમાં ૧૭૯ વટાવી બાવન ગણા કામકાજે નીચામાં ૧૪૯ થઈ ૫.૬ ટકા ઘટી ૧૫૨ રહી છે. વૉકહાર્ટ ૫.૩ ટકા ગગડી ૧૪૧૫ હતી. ઓલા ઇલેક્ટ્રિક બમણા વૉલ્યુમે ૩૮ની ઑલટાઇમ બૉટમ દેખાડી પાંચ ટકા તૂટી ૩૮ થઈ છે. ભરૂચની શ્લોકા ડાઇઝ જેનો ૩૦ સપ્ટેમ્બરે ખૂલેલો ઇશ્યુ છેક ૧૪ ઑક્ટોબરે બંધ થયો હતો અને ભરણું તિકડમથી માંડ માંડ ભરાયું હતું. એ ૯૧ની ઇશ્યુ પ્રાઇસ સામે ગઈ કાલે બીજા ૨૦ ટકા તૂટી ૪૧.૩૨નો સૌથી નીચો ભાવ બતાવી પોણાસોળ ટકાના ધબડકામાં ૪૩ બંધ આવી છે.
લ્યો, ઘડિયાળ વેચનારાય હવે IPO લાવે છે
આજે ગુરુવારે SME સેગમેન્ટમાં બે નવાં ભરણાં ખૂલશે. નવી દિલ્હીની લક્ઝરી ટાઇમ ૧૦ના શૅરદીઠ ૮૨ની અપરબૅન્ડમાં ૩૭૪ લાખની ઑફર ફૉર સેલ સહિત કુલ ૧૮૭૪ લાખનો BSE SME ઇશ્યુ કરી રહી છે. ૨૦૦૮માં સ્થપાયેલી આ કંપની સ્વિસ લક્ઝરી વૉચ વેચવાનો અને રિપેર કરવાનો ધંધો કરે છે. કંપનીએ ગયા વર્ષે ૨૦ ટકાના વધારામાં ૬૦૭૮ લાખની આવક પર ૧૧૪ ટકા વૃદ્ધિદરથી ૪૨૯ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ૬ મહિનામાં આવક ૨૪૯૧ લાખ અને ચોખ્ખો નફો ૨૦૧ લાખ કર્યો છે. દેવું ૨૦૭ લાખનું છે. કંપની માત્ર ૧૭ કર્મચારી ધરાવે છે. લીડ મૅનેજર ખેલાડી ગણાય છે. ગ્રેમાર્કેટમાં ૨૧થી શરૂ થયેલું પ્રીમિયમ ૧૫ થયા બાદ હાલમાં ૪૦ બોલાય છે. ઇશ્યુમાં QIB પોર્શન ૪૫ ટકા અને માર્કેટમેકર્સ પોર્શન ૯.૪ ટકા છે. રીટેલ પોર્શન ૩૧.૯ ટકા જેવો છે.
બીજી કંપની હરિયાણાના અંબાલા ખાતેની વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી અબ્રૉડ લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૫૬ના ભાવથી ૧૦૦૭ લાખનો BSE SME IPO આજે કરવાની છે. ૨૦૧૩માં સ્થપાયેલી આ કંપની એના નામ પ્રમાણે એજ્યુકેશનલ તેમ જ ઇમિગ્રેશન સંબંધી જાણકારી પૂરી પાડે છે. કંપનીએ ગયા વર્ષે ૧૩ ટકા વધારામાં ૨૨૯૬ લાખની આવક પર ૮૬ ટકાના વૃદ્ધિદરથી ૨૨૧ લાખ ચોખ્ખો નફો દેખાડ્યો છે. ચાલુ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૪૯૭ લાખની આવક પર ૫૪ લાખ નેટ નફો કર્યો છે. દેવું માર્ચ ૨૦૨૪ના અંતે ૩૩૧ લાખ હતું એ હાલમાં ૪૬૩ લાખ થઈ ગયું છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ નથી.
મેઇનબોર્ડનાં ત્રણેય ભરણાં પ્રથમ દિવસે સારી રીતે પાર થયાં
ગઈ કાલે મેઇનબોર્ડમાં જે ત્રણ ભરણાં ખૂલ્યાં છે એમાંથી બૅન્ગલોરની સતત ખોટ કરતી મિશો લિમિટેડનો એકના શૅરદીઠ ૧૧૧ની અપરબૅન્ડવાળો કુલ ૫૪૨૧ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૪ ગણા સહિત કુલ ૨.૪ ગણો પ્રતિસાદ મેળવી ગયો છે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ ઘટી હાલ ૪૫ જેવું ચાલે છે. બૅન્ગલોરની બીજી સતત ખોટ કરતી કંપની એક્વસ લિમિટેડનો ૧૦ના શૅરદીઠ ૧૨૪ની અપરબૅન્ડ સાથે આશરે ૯૨૨ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૧૧.૬ ગણા સહિત કુલ ૩.૪ ગણો ભરાયો છે. પ્રીમિયમ ૪૫ રૂપિયા થયું છે. ગુજરાતના આણંદની વિદ્યા વાયર્સનો એકના શૅરદીઠ બાવનની અપરબૅન્ડ સાથે ૩૦૦ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૪.૩ ગણા સહિત કુલ ત્રણ ગણો ભરાયો છે. પ્રીમિયમ સાડાછ બોલાયા છે. જયપુરની શ્રી કાન્હા સ્ટેનલેસનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૪૬૨૮ લાખનો NSE SME IPO પ્રથમ દિવસે ૩૭ ટકા ભરાયો છે. ગઈ કાલે પાંચ SME ભરણાં પુરાં થયાં છે. મલાડની રાવલકૅરનો શૅરદીઠ ૧૩૦ના ભાવનો ૨૪૧૦ લાખનો ઇશ્યુ કુલ ૪૩૫ ગણો, સાયનની ક્લિયર સિક્યૉર્ડ સર્વિસિસનો શૅરદીઠ ૧૩૨ના ભાવનો ૮૫૬૦ લાખનો ઇશ્યુ ૯ ગણો, પનવેલની સ્પેબ એધેસિવ્સનો શૅરદીઠ ૫૬ના ભાવનો ૩૩૭૩ લાખનો ઇશ્યુ અઢી ગણો, ડિલાઇલ રોડની ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક્સનો ૮૫ના ભાવનો ૨૮૧૨ લાખનો ઇશ્યુ સાડાચાર ગણો તથા ગુજરાતના ગોંડલની એસ્ટ્રોન મલ્ટીગ્રેઇનનો ૬૩ના ભાવનો ૧૮૪૦ લાખનો ઇશ્યુ સવાગણો ભરાઈને પૂરો થયો છે. હાલ રાવલકૅરમાં ૮૦ રૂપિયા અને ક્લિયરમાં ૬ રૂપિયા પ્રીમિયમ છે.
અમદાવાદી નિઓકેમ બાયો સૉલ્યુશન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૪૪૯૭ લાખનો NSE SME ઇશ્યુ ગઈ કાલે બીજા દિવસના અંતે કુલ સવા ગણો તથા હેલ્લોજી હૉલિડેઝનો ૧૦ના શૅરદીઠ ૧૧૮ના ભાવનો ૧૦૯૬ લાખનો BSE SME ઇશ્યુ એકાદ ગણો ભરાઈ ચૂક્યો છે. નિઓકેમમાં ૪ અને હેલ્લોજીમાં ૬નું પ્રીમિયમ બોલાવા માંડ્યું છે.