ખાંડનું ઉત્પાદન ૧૫ જાન્યુઆરી સુધીમાં છ ટકા વધી ૧૫૧ લાખ ટન થયું

18 January, 2022 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાંડની નિકાસમાં ચાલુ વર્ષે જબ્બર વધારો થઈને

ખાંડનું ઉત્પાદન ૧૫ જાન્યુઆરી સુધીમાં છ ટકા વધી ૧૫૧ લાખ ટન થયું

દેશમાં ચાલુ સીઝન વર્ષમાં પહેલી ઑક્ટોબરથી ૧૫ જાન્યુઆરી સુધીમાં ખાંડનું કુલ ૧૫૧.૪૧ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૧૪૨.૭૮ લાખ ટનનું થયું હતું. આમ ઉત્પાદનમાં છ ટકાનો અથવા તો ૮.૬૩ લાખ ટનનો વધારો જોવા મળ્યો છે. દેશમાં હાલ ૫૦૪ શુગર મિલો ચાલુ છે, જે ગત વર્ષે ૧૫ જાન્યુઆરીએ ૪૮૭ શુગર મિલો ચાલુ હતી, એમ ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં ૧૯૨ શુગર મિલોએ કુલ ૫૮.૮૪ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૧૮૧ શુગર મિલોએ મળીને ૫૧.૫૫ લાખ ટનનું ઉત્પાદન કર્યું હતું. આમ મહારાષ્ટ્રમાં જ ૭.૨૯ લાખ ટનનો ઉત્પાદનનો વધારો થયો છે. ઉત્તર પ્રદેશમાં ૧૨૦ શુગર મિલોએ કુલ ૪૦.૧૭ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૪૨.૯૯ લાખ ટનનું થયું હતું. આમ યુ.પી.માં ઉત્પાદનમાં ત્રણ લાખ ટનનો ઘટાડો થયો છે, જ્યારે કર્ણાટકમાં ૭૦ શુગર મિલોએ મળીને ૩૨.૨૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૨૯.૮૦ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. ગત વર્ષે ૬૬ શુગર મિલો ચાલુ હતી. ગુજરાતમાં ૧૫ મિલોએ ૪.૬૦ લાખ ટનનું ઉત્પાદન કર્યું છે, જે ગત વર્ષે ૪.૪૦ લાખ ટનનું થયું હતું. તામિલનાડુમાં ૨.૧૦ લાખ ટનનું ઉત્પાદન થયું છે, જે ગત વર્ષે ૧.૨૩ લાખ ટનનું ઉત્પાદન થયું હતું. બાકીનાં રાજ્યોમાં મળીને કુલ ૧૨.૫૦ લાખ ટનનું ઉત્પાદન થયું છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન દ્વારા હાલમાં શેરડીનો સૅટેલાઇટ સર્વે ચાલુ છે અને ચાલુ મહિનાના અંતમાં ચાલુ વર્ષે ખાંડ અને શેરડીનાં ઉત્પાદનનો બીજો આગોતરો અંદાજ જાહેર કરવામાં આવશે એમ ઇસ્માએ જણાવ્યું હતું.

ખાંડની કુલ ૧૭ લાખ ટનની નિકાસ સંપન્ન

દેશમાંથી ચાલુ સીઝન વર્ષમાં પહેલી ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કુલ ૧૭ લાખ ટન ખાંડની નિકાસ થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૪.૫૦ લાખ ટનની નિકાસ થઈ હતી, જ્યારે સાત લાખ ટન ખાંડની નિકાસ જાન્યુઆરી મહિનામાં થવાનો અંદાજ છે. વૈશ્વિક બજારમાં કાચી ખાંડના ભાવ ૧૮ સેન્ટની અંદર પાંચ મહિનાના તળિયે હોવાથી શુગર મિલો વધુ નિકાસ માટે વેઇટ ઍન્ડ વૉચની સ્થિતિમાં છે. અત્યાર સુધીમાં શુગર મિલોએ કુલ ૩૮થી ૪૦ લાખ ટનના નિકાસ વેપારો કરી લીધા હોવાથી હવે નવા માટે મિલોને કોઈ ઉતાવળ નથી.

business news