હૅન્ગઓવર મોમેન્ટમાં બાઉન્સબૅક પછી બજાર સાંકડી વધઘટે ફ્લૅટ

22 August, 2026 03:12 PM IST  |  Mumbai | Anil Patel

ક્વૉલિટી વૉલ્સ નવા શિખરે, વિક્ટોરિયા મિલ્સ વધુ ૧૬.૪ ટકા કે ૧૨૦૭ રૂપિયા ઊછળી

પ્રતીકાત્મક તસવીર

ખાંડની ડ્યુટી-ફ્રી આયાત-છૂટ જાહેર થતાં શુગર શૅરોમાં ઘટાડાની ચાલ ઃ સોના અને ચાંદીમાં ભાવવધારાના પગલે ગોલ્ડ લોન શૅરમાં મજબૂતી આગળ વધી, જ્વેલરી શૅરોમાં સિલેક્ટિવ ઝમકઃ બેઇન કૅપિટલની મૂડી-ભાગીદારીના પગલે JBM ઑટો વૉલ્યુમ સાથે મજબૂત ઃ વેલસ્પન કૉર્પ ૧૭,૨૦૦ કરોડના અમેરિકન ઑર્ડરમાં તગડા કામકાજે લાઇફટાઇમ હાઈ ઃ ડેટા પૅટર્ન્સમાં ૫૦૦૦ની સર્વોચ્ચ સપાટી દેખાઈ ઃ ક્વૉલિટી વૉલ્સ નવા શિખરે, વિક્ટોરિયા મિલ્સ વધુ ૧૬.૪ ટકા કે ૧૨૦૭ રૂપિયા ઊછળી

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ પ્રસ્થાપિત થવાનો મામલો રાબેતા મુજબ અટવાયેલો છે. એક દિવસ ઈરાનને ધમકી આપવાની, વળતા દિવસે શાંતિની હિમાયત કરવાની અને ત્રીજા દિવસે હવાઈ હુમલાનાં છમકલાં શરૂ કરી બજારોને નચાવતાં રહી પોતાનો અંગત લાભ નીચોવતા રહેવાની ટ્રમ્પની રમત જારી છે. આ બધામાં ક્રૂડ જે જુલાઈના આરંભે ૭૦ ડૉલર અંદર આવી ગયું હતું અે હાલ ૯૪ ડૉલર આસપાસ આવી ગયું છે. સોનું ચમક વધારી વાયદામાં દોઢ ટકા અને હાજરમાં પોણાબે ટકાની આગેકૂચમાં બે માસની નવી ટોચે ગયું છે. ચાંદી અઢી ટકા વધી ૭૦ ડૉલર વટાવી ગઈ છે. બિટકૉઇન નવા કરન્ટમાં ૭૯,૩૦૦ ડૉલર વટાવી સવાઆઠ ટકા કે ૫૯૫૮ ડૉલરની તેજીમાં ૭૭,૮૦૨ દેખાઈ રહ્યો છે જે સાડાત્રણ માસની ટૉપ છે. એશિયન બજાર શુક્રવારેય સુધારામાં રહ્યું છે. અલબત્ત, અેનું પ્રમાણ સાંકડું હતું. હૉન્ગકૉન્ગ સવા ટકો, સાઉથ કોરિયા પોણો ટકો, તાઇવાન તથા થાઇલૅન્ડ અડધો ટકો વધ્યા છે. જપાન અડધો ટકો નરમ હતું. યુરોપ રાબેતા મુજબ રનિંગમાં પૉઝિટિવ બાયસ સાથે સુસ્ત જણાયું છે. ડૉલર સામે રૂપિયો એકાદ પૈસો ઘટી ૯૫.૭૩ રહ્યો છે. 
ઘરઆંગણે બજાર આગલા દિવસના બાઉન્સબૅક પછી હાંફી ગયું છે. સેન્સેક્સ ૧૬૩ પૉઇન્ટ પ્લસ, ૭૭,૭૦૧ ખૂલી છેવટે ત્રણ પૉઇન્ટ સુધરી ૭૭,૫૪૧ તથા નિફ્ટી ૨૦ પૉઇન્ટ વધીને ૨૪,૨૫૨ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૭,૭૨૫ અને નીચામાં ૭૭,૪૪૬ દેખાયો હતો. માર્કેટકૅપ ૪૦,૦૦૦ કરોડ વધીને ૪૯૧.૭૫ લાખ કરોડ રહ્યું છે. મોટા ભાગનાં સેક્ટોરલ છે. પાવર, યુટિલિટી, નિફ્ટી મેટલ, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી અડધાથી પોણા ટકા જેવા સુધર્યા છે. FMCG, IT, ઑટોમાં અડધા ટકા આસપાસ નરમાઈ હતી. 
ઘરઆંગણે ખાંડના ભાવ ભડકી રીટેલમાં કિલોદીઠ ૭૦ થઈ જતાં સરકારે ઘડિયા લગ્નની જેમ ૧૦ લાખ ટન ખાંડની ડ્યુટી-ફ્રી ઇમ્પોર્ટ જાહેર કરી છે. અેના પગલે શુગર શૅરમાં તેજી અટકી છે. ગઈ કાલે ઉદ્યોગના ઘણા શૅર માઇનસ હતા. રાણા શુગર, કેસર એન્ટરપ્રાઇઝ, બલરામપુર ચીની, રાવલગાંવ, કેએમ શુગર, રેણુકા શુગર, DCM, શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ, ઉતમ શુગર, શક્તિ શુગર, દ્વારકેશ, બન્નારી શુગર જેવી જાતો ત્રણથી સાડાપાંચ ટકા કડવી બની છે. 
પાવર ગ્રીડ અઢી-પોણાત્રણ ટકા વધી સેન્સેક્સ અને નિફ્ટીમાં વધવામાં મોખરે હતી. HDFC લાઇફ ૨.૪ ટકા, નેસ્લે ૧.૩ ટકા, કોટક બૅન્ક નિફ્ટીમાં ૧.૪ ટકા, ગ્રાસીમ એક ટકો, ભારત ઇલેક્ટ્રૉનિક્સ ૧.૨ ટકા વધી હતી. ઘટવામાં ટ્રેન્ટ લિમિટેડ દોઢ ટકા, મારુતિ સુઝુકી દોઢ ટકા, ઇન્ડિગો ૧.૪ ટકા, HCL ટેક્નૉલૉજીઝ સવા ટકો, ઇન્ફી ૦.૯ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર એકાદ ટકા, અપોલો હૉસ્પિટલ્સ એક ટકો નરમ રહી મોખરે હતી. 
વેલસ્પન કૉર્પ ‘એ’ ગ્રુપમાં બેસ્ટ ગેઇનર હતી. અન્યમાં થોમસકુક ૧૨.૨ ટકા, પરાગ મિલ્સ ૮.૬ ટકા, જિંદાલ સો ૮.૧ ટકા, DCB બૅન્ક ૮ ટકા મજબૂત બની છે. હિમાદ્રી સ્પેશ્યાલિટી બૅક-ટુ-બૅક ખરાબીમાં ૭ ટકા તૂટી ૬૫૪ રહી છે. વિક્ટોરિયા મિલ્સ નવા શિખર સાથે બીજા દિવસેય ૧૨૦૭ રૂપિયા વધીને ૮૫૮૦ બંધ થઈ છે. ક્વૉલિટી વૉલ્સ ૫૦ નજીક નવી ટૉપ બનાવી ૧૧.૫ ટકા ઊછળીને ૪૮.૪૬ થઈ છે. 

પાલઘરની ટેક્નોક્રેટ્સ પ્લાઝમામાં દમદાર લિસ્ટિંગ ગેઇન મળ્યો 
ગઈ કાલે ત્રણ SME IPO લિસ્ટેડ થયાં છે. વસઈ (ઈસ્ટ), પાલઘરની ટેકનોક્રેટ્સ પ્લાઝમા ૧૦ના શૅરદીઠ ૧૩૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં ૨૯થી શરૂ થઈ નીચામાં ૧૨ થયા પછી છેલ્લે બોલાતા ૫૯ના પ્રીમિયમ સામે BSEમાં ૨૩૦ ખૂલી ૨૪૧ બંધ થતાં ૮૩ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. કુલ ૬૧ કરોડનું આ ભરણું ૨૦૩ ગણું છલકાયું હતું. નોઅેડાની ENS એન્ટરપ્રાઇસીઝ ૧૦ના શૅરદીઠ ૯૨ની ઇશ્યુ પ્રાઇસ તથા ૪થી શરૂ થઈ છેલ્લે ચાલતા ૬ના પ્રીમિયમ સામે BSEમાં ૯૬ ખૂલી ૧૦૧ બંધ રહેતાં ૯.૬ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. કુલ ૩૩ કરોડનો આ ઇશ્યુ ૧૩ ગણો ભરાયો હતો. બૅન્ગલોરની સ્કાયટેક ઇન્ફિનિટ ૧૦ના શૅરદીઠ ૭૭ની ઇશ્યુ પ્રાઇસ તથા ૧૩થી શરૂ થઈ છેલ્લે એક થઈ ગયેલા પ્રીમિયમ સામે NSEમાં ૭૪ ખૂલી ૭૦ બંધ આવતાં પાંચ ટકા લિસ્ટિંગ લૉસ મળી છે. 
મેઇન બોર્ડમાં હોરાઇઝોન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ તથા લલિતા જ્વેલરી માર્ટ અને SMEમાં ફેસિનેટ ટેક્સટાઇલ્સના લિસ્ટિંગ સોમવારે થવાના છે. અત્યારે લલિતામાં ૫૭ તથા હોરાઇઝોનમાં ૪નું પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે ૧૦૦ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ૩૭૭ બંધ થયેલી ક્રિડેન્ટ કનેક્ટ ગઈ કાલે ૩૭૯ની ટૉપ બનાવી અડધો ટકો ઘટી ૩૭૫ રહી છે. તો તાજેતરમાં લિસ્ટેડ અન્ય શૅરમાં ગઈ કાલે શિપરૉકેટ એક ટકો ઘટી ૧૪૦, બિહારીલાલ એન્જિનિયરિંગ પોણાબે ટકા ઘટી ૪૯૫, ધૂત ટ્રાન્સમિશન એકાદ ટકો વધી ૧૪૮૧, મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ સાડાછ ટકા ઊછલી ૧૧૦૦ બંધ હતી.
દરમ્યાન મુંબઈના લોઅર પરેલની ઑગમૉન્ટ એન્ટરપ્રાઇસીઝનો પાંચના શૅરદીઠ ૭૮૮ની અપરબેન્ડમાં ૮૨૫ કરોડનો ઇશ્યુ પ્રથમ દિવસે રીટેલમાં ૨.૮ ગણા સહિત કુલ ૨.૮ ગણો ભરાયો છે. પ્રીમિયમ વધી ૩૦૦ થયું છે. બરોડાની ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ૪ના શૅરદીઠ ૩૦૦ના ભાવનો ૬૫૦ કરોડનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૨૨ ગણો છલકાયો છે. તો ગજા ઑલ્ટરનેટિવ અૅસેટ મૅનેજમેન્ટનો પાંચના શૅરદીઠ ૧૬૦ના ભાવનો ૫૫૦ કરોડનો IPO રીટેલમાં ૧૧ ગણા સહિત કુલ ૩૩ ગણા પ્રતિસાદમાં પુરો થયો છે. હાલ ટેમ્પસન્સમાં ૨૭૭ અને ગજામાં ૧૭ પ્રીમિયમ ચાલે છે. SME સેગમેન્ટમાં ગઈ કાલે જામનગરની ધનવેલ હાઇબ્રિડ સીડ્સનો ૧૦ના શૅરદીઠ ૯૯ના ભાવનો ૨૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૩ ગણા સહિત કુલ ૧.૭ ગણો તથા વસઈ-પાલઘરની મોપશોપ ડિસ્ટ્રિબ્યુશનનો ૧૦ના શૅરદીઠ ૧૩૮ના ભાવનો ૨૭ કરોડનો ઇશ્યુ રીટેલમાં ૨.૯ ગણા સહિત કુલ ૧.૬ ગણો પૂરો થયો છે. અત્યારે ધનવેલમાં એકનું અને મોપશોપમાં એકનું પ્રીમિયમ છે. 

IPOની રેલમછેલ, સોમવારે એકસાથે કુલ પાંચ ઇશ્યુ ખૂલશે

પ્રાઇમરી માર્કેટમાં IPOનું મૉન્સૂન જોરમાં છે. સોમવારે એકસાથે કુલ પાંચ નવાં ભરણાં ખૂલવાના છે. મેઇન બોર્ડમાં જે ૩ ઇશ્યુ છે અેમાંથી ઇન્દોરથી સિમ્બાયોટેક ફાર્મા લૅબ બેના શૅરદીઠ ૯૮૮ની અપરબેન્ડમાં કુલ ૧૭૫૭ કરોડનો IPO કરશે. ઑફર ફૉર સેલ ૧૬૦૭ કરોડની છે અેમાંથી પ્રમોટર્સના ફાળે ૧૪૪ કરોડ આવશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૨૦૦૨માં સ્થપાયેલી આ કંપની ફાર્મા તેમ જ બાયોટેક ક્ષેત્રે કાર્યરત છે. ગત વર્ષે ૧૫ ટકા વધારામાં ૮૭૨ કરોડ આવક ઉપર ૧૪ ટકા વૃદ્ધિદરથી ૧૧૦ કરોડ નેટનફો કર્યો છે. હાલ પ્રમોટર્સ હોલ્ડિંગ ૩૪.૫ ટકાથી પણ ઓછું છે. ઇશ્યુ બાદ અેમાં વધુ ઘટાડો થશે. ગ્રેમાર્કેટમાં ૨૨૦થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ ૩૨૦ ચાલે છે. બીજી કંપની નવી દિલ્હીની સ્કાયવેઝ અૅર સર્વિસીસ ૧૦ના શૅરદીઠ ૧૩૮ની અપરબેન્ડમાં ૫૮૩ કરોડનો ઇશ્યુ લાવવાની છે. OFS ૧૮૪ કરોડની છે. અેમાંથી ૧૩૨ કરોડ કરતાં વધુનું ભંડોળ પ્રમોટર્સના ઘરમાં જશે. ૧૯૮૪માં સ્થપાયેલી આ કંપની લૉજિસ્ટિક્સ તથા ક્રેઇટ ફૉર્વર્ડિંગ સેગમેન્ટમાં કામ કરે છે. ગત વર્ષે પચીસ ટકા વધારામાં ૨૮૪૦ કરોડ જેવી આવક ઉપર ૩૨ ટકા વૃદ્ધિદરથી ૬૩૫૨ લાખ નફો કર્યો છે. દેવું વધી ૬૨૪ કરોડ વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૨૧૭ કરોડ જેવી રકમ દેવાની ચુકવણીમાં તથા ૧૩૦ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં ૧૯થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી ૫૦ થયા બાદ હાલ ૪૫ જેવું છે. ત્રીજી કંપની મહારાષ્ટ્રના થાણે ખાતેની હાઇ-ટેક એન્જિનિયર્સ પાંચના શૅરદીઠ ૫૩ની અપરબેન્ડમાં કુલ ૧૩૬ કરોડનો નાનકડો ઇશ્યુ સોમવારે કરશે. અેમાંથી ૭૬ કરોડ OFS પેટે પ્રમોટર્સ લઈ જશે. ૧૯૭૮માં સ્થપાયેલી આ કંપની વિવિધ ઉદ્યોગ માટે હાયડ્રોલિક ફિટિંગ્સ બનાવતી ઇજનેરી કંપની છે. ગત વર્ષ ૧૬ ટકા વધારામાં ૧૯૩ કરોડની આવક ઉપર ૧૫ ટકા વધારામાં ૨૨૫૯ લાખ નફો મેળવ્યો છે. દેવું ૨૯૭૬ લાખનું છે. ઇશ્યુમાંથી ૩૦ કરોડ વિસ્તરણ માટે તથા ૧૬ કરોડ દેવાની ચુકવણીમાં વપરાશે. પ્રીમિયમ પાંચથી શરૂ થઈ બાવીસ થયા બાદ હાલ ૨૦ છે. 
SME સેગમેન્ટમાં સોમવારે બે ભરણાં ખૂલશે. લુધિયાણાની મધુર નીટક્રાફ્ટ્સ ૧૦ના શૅરદીઠ ૧૦૦ની અપરબેન્ડમાં કુલ ૫૩ કરોડનો NSE SME IPO લાવશે. QIB પોર્શન ૫૦ ટકા છે. ૧૯૯૮માં સ્થપાયેલી આ કંપની ટેક્સટાઇલ્સ ક્ષેત્રે છે. અે ફેબ્રિક્સ, બ્લેન્ડેટ્સ, ગાર્મેન્ટ્સ, વિન્ટર ટેક્સટાઇલ્સ ઇત્યાદી બનાવે છે. ગત વર્ષે ૧૩ ટકા વધારામાં ૧૯૫ કરોડની આવક ઉપર ૧૨ ટકા વધારામાં ૧૨૩૫ લાખ નફો કર્યો છે. બે વર્ષ પહેલાં નફો માત્ર ૧૭૦ લાખ હતો. દેવું ૭૩૫૪ લાખ છે. ઇશ્યુમાંથી ૨૦૮૫ લાખ દેવાની ચૂકવણીમાં, ૧૫૯૨ લાખ વર્કિંગ કૅપિટલમાં તથા ૩૬૮ લાખ સોલર પૅનલ્સ ખરીદવામાં વપરાશે. ગ્રેમાર્કેટમાં પ્રીમિયમ શરૂ થયું નથી. બીજી કંપની પંજાબના ફિરોજપુરની ABH હેલ્થકૅર ૧૦ના શૅરદીઠ ૧૦૨ની અપરબેન્ડમાં ૩૫ કરોડનો NSE SME ઇશ્યુ કરવાની છે. QIB પોર્શન ૬ ટકા જેવો તથા રીટેલ પોર્શન ૪૭ ટકાનો છે. ૨૦૨૧માં સ્થપાયેલી આ કંપની અનિલ બાગી હૉસ્પિટલ્સ નામથી ૧૫૦ બેડની હૉસ્પિટલ ચલાવે છે. ગત વર્ષે ૭ ટકા વધારામાં ૫૨૫૯ લાખની આવક ઉપર પાંચ ટકા વધારામાં ૫૬૪ લાખ નફો કર્યો છે. દેવું ૪૫૭૫ લાખ છે. ઇશ્યુમાંથી ૧૭ કરોડ દેવાની ચૂકવણીમાં અને પાંચ કરોડ વર્કિંગ કૅપિટલમાં વપરાશે. ગ્રેમાર્કેટમાં હાલ પ્રીમિયમ નથી. ઉક્ત તમામ, પાંચેચ ભરણાં ૨૭ ઑગસ્ટે પૂરાં થશે. 

પ્રમોટર્સે હોલ્ડિંગ વધારતા શાન્તિ ગીઅર્સમાં ૨૦ ટકાની તેજી થઈ 
અગાઉ ગુડલક સ્ટીલ ટ્યુબ્સ તરીકે ઓળખાતી ગુડલક ઇન્ડિયા એક શૅરદીઠ બે બોનસમાં ગઈ કાલે બોનસ બાદ થતાં ઉપર ૪૯૫ થઈ અઢી ટકા વધી ૪૯૧ બંધ થઈ છે. રાજકોટની મયંક કેટલ ફૂડ્સ શૅરદીઠ એક બોનસમાં સોમવારે એક્સ બોનસ થશે. ભાવ ગઈ કાલે ૨૫૮નું શિખર બતાવી ૧.૯ ટકા ઘટી ૨૪૪ હતો. ટીડી પાવર એક્સ-સ્પ્લિટની પૂર્વસંધ્યાએ નીચે ૧૪૯૦ થઈ બે ટકા વધી ૧૫૪૦ રહી છે. મુંબઈના સાંતાકુઝ ખાતેની એલન સ્કોટ એન્ટરપ્રાઇસીઝ છ શૅરદીઠ એકના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવે રાઇટમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે નીચામાં ૩૦૭ થઇ સાધારણ ઘટી ૩૨૨ હતી. આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૨૨૯ રૂપિયા ઊછળી ૭૩૭૩ની ૨૦ માસની ટોચે બંધ થયેલી વિક્ટોરિયા મિલ્સ ગઈ કાલે ૮૭૫૦ની નવી ટૉપ બનાવી ૧૬.૪ ટકા વધી ૮૫૮૦ થઈ છે. 
અમેરિકન પ્રાઇવેટ ઇક્વિટી ફ્રમ બેઇન કૅપિટલે આશરે ૨૮૫૦ કરોડના રોકાણથી માઇનૉરિટી સ્ટેક લેવાની તૈયારી દાખવતાં JBM ઑટોનો શૅર ગઈ કાલે ૩૦ ગણા વૉલ્યુમે ઉપરમાં ૬૮૫ થઈ ૮ ટકા વધી ૬૭૪ બંધ થયો છે. વેલસ્પન કૉર્પની અમેરિકન સબસિડિયરીને ૧૮૦ કરોડ ડૉલર એટલે કે આશરે ૧૭,૨૦૦ કરોડનો પાઇપ સપ્લાય માટેનો ઑર્ડર મળ્યાના અહેવાલે શૅર ૩૫ ગણા કામકાજે ૨૩૪૮ની વિક્રમી સપાટી દેખાડી ૧૫ ટકા કે ૩૦૨ રૂપિયા ઊછળી ૨૩૦૬ થઈ છે. આ શૅરમાં બીજી ફેબ્રુઆરીઅે ૭૧૦ નીચે વર્ષની બૉટમ બની હતી. સોનાના વૈશ્વિક ભાવના પગલે ઘરઆંગણે આવેલા કરન્ટની આડઅસરમાં ગોલ્ડ લોન શૅર ડિમાન્ડમાં છે. મનપ્પુરમ ફાઇનૅન્સ ૩૫૯ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવાબે ટકા વધી ૩૫૬, મુથૂટ ફાઇનૅન્સ ૩૦૫૫ થઈ બે ટકા વધી ૩૦૩૦ તો IIFL ફાઇનૅન્સ ૬૮૭ની ૮ વર્ષની ઊંચી સપાટી નોંધાવી ૬.૯ ટકાની મજબૂતીમાં ૬૮૧ રહી છે. શાન્તિ ગીઅર્સમાં ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ તરફથી બ્લૉકડીલ મારફત ૨.૭ ટકા શૅર ખરીદાયા હોવાના અહેવાલમાં ભાવ ૬૯ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૪૬૫ વટાવી ત્યાં જ બંધ રહ્યા છે. કંપનીમાં હાલ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટર્સ તરીકે ૭૦.૪૬ ટકા હોલ્ડિંગ ધરાવે છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઉપરમાં ૨૯૬૫ થઈ સવાબે ટકા ઘટી ૨૮૬૦ હતી. 
ડેટા પૅટર્ન્સને ભારત ઇલેક્ટ્રૉનિક્સ તરફથી ૫૮૬ કરોડનો રડાર ઇલેક્ટ્રૉનિક્સના સપ્લાય માટેનો ઑર્ડર મળતાં ભાવ અઢી ગણા વૉલ્યુમે ૫૦૦૦ની લાઇફટાઇમ હાઈ બનાવી પોણાત્રણ ટકા વધી ૪૮૨૬ બંધ થયો છે. ચેન્નઈની આ કંપની ડિસેમ્બર ૨૦૨૧માં બેના શૅરદીઠ ૫૮૫ના ભાવે ૫૮૮ કરોડનો ઇશ્યુ લાવી હતી. અર્બન કંપનીમાં બ્રોકરેજ હાઉસ યુબીએસ દ્વારા ૧૮૦ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ જારી થતાં શૅર દોઢા કામકાજે ૧૬૦ બતાવી ૯ વધી ૧૫૮ થયો છે. સોનાના ભાવમાં વધારાના પગલે જ્વેલરી શૅરમાં પણ પસંદગીયુક્ત ઝમક આગળ વધી છે. ગઈ કાલે TBZ ૧૨.૨ ટકા ઊછળી ૨૭૯, શાન્તિ ગોલ્ડ ૨૭૪ની ટોચે જઈ છ ટકા વધી ૨૭૦, મનોજ જ્વેલર્સ ૫.૨ ટકા વધી ૩૦, સેન્કો ગોલ્ડ ૨.૭ ટકા વધી ૩૪૫, કલ્યાણ જ્વેલર્સ ૧.૪ ટકા વધી ૬૦૩, યશ્વી જ્વેલર્સ ૬.૫ ટકા ઊછળી ૯૦, પીસી જ્વેલર્સ સાડાછ ટકા વધી સવાદસ, થંગમયિલ જ્વેલરી એક ટકો વધી ૫૫૦૯ બંધ થઈ છે.  

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange