12 July, 2025 07:10 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પરિણામ પૂર્વે ફ્લૅટ રહેલી TCSનાં બંધ બજારે પ્રોત્સાહક પરિણામ, નફો એકંદર ધારણાથી વધુ આવ્યો, આવક ઘટી : સરકાર ઑફર ફૉર સેલ મારફત આંશિક હિસ્સો વેચવા સક્રિય બનતાં એલઆઇસીમાં નરમાઈ : એક્સ-રાઇટ થતાં કટી પતંગ બે ટકા કપાઈ, ક્રિઝાક ૧૦ ટકાની તેજીની સર્કિટમાં નવી ટોચે : ઓલા ઇલેક્ટ્રિકમાં નવા વર્સ્ટ લેવલની સફર ફરી શરૂ થઈ, લૉઇડ્સ એન્જિનિયરિંગ અને એનો પાર્ટ પેઇડ તગડા ઉછાળે નવા શિખરે : ઘણા દિવસથી ઘૂંટાતા બિટકૉઇનનો તેજીની નવી ઑર્બિટમાં પ્રવેશ
ટ્રમ્પ તરફથી નવી યાદીમાં ૭ દેશો પર ટૅરિફ જાહેર કરાઈ છે. બ્રાઝિલ પર ૫૦ ટકા ટૅરિફ લાદી વેરવૃત્તિ છતી કરી છે. બ્રાઝિલે વળતો પ્રહાર કરવાની ધમકી આપી છે. બ્રિક્સના મોભી દેશોમાં બ્રાઝિલનું સ્થાન મહત્ત્વનું છે. બ્રાઝિલ પર ૫૦ ટકાની ટૅરિફ નાખી ટ્રમ્પે બ્રિક્સ દેશોને ડરાવવાની કોશિશ કરી હોય એમ લાગે છે. ટ્રમ્પના પ્રહારથી બ્રાઝિલનાં શૅરબજારનો બોવેસ્પા ઇન્ડેક્સ બુધવારની રાત્રે સવા ટકા કે ૧૮૨૨ પૉઇન્ટ ઘટી ૧,૩૭,૪૮૧ બંધ થયો છે. બ્રિક્સ પર વધારાની ૧૦ ટકા ડ્યુટી, કૉપર પર ૫૦ ટકા ટૅરિફ અને ફાર્મા પર ૨૦૦ ટકા ટૅરિફની ધમકીમાં નવો ઉમેરો કરતાં ટ્રમ્પે આયાત કરનાર ચાઇના અને ભારત જેવા દેશો દ્વારા થઈ રહેલા રશિયન ઑઇલ ટ્રેડના કિસ્સામાં ૫૦૦ ટકાની ટૅરિફ લાદવાની નવી ધમકી આપી દીધી છે. આ માણસનું ખરેખર ખસી ગયું છે. આનો વહેલી તકે ઇલાજ નહીં થાય તો દુનિયાની પથારી ફરી જશે.
ઘણા દિવસથી નાનકડી વધઘટે ૧.૦૭-૧.૦૮ લાખ ડૉલરે ઘૂંટાઈ રહેલો બિટકૉઇન છેવટે નવા શિખરની ઑર્બિટમાં પ્રવેશ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રેટ ૧,૧૨,૦૯૬ ડૉલરની નવી સર્વોચ્ચ સપાટી બતાવી રનિંગમાં ૧,૧૧,૨૫૦ ડૉલર દેખાયો છે. જાણકારો નવેમ્બર સુધીમાં અહીં ૧.૪૦થી ૧.૪૫ લાખ ડૉલરનો ભાવ ભાખી રહ્યા છે. ક્રિપ્ટો સેગમેન્ટનું માર્કેટકૅપ ૨૪ કલાક દરમ્યાન ત્રણ ટકા વધી ૩.૪૬ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું છે.
અમેરિકન ટેક્નૉલૉજી જાયન્ટ એન્વિડિયાનો શૅર બુધવારની રાત્રે ઉપરમાં ૧૬૪.૪૨ ડૉલરના શિખરે જતાં એનું માર્કેટકૅપ ૪ લાખ કરોડ ડૉલરને વટાવી ગયું હતું જે વિશ્વના કૉર્પોરેટ ઇતિહાસની એક અભૂતપૂર્વ ઘટના કહી શકાય. ભાવ અંતે પોણાત્રણ ટકા વધી ૧૬૨.૮૮ ડૉલર બંધ થતાં માર્કેટકૅપ ૩.૯૭ લાખ કરોડ રહ્યું છે. ઑગસ્ટ ૨૦૧૮માં ૧૦૦ અબજ ડૉલરના માર્કેટકૅપ ઉપર પહોંચેલી એન્વિડિયા ૧ લાખ કરોડની કંપની મે ૨૦૨૩માં બની હતી. ત્યાર પછી એનો ગ્રોથ ઘણો ઝડપી જોવાયો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં એ બે લાખ કરોડ ડૉલરની કંપની અને જૂન ૨૦૨૪માં ત્રણ લાખ કરોડ ડૉલરની કંપની બની હતી. હવે ૯ જુલાઈ ૨૦૨૫માં ચાર લાખ કરોડ ડૉલરનું સિમાચિહ્ન તેણે હાંસલ કર્યું છે. ચાર લાખ કરોડ ડૉલર અર્થાત્ આખી ઇન્ડિયન ઇકૉનૉમી થઈ મતલબ કે અમેરિકાની એક જ કંપની આખા હિન્દુસ્તાનની બરાબર છે અને આપણે વિશ્વગુરુના ફાંકામાંથી ઊંચા આવતા નથી.
એશિયા ખાતે ગુરુવારે થાઇલૅન્ડ રજામાં હતું. જપાન અડધા ટકા નજીક ઘટ્યું છે. અન્ય બજાર પ્લસ હતાં જેમાં સાઉથ કોરિયા દોઢ ટકાથી વધુ, તાઇવાન પોણો ટકો, હૉન્ગકૉન્ગ, ચાઇના તથા ઇન્ડોનેશિયા અડધા ટકા આસપાસ, સિંગાપોર અડધા ટકા નજીક વધ્યું છે. યુરોપ રનિંગમાં અડધાથી પોણો ટકો ઉપર દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૭૦ ડૉલરની ઉપર ટકેલું હતું. પાકિસ્તાની શૅરબજાર ૧,૩૨,૫૭૭ના આગલા બંધ સામે રનિંગમાં ૧૨૪૫ પૉઇન્ટ વધી ૧,૩૩,૮૨૨ ચાલતું હતું.
સેન્સેક્સ આગલા બંધથી ૧૨૨ પૉઇન્ટના સુધારામાં ૮૩,૬૫૮ ખૂલી ૩૪૬ પૉઇન્ટના ઘટાડે ૮૩,૧૯૦ તથા નિફ્ટી ૧૨૧ પૉઇન્ટની નરમાઈમાં ૨૫,૩૫૫ બંધ થયો છે. પૉઝિટિવ ઓપનિંગ પછી ઉપરમાં ૮૩,૭૪૨ વટાવી બજાર તરત માઇનસ ઝોનમાં સરી પડ્યું હતું. ત્યાર પછી માર્કેટ આખો દિવસ રેડ ઝોનમાં હતું જેમાં શૅરઆંક નીચામાં ૮૩,૧૩૫ થયો હતો. નેગેટિવ માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૧૩૯૨ શૅર સામે ૧૫૨૪ જાતો ઘટી હતી. બજારનું માર્કેટકૅપ ૧.૧૭ લાખ કરોડ રૂપિયા ઘટી ૪૬૦.૧૯ લાખ કરોડ થયું છે. રિયલ્ટી, મેટલ, ઑઇલ-ગૅસ જેવા જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ ઘટ્યાં છે. ટેલિકૉમ, આઇટી, ટેક્નૉલૉજીઝ, હેલ્થકૅર, FMCG અડધાથી સવા ટકા નજીક નરમ હતા.
પરિણામ પૂર્વે નામપૂરતી નરમ, ૩૩૮૨ બંધ રહેલી TCS તરફથી બજાર બંધ થયા પછી બજારની એકંદર ધારણા કરતાં સારાં પરિણામ જાહેર થયાં છે વિશ્લેષકોના ૧૨,૨૬૩ કરોડના વરતારા સામે કંપનીએ છ ટકાના વધારામાં ૧૨,૭૬૦ કરોડ નેટ પ્રૉફિટ કરી શૅરદીઠ ૧૧ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. કંપનીની આવક જોકે ૬૪,૬૩૬ કરોડની એકંદર અપેક્ષા કરતાં ઓછી, ૬૩,૪૩૭ કરોડ નોંધાઈ છે.
ડિવિડન્ડની રેકૉર્ડ-ડેટ જાહેર થતાં યુટીઆઇ એએમસીમાં કરન્ટ
યુટીઆઇ ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપની દ્વારા શૅરદીઠ કુલ ૪૮ રૂપિયાના ડિવિડન્ડ માટે ૨૪ જુલાઈની રેકૉર્ડ-ડેટ નક્કી કરવામાં આવતાં ભાવ ૧૦ ગણા વૉલ્યુમે ગઈ કાલે ૧૪૨૮ના શિખરે જઈ પોણાચાર ટકા વધી ૧૩૯૪ બંધ થયો છે. પિઅર ગ્રુપમાં HDFC ઍસેટ મૅનેજમેન્ટ એક ટકો વધી ૫૧૯૬, શ્રીરામ ઍસેટ્સ મૅનેજમેન્ટ બે ટકા વધી ૫૮૯ હતી. નિપ્પોન લાઇફ ઇન્ડિયા ઍસેટ મૅનેજમેન્ટ ૮૨૦.૩૪ના બેસ્ટ લેવલની સાવ નજીક, ૮૨૦ થઈ ૧.૮ ટકા વધી ૮૧૫ રહી છે. સરકાર એલઆઇસીમાં ઑફર ફૉર સેલ મારફત આંશિક હિસ્સો છુટો કરવા સક્રિય બની હોવાના અહેવાલ છે. એલઆઇસીનો શૅર ગઈ કાલે નીચામાં ૯૨૧ થઈ બે ટકા ઘટી ૯૨૭ બંધ થયો છે. એન્વીરો ઇન્ફ્રાના સંયુક્ત સાહસને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી ૩૯૫ કરોડનો પ્રોજેક્ટ મળતાં ભાવ બમણા કામકાજે ઉપરમાં ૨૫૫ થઈ ૧.૭ ટકા સુધરી ૨૪૫ થયો છે.
એશિયન પેઇન્ટ્સે એક્ઝોનોબલમાંથી ૪.૪ ટકાનો સમગ્ર હિસ્સો વેચી ૭૩૦ કરોડની રોકડી કરી છે. એણે આ હોલ્ડિંગ ૨૦૧૭-’૧૮માં ૩૬૦ કરોડમાં લીધું હતું. એશિયન પેઇન્ટ્સ ગઈ કાલે ઉપરમાં ૨૫૨૦ થયા બાદ પ્રૉફિટ બુકિંગ આવતાં ૨૪૪૬ થઈ ૧.૯ ટકા ઘટીને ૨૪૫૧ રહ્યો છે. જૂન ક્વૉર્ટરનો નફો ૪૨ ટકા ઘટીને આવતાં આગલા દિવસે બગડેલી ફાઇવ પૈસા કૅપિટલ ગઈ કાલે પણ નીચામાં ૪૦૬ થઈ એક ટકો ઘટી ૪૧૦ રહી છે. આજે શુક્રવારે RIR પાવર શૅરદીઠ એક, રોટો પમ્પ્સ શૅરદીઠ બે, ડાયનેમિક કૅબલ્સ શૅરદીઠ એક તથા આલ્કોસાઇન બે શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થવાની છે. અશોક લેલૅન્ડ ૧૬ જુલાઈએ શૅરદીઠ એક બોનસમાં બોનસ બાદ થશે. નવી દિલ્હીની કટી પતંગ લાઇફ સ્ટાઇલ લિમિટેડ ૭ શૅરદીઠ બેના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૨૦ના ભાવે રાઇટમાં એક્સ-રાઇટ થતાં ગઈ કાલે બે ટકા કપાઈ ૨૩ નજીક બંધ રહી છે. BSE લિમિટેડ સવાબે ટકાના ઘટાડે ૨૪૬૬ બંધ આવી છે.
બરોડાની ક્રાયોજેનિકનું લિસ્ટિંગ ધમાકેદાર નીવડ્યું
બરોડાની ક્રાયોજેનિક OGS લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૪૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટના ૩૮ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૮૯ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૪ નજીક બંધ થતાં લગભગ ૧૦૦ ટકાનો લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. વાઇટ ફોર્સ અર્થાત હૅપી સ્ક્વેર આઉટ સોર્સિંગ ૧૦ના શૅરદીઠ ૭૬ની ઇશ્યુ પ્રાઇસ અને પાંચના પ્રીમિયમ સામે ૭૭ ખૂલી ૮૧ નજીક બંધ થતાં છ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. શુક્રવારે મેટા ઇન્ફોટેકનું લિસ્ટિંગ છે. હાલ ૫૦નું પ્રીમિયમ સંભળાય છે.
મેઇન બોર્ડમાં સ્માર્ટવર્ક્સ કોવર્કિંગ સ્પેસિસનો ૧૦ના શૅરદીઠ ૪૦૭ની અપર બૅન્ડ સાથે ૫૮૨ કરોડ પ્લસનો ઇશ્યુ પ્રથમ દિવસે કુલ ૫૦ ટકા ભરાયો છે. ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ સુધરી ૩૪ થયું છે. SME સેગમેન્ટમાં ગ્લેન ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ ૯૭ના ભાવનો ૬૩ કરોડનો ઇશ્યુ કુલ ૨૬૦ ગણા રિસ્પૉન્સ સાથે ગઈ કાલે પૂરો થયો છે. પ્રીમિયમ વધીને ૪૦ બોલાય છે. એસ્ટોન ફાર્માનો શૅરદીઠ ૧૨૩ની અપર બૅન્ડવાળો ૨૭૫૬ લાખનો ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૧૩.૭ ગણો ભરાઈ ગયો છે. ૧૦થી શરૂ થયેલું પ્રીમિયમ વધતું રહી હાલમાં ૩૦ રૂપિયા થઈ ગયું છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી ક્રિઝાક લિમિટેડ ગઈ કાલે ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૩૩૮ના બેસ્ટ લેવલે બંધ થઈ છે. સંભવ સ્ટીલ ૧૨૮ ઉપર નવી ટૉપ બનાવી પાંચ ટકા ઊછળી ૧૨૭ હતી. ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સ ચાર ટકા વધી ૧૦૮, એલનબેરી ઇન્ડસ્ટ્રીઝ ગૅસિસ ત્રણ ટકા વધી ૬૧૪, કલ્પતરુ ૩.૨ ટકા ગગડી ૪૨૦, HDB ફાઇનૅન્સ ૦.૭ ટકાના સુધારે ૮૪૬ બંધ રહી છે. બુધવારે જેનો ઇશ્યુ બંધ થયો હતો એ ટ્રાવેલ ફૂડ સર્વિસિસમાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઝીરો થઈ ગયા પછી અત્યારે પાંચ રૂપિયા ક્વોટ થવા માંડ્યું છે.
ડિફેન્સમાં સાર્વત્રિક નબળાઈ, ભારત ડાયનૅમિક્સ ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર
સેન્સેક્સના ૩૦માંથી ૬ અને નિફ્ટીના ૫૦માંથી ૧૨ વધેલા શૅરમાં મારુતિ સુઝુકી ૧.૪ ટકા વધી ૧૨,૬૩૮ના બંધમાં ટૉપ ગેઇનર બની છે. કંપનીનાં પરિણામ ૩૧ જુલાઈએ આવશે એવી જાહેરાત કામ કરી ગઈ હશે એમ માનવું હોય તો માની શકો છો. બાકી તો ઑટોમાં મહિન્દ્ર, અશોક લેલૅન્ડ, ટીવીએસ મોટર્સ, બજાજ ઑટો, આઇશર, હીરો મોટોકૉર્પ વગેરે સાધારણથી એકાદ ટકો નરમ હતા. તાતા સ્ટીલ એક ટકો, બજાજ ટ્વીન્સ ૦.૭ ટકા નજીક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૧.૪ ટકા, જિયો ફાઇનૅન્સ અડધો ટકો પ્લસ હતી. રિલાયન્સનો ટેલિકૉમ બિઝનેસનો અર્થાત જિયો પ્લૅટફૉર્મનો આઇપીઓ વિલંબમાં પડશે એવા અહેવાલ છે. મતલબ કે વાત ૨૦૨૬ ઉપર જશે. શૅર નહીંવત્ ઘટીને ૧૫૧૬ બંધ થયો છે. TCS પરિણામ પૂર્વે નીચામાં ૩૩૫૬ અને ઉપરમાં ૩૩૯૯ બતાવી બમણા કામકાજે બે રૂપિયા જેવા નહીંવત ઘટાડામાં ૩૩૮૨ રહી છે. ઇન્ફોસિસ એક ટકો, ટેક મહિન્દ્ર એક ટકા નજીક, HCL ટેક્નૉ પોણો ટકો, વિપ્રો એક ટકાથી વધુ કટ થઈ છે.
ભારતી ઍરટેલ સવાયા કામકાજે અઢી ટકાથી વધુ બગડી ૧૯૬૫ના બંધમાં બન્ને બજારમાં ટૉપ લૂઝર બની સેન્સેક્સને ૧૧૮ પૉઇન્ટ નડી છે. ભારતી હેક્સાકૉમ અડધો ટકો પ્લસ તો ઇન્ડ્સ ટાવર પોણો ટકો માઇનસ થઈ છે. અન્યમાં એશિયન પેઇન્ટ્સ બે ટકા નજીક, ભારત ઇલેક્ટ્રિક એક ટકો, એટર્નલ પોણો ટકો, HDFC લાઇફ ૧.૯ ટકા, અપોલો હૉસ્પિટલ દોઢ ટકો, શ્રીરામ ફાઇનૅન્સ ૧.૪ ટકા, નેસ્લે એક ટકો, સિપ્લા એક ટકા નજીક નરમ હતી.
ઓલા ઇલેક્ટ્રિક ૪૦ નીચે નવા ઑલટાઇમ તળિયે જઈ એક ટકો ઘટી ૪૦ નીચે બંધ થઈ છે. કિર્લોસ્કર ઑઇલ બાવીસ ગણા કામકાજે સાડાદસ ટકાની તેજીમાં ૯૧૯ બંધ આપીને ‘એ’ ગ્રુપમાં મોખરે હતી. લૉઇડ એન્જિનિયરિંગ ૮૪ ઉપર નવી ટૉપ બતાવી સાડાછ ટકાની મજબૂતીમાં ૮૨ નજીક તો એનો પાર્ટ પેઇડ શૅર ૬૧ નજીક ઑલટાઇમ હાઈ થઈ પોણાનવ ટકા ઊછળી ૬૦ ઉપર બંધ આવ્યો છે. લેમન ટ્રી સવાઆઠ ટકા અને રેલીગેર એન્ટરપ્રાઇઝિસ સાડાછ ટકા ઊચકાઈ હતી. ભારત ડાયનૅમિક્સ ૪.૭ ટકા લથડી ૧૮૯૨ના બંધમાં ‘એ’ ગ્રુપ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે. આગલા દિવસે ડબલ ડિજિટમાં ઝળકેલી મેટ્રોપોલિસ ગઈ કાલે ૪ ટકા બગડી ૧૯૭૪ રહી છે. અન્ય ડિફેન્સ કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ દોઢા વૉલ્યુમે પોણાચાર ટકા કે ૬૧૭ રૂપિયા તૂટી ૧૫,૮૮૪ હતી. સિકા ઇન્ટરપ્લાન્ટ સાડાપાંચ ટકા, અવાન્ટેલ ચાર ટકા, હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ પોણાબે ટકા, આઇડિયા ફોર્જ દોઢ ટકા, એસ્ટ્રામાઇક્રો સવાબે ટકા, અપોલો માઇક્રો પોણાબે ટકા, ડેટા પેટર્ન્સ અઢી ટકા, પારસ ડિફેન્સ સવા ટકો, ઍક્સિસકેડ્સ બે ટકા, ગાર્ડન રિચ પોણાત્રણ ટકા, માઝગાવ ડૉક અને કોચીન શિપયાર્ડ એક-એક ટકો ડૂલ થઈ છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૧૮માંથી ૧૬ શૅરના ઘટાડે દોઢ ટકાથી વધુ કપાયો છે.