ઑનલાઇન ગેમ્સ બાબત જીએસટી કાઉન્સિલ શું નિર્ણય લેશે?

26 May, 2023 03:44 PM IST  |  Mumbai | Shardul Shah

ગેમ્સક્રાફ્ટ ટેક્નૉલૉજીઝ પ્રાઇવેટ લિમિટેડ પર જીએસટી ડિપાર્ટમેન્ટે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની જીએસટીની રકમનો દાવો માંડતી નોટિસને કર્ણાટક હાઈ કોર્ટે ૨૦૨૩ની ૧૨ મેએ ફગાવી દીધી હતી.  

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગેમ્સક્રાફ્ટ ટેક્નૉલૉજીઝ પ્રાઇવેટ લિમિટેડ પર જીએસટી ડિપાર્ટમેન્ટે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાની જીએસટીની રકમનો દાવો માંડતી નોટિસને કર્ણાટક હાઈ કોર્ટે ૨૦૨૩ની ૧૨ મેએ ફગાવી દીધી હતી.  

કર્ણાટક હાઈ કોર્ટે આપેલા ચુકાદામાં જણાવ્યું કે ઑનલાઇન, ઇલેક્ટ્રૉનિક, ‘રમી’ની ડિજિટલ ગેમ અને એવી બીજી ઑનલાઇન ઇલેક્ટ્રૉનિક, ડિજિટલ રમતો કે જેમાં કૌશલ્યની જરૂર હોય છે એવી રમતોને બેટિંગ કે જુગાર તરીકે નહીં ગણાય અને એટલે એમની પર જીએસટી હેઠળ ટૅક્સ નહીં લાગે. કૌશલ્યની જરૂર હોય એવી ઑનલાઇન ગેમ્સ ઑફર કરતી ગેમિંગ કંપનીઓને આ ચુકાદાને કારણે મોટી રાહત મળી હતી.       

કર્ણાટક હાઈ કોર્ટે જીએસટી વિભાગની દલીલનો ઉલ્લેખ કર્યો હતો અને ટકોર કરી હતી કે જીએસટી વિભાગ દ્વારા સુપ્રીમ કોર્ટ, આ કોર્ટ અને અન્ય ઉચ્ચ અદાલતો સહિતના વિવિધ અદાલતોના ચુકાદાઓમાંથી કેટલાંક વાક્યોને ઉપાડીને હયાતીમાં નથી એવો કેસ ઊભો કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે.

કર્ણાટક હાઈ કોર્ટે એ પણ નોંધ્યું કે ‘રમી’ની રમતમાં કુશળતાની જરૂર પડે છે અને એ કોઈ નસીબ કે શક્યતાઓનો ખેલ નથી એટલે ખેલાડી જો પૈસાથી પણ રમતો હોય તો પણ આ રમતને જુગાર તરીકે ગણવામાં નહીં આવે. આ દલીલ ઑફલાઇન અને ઑનલાઇન બન્ને પ્રકારની રમતને લાગુ પડશે. 

કુશળતા કે નસીબ?

ઑનલાઇન પ્લૅટફૉર્મ પર રમાતી રમતો એ કૌશલ્યનો ખેલ છે કે નસીબનો ખેલ છે એ નક્કી કરવા માટે જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, કારણ કે જે રમતોમાં કુશળતાની જરૂર છે એવી રમતો પર ૧૮ ટકાના દરે અને જે રમતો નસીબનો ખેલ છે (જુગાર) એમની પર ૨૮ ટકાના દરે જીએસટી લાગુ પડે છે.   ગેમ્સક્રાફ્ટ અનુસાર, જે તેઓએ દલીલ કરી હતી એ અગાઉ કૌશલ્યની રમત તરીકે ગણવામાં આવી હતી. જીએસટી વિભાગે દલીલ કરી હતી કે ‘રમી’ એ તકની/નસીબની રમત છે અને એથી જીએસટીનો ૨૮ ટકાનો દર લાગુ પડવો જોઈએ. 

કઈ રકમ પર જીએસટી લાગશે

ખેલાડીઓ દ્વારા ‘રમી’ રમવા માટે મૂકવામાં આવેલી બધી જ રકમ પર નહીં, પરંતુ ખેલાડીઓ પાસેથી એકત્રિત થયેલી પ્લૅટફૉર્મ ફી પર જ કંપની ૧૮ ટકાના દરે જીએસટી ભરતી હતી.  
ઍક્ટના શેડ્યુલ III સાથે વાંચેલા સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ની કલમ ૭ (૨)ને પ્રમાણે કૌશલ્યની રમતો પર લાગુ પડતો ટૅક્સ ‘સપ્લાય’ શબ્દના અવકાશની બહાર છે.
તેમ છતાં સીજીએસટી ઍક્ટની કલમ ૨ (૧૭) પ્રમાણે વેજરિંગ કૉન્ટ્રૅક્ટને ‘વ્યવસાય’ શબ્દમાં સમાવિષ્ટ કરાયો છે, પરંતુ એનો અર્થ એ નથી કે લૉટરી, સટ્ટાબાજી અને જુગાર જેવી રમતો અને કૌશલ્યની જરૂર હોય એવી રમતો એકસમાન છે.

હાલમાં, ઑનલાઇન ગેમિંગ ઉદ્યોગ જીએસટી પર સ્પષ્ટતાની રાહ જુએ છે. ઑનલાઇન ગેમ્સમાંથી મળેલી કુલ રકમ પર ટૅક્સ ભરવાની વર્તમાનમાં જોગવાઈ કરેલી છે, જે ચાલુ રહેશે. હાલમાં ઑનલાઇન ગેમિંગ, કુલ ગેમિંગ આવક પર ૧૮ ટકા જીએસટીને આકર્ષિત કરે છે.

જીએસટી કાઉન્સિલના હાથમાં આખરી નિર્ણય 

કાઉન્સિલની ૪૯મી બેઠકમાં ઑનલાઇન ગેમિંગ, હૉર્સ રેસિંગ અને કસીનો વિશેનો અહેવાલ લેવામાં આવ્યો નહોતો. આગામી બેઠકમાં અહેવાલ લેવામાં આવે એવી સંભાવના છે. જોકે અધિકારીઓએ સંકેત આપ્યો છે કે આવી પ્રવૃત્તિઓ પર કેવી રીતે ટૅક્સ લગાવવો એ વિશે ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (જીઓએમ)ના અહેવાલમાં કોઈ સહમતી ન થવાને કારણે જીએસટી કાઉન્સિલમાં આ મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાની જરૂર પડશે.

એક અહેવાલ પ્રમાણે હજી સુધી આ મુદ્દો કાઉન્સિલના એજન્ડાનો ભાગ બન્યો નથી. એ આગામી મીટિંગમાં લેવામાં આવી શકે છે, પરંતુ જીઓએમ રિપોર્ટમાં સર્વસંમતિના અભાવને લીધે, આ મુદ્દા પર વ્યાપક રીતે સલાહ-સૂચનોની જરૂરિયાત પડશે, કારણ કે આ વિશે જુદાં-જુદાં રાજ્યોના જુદા-જુદા દૃષ્ટિકોણ છે. 

એવું જણાય છે કે જીઓએમ ઑનલાઇન ગેમિંગ, હૉર્સ રેસિંગ અને કસીનો પર ૨૮ ટકાના દરે ટૅક્સ લગાડવાની તરફેણમાં છે, પરંતુ આ ટૅક્સ ફક્ત ફી પર લગાડવો જોઈએ કે વિચારણા હેઠળની સંપૂર્ણ રકમ પર લગાડવો જોઈએ એ વિશે એમની વચ્ચે કોઈ સહમતી બની નથી. આથી જીઓએમએ અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલ માટે મુલતવી રાખ્યો છે. 
આ ઇન્ડાયરેક્ટ ટૅક્સ (પરોક્ષ કર)ની ગ્રાહકો પાસેથી પુન: પ્રાપ્તિ કરવી મુશ્કેલ બનશે, કારણ કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર (બીટુસી) વચ્ચેના ટ્રાન્ઝૅક્શનમાં ગ્રાહકોની ઓળખ અજાણી હોય છે અને એથી આ બાબત વિશે જો વહેલો નિર્ણય કરવામાં આવશે તો આ ઉદ્યોગ પરના અણધાર્યા ભારને ઘટાડવામાં મદદ મળશે. 

business news goods and services tax