02 February, 2026 08:34 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોઈ પણ બજેટની વધુમાં વધુ અસર મધ્યમ વર્ગ પર થતી હોય છે. તો ચાલો, ૨૦૨૬-’૨૭ના બજેટમાં કરાયેલી જોગવાઈઓ મધ્યમ વર્ગ પર કેવી અસર કરશે એ જોઈ લઈએઃ
આવકવેરાના સ્લૅબમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. આમ ભલે કોઈ રાહત મળી ન હોય, કોઈ વધારાનો બોજ પણ આવ્યો નથી. સ્લૅબની સાથે-સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ કોઈ જ ફેરફાર નથી.
હવે ૨૦૨૬ની ૧ એપ્રિલથી નવો આવકવેરા ધારો અમલમાં આવશે. સરકાર આવકવેરાને લગતા સરળ નિયમો અને ફૉર્મ ટૂંક સમયમાં જાહેર કરશે.
સરકારે નિલ ડિડક્શન સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનું સરળ બનાવી દીધું છે. અત્યાર સુધી આ સર્ટિફિકેટ મેળવવા માટે એસેસિંગ ઑફિસર સમક્ષ અરજી કરવી પડતી હતી, પરંતુ હવે એ ઑનલાઇન પ્રક્રિયા દ્વારા જાતે જ પ્રાપ્ત કરી શકાશે.
મોટર ઍક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલના ચુકાદા મુજબ વ્યક્તિને આપવામાં આવેલી રકમ પર આવકવેરો તથા TDS (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) લાગુ નહીં પડે.
વિદેશપ્રવાસના પૅકેજ પર ઓછો TCS (ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સ):
અત્યાર સુધી વિદેશપ્રવાસના પૅકેજ પર ૧૦ લાખ રૂપિયા સુધીના ખર્ચ બાબતે પાંચ ટકા TCS લાગતો હતો અને એનાથી વધુ ખર્ચ બાબતે ૨૦ ટકા TCS હતો. હવે સરકારે ગમેતેટલા ખર્ચ માટે TCSનો દર બે ટકા કરી દીધો છે.
શિક્ષણ અને મેડિકલ હેતુસર વિદેશ મોકલાતાં નાણાં પર ઓછો TCS ઃ
અત્યાર સુધી વિદ્યાર્થી કે પરિવારજનો શિક્ષણ કે મેડિકલ સારવાર માટે LRS (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ વિદેશમાં નાણાં મોકલતા ત્યારે ૧૦ લાખ રૂપિયાથી વધુ રકમ હોય તો બૅન્કો પાંચ ટકા TCS લાગુ કરતી. હવે આ દર બે ટકા કરી દેવાયો છે. આમ વિદેશમાં ભણતા વિદ્યાર્થી કે સારવાર કરાવનાર પરિવારજન માટે પૈસા મોકલનારા પરિવારો પરનો બોજ ઘટી જશે.
કામકાજ માટે માણસોને આપવામાં આવતી રકમને હવે કૉન્ટ્રૅક્ટરોને કરાતી ચુકવણી ગણવામાં આવશે. આમ આ કૉન્ટ્રૅક્ટરોને ચૂકવાતી રકમ પર હવેથી TDS લાગુ પડશે. આ ફેરફારને પગલે મનુષ્યબળ પૂરું પાડવાની સેવાઓને ફક્ત એક કે બે ટકા જ TDS લાગુ થશે.
આવકવેરાનું સુધારિત રિટર્ન ફાઇલ કરવા માટેની સમયમર્યાદા વધારીને ૩૧ ડિસેમ્બર કરવામાં આવશે. જો ૩૧ ડિસેમ્બર સુધીમાં પણ રિટર્ન ફાઇલ નહીં કરાય તો સાધારણ ફી ચૂકવીને ૩૧ માર્ચ સુધી ફાઇલિંગ કરાવી શકાશે.
અનેક કંપનીઓના શૅર ધરાવતા કરદાતાઓએ અત્યાર સુધી દરેક કંપનીને અલગ-અલગ 15H કે 15G ફૉર્મ આપવું પડતું હતું. હવે સરકારે કહ્યું છે કે ડિપોઝિટરી જ એ ફૉર્મ લઈ લેશે અને તમામ કંપનીઓને પૂરું પાડી દેશે. આમ દરેક કંપની માટે અલગ-અલગ ફૉર્મ આપવું નહીં પડે.
વ્યક્તિગત કરદાતાઓ (જેઓ ફૉર્મ ૧ અને ફૉર્મ ૨ ભરે છે) માટે આવકવેરાનું રિટર્ન ફાઇલ કરવાની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ છેલ્લી તારીખ પહેલાંની જેમ ૩૧ જુલાઈ રહેશે. જોકે નૉન-ઑડિટ બિઝનેસના તથા ટ્રસ્ટના કેસમાં છેલ્લી તારીખ ૩૧ ઑગસ્ટ રહેશે.
બિનરહીશ ભારતીયો જ્યારે રહેવાસી ભારતીયને પ્રૉપર્ટી વેચે ત્યારે હવેથી ખરીદદારના પૅનની મદદથી પણ TDS કાપી શકાશે.
સરકારે વિદ્યાર્થીઓ, યુવા પ્રોફેશનલ્સ, ટેક્નૉલૉજી ક્ષેત્રના કર્મચારીઓ, સ્થળાંતર કરી ગયેલા બિનરહીશ ભારતીયો તથા એવી બીજી વ્યક્તિઓ માટે છ મહિના ચાલનારી એક વખતની ફૉરેન ઍસેટ ડિસ્ક્લોઝર સ્કીમ લાગુ કરવાનું નક્કી કર્યું છે. અમુક પ્રમાણ કરતાં ઓછી હોય એવી જ આવક કે ઍસેટ્સને આ સ્કીમ લાગુ થશે. જેમણે પોતાની વિદેશની આવક કે ઍસેટ જાહેર કરી ન હોય અને જેમણે આવક જાહેર કરીને કરવેરાની ચુકવણી કરી હોય કે ન કરી હોય, પણ ઍસેટ જાહેર કરી ન હોય એવા કિસ્સામાં પણ આ સ્કીમ લાગુ થશે.
શૅરના બાયબૅકમાં થનારા ફાયદાને કૅપિટલ ગેઇન્સ ગણવામાં આવશેઃ
તમામ પ્રકારના શૅરધારકો માટે બાયબૅકમાં થનારો લાભ કૅપિટલ ગેઇન્સ ગણવામાં આવશે. જોકે કરવેરાને લગતું આર્બિટ્રેજ કરવાની પ્રવૃત્તિને અંકુશમાં રાખવાની દૃષ્ટિએ નક્કી કરવામાં આવ્યું છે કે પ્રમોટરોએ વધારાનો બાયબૅક ટૅક્સ ચૂકવવાનો રહેશે. આમ કૉર્પોરેટ પ્રમોટરો માટેનો વાસ્તવિક કરવેરાનો દર ૨૨ ટકા થઈ જશે. નૉન-કૉર્પોરેટ પ્રમોટરો માટે વાસ્તવિક દર ૩૦ ટકા રહેશે.
પર્સનલ ગુડ્સની આયાત પરની કસ્ટમ્સ ડ્યુટી ૨૦થી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવશે.
બજેટથી સામાન્ય કરદાતાઓને નોંધપાત્ર રાહત મળી છે. ટેક્નિકલ આવકવેરાની ભૂલોને કારણે હવે જેલમાં જવાનું નહીં રહે, દંડ ભરીને કેસનું સમાધાન કરી શકાશે. ઑડિટ, ટ્રાન્સફર પ્રાઇસિંગ રિપોર્ટ અથવા નાણાકીય માહિતી સબમિટ કરવામાં નિષ્ફળતાને હવે ગુનો ગણવામાં આવશે નહીં. દસ્તાવેજો પૂરા પાડવામાં નિષ્ફળતા અથવા ઇન-કાઇન્ડ ચુકવણીઓ પર TDS કાપવામાં નિષ્ફળતાને પણ હવે ગુનો ગણવામાં આવશે નહીં. નાના કેસોમાં ફક્ત દંડ થશે, જ્યારે ગંભીર કેસોમાં મહત્તમ સજા બે વર્ષ કરવામાં આવી છે જેને કોર્ટ દંડમાં રૂપાંતરિત કરી શકે છે. વધુમાં ૨૦ લાખ રૂપિયાથી ઓછી કિંમતની વિદેશી સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળતા પર ૨૦૨૪ની પહેલી ઑક્ટોબરથી કોઈ દંડ અથવા કાર્યવાહી કરવામાં આવશે નહીં.