પ્રૉપર્ટીના માલિકે રાત્રે ચેનથી સૂવું હોય તો પ્રૉપર્ટીનો વીમો લઈ લેવો જોઈએ

12 June, 2021 01:32 PM IST  |  Mumbai | Ram Prasad Padhi

રહેણાક નહીં, કમર્શિયલ પ્રૉપર્ટીનો પણ વીમો લઈ શકાય છે. કુદરતી તથા માનવસર્જિત આફતો સામે આ વીમો રક્ષણ આપે છે. 

GMD Logo

વર્તમાન યુગમાં વીમા વગરના જીવનની કલ્પના કરવાનું મુશ્કેલ છે. આપણે જીવન વીમો, આરોગ્ય વીમો, વાહન વીમો વગેરે વીમા લઈએ છીએ. જોકે ભારતમાં ઘરનો વીમો લેવાનું ચલણ હજી ઓછું છે. ખરી રીતે મિલકતનો વીમો કઢાવવાનું ઘણું અગત્યનું છે. માત્ર રહેણાક નહીં, કમર્શિયલ પ્રૉપર્ટીનો પણ વીમો લઈ શકાય છે. કુદરતી તથા માનવસર્જિત આફતો સામે આ વીમો રક્ષણ આપે છે. 
પ્રોપર્ટી વીમો કઈ વસ્તુઓને કવર કરે છે?
પ્રૉપર્ટીના વીમા હેઠળ ઘર કે કમર્શિયલ જગ્યા કે ઇમારત અને તેમાં રહેલી વસ્તુઓનો વીમો કઢાવવામાં આવે છે. કુદરતી આફતો અને માનવસર્જિત આફતોથી થનારા નુકસાન સામે
એ રક્ષણ આપે છે. માત્ર ઘરના માળખાનો વીમો કઢાવવો હોય તો એ કઢાવી
શકાય છે. એમાંની કીમતી વસ્તુઓ,
જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘરેણાં, ફર્નિચર વગેરે સાથે પણ તેનો વીમો કઢાવી શકાય છે. આમ માલિક પોતાની આવશ્યકતાઓ કે ઇચ્છા અનુસાર વીમો લઈ શકે છે.
પ્રૉપર્ટી વીમો કેવી રીતે કઢાવવાનો હોય છે?
જેનો વીમો કઢાવ્યો હોય એ પ્રૉપર્ટી કે તેમાંની વસ્તુઓને આવરી લેતો કૉન્ટ્રૅક્ટ વીમા કંપની પૉલિસીધારક સાથે કરે છે. પૉલિસીધારક પોતાની ઇચ્છા મુજબની વસ્તુઓને વીમા કવચ હેઠળ આવરી શકતા હોવાથી એ પૉલિસીનું લખાણ બરોબર વાંચી-સમજી લીધેલું હોવું જોઈએ. કઈ કઈ બાબતો પૉલિસી હેઠળ આવરી લેવાયેલી નથી એની સ્પષ્ટતા પણ પૉલિસીધારકને હોવી જોઈએ. યોગ્ય નિર્ણય લઈ શકાય એ માટે અલગ અલગ કંપનીની પૉલિસીઓની તુલના કરવી હિતાવહ છે. 
પ્રૉપર્ટી વીમાના પ્રકારઃ
ઘરના માલિક કુદરતી રીતે લાગેલી આગ કે કોઈકે લગાડેલી આગ, લૂંટફાટ, ભૂકંપ, પૂર, ચોરી વગેરે જોખમો સામે રક્ષણ આપનારી પૉલિસી લઈ શકે છે. આવા વીમામાં ફર્નિચર કે બીજી કીમતી વસ્તુઓને થનારા નુકસાનને પણ આવરી શકાય છે. પ્રૉપર્ટીના માળખાના તથા પૉલિસી લેવા ઇચ્છુક વ્યક્તિની આવશ્યકતાઓના આધારે પૉલિસીનાં નિયમો અને શરતો નક્કી થાય છે. જો તમે ઘર ભાડે આપ્યું હોય તો રેન્ટલ પ્રૉપર્ટી વીમો પણ લઈ શકાય છે. ભાડૂતની બેદરકારીથી થયેલા કે એમણે જાણીજોઈને કરેલા નુકસાન સામે એ રક્ષણ આપે છે. 
કોઈ પ્રૉપર્ટી ગિરવે મૂકવામાં આવે ત્યારે તેનો વીમો હોય એવો આગ્રહ નોન બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને બૅન્કો રાખે છે. આમ તમે ઘરના માલિક હો કે જમીનના, પ્રૉપર્ટીનો વીમો કઢાવવાનું સારું કહેવાય, કારણ કે તમને થનારા નુકસાનના જોખમ સામે એ રક્ષણ પૂરું પાડે છે. 
પ્રોપર્ટી વીમો લેવાની અગત્યતા
રહેણાંકહોય, કમર્શિયલ હોય કે બીજા કોઈ પ્રકારની હોય, દરેક પ્રૉપર્ટીનું મૂલ્ય બીજી અનેક અસ્કયામતો કરતાં વધારે હોવાથી એને કોઈ નુકસાન થાય તો મોટો આર્થિક ફટકો પડે છે. પ્રીમિયમની નાનકડી રકમ આવા મોટા આર્થિક ફટકા સામે મોટું રક્ષણ આપે છે. ઘરને થયેલા નુકસાનનું સમારકામ પ્રૉપર્ટી વીમામાં મળનારી નુકસાન ભરપાઈમાંથી કરી શકાય છે. 
પ્રૉપર્ટીને નુકસાન થાય ત્યારે પૉલિસીધારકને કોઈ ઈજાને લીધે મેડિકલ ખર્ચ થાય તો એને લાયેબિલિટી વીમા હેઠળ આવરી લેવાય છે. 
આપણે અગાઉ જોયું એમ ભાડે આપવામાં આવેલા ઘરમાં ભાડૂતની બેદરકારીથી થયેલા કે એમણે જાણીજોઈને કરેલા નુકસાનની ભરપાઈ પણ પ્રૉપર્ટી વીમા હેઠળ થઈ શકે છે. 
ઘરમાં કે કમર્શિયલ પ્રૉપર્ટીમાં ચોરી, સશસ્ત્ર લૂંટ કે ભાંગફોડને લીધે થનારું નુકસાન પણ વીમા કંપની ભરપાઈ કરી આપે છે. 
પ્રૉપર્ટીની ઘણી પૉલિસીઓમાં ઘર, ઑફિસ, દુકાનમાંની કીમતી વસ્તુઓનો પણ વીમો આપવામાં આવે છે. 
પ્રૉપર્ટી વીમો લેતી વખતે રાખવાની સાવધાની
પ્રૉપર્ટી વીમો લેતી વખતે અલગ અલગ કંપનીઓના પ્લાનની તુલના કરી જોવી. પૉલિસીના નિયમો અને શરતો, પ્રીમિયમની રકમ, વગેરે બાબતોનો તેમાં સમાવેશ થાય છે. તમારા ખિસાને પરવડે એટલા પ્રીમિયમમાં વધુમાં વધુ રક્ષણ આપનારી પૉલિસી પસંદ કરવી. એ ઉપરાંત જો કોઈ અનિચ્છનીય ઘટના બને ત્યારે કેટલા દિવસમાં દાવો કરવાનો હોય છે અને દાવો કરવા માટેની પ્રક્રિયા શું છે એની પણ નોંધ લઈને રાખેલી હોવી જોઈએ. 
વીમાનો દાવો કરવો ન પડે એ પરિસ્થિતિ જ હંમેશાં ઇચ્છનીય છે, પરંતુ ન  કરે નારાયણ ને કોઈ અપ્રિય ઘટના બને તો પ્રૉપર્ટી વીમો ઘણી મોટી રાહત આપી શકે છે. પ્રૉપર્ટીના માલિકે રાત્રે ચેનથી સૂવું હોય તો પ્રૉપર્ટીનો વીમો લઈ લેવો જોઈએ.

business news