ઘરની ખરીદીમાં ભરોસાપાત્ર એજન્ટની ભૂમિકા

25 June, 2022 10:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરની ખરીદીમાં રિયલ એસ્ટેટ એજન્ટની ભૂમિકા વિશે આપણે વાત કરવાના છીએ. 

પ્રતીકાત્મક તસવીર

પોતાનું ઘર લેવાની દરેકની ઇચ્છા હોય છે, પરંતુ એની ખરીદી કરતી વખતે ઘણી સાવચેતી રાખવી પડે છે. મોટા ભાગના લોકો માટે આખી જિંદગીની કમાણી એક ઘર ખરીદવામાં પૂરી થઈ જતી હોય છે અને ઉપર થોડી લોન પણ લેવી પડતી હોય છે. 
ઘરની ખરીદીમાં રિયલ એસ્ટેટ એજન્ટની ભૂમિકા વિશે આપણે વાત કરવાના છીએ. 
રિયલ્ટરના અનુભવનો લાભ મળે છે
કોઈ પણ માણસ જીવનમાં એક જ વખત ઘર ખરીદતો હોય છે. આથી તેને ઘરની ખરીદીનો અગાઉનો કોઈ અનુભવ હોતો નથી. આવી સ્થિતિમાં બ્રોકર એટલે કે રિયલ્ટરનો અનુભવ તેમને ઉપયોગી ઠરે છે. યોગ્ય ઘર શોધવું, ભાવ માટે વાટાઘાટો કરવી અને છેલ્લે વેચાણકર્તા સાથે યોગ્ય દસ્તાવેજો તૈયાર કરાવીને સોદો પાર પાડવો. એટલું જ નહીં, જે હાઉસિંગ સોસાયટીમાં ઘર ખરીદ્યું હોય એની સાથેના દસ્તાવેજો પણ તૈયાર કરવાના હોય છે. આ બધાં કામમાં એજન્ટ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.  
પૈસાનો વિચાર કર્યા વગર નિષ્ણાતની મદદ લેવી
કોઈ પણ બીમારીમાં જાતે દવા લેવી નહીં એવી ડૉક્ટરોની સૂચના હોય છે. આ જ રીતે જ્યારે જીવનમાં ઘરની ખરીદીનો પ્રશ્ન આવે ત્યારે નિષ્ણાતની મદદ લેવાની જરૂર હોય છે. આવા સમયે થોડા પૈસા બચાવવાને બદલે રિયલ્ટરની સેવા લેવી, જેથી ઘરની ખરીદીના સોદામાં ક્યાંય છેતરાઈ જવાય નહીં. 
રિયલ્ટરને લીધે માનસિક શાંતિ
તમે જ્યારે ઘર ખરીદવા ઇચ્છુક હો ત્યારે તમારે પોતાની જરૂરિયાત અને પ્રાથમિકતાઓ તથા પસંદગીઓ વિશે રિયલ્ટરને જાણ કરી દેવી. તે તમારી આવશ્યકતા મુજબની પ્રૉપર્ટી જોઈને તમને સૂચન કરશે. તમે જાતે ઘર શોધવા જઈને માનસિક અસ્વસ્થ થઈ જાઓ એના કરતાં રિયલ્ટરની મદદ લઈને માનસિક શાંતિ અનુભવો એ ઘણું મહત્ત્વું હોય છે. એજન્ટ તમને સારામાં સારા વિકલ્પો બતાવી શકે છે. પછી તમારે પોતાની સગવડ મુજબ એ જોવા જવું, જેથી તમારાં સમય અને શક્તિનો બગાડ થાય નહીં.  
વાટાઘાટમાં બ્રોકરની મહત્ત્વપૂર્ણ ભૂમિકા
ઘર નક્કી કરી લીધા બાદ વેચાણકર્તા સાથે બેસીને ભાવની બાબતે વાટાઘાટ કરવી પડે છે. આવામાં બ્રોકરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે. તેઓ વાટાઘાટ કરવાનો ઘણો અનુભવ ધરાવતા હોય છે. તમને ગમતી પ્રૉપર્ટી તમારા હાથમાંથી નીકળી ન જાય અને સાથે-સાથે તમને એ ઘર મોંઘું પણ પડે નહીં એ દૃષ્ટિએ બ્રોકર વાટાઘાટ કરી શકે છે. 
કાનૂની ઔપચારિકતામાં મદદ
ઘરની ખરીદીના દસ્તાવેજોમાં સૌથી મહત્ત્વનું હોય તો એ છે ઍગ્રિમેન્ટ ફૉર સેલ. આ ઍગ્રિમેન્ટની કલમો તમારા હિતના વિરોધમાં હોય નહીં એ જોવાનું કામ પણ બ્રોકરનું છે. આથી તેઓ તમને એવો જ ડ્રાફ્ટ આપશે, જે ખરીદદાર તરીકે તમારા હિતમાં હોય. 
છેલ્લે, એટલું જ કહેવાનું કે બ્રોકર ફક્ત નામ ખાતરનો બ્રોકર ન હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ઉપર કહ્યું એ પ્રમાણેના દરેક કામમાં તેનો અનુભવ બોલતો હોય અને સાથે-સાથે એના પર સંપૂર્ણ ભરોસો રાખી શકાય એમ હોય તો જ તેમની પસંદગી કરવી.

business news