09 July, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મંગળવારે સવારે તાતા ગ્રુપની કંપની ટાઇટનના શૅરના ભાવમાં પાંચ ટકાથી વધારે ઘટાડો થયા બાદ દિવંગત રાકેશ ઝુનઝુનવાલાના પરિવારને લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીના એપ્રિલ-જૂન ૨૦૨૫ના બિઝનેસ અપડેટ અપેક્ષાઓ કરતાં ઓછા આવવાને કારણે શૅરના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. ઝુનઝુનવાલા પરિવાર ટાઇટનમાં ૫.૧૫ ટકા હિસ્સો ધરાવે છે. આ પરિવાર પાસે આ કંપનીના આશરે ૪.૫૭ કરોડ શૅર છે.
ટાઇટનના શૅરનો ભાવ સોમવારે માર્કેટ બંધ રહી ત્યારે ૩૬૬૭ રૂપિયા હતો. ગઈ કાલે બજાર ખૂલ્યું ત્યારે શૅરનો ભાવ ગૅપથી નીચલા ૩૫૮૧.૮૦ રૂપિયાના સ્તરે ખૂલ્યો હતો અને નીચામાં ૩૪૩૫ સુધી જઈને છેવટે ૩૪૪૦ના ભાવે બંધ રહ્યો હતો. આમ એક જ દિવસમાં ભાવ ૬.૧૭ ટકા એટલે કે ૨૨૬.૧૦ રૂપિયા ઘટ્યો હતો. છેલ્લાં પાંચ ટ્રેડિંગ-સેશનમાં શૅરના ભાવમાં ૭.૩૨ ટકા એટલે કે ૨૭૧.૫૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
ગઈ કાલે શૅરના ભાવમાં કડાકાના પગલે કંપનીની માર્કેટકૅપ ઘટીને ૩,૦૭,૬૧૮ કરોડ રૂપિયા થઈ હતી. ઝુનઝુનવાલા પરિવારનો હિસ્સો પણ આશરે ૧૬,૮૦૦ કરોડથી ઘટીને ૧૫,૮૦૦ કરોડ રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો.