28 March, 2025 06:56 AM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ટ્રમ્પની ટૅરિફ-પૉલિસીથી ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી રહેવાનો સંકેત અને ઇઝરાયલ-હમાસ વચ્ચે ફરી ભીષણ યુદ્ધ શરૂ થતાં જિયોપૉલિટિકલ ટેન્શનના વધારાની અસરે સોનું વર્લ્ડ માર્કેટમાં સતત બીજે દિવસે વધ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને ૩૦૩૨.૬૦ ડૉલરે પહોંચ્યું હતું. સોનાની તેજીને પગલે ચાંદી પણ વધીને ૩૩.૫૧ ડૉલરે પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૦ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૮૭૨ રૂપિયા વધ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ ઇન્ડેક્સ માર્ચમાં સતત ચોથે મહિને ૭.૨ પૉઇન્ટ ઘટીને ૯૨.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૯૪.૫ પૉઇન્ટની હતી. અમેરિકન પબ્લિકનું બિઝનેસ અને જૉબમાર્કેટના ગ્રોથનું એક્સપેક્ટેશન બતાવતો ઇન્ડેક્સ પણ ૯.૬ પૉઇન્ટ ઘટીને ૬૫.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ૧૨ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ ઇન્ડેક્સ જ્યારે ૮૦ પૉઇન્ટની નીચે જાય ત્યારે ઇકૉનૉમિસ્ટો રિસેશનનો સંકેત માને છે. કરન્ટ ઇકૉનૉમિક કન્ડિશનને બતાવતો ઇન્ડેક્સ પણ ૩.૬ પૉઇન્ટ ઘટીને ૧૩૪.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો.
અમેરિકાના ટૉપ લેવલનાં વીસ શહેરોમાં હોમપ્રાઇસ જાન્યુઆરીમાં વીસ ટકા વધ્યા હતા જે ડિસેમ્બરમાં પણ ૪.૫ ટકા વધ્યા હતા. જોકે માર્કેટની ૪.૮ ટકા વધારાની ધારણા કરતાં ઓછા ઘટ્યા હતા. હોમપ્રાઇસનો વધારો છેલ્લા છ મહિનાનો સૌથી ઝડપી હોવાથી બિલ્ડિંગ પરમિટ ઘટી રહી છે. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ ફેબ્રુઆરીમાં એક ટકો ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૧૪.૫૯ લાખે પહોંચી હતી જેના વિશે માર્કેટની ધારણા ૧૪.૫૬ લાખની હતી. મલ્ટિ સેગમેન્ટ બિલ્ડિંગની પરમિટ ૩.૪ ટકા અને સિંગલ ફૅમિલી હાઉસિંગના બિલ્ડિંગની પરમિટ ૦.૪ ટકા વધી હતી.
અમેરિકાના ૨૦૨૪ના ચોથા ક્વૉર્ટરના ગ્રોથરેટના ફાઇનલ ડેટા ભારતીય સમય પ્રમાણે આજે સાંજે છ વાગ્યે જાહેર થશે. ઍડ્વાન્સ એસ્ટિમેટ ૨.૩ ટકા અને બીજો એસ્ટિમેટ પણ ૨.૩ ટકા રહ્યા બાદ ફાઇનલ પણ ૨.૩ ટકા રહેવાની ધારણા છે. ૨૦૨૪ના ત્રીજા ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૩.૧ ટકા રહ્યો હતો.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇઝરાયલ અને હમાસ વચ્ચેની યુદ્ધ-વિરામ સમજૂતીનો કરુણ રકાસ થતાં ૧૮ માર્ચથી બન્ને દેશો વચ્ચે ફરી ભીષણ યુદ્ધ ચાલુ થઈ ચૂક્યું છે. ગાઝામાં ફરી પહેલા જેવી સ્થિતિ ઊભી થતાં હૉસ્પિટલોમાં ઈજાગ્રસ્તોથી ભરાવા લાગી છે અને મેડિકલ સાધનો ખૂટવા લાગ્યાં છે. ઇઝરાયલનું આક્રમણ છેલ્લા નવ દિવસથી વધી રહ્યું હોવાથી સ્થિતિ બદતર બની રહી છે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર નેતન્યાહુએ એની પાર્લમેન્ટમાં જણાવ્યું હતું કે યુદ્ધ-સમાપ્તિની સમજૂતી અનુસાર હમાસને બંધકોને મુક્ત કરવાના હતા, પણ હજી ૫૯ ઇઝરાયલના બંધકો હમાસના કબજામાં છે જેમાંથી માત્ર પચીસ જીવિત હોવાની શક્યતા હોવાથી ઇઝરાયલ મિલિટરી દ્વારા હવે આક્રમણ સતત વધારાઈ રહ્યું છે. છેલ્લા આઠ દિવસ દરમ્યાન દરરોજ ઍવરેજ ૫૦નાં મોત થઈ રહ્યાં છે, છેલ્લા ૨૪ કલાકમાં ઇઝરાયલના આક્રમણમાં ૩૮નાં મોત થયાં છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ સતત વધી રહ્યું હોવાથી સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનની સેફ હેવન ડિમાન્ડનો સતત સપોર્ટ મળી રહ્યો છે.
સરકારે બહુ ગાજેલી ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ અંશત: બંધ કરી
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા દેશનાં મંદિરો અને ઘરોમાં પડેલા બાવીસ હજાર ટન સોનાને માર્કેટમાં લાવવા માટે ૨૦૧૫માં ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ લૉન્ચ કરવામાં આવી હતી, પણ શરૂઆતથી આ સ્કીમનો ખૂબ જ નબળો પ્રતિસાદ મળ્યા બાદ આ સ્કીમમાં વર્ષો સુધી કોઈ કામગીરી થતી ન હોવાથી અંતે સરકારે આ સ્કીમ અંશત: બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સ્કીમમાં એકથી ત્રણ વર્ષ, પાંચથી સાત વર્ષ અને ૧૨થી ૧૫ વર્ષ માટે સોનું સ્વીકારવામાં આવતું હતું. હવે સરકારે માત્ર એકથી ત્રણ વર્ષ માટેની સ્કીમ બૅન્કોને પોસાય એ રીતે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. સોનાના ભાવ એકધારા વધી રહ્યા હોવાથી સરકારી તિજોરી પર બોજ ન વધે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભાવતાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૭,૭૯૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૭,૪૩૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૮,૭૯૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)