મકાઈમાં ફરી નિકાસ વેપાર શરૂ : ચાર લાખ ટનના સોદા થયા

10 June, 2021 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચાલુ વર્ષે મકાઈની કુલ નિકાસ સાત વર્ષની ટોચે પહોંચવાનો અંદાજ

મકાઈ

વૈશ્વિક બજારમાં મકાઈના ભાવ ૮ વર્ષની ટોચે પહોંચ્યા હોવાથી ભારતીય મકાઈની નિકાસમાં ફરી વધારો થયો છે. ભારતીય નિકાસકારોએ તાજેતરમાં મકાઈના ચાર લાખ ટનના નિકાસ વેપાર કર્યા છે, જેની ડિલિવરી જૂનથી જુલાઈ દરમ્યાન વિયેટનામ, મલેશિયા, શ્રીલંકા અને બંગલા દેશના બાયરો સાથે થઈ છે તેમ એક મકાઈ ડીલરે જણાવ્યું હતું.

એશિયન દેશોને હાલ ભારતીય મકાઈ સસ્તી પડી રહી હોવાથી પોલ્ટ્રી સેક્ટરમાંથી સારી માત્રામાં માગ નીકળી છે. વૈશ્વિક બજારમાં શિકાગો મકાઈ વાયદો ઑગસ્ટ ૨૦૨૦થી અત્યાર સુધીમાં સરેરાશ બમણો થઈ ગયો છે. મે મહિનામાં શિકાગો વાયદો વધીને ૭ ડૉલર પ્રતિ બુશેલની ઉપર પહોંચી ગયો હતો.

ભારતીય મકાઈની હાલ વિયેટનમા અને મલેશિયામાંથી સારી એવી નિકાસમાગ નીકળી છે. બંગલા દેશ અને શ્રીલંકા પણ ભારતીય મકાઈની ખરીદી કરી રહ્યું છે. સાઉથ કોરિયામાંથી પણ તાજેતરમાં કેટલાક બાયરોએ રસ દાખવ્યો છે.

ભારતીય મકાઈના ભાવ હાલ ૨૯૫થી ૩૦૦ ડૉલર પ્રતિ ટન સીએન્ડએફ બોલાય છે, જેની સામે સાઉથ અમેરિકાની મકાઈના ભાવ ૩૩૦ ડૉલર પ્રતિ ટન સીએન્ડએફ બોલાય છે. આમ ભારતીય મકાઈ હાલ વિશ્વમાં સસ્તી હોવાથી પણ માગ વધી છે.

ભારતીય મકાઈની નિકાસ ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૨૬ લાખ ટનની થાય તેવો અંદાજ છે, જે છેલ્લાં સાત વર્ષની સૌથી વધુ નિકાસ હશે. ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા પાંચ મહિનામાં ભારતીય નિકાસકારોએ કુલ ૯ લાખ ટન મકાઈની નિકાસ કરી છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૧.૩૬ લાખ ટનની નિકાસ કરી હતી.

business news