Business news in Short: બૅન્કોની કુલ એનપીએ ૮-૯ ટકા વધવાની ધારણા : ક્રિસિલ તથા બીજા બિઝનેસ સમાચાર

20 October, 2021 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત જાણો તહેવારોની મોસમને અનુલક્ષીને એક્સિસ બૅન્કે ગ્રાહકોને આપી લોન અને ખરીદી પર ડિસ્કાઉન્ટની ઑફર, નેસલે ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૫.૧૫ ટકા વધ્યો

પ્રતીકાત્મક તસવીર

બૅન્કોની કુલ નોન પરફોર્મિંગ ઍસેટ્સ (એનપીએ) વર્તમાન નાણાકીય વર્ષમાં ૮-૯ ટકા વધવાની ધારણા હોવાનું ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે એક અહેવાલમાં જણાવ્યું છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૮ના અંતે કુલ એનપીએનું પ્રમાણ ૧૧.૨ ટકા હતું. 
ક્રિસિલે જણાવ્યા મુજબ સરકારે કોવિડ રોગચાળાને પગલે ભરેલાં રાહતનાં પગલાંને કારણે બૅન્કોની કુલ એનપીએ નિયંત્રણમાં રહેશે. રીટેલ અને એમએસએમઈ સેગમેન્ટ બૅન્કોના ધિરાણમાં ૪૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ બન્ને સેગમેન્ટમાં એનપીએનું પ્રમાણ અનુક્રમે ૪-૫ ટકા અને ૧૭-૧૮ ટકા વધવાની ધારણા છે. કૉર્પોરેટ ક્ષેત્રે એનપીએ વધારે નહીં વધે એવું અનુમાન છે. 

તહેવારોની મોસમને અનુલક્ષીને એક્સિસ બૅન્કે ગ્રાહકોને આપી લોન અને ખરીદી પર ડિસ્કાઉન્ટની ઑફર

ખાનગી ક્ષેત્રની અગ્રણી એક્સિસ બૅન્કે મંગળવારે જાહેર કર્યા મુજબ હોમ લોનની તેની અમુક પ્રોડક્ટ પર ૧૨ ઈએમઆઇ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. તહેવારોની મોસમની ઑફરના ભાગરૂપે અનેક ઑનલાઇન ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.  બૅન્કે યાદીમાં જણાવ્યા મુજબ ટૂ વ્હીલરના ગ્રાહકોને પ્રોસેસિંગ ફી વગર ધિરાણ આપવામાં આવશે. બિઝનેસના માલિકોને ટર્મ લોન, ઇક્વિપમેન્ટ લોન અને કમર્શિયલ વેહિકલ ફાઇનૅન્સ પર અનેક લાભ આપવામાં આવશે.  એક્સિસે આ સ્કીમને ‘દિલ સે ઓપન સેલિબ્રેશન્સઃ ક્યોં કિ દિવાલી રોજ નહીં આતી’ એવું શીર્ષક આપ્યું છે. એક્સિસ બૅન્ક ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી કરાયેલી ખરીદી પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ૫૦ શહેરોમાં ૨૫૦૦ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદવામાં આવનારી પસંદગીની વસ્તુઓ પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ અપાશે. 

નેસલે ઇન્ડિયાનો ચોખ્ખો નફો ૫.૧૫ ટકા વધ્યો


ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સની કંપની નેસલે ઇન્ડિયાએ જાહેર કર્યા મુજબ ગત સપ્ટેમ્બર ક્વૉર્ટરનો તેનો ચોખ્ખો નફો ૫.૧૫ ટકા વધીને ૬૧૭.૩૭ કરોડ રૂપિયા થયો છે. જાન્યુઆરીથી ડિસેમ્બરનું નાણાકીય વર્ષ પાળતી આ કંપનીએ ગયા વર્ષે સમાન અરસામાં ૫૮૭.૦૯ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. કંપનીએ બીએસઈને મોકલેલી ફાઇલિંગમાં કહ્યું છે કે તેનું ચોખ્ખું વેચાણ ૯.૬૩ ટકા વધીને ૩૮૬૪.૯૭ કરોડ રૂપિયા થયું છે, જે પાછલા વર્ષે સમાન ગાળામાં ૩૫૨૫.૪૧ કરોડ રૂપિયા હતું. કંપનીની નિકાસ ૧.૩૦ ટકા વધીને ૧૭૭.૬૦ કરોડ રૂપિયા થઈ છે. કંપનીના મેગી નૂડલ્સ અને પોલો હાલ મધ્ય પૂર્વની બજારમાં વેચાવા લાગ્યાં છે. ક્રન્ચ વેફર્સ આશિઆન માર્કેટમાં શરૂ કરાઈ છે. 

હિન્દુસ્તાન યુનિલિવરનો કન્સોલિડેટેડ નફો વધ્યો

હિન્દુસ્તાન યુનિલિવરે મંગળવારે જણાવ્યા મુજબ ગત ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં તેના કન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં ૧૦.૬૯ ટકાની વૃદ્ધિ થઈ છે. આ નફો ગયા વર્ષે સમાન અરસામાં ૨૧૮૫ કરોડ રૂપિયા હતો. સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં તેની વેચાણની આવક ૧૨,૮૧૨ કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના ૧૧,૫૧૦ કરોડ રૂપિયા કરતાં ૧૧.૩૧ ટકા વધારે છે. તેનો કુલ ખર્ચ ગયા વર્ષના ૯૦૫૪ કરોડની સામે ૧૦,૧૨૯ કરોડ રૂપિયા થયો છે. 

કાપડના વેપારીઓની કરોડોની ઉઘરાણી ફસાઈ

કોરોનાના કારણે કાપડ માર્કેટમાં રૂપિયાની ખેંચતાણ વધી છે. સુરત મર્કન્ટાઈલ એસોસિયેશન દ્વારા છેલ્લા સાત મહિનામાં દર અઠવાડિયે કરાતી મીટિંગમાંના આંકડાઓ મુજબ પેમેન્ટ ફસાયાની ૫૬૬૮ અરજીઓ તેમને મળી છે અને તેનો આંક ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. 
૯૫ ટકા બનાવતી કાપડ એજન્ટો કે બ્રોકરોના કારણે વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું સામે આવ્યું છે. પ્રોસેસિંગ મિલન રો મટિરિયલ્સના ભાવમાં સતત વધારો થવાને લીધે રોજેરોજ નવા ભાવ આવી રહ્યા છે. તેના કારણે કાપડ માર્કેટના વેપારીઓએ પણ વેપાર કરવા માટે નવાં ધારાધોરણ શરૂ કર્યાં છે. તેમાં પણ માલ ખરીદનાર વેપારી જે સમયે બુકિંગ કરાવે ત્યારનો નહીં પણ ડિલિવરી લે તે સમયનો ભાવ વસૂલ કરશે તેવી શરતો સાથે જ હવે માલનું બુકિંગ કરાવવામાં આવી રહ્યું છે.

business news