કાંદામાં દિવાળી સુધી ભાવ સ્ટૅબલ રહે એવી ટ્રેડરોની ધારણા

20 October, 2021 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી દિલ્હી-મુંબઈ સહિતનાં શહેરોમાં રીટેલ ભાવ ૬૦ સુધી પહોંચ્યો

પ્રતીકાત્મક તસવીર

કાંદાના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યા બાદ સરકારે વિવિધ પગલાંઓ લીધાં હોવાથી કાંદાની બજારો હવે દિવાળી સુધી સરેરાશ સ્ટૅબલ રહે એવી સંભાવના અગ્રણી ટ્રેડરોએ વ્યક્ત કરી છે. કાંદામાં તેજી અંગે જાણકારો કહે છે કે વરસાદને કારણે નુકસાન થતાં આવકો ખોરવાઈ હતી અને સટ્ટાકીય લેવાલીથી પણ કાંદાની બજારમાં ધારણાં કરતાં વધુ રીટેલ ભાવ વધી ગયા છે.
કાંદાની તેજી-મંદી માટે આગામી ડિસેમ્બર મહિના સુધીનું વાતાવરણ પણ ખૂબ જ અગત્યનું છે, જ્યારે નવી કાંદાની આવકો શરૂ થશે ત્યારે જ બજારમાં ઘટાડો આવશે. કાંદાની બજારમાં આગામી દિવસો માટે ભારે અનિશ્ચિતતા છે. જો વાતાવરણ ખરાબ રહેશે તો કાંદાના પાકમાં નુકસાન વધશે અને જો સાનુકૂળ વાતાવરણ રહ્યું તો નવો પાક બમ્પર આવે એવી ધારણા છે, પરંતુ સરેરાશ હવે કાંદાના ભાવ દિવાળી સુધી સ્ટૅબલ રહે એવી ધારણા છે, એમ દિલ્હીના આઝાદપુર મંડીના કાંદાના વેપારી એચ. એસ. ભલ્લાએ જણાવ્યું હતું.
નાશિકની લાસણગાંવ મંડીમાં કાંદાના ભાવ છેલ્લા એક મહિનામાં બમણાથી પણ વધુ વધી ગયા છે. ૧૬ સપ્ટેમ્બરે મૉડલ ભાવ ૧૪૭૫ રૂપિયા હતા, જે વધીને હાલ ૩૩૪૦ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. આમ ૧૨૦ ટકાનો વધારો થયો છે. સાઉથમાં બૅન્ગલોર મંડીમાં ભાવ ૧૦૦૦થી વધીને સીધા ૩૫૦૦ રૂપિયા પર પહોંચી ગયા છે. કર્ણાટકમાં પણ ૮૫૦ના ભાવ વધીને ક્વિન્ટલના ૧૪૫૦ રૂપિયા બોલાય રહ્યા છે.

business news