ક્રિપ્ટો સંબંધિત ગુનાઓ માટેની ન્યાય ખાતાની એજન્સી બંધ કરી દેતા ડોનલ્ડ ટ્રમ્પ

12 April, 2025 07:16 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

દરમ્યાન ઇક્વિટી માર્કેટની જેમ જ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું પ્રમાણ ઓછું થયું હતું

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના આદેશને પગલે ન્યાય ખાતાએ ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રે થનારા ગુનાઓ સંબંધે તપાસ કરવા માટે રચેલો વિભાગ બંધ કરી દીધો છે. ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડનના કાર્યકાળમાં ફેબ્રુઆરી ૨૦૨૨માં સ્થપાયેલી નૅશનલ ક્રિપ્ટોકરન્સી એન્ફોર્સમેન્ટ ટીમ તત્કાળ અસરથી બરખાસ્ત કરી દેવાઈ છે. ટ્રમ્પનું કહેવું છે કે આ એજન્સી ક્રિપ્ટોકરન્સીની ગેરરીતિઓ પાછળ સમય ખર્ચે એને બદલે ઇમિગ્રેશન, આતંકવાદ અને ડ્રગ ટ્રાફિકિંગ જેવી બાબતો પર લક્ષ આપે એ અગત્યનું છે. તેમણે એમ પણ કહ્યું કે ન્યાય ખાતું ડિજિટલ ઍસેટ્સનું નિયમનકાર નથી. જે બાબતો દંડાત્મક ફોજદારી ન્યાયતંત્ર હેઠળ આવતી નથી એવી બાબતોમાં અન્ય ખાતાં નાણાકીય કાયદાઓ લાગુ કરશે, એમ ટ્રમ્પને ટાંકીને ડેપ્યુટી ઍટર્ની જનરલ ટોડ બ્લાન્ચે કહ્યું છે. 
નોંધનીય છે કે આ એજન્સીએ વર્ષ ૨૦૨૪માં પહેલી વાર સજા અપાવી હતી. ક્રિપ્ટોકરન્સીમાં ઓપન માર્કેટમાં ગરબડ કરાઈ એ કેસમાં શકમંદ અવ્રાહમ આઇસેનબર્ગ દોષિત ઠર્યો હતો. તેણે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ગરબડ કરીને છેતરપિંડી આચરી હોવાનું પુરવાર થયું હતું. 

દરમ્યાન ઇક્વિટી માર્કેટની જેમ જ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું પ્રમાણ ઓછું થયું હતું. માર્કેટ કૅપિટલાઇઝેશન ૧.૪૦ ટકા ઘટીને ૨.૪૫ ટ્રિલ્યન ડૉલરના સ્તરે પહોંચ્યું હતું. બિટકૉઇનમાં ૧.૨૫ ટકાનો ઘટાડો થતાં ભાવ ૭૭,૫૦૫ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૨.૪૭ ટકા ઘટાડા સાથે ભાવ ૧૪૮૯ ડૉલર પર પહોંચ્યો હતો. એક્સઆરપીમાં ૩.૦૬ ટકા, ડોઝકૉઇનમાં ૩.૧૦ ટકા અને કાર્ડાનોમાં ૪.૨૬ ટકા ઘટાડો થયો હતો.

business news crypto currency bitcoin donald trump united states of america