અમૃત-કાળના અમૃત-આયોજનમાં સાવ ફિક્કાં વ્યંજનની પરંપરા

02 February, 2023 08:13 AM IST  |  Mumbai | Anil Patel

બજેટમાં સૌથી મહત્ત્વની વાત અમને લેટેક્સ ઉપરની ડ્યુટીમાં ઘટાડો કરવાની લાગી. કૉન્ડોમ સસ્તાં થશે, વસ્તી-નિયંત્રણના હેતુમાં લાંબા ગાળે ઘણી મદદ મળશે

પ્રતીકાત્મક તસવીર

નિર્મલાતાઈએ તેમના કેલિબર પ્રમાણેનું મીડિયોકર બજેટ રજૂ કરી દીધું છે, જેને લઈ રાબેતા મુજબની ધમાધમી અને વાહવાહી ચાલુ થઈ ગઈ છે. ચાર-છ દિવસ પ્રચારતંત્રમાં ઓવારણાં, વધામણાંના કાર્યક્રમની ભરમાર રહેશે, પછી બધા પોતાના ધંધે લાગી જશે. સરકાર દેશમાં અમૃત-કાળની ઘોષણા કરી ચૂકી છે. નામ બદલવામાં પણ તે માહિર છે. મને લાગે છે કે બજેટ કે અંદાજપત્ર એવો શબ્દ હવે ચાલે એમ નથી. બજેટનું નામ બદલીને અમૃત-આયોજન કરી શકાય! શરૂઆત અહીંથી, મારાથી કરું છું. હા, તો અમૃત-કાળના આ અમૃત-આયોજનપત્રમાં ઘણુંબધું છે, સ્વાદ નથી, બધાં વ્યંજન ફિક્કાં છે. વાઉ-ફૅક્ટરના અભાવની પરંપરા નિર્મલાતાઈએ બરાબર નિભાવી છે, અભિનંદન!

બજેટમાં સૌથી મહત્ત્વની વાત અમને લેટેક્સ ઉપરની ડ્યુટીમાં ઘટાડો કરવાની લાગી. કૉન્ડોમ સસ્તાં થશે, વસ્તી-નિયંત્રણના હેતુમાં લાંબા ગાળે ઘણી મદદ મળશે. બીજી વાત એ ગમી કે ધનિકો પરનો સરચાર્જ ૩૭ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી નખાયો. એના કારણે તે લોકોનો કરબોજ પોણાચાર ટકા ઘટીને ૩૯ ટકા થઈ જશે. હિન્ડનબર્ગ જેવા ઇન્ડિયા પર અટૅકના કિસ્સામાં મૂડી ભરણાંને સફળ બનાવવામાં તેમને વધુ ભંડોળ હાથવગું બનશે, મૂડીબજારનો વિકાસ થશે.

હકીકતમાં સીધા વેરામાં જે ૩૫-૪૦ હજાર કરોડની રાહત બજેટમાં અપાઈ છે એનો સિંહભાગ આ સરચાર્જમાં ઘટાડા પેટેનો છે. વ્યક્તિગત આવકવેરાના મામલે પગારદાર વર્ગ માટે સાત લાખ સુધીની આવકને કરમુક્તિની વાત તો આભાસી કે કેવળ ભ્રાંતિ છે. આનાથી મારા-તમારા અને આપણા ખિસ્સામાં સરવાળે કશું આવવાનું નથી. ઓક્સફામ ઇન્ડિયાનો રિપોર્ટ કહે છે કે ભારતના ૨૧ ધનકુબેરો પાસે દેશના ૭૦ કરોડ લોકો પાસે છે એના કરતાં વધુ સંપત્તિ છે. આવકવેરામાં રાહતનો લાભ પણ તેઓ જ અંકે કરી જશે.

ન્યુ ટૅક્સ રીજીમ, જે યુઝલેસ છે. અત્યાર સુધીમાં એને કંગાળ પ્રતિસાદ મળ્યો છે અને આ સ્કીમ ઑપ્શનલ હતી એને હવે ડીફૉલ્ટ બનાવી દેવાઈ છે. હાલની જૂની સ્કીમ ડીફૉલ્ટ હતી એ હવે ઑપ્શનલ બનશે. સરકારે બજેટમાં મૂડીરોકાણ કે કેપેક્સમાં જબ્બર વધારો કર્યો હોવાનો દાવો કર્યો છે. કહે છે કે રેલવે માટે ૨.૪૦ લાખ કરોડની વિક્રમી ફાળવણી કરી છે અને આમ છતાં રેલવે સંબંધિત શૅરોના ભાવ બુધવારે પટકાયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૅપિટલ ગુડ‍્સ સેક્ટરમાંય કશી ઝમક આવી નથી. મતલબ કે બધું લગભગ પોકળ છે, નક્કર કંઈ નથી.

ધોખા હૈ, ઇક ફરેબ હૈ મંઝિલ કા હર ખયાલ,
સચ પૂછીએ તો સારા સફર વાપસી કા હૈ!

business news nirmala sitharaman union budget narendra modi