ફ્યુચર્સ અને ઑપ્શન્સના સોદાઓ પર વધારાયેલા STTની પ્રતિકૂળ અસર

02 February, 2026 08:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૬ની ૧ એપ્રિલ પછીની પાકતી મુદત સુધી બૉન્ડ રાખી મૂકનારા સેકન્ડરી માર્કેટના ખરીદદારોએ પણ હવે નફાની રકમ પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવવો પડશે

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય બજેટમાં ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ પર સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) વધારવામાં આવતાં હવે દેશના ડેરિવેટિવ્ઝ બજારમાં ટ્રાન્ઝૅક્શન-ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. બજેટમાં STT સંબંધે કરાયેલી જાહેરાતને પગલે રવિવારે યોજાયેલા ખાસ લાઇવ ટ્રેડિંગ-સેશન દરમ્યાન બ્રોકરેજ અને એક્સચેન્જ સ્ટૉક્સમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને દેશના ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સ (F&O) બજારોમાં ઊંચા કરને કારણે કામકાજ ઘટી શકે એવી ચિંતા ફરી ઊભી થઈ છે. આ વૃદ્ધિની અસર એકંદર બજાર પર પણ થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક સમયે મોટો ઘટાડો થઈ ગયો હતો. બજારના અંતે એમાં થોડો સુધારો થયો હતો. 

ફ્યુચર્સ પરનો STT ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કરવામાં આવ્યો છે, જ્યારે ઑપ્શન્સ પ્રીમિયમ પરનો કર ૦.૧૦ ટકાથી વધારીને ૦.૧૫ ટકા અને ઑપ્શન્સ એક્સરસાઇઝ પરનો કર ૦.૧૨૫ ટકાથી વધારીને ૦.૧૫ ટકા કરવામાં આવ્યો છે. આ ફેરફાર પહેલી એપ્રિલથી લાગુ થશે. 

બ્રોકરેજ કંપનીઓ અને એક્સચેન્જ સ્ટૉક્સને ફટકો

ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પર વધારેલા કર સામે બજારે તરત નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. રવિવારે યોજાયેલા ખાસ વીક-એન્ડ લાઇવ ટ્રેડિંગ-સેશન દરમ્યાન બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE), ગ્રો (બિલ્યન બ્રેઇન્સ ગૅરેજ વેન્ચર્સ) અને એન્જલ વનના શૅરોના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

નોંધનીય છે કે ઇક્વિટીની ખરીદી વખતે ખરીદદારે, વેચાણ વખતે વેચાણકર્તાએ, ઑપ્શન્સના પ્રીમિયમ પર વેચાણકર્તાએ તથા ઑપ્શન્સ એક્સરસાઇઝ કરતી વખતે ખરીદદારે STT ચૂકવવાનો હોય છે. ફ્યુચર્સમાં વેચાણકર્તાએ આ કરવેરો ચૂકવવાનો હોય છે. આ કર બ્રોકર કે એક્સચેન્જ આપોઆપ કાપી લેતા હોવાથી ટ્રેડરે એની અલગથી ગણતરી કે ચુકવણી કરવાની હોતી નથી.

સૉવરિન ગોલ્ડ બૉન્ડ: સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી કરનારા રોકાણકારોનો લાભ ઘટાડી દેવામાં આવ્યો

૨૦૨૬ની ૧ એપ્રિલ પછીની પાકતી મુદત સુધી બૉન્ડ રાખી મૂકનારા સેકન્ડરી માર્કેટના ખરીદદારોએ પણ હવે નફાની રકમ પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવવો પડશે

સોનાના વધેલા ભાવની સ્થિતિમાં સરકારને સૉવરિન ગોલ્ડ બૉન્ડ (SGB) યોજનાને કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. નુકસાન ઘટાડવાની દૃષ્ટિએ સરકારે હવે બજેટમાં એવી જોગવાઈ કરી છે જે SGBના રોકાણકારો માટે પ્રતિકૂળ છે. સીતારમણે આ સંબંધે કરેલી જાહેરાતો પર એક નજર કરી લઈએ ઃ

હવેથી ફક્ત વ્યક્તિગત રોકાણકારોને કૅપિટલ ગેઇન્સથી મુક્ત પાકતી રકમ મળશે.

જો રોકાણકારે બૉન્ડ ઇશ્યુ થયાં એ જ વખતે રિઝર્વ બૅન્ક પાસેથી બૉન્ડ ખરીદ્યાં હશે અને પાકતી તારીખ સુધી રહેવા દીધાં હશે તો જ કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી મુક્તિ મળશે. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિગત રોકાણકારોએ ઇશ્યુ વખતે રિઝર્વ બૅન્ક પાસેથી બૉન્ડ લીધાં હશે અને પાકતી મુદત સુધી બૉન્ડ રાખી મૂક્યાં હશે તો પાકતી મુદતે રકમ કૅપિટલ ગેઇન્સથી મુક્ત રહેશે. આ જોગવાઈ તો પહેલાં જેવી જ છે. 

જો કોઈ રોકાણકારે સેકન્ડરી માર્કેટમાંથી બૉન્ડ ખરીદ્યાં હોય અને પાકતી મુદતે રિડમ્પ્શન કરવામાં આવે તો કૅપિટલ ગેઇન્સ ટૅક્સ લાગુ થતો નથી. જો સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી કરનારે પાકતી મુદત પહેલાં વેચાણ કર્યું હોય તો કૅપિટલ ગેઇન્સ લાગે છે. આ બાબત પણ પહેલાં જેવી જ છે. હવે એમાં સરકારે એવો ફેરફાર કર્યો છે કે જે રોકાણકારોએ સેકન્ડરી માર્કેટમાંથી બૉન્ડ ખરીદ્યાં હશે અને ૨૦૨૬ની ૧ એપ્રિલ પછી પાકતી મુદતે રિડમ્પ્શન થશે ત્યારે કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી મુક્તિ નહીં મળે. તેમણે ખરીદભાવ અને વેચાણભાવ વચ્ચેના તફાવત એટલે કે નફા પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડશે. આમ ૨૦૨૬ની ૧ એપ્રિલ પછીથી આવનારા રિડમ્પ્શન વખતે સેકન્ડરી માર્કેટના ખરીદદારોએ કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવો પડશે. આમ સેકન્ડરી માર્કેટના ખરીદદારો હવે પાકતી મુદત પહેલાં નીકળી જાય કે પાકતી મુદતે રિડમ્પ્શન કરાવે, તેમણે દરેક સ્થિતિમાં કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ચૂકવવો પડશે.  નોંધનીય છે કે અત્યાર સુધીમાં આવેલી SGBની દરેક સિરીઝના રોકાણકારો માટે આ નિયમ લાગુ થશે. આમ સરકારે લાંબા ગાળાની ભાવવૃદ્ધિ અને કરવેરાની બચતની દૃષ્ટિએ સેકન્ડરી માર્કેટમાંથી ખરીદી કરનારા લોકોનો લાભ હવે ઘટાડી દીધો છે. પરિણામે સૉવરિન ગોલ્ડ બૉન્ડનું આકર્ષણ અને લાભ બન્ને ઘટી જશે. 

business news nifty sensex stock market national stock exchange bombay stock exchange union budget finance news finance ministry nirmala sitharaman indian economy income tax department