02 February, 2026 09:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ઍપલ કંપની
કેન્દ્રીય બજેટ દ્વારા સરકારે ઍપલ કંપનીને એક મહત્ત્વનો લાભ આપ્યો છે. બજેટમાં જાહેર કરાયું છે કે વિદેશી કંપનીઓ અમુક વિસ્તારોમાં પોતાના કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરર્સને મશીનરી પૂરી પાડી શકશે. પાંચ વર્ષ સુધી આ બાબતે કરવેરાને લગતા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે એવી બાંયધરી આપવામાં આવી છે. નોંધનીય છે કે નરેન્દ્ર મોદી સરકાર ભારતમાં સ્માર્ટફોનના ઉત્પાદન પર વિશેષ જોર આપી રહી છે. આ સંજોગોમાં ઍપલ કંપની ભારતના આવકવેરાને લગતા કાયદાઓમાં ફેરફાર કરાવવા માટે લૉબિંગ કરી રહી છે. જો કંપની ભારતમાં પોતાના કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરર્સને આઇફોન માટેની ઉચ્ચ કક્ષાની મશીનરી પૂરી પાડે તો એને માલિકી સંબંધિત કરવેરો લાગુ પડવો જોઈએ નહીં એ મતલબનો પ્રસ્તાવ ઍપલ કંપની રજૂ કરી ચૂકી છે.
ભારતના કાયદાઓ કહે છે કે જો ઍપલ કંપની પોતાના કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરર્સને પોતાના ખર્ચે મશીનરી પૂરી પાડે તો એને બિઝનેસ કનેક્શન ગણવામાં આવે છે અને આઇફોનના વેચાણ દ્વારા મળનારા નફા પર કરવેરો લાગુ પાડી શકે છે. આ કારણસર એના કૉન્ટ્રૅક્ટ મૅન્યુફૅક્ચરર્સ ફોક્સકોન અને તાતાએ મશીનરી પાછળ અબજો રૂપિયા ખર્ચવા પડ્યા છે. હવે બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ જો વિદેશી કંપની મશીનરીની માલિક હશે તો પણ એના આધારે મળનારી આવક ગણવામાં નહીં આવે અને એના પર કરવેરો લાગુ નહીં પડે. દેશમાં ઇલેક્ટ્રૉનિક્સના ઉત્પાદનને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર વર્ષ ૨૦૩૦-’૩૧ સુધી લાગુ રહેશે. નિર્ધારિત કસ્ટમ્સ બૉન્ડેડ વિસ્તારોમાં કારખાનાં સ્થાપવામાં આવ્યાં હશે તો જ આ સુવિધા મળી શકશે. આ વિસ્તારોને ટેક્નિકલ દૃષ્ટિએ ભારતની કસ્ટમ્સ બોર્ડની બહારના વિસ્તારો ગણવામાં આવે છે. જો એ વિસ્તારોમાં બનનારાં ડિવાઇસનું વેચાણ ભારતની અંદર થશે તો એના પર આયાતડ્યુટી લાગુ થશે. આમ આ ફેરફાર ફક્ત નિકાસ માટે જ ઉપયોગી અને અસરકારક નીવડશે.