ક્રિપ્ટોકરન્સી બૅન્કમાં રાખી શકાય એવી જોગવાઈ કરવાની તૈયારીમાં અમેરિકા

28 October, 2021 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં ક્રિપ્ટોકરન્સીને નિયમન હેઠળ લાવવાની દિશામાં પગલાં ભરાવાની શક્યતા વર્તાઈ રહી છે

પ્રતિકાત્મક તસવીર

રોઇટર્સના એક અહેવાલ મુજબ અમેરિકાના ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (એફડીઆઇસી)ના અધ્યક્ષ જેલેના મેકવિલિયમ્સે કહ્યું છે કે બૅન્કો અને એમના ક્લાયન્ટ્સ બીટકૉઇન તથા અન્ય ક્રિપ્ટોકરન્સી રાખી શકે એ માટેની મંજૂરી આપવા બાબતે દેશમાં ચર્ચા થવાની શક્યતા છે. 
આ રીતે અમેરિકાના સત્તાધીશો ક્રિપ્ટોકરન્સી ક્ષેત્રને નિયમન હેઠળ લાવવાનો પ્રયત્ન કરશે. રોઇટર્સના અહેવાલ મુજબ મેકવિલિયમ્સે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાના બૅન્કના નિયમનકારો આ દિશામાં વિચારણા કરી રહ્યા છે. બૅન્કો બીટકૉઇન સહિતની ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પ્રવેશીને ક્રિપ્ટોકરન્સી રાખવા બાબતે ધારાધોરણો ઘડી શકશે. જો બૅન્કો એ દિશામાં આગળ વધશે તો ભવિષ્યમાં બીટકૉઇન સહિતની ક્રિપ્ટોકરન્સીને સ્વીકૃતિ મળી શકશે અને આ નવા ઍસેટ ક્લાસ પર આધારિત સેવાઓ અને નાણાકીય પ્રોડક્ટ્સ તૈયાર કરી શકાશે.
ઉક્ત અહેવાલમાં કહેવાયું છે કે જેલેના મેકવિલિયમ્સે કહ્યું છે, ‘મને લાગે છે કે બૅન્કોને આ ક્ષેત્રે પ્રવેશવા દેવી જોઈએ, જેથી તેઓ ક્રિપ્ટોનું યોગ્ય રીતે સંચાલન કરી શકે અને જોખમો ઘટાડી શકે. જો બૅન્કો આ કામ નહીં કરે તો કેન્દ્રીય નિયમનકારો ક્રિપ્ટોનું નિયમન કરી નહીં શકે.’
મેકવિલિયમ્સે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશનર હેસ્ટર પીર્સે તથા અમેરિકન સરકારમાંના ક્રિપ્ટોનું સમર્થન કરનારા સત્તાધીશો સમક્ષ પણ આ જ મત વ્યક્ત કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ બીટકૉઇન અને ક્રિપ્ટો ઉદ્યોગને અમેરિકામાં પ્રોત્સાહન આપીને આ ઉદ્યોગને દેશની બહાર જતો રોકવા માગે છે.
એફડીઆઇસીના આ અધ્યક્ષના નિવેદનના આધારે સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે મેકવિલિયમ્સ ગ્રાહકોને અનિયંત્રિત બજારમાં રહેલાં જોખમોથી બચાવવા માગે છે. 

business news