અમેરિકી બુલિશ ઇન્ફ્લેશન ડેટાથી વધેલા સોનામાં ભારત-ચીનના નબળા ઇન્ફ્લેશન ડેટાથી ઘટાડો

15 October, 2021 03:44 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડની મિનિટ્સમાં ટેપરિંગ શરૂ થવા અંગે સહમતીથી સોનામાં હવે લાંબી તેજી થવાની શક્યતા નથી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનું ઇન્ફલેશન વધતાં સોનું વર્લ્ડ માર્કેટમાં વધીને એક મહિનાની ઊંચાઈએ ૧૮૦૦ ડૉલરની નજીક પહોંચ્યું હતું, પણ ભારત-ચીનનું ઇન્ફલેશન છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનું ઊંચા મથાળેથી ઘટ્યું હતું. જોકે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૩૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૫૪ રૂપિયા વધ્યાં હતાં.

વિદેશી પ્રવાહો

અમેરિકી ઇન્ફલેશન ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું વધીને એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું પણ ભારત-ચીનનું ઇન્ફલેશન છ મહિનાની નીચી સપાટીએ પહોચતાં સોનું ઊંચા મથાળેથી પાછું ફર્યું હતું. સોનું હાલ ૧૦૦ અને ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ ૧૭૯૫થી ૧૮૦૦ ડૉલર વચ્ચે ટ્રેડ કરી રહ્યું હોવાથી આ લેવલે સોનું ટકે તો જ આગળ તેજી થઈ શકે એમ હોવાથી સોનું ૧૭૯૫.૮૧ ડૉલરની સપાટીએ પહોંચ્યા બાદ ઘટ્યું હતું. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ પણ ઘટ્યાં હતાં, પણ પેલેડિયમ ફલેટ હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું ઇન્ફલેશન સપ્ટેમ્બરમાં વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૫.૪ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ૫.૩ ટકા હતું અને માર્કેટની ધારણા પણ ૫.૩ ટકાની હતી, અમેરિકામાં ફૂડ અને એનર્જીના ભાવ વધતાં ફરી ઇન્ફલેશન ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૮ ઑક્ટોબરે પૂરા થતા સપ્તાહના અંતે ૦.૨ ટકા વધી હતી જે અગાઉના સપ્તાહે ૬.૯ ટકા ઘટી હતી. ભારતનું હોલસેલ ઇન્ફલેશન સપ્ટેમ્બરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૧૦.૬૬ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ૧૧.૩૯ ટકા હતું અને માર્કેટની ધારણા ૧૧.૧ ટકાની હતી, ફયુલ-પાવર, પ્રાઇમરી આર્ટિકલ, ફૂડ સહિત તમામ ચીજોના ભાવ ઘટતાં ઇન્ફલેશન ઘટ્યું હતું. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ઑગસ્ટમાં ૩.૬ ટકા ઘટ્યું હતું જે જુલાઈમાં ૧.૫ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૩.૨ ટકા ઘટાડાની હતી. ચીનનો ઇન્ફલેશન રેટ સપ્ટેમ્બરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૦.૭ ટકા રહ્યો હતો જે ઑગસ્ટમાં ૦.૮ ટકા હતો અને માર્કેટની ધારણા ૦.૯ ટકાની હતી. જોકે ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં વધીને ૧૦.૭ ટકાએ પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૯.૫ ટકા હતો તેમ જ માર્કેટની ધારણા ૧૦.૫ ટકાની હતી. ચીનના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સમાં સતત નવમા મહિને વધારો નોંધાયો હતો. અમેરિકાનું ઇન્ફલેશન વધ્યું હતું એની સરખામણીમાં ભારત અને ચીનનું ઇન્ફલેશન ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે ચીનનો પ્રોડ્યુસર્સ  પ્રાઇસ ઇન્ડેક્સ વધ્યો હતો. અમેરિકાનું ઇન્ફલેશન વધતાં સોનું એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું, પણ એ તેજી લાંબો સમય ટકી શકી નહોતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ફેડની સપ્ટેમ્બર મહિનામાં મળેલી મીટિેંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરો નવેમ્બરમાં ટેપરિંગ શરૂ કરવાની તરફેણમાં હતા. હાલ દર મહિને ફેડ કુલ ૧૨૦ અબજ ડૉલરના બૉન્ડ ખરીદે છે જેમાં ૮૦ અબજ ડૉલર ટ્રેઝરી સિકયૉરિટી બૉન્ડ અને ૪૦ અબજ ડૉલરના મૉર્ગેજ બેક્ડ સિક્યૉરિટી બૉન્ડની ખરીદી કરે છે, ફેડના મેમ્બર્સની સહમતી અનુસાર નવેમ્બરથી ફેડ ટ્રેઝરી સિક્યૉરિટી બૉન્ડની ખરીદીમાં ૧૦ અબજ ડૉલરનો કાપ મૂકશે અને મૉર્ગેજ બેક્ડ સિક્યૉરિટી બૉન્ડની ખરીદીમાં પાંચ અબજ ડૉલરનો કાપ મૂકશે, અમેરિકાનું ઇન્ફલેશન ફરી ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ફેડને ઇન્ટરેસ્ટ રેટ ઝડપથી વધારવાનું દબાણ વધ્યું છે, ફેડનો અગાઉનો પ્લાન ૨૦૨૨ના મધ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો હતો. ફેડ જો ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયમાં કોઈ ફેરફાર કરીને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો વહેલો કરે તો એની અસરે ડૉલર મજબૂત બને અને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળે. આમ, હવે સોનામાં શૉર્ટથી મિડિયમ ટર્મ ફેડના નિર્ણયના અધારે તેજી-મંદી જોવા મળશે. અમેરિકાનું ઇન્ફલેશન વધ્યું અને સોનું વધીને એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યું એ રીતે જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ ન વધે અને ફેડનો ટેપરિંગ પ્લાન ધીમી ગતિએ આગળ વધે ત્યાં સુધી જ્યારે ઇન્ફલેશન વધશે ત્યારે સોનામાં શૉર્ટ ટર્મ ઉછાળો જોવા મળશે પણ સોનાના લૉન્ગ ટર્મ પ્રોસ્પેકટ મંદીના હોવાથી સોનામાં આવા ઉછાળા ટકી શકશે નહીં.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૧૨૫

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૯૩૨

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૩,૨૯૦

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news