અમેરિકાના અર્થતંત્રના મુખ્ય આંકડાઓ હવે બ્લૉકચેઇન પર મુકાશે : ક્રિપ્ટો માર્કેટમાં શુક્રવારે ધરખમ ઘટાડો નોંધાયો

01 September, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આંકડાઓ બ્લૉકચેઇન પર આવી ગયા બાદ અનેક ક્ષેત્રોમાં ઝડપથી અને કોઈ પણ ગોટાળા કે ભૂલ વગર અને વિશ્વસનીય રીતે ઉપયોગમાં લાવી શકાશે.

ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

અમેરિકાના વાણિજ્ય મંત્રાલયે દેશના અર્થતંત્રના આંકડાઓ હવે બ્લૉકચેઇન પર રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પહેલ માટે મંત્રાલયે ચેઇનલિન્ક અને પાયથ નેટવર્ક નામની કંપનીઓ સાથે સહકાર સાધ્યો છે. ચેઇનલિન્ક એ ડિસેન્ટ્રલાઇઝ્‍ડ ઑરેકલ નેટવર્ક છે અને પાયથ નેટવર્ક બ્લૉકચેઇન આધારિત ડેટા પ્રોવાઇડર છે.

નોંધનીય છે કે ચેઇનલિન્ક ડિસેન્ટ્રલાઇઝ્‍ડ ફાઇનૅન્સ ક્ષેત્રે મોટા પાયે કાર્યરત છે. આંકડાઓ બ્લૉકચેઇન પર આવી ગયા બાદ અનેક ક્ષેત્રોમાં ઝડપથી અને કોઈ પણ ગોટાળા કે ભૂલ વગર અને વિશ્વસનીય રીતે ઉપયોગમાં લાવી શકાશે.

દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સાંજે પૂરા થયેલા ૨૪ કલાકમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળામાં યુચેઇન નામનો ઓલ્ટકૉઇન ૧૧૫૦ ટકા વધ્યો હતો, જ્યારે બિટકૉઇન, ઇથેરિયમ અને એક્સઆરપી જેવા મુખ્ય કૉઇનના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. બિટકૉઇન ૩.૭૦ ટકાના ઘટાડા સાથે ૧,૦૮,૫૪૨ ડૉલર અને ઇથેરિયમ ૫.૭૪ ટકા ઘટીને ૪૨૯૪ ડૉલર ચાલી રહ્યા હતા. એક્સઆરપીમાં ૫.૫૮ ટકા ઘટાડો થતાં ભાવ ૨.૮૩ ડૉલર પર પહોંચ્યો હતો. કુલ માર્કેટ કૅપિટલાઇઝેશન ૪.૨૧ ટકાના ઘટાડા સાથે ૩.૭૫ ટ્રિલ્યન ડૉલર થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ યુચેઇનની પ્રવાહિતા ઓછી હતી, જ્યારે એમાં ખરીદીના ઑર્ડર આવ્યા એટલે અસાધારણ ભાવવૃદ્ધિ થઈ હતી.

united states of america crypto currency bitcoin balochistan business news finance news