યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ જેવો માહોલ બનવા સામે અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનું રેન્જબાઉન્ડ

26 January, 2022 02:42 PM IST  |  Mumbai | Mayur Mehta

રશિયા યુક્રેન પર હુમલો કરે તો આકરા પ્રતિબંધ લાદવા બાબતે અમેરિકા સાથે પશ્ચિમના અનેક દેશો સંમત થતાં ટેન્શન વધ્યું

પ્રતીકાત્મક તસવીર

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ જેવો માહોલ બનતાં અમેરિકા-બ્રિટને ડિપ્લોમેટને યુક્રેન છોડી જવા આદેશ આપતાં જિઓપૉલિટિકલ ટેન્શન સતત વધી રહ્યું છે, પણ એની સામે ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવા મક્કમ હોવાથી અમેરિકી ડૉલર બે સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનું બેતરફી કારણો વચ્ચે રેન્જબાઉન્ડ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૬૮ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૭૧૦ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ
યુક્રેન બાબતે રશિયા અને પશ્ચિમના દેશો વચ્ચે ટેન્શન વધી રહ્યું છે એની સામે ફેડની હાલ ચાલી રહેલી મીટિંગને અંતે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત થવાની સંભાવનાને પગલે અમેરિકી ડૉલર વધીને બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. આમ સોનાની માર્કેટ માટેનાં બેતરફી કારણોને કારણે ભાવ રેન્જબાઉન્ડ અથડાયેલા હતા. સોનું રેન્જબાઉન્ડ રહેતાં ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં, જ્યારે પેલેડિયમમાં તેજીની આગેકૂચ જળવાયેલી હતી. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરીમાં ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટીએ ૫૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૬.૭ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ જાન્યુઆરીમાં ઘટીને દોઢ વર્ષની નીચી સપાટીએ ૫૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૫ પૉઇન્ટ હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા પર ઓમાઇક્રોનની સીધી અસર જોવા મળી હતી. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બંનેના ડેટા નબળા આવતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટીને ૧૮ મહિનાની નીચી સપાચટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૭ પૉઇન્ટ હતો. જર્મનીનો બિઝનેસ ક્લાઇમેન્ટ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં વધીને ૯૫.૭ પૉઇન્ટ થયો હતો જે ડિસેમ્બરમાં ૧૦ મહિનાની નીચી સપાટીએ ૯૪.૮ પૉઇન્ટ હતો. જર્મનીમાં કોરોનાની સ્થિતિ હળવી બનતાં સપ્લાય શૉર્ટેજ ઘટતાં રીટેલ સેક્ટરમાં ડિમાન્ડમાં થયેલા વધારાની અસરે બિઝનેસ ક્લાઇમેન્ટ ઇન્ડેક્સ પર જોવા મળી હતી. સ્પેનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ ૩૫.૯ ટકાએ પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૩૨.૨ પૉઇન્ટ હતો. ઑસ્ટ્રેલિયાનું ઇન્ફ્લેશન ૨૦૨૧ના ચોથા ક્વૉર્ટરમાં વધીને ૩.૫ ટકાએ પહોંચ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૩.૨ ટકા હતું. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના નબળા ડેટાને કારણે ફેડના પ્લાનમાં કોઈ ફરક આવવાની શક્યતા વધી હોવાથી સોનામાં તેજી થવાના ચાન્સિસ વધ્યા હતા. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
યુક્રેન પર હુમલાની તૈયારી કરી રહેલા રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવા અમેરિકા સાથે અનેક દેશો જોડાઈ રહ્યા છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને તમામ દેશો રશિયા પર પ્રતિબંધો મૂકવા સમંત હોવાની જાહેરાત કરી હતી. અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, પોલૅન્ડ, નેધરલૅન્ડ્સ અને યુરોપિયન યુનિયનના નેતાઓ વચ્ચે દોઢ કલાક વિડિયો કૉન્ફરન્સ ચાલી હતી. અમેરિકાએ હાલ ૮૫૦૦ મિલિટરી પર્સનલને ઈસ્ટર્ન યુરોપમાં અલર્ટ મોડમાં લાવી દીધા છે. આ જ રીતે બ્રિટને પણ વૉરશિપ અને ફાઇટર પ્લેન યુક્રેન બૉર્ડર પર તહેનાત કરી દીધા છે. ડેન્માર્ક, સ્પેન, ફ્રાન્સ અને નેધરલૅન્ડ્સ દ્વારા વૉરશિપ અને ફાઇટર પ્લેનનો મોટો જથ્થો યુક્રેન બૉર્ડર તરફ રવાના કરી દીધો છે. અમેરિકાએ તેના ડિપ્લોમેટ સ્ટાફ અને ફૅમિલીને તાત્કાલિક યુક્રેન છોડી જવા આદેશ આપ્યા છે. બ્રિટને પણ આવા આદેશ આપ્યા છે. યુરોપિયન દેશોએ હજી આવા આદેશ આપ્યા નથી અને જર્મનીએ યુક્રેનને મિલિટરી સહાય આપવાનો ઇનકાર કરીને મેડિકલ સહાય આપવા તૈયારી બતાવી હતી. આમ, રશિયા અને અમેરિકા સહિતના પશ્ચિમી દેશો વચ્ચે તનાવ વધતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ મજબૂત હોવાથી હાલ ઘટાડાની કોઈ શક્યતા દેખાતી નથી.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૭૯૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૮,૫૯૮
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૪,૪૨૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

સોના પરના ઊંચા ટૅક્સને બજેટમાં દૂર કરવા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વધતું દબાણ
આગામી સપ્તાહે બુધવારે રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં સોના પરનો ઊંચો ટૅક્સ દૂર કરવા ગોલ્ડ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સતત દબાણ વધી રહ્યું છે. સોનાની ઇમ્પોર્ટ પરની સાડાસાત ટકા આયાત ડ્યુટી અને ત્રણ ટકા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)ને કારણે ભારતીય સોનાનો ભાવ ઇન્ટરનૅશનલ ભાવની સરખામણીમાં હંમેશાં ડિસ્કાઉન્ટમાં જ હોય છે. ઇન્ટરનૅશનલ ભાવ અને ભારતીય સોનાના ભાવ વચ્ચેના મોટા ભાવફરકને કારણે અહીં સોનાની આયાત મોંઘી પડતાં જ્વેલરીની એક્સપોર્ટને મોટી અસર પડી રહી છે. સરકારે તાજેતરમાં ઇલેક્ટ્રૉનિક્સ ગોલ્ડ રિસિપ્ટ લૉન્ચ કર્યા બાદ ટૅક્સનો તફાવત ગોલ્ડ એક્સચેન્જના વિકાસને મોટી અસર કરશે આથી આગામી બજેટમાં સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા ચારે તરફથી સરકાર પર દબાણ વધી રહ્યું છે.

business news