13 April, 2026 09:01 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલુ થયેલી મંત્રણાનું ફાઇનલ પરિણામ શું આવે છે અને એની સંભવિત અસરો શું થશે એ વિશે હાલ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ બન્ને દેશો એકબીજા પર ચોક્કસ શરતો લાદી રહ્યા હોવાનું જાણવા મળે છે. આ મંત્રણા એક રાઉન્ડથી પૂરી થઈ જશે એવું કહી શકાય કે માની શકાય નહીં. આ મામલો ગૂંચવણભર્યો કે પેચીદો બની રહ્યો છે. વિવિધ વૈશ્વિક સ્થાપિત હિતો ક્યાં શું રમત રમી રહ્યાં છે એ ગ્લોબલ એક્સપર્ટ વર્ગ માટે પણ કહેવું કઠિન બન્યું છે ત્યાં ભારતના સામાન્ય રોકાણકારો એને ક્યાંથી મૂલવી શકે કે એનું અનુમાન લગાવી શકે. આ વિષયમાં તો હાલ બધાની બોલતી બંધ છે.
અમેરિકા-ઈરાન દ્વારા બે સપ્તાહ માટે યુદ્ધવિરામના લેવાયેલા નિર્ણય બાદ શૅરબજારે થોડો રાહતનો દમ લીધો હતો એટલું જ નહીં, આ સાથે આ વિવાદ વધુ યુદ્ધ વિના પૂર્ણ થવાની આશાએ પણ જન્મ લીધો હતો. વિતેલા સપ્તાહમાં પ્રથમ ૩ દિવસમાં નોંધાયેલી માર્કેટ રિકવરીએ આ વાતને સમર્થન આપતા સંકેત આપ્યા હતા. લાંબું યુદ્ધ ઈરાન અને અમેરિકા સહિત કોઈના પણ હિતમાં નથી. જોકે આ યુદ્ધ હવે ટળી ગયું એવા નિષ્કર્ષ પર વહેલાસર આવવું યોગ્ય નથી, હજી ઘણાં પરિબળો જોખમી બની શકે એવાં છે. ખાસ કરીને બજારને સૌથી વધુ ચિંતા જેની હોય એ અનિશ્ચિતતા હજી ઊભી જ ગણાય. ભારતીય બજાર પણ આ માહોલ કઈ દિશામાં આગળ વધે છે એના પર સતત નજર રાખીને પોતાની ચાલ બતાવશે એવું લાગે છે. રોકાણકારોએ હજી સાવચેતીનો અભિગમ રાખવો જ રહ્યો.
યુદ્ધવિરામની જાહેરાતને પગલે બુધવારે સવારે માર્કેટ ખૂલ્યાની મિનિટોમાં જ સેન્સેક્સ અઢી હજાર પૉઇન્ટ છલાંગ લગાવ્યા બાદ સતત વધતો રહીને બપોર સુધીમાં તો ૩૦૦૦ પૉઇન્ટ વૃદ્ધિ પામ્યો હતો, નિફ્ટી ૮૦૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૨૪,૦૦૦ નજીક પહોંચી ગયો હતો. કારણોમાં યુદ્ધવિરામ ઉપરાંત રૂપિયાની રિકવરી, કંઈક અંશે ક્રૂડનો ઘટાડો, ગ્લોબલ માર્કેટનો સુધારો, વૅલ્યુ બાઇંગ (નીચા ભાવે ખરીદી) અને વૉલેટિલિટીના ઘટાડાનો સમાવેશ થતો હતો. જોકે બે સપ્તાહ માટે યુદ્ધવિરામની ઘોષણા બાદ બીજા જ દિવસે ઇઝરાયલે લેબૅનન પર હુમલો કરી દેતાં વાતાવરણ ડહોળાઈ ગયું હતું, બાકી ઈરાન અને અમેરિકા વચ્ચે મતભેદ તો ઊભા જ હતા, પરંતુ સીઝફાયરની જાહેરાતને કારણે માર્કેટ સેન્ટિમેન્ટ બુધવારે એકદમથી પૉઝિટિવ થઈ ગયું હતું જે ગુરુવારે પુનઃ નેગેટિવ થઈ ગયું, જ્યારે કે શુક્રવારે માર્કેટ પુનઃ રિકવરી સાથે બંધ થયું હતું. આમ પણ હાલ જે માહોલ છે એમાં યુદ્ધ-મેદાનમાં ઊતરેલો કોઈ પણ દેશ કંઈ પણ કહે, એનો ખરેખર અમલ થશે કે કેમ એ નિશ્ચિત બની શકતું નથી. બીજું, આવા સંવેદનશીલ સંજોગોમાં માર્કેટ જ્યારે ૩ જ દિવસમાં ચારેક હજાર પૉઇન્ટ રિકવર થયું હોય અને નફો બુક ન થાય એવું પણ બની શકે નહીં. બાય ધ વે, અનુભવીઓના મતે યુદ્ધ દરમ્યાન માર્કેટમાં જે ગતિએ કરેક્શન આવે છે એના કરતાં યુદ્ધબંધી દરમ્યાન રિકવરી વધુ ઝડપે આકાર પામે છે.
રિઝર્વ બૅન્કની પૉલિસી-જાહેરાતમાં મુખ્ય પરિબળો મોંઘવારી દર, વ્યાજદર, ગ્રોથરેટ અને પ્રવાહિતા રહે છે. વર્તમાન સંજોગોની ધારણા મુજબ રિઝર્વ બૅન્કે રેપોરેટને જેમ છે એમ રાખ્યા છે. ઇન્ફ્લેશન રેટ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બૅન્કે રેપોરેટ ૫.૨૫ ટકા જાળવી રાખ્યો છે તેમ જ મોંઘવારી દરની ચિંતા વ્યક્ત કરી છે. સપ્લાય-ચેઇનની અસરથી ઇકૉનૉમી પર વિપરિત અસર થવાના સંકેત સ્પષ્ટ છે. જોકે રિઝર્વ બૅન્કે ભારતીય અર્થતંત્રના ફન્ડામેન્ટલ્સ એકંદરે મજબૂત હોવાનું નોંધ્યું છે એમ છતાં અત્યારના યુદ્ધના માહોલે ઊભી કરેલી અસરોને એ પચાવવામાં કેટલી સફળ જાય છે એ જોવાનું રહેશે. વિકાસદરને અસર થવાનો ભય છે, હાલ તો વેઇટ ઍન્ડ વૉચમાં સાર છે. RBI ગ્લોબલ ઘટનાઓ પર સતત નિરીક્ષણ રાખી રહી છે.
બાય ધ વે, છેલ્લાં પાંચેક સપ્તાહથી બજાર સતત ઘટી-તૂટી રહ્યું છે. જોકે યુદ્ધ બંધ થયું નથી, આવામાં જે સેક્ટર્સ પર યુદ્ધની અસરોમાં ક્રૂડના ભાવ, રૂપિયાની સ્થિતિ તેમ જ સપ્લાય સામે ઊભા થયેલા પડકારો ઊભા થયા હતા એમાં એવિયેશન, ટ્રાવેલ, ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, ઑઇલ માર્કેટિંગ કંપનીઓ, પેઇન્ટ્સ, ઑટો અન્સિલિયરીઝ વગેરે સેક્ટરનો સમાવેશ થાય છે. હાલ તો બજારની એક નજર કૉર્પોરેટ્સના ચોથા ક્વૉર્ટરનાં પરિણામો પણ રહેશે. આ તમામ સંજોગો વચ્ચે કંપનીઓનાં ક્વૉર્ટરલી અને વાર્ષિક પરિણામ કેવાં જાહેર થાય છે એ રોકાણકારોએ ખાસ જોવાનું રહેશે. યુદ્ધની અસર કયા સેક્ટર્સ પર કેટલી થાય છે અને કેટલી થઈ છે અથવા થવાની શકયતા છે એનો અંદાજ સામાન્ય રોકાણકારો માટે કાઢવાનું કઠિન હોઈ શકે, પરંતુ કંપનીની નાણાકીય કામગીરી એનો ચિતાર યા સંકેત ચોક્કસ આપી શકે છે. એટલું યાદ રાખવું જોઈએ કે તમામ સંજોગો વચ્ચે કંપનીઓ પોતાની કામગીરી સારી રહે અથવા વધુ બગડે નહીં એ માટે તમામ પ્રયાસ કરતી રહેશે. આનો મોટો આધાર કંપનીઓના મૅનેજમેન્ટ પર રહે છે. આ બધાં માટે પણ હાલ પરીક્ષા અને પડકારનો સમય છે.
યુદ્ધ વિશેના સમાચારોની જે લોકો રાહ જોતા હોય તેઓ હાલ યુદ્ધને બદલે કંપનીઓનાં નાણાકીય પરિણામોના સમાચાર પર નજર રાખે એ વધુ મહત્ત્વનું છે, કારણ કે આખરે તો શૅરના ભાવ દરેક કંપનીની રિયલ કામગીરીના આધારે વધવા-ઘટવાનું નક્કી થશે. વર્તમાન સમયમાં એટલું સ્પષ્ટ છે કે માર્કેટના વૅલ્યુએશન ઘટીને વાજબી સ્તરે આવ્યાં કહેવાય છે. હવે પછી એનાં કરેક્શન અથવા રિકવરી યુદ્ધના સમાચારને પગલે થયા કરશે. બાકી લૉન્ગ ટર્મ ગ્રોથ માટે રોકાણકારો આગળ વધવા માગતા હોય તો કંપનીના ફન્ડામેન્ટલ્સને આધારે વધી શકે.
યુદ્ધના માહોલમાં નોંધનીય વાત એ બની છે કે વિતેલા ૮ મહિનામાંથી ખાસ કરીને માર્ચ-૨૦૨૬માં મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણનો પ્રવાહ વધ્યો છે. આ બાબત દર્શાવે છે કે રોકાણકારો લાંબા ગાળાના અભિગમ સાથે રોકાણની સાતત્યતા જાળવી રહ્યા છે, કેમ કે આ રોકાણપ્રવાહ મુખ્યત્વે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત વધ્યો છે.
યુદ્ધના વાતાવરણમાં એક નોંધનીય સમાચાર એ છે કે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક (ADB)એ ૨૦૨૭ માટે ભારતના ગ્રોથરેટનો અંદાજ અગાઉના ૬.૫ ટકા સામે વધારીને ૬.૯ ટકા કર્યો છે.
ભારતની અમેરિકા ખાતેની ટેક્સટાઇલ્સ નિકાસ ફેબ્રુઆરીમાં ૨૯ ટકા ઘટી ગઈ છે.
કેન્દ્ર સરકારે વર્તમાન માહોલને ધ્યાનમાં રાખીને એક્સપોર્ટ-ઇમ્પોર્ટના ટ્રેન્ડ પર ધ્યાન આપવા એક વિકલી મૉનિટરિંગ મેકૅનિઝમ સ્થાપવાનું નક્કી કર્યું છે જે સપ્લાય-ચેઇનના પ્રવાહનો પણ નિયમિત ચિતાર મેળવી શકશે.
અમેરિકા-ઈરાન મંત્રણાનો પ્રથમ દોર નિષ્ફળ જવાના અહેવાલને પરિણામે આજે બજાર નેગેટિવ ખૂલવાની શક્યતા વધી ગઈ છે. ડબ્બા માર્કેટે રવિવારે હેવી કરેક્શનનો સંકેત આપી દીધો હતો. ગયા સપ્તાહમાં બજારે હાંસલ કરેલી રિકવરી આ સપ્તાહમાં ધોવાઈ જાય તો નવાઈ નહીં. જોકે હવે આ મામલો લાંબો ચાલશે એમ માની શકાય અને અનિશ્ચતતા ચાલુ રહેશે.