27 May, 2026 08:48 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
શાંતિ-સમજૂતીને લઈને વાટાઘાટ પ્રગતિના પંથે હોવાના ટ્રમ્પના દાવા વચ્ચે અમેરિકાએ સેલ્ફ-ડિફેન્સની આડમાં ઈરાન પર મિસાઇલહુમલો શરૂ કર્યો હોવાના અહેવાલ છે. મામલો હવે આગળ કેવો વળાંક લે છે એ જોવું રહ્યું. બ્રેન્ટ ક્રૂડ સાડાત્રણ ટકા વધીને ૯૯ ડૉલર પર ગયું છે. એક અન્ય સમાચાર તાઇવાને ૪.૯૫ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે ભારતનું પાંચમા નંબરનું સ્થાન બથાવી પાડ્યું છે. ઇન્ડિયા ૪.૯૨ લાખ કરોડ ડૉલરના માર્કેટકૅપ સાથે હવે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. ગઈ કાલે સાઉથ કોરિયા ૮૧૩૧ની ઑલટાઇમ હાઇ બનાવી અઢી ટકા વધીને ૮૦૪૭ બંધ થયું છે. થાઇલૅન્ડ ૧૫૬૩ની મલ્ટિયર ટૉપ નોંધાવી નજીવા સુધારે ૧૫૫૩ હતું. હૉન્ગકૉન્ગ નજીવું ઘટ્યું છે. તાઇવાન ૪૪૦૯૭ના નવા શિખરે જઈ સામાન્ય ઘટાડે ૪૩૫૨૫ હતું. ઇન્ડોનેશિયા સવા ટકો, ચાઇના સાધારણ, સિંગાપોર પોણો ટકો નરમ હતાં. યુરોપ રનિંગમાં પોણોથી એક ટકો ડાઉન જણાયું છે. લંડન ફુત્સી અડધો ટકો ઉપર હતું. ડૉલર સામે રૂપિયો ૯૫.૨૪ના આગલા બંધ સામે નીચામાં ૯૫.૬૯ થઈ રનિંગમાં ૪૬ પૈસા ખરડાઈને ૯૫.૬૯ હતો.
સેન્સેક્સ આગલા બંધથી ૨૬૫ પૉઇન્ટ નરમ ૭૬૨૨૪ ખૂલી છેવટે ૪૭૯ પૉઇન્ટ ઘટી ૭૬૦૧૦ તથા નિફ્ટી ૧૧૮ પૉઇન્ટ ઘટી ૨૩૯૧૪ બંધ થયો છે. શૅરઆંક ઉપરમાં ૭૬૬૨૭ તથા નીચામાં ૭૫૯૧૦ થયો હતો. માર્કેટબ્રેડ્થ કસોકસ હતી. NSEમાં વધેલા ૧૬૫૫ શૅર સામે ૧૬૫૨ જાતો માઇનસ થઈ છે. માર્કેટકેપ ૨૦૦૦ કરોડ વધી ૪૬૮.૭૧ લાખ કરોડ થયું છે. ટેલિકૉમ બેન્ચમાર્ક નવા બેસ્ટ લેવલે જઈ અડધો ટકો પ્લસ હતો. મેટલ તથા યુટિલિટીઝ એક ટકો આસપાસ તો પાવર બેન્ચમાર્ક ૦.૯ ટકા જેવો સુધર્યો છે. રિયલ્ટી, ફાઇનૅન્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, PSU બૅન્ક નિફ્ટી અડધોથી પોણો ટકો નરમ હતા. ITમાં નહીંવત્ પીછેહઠ હતી.
અદાણી એન્ટર. આગેકૂચમાં ૨૯૭૯ની ૧૯ માસની નવી ટૉપ બનાવી ૪.૨૦ ટકા ઊંચકાઈ ૨૯૬૯ બંધમાં નિફ્ટીમાં ઝળક્યો છે. તાતા મોટર્સ પૅસેન્જર સવાત્રણ ટકાની મજબૂતીમાં ૭૮૫ વટાવી ગઈ છે. સેન્સેક્સમાં ટેક મહિન્દ્ર ૧.૭ ટકા અને ઇટર્નલ એક ટકો વધીને મોખરે હતી. નિફ્ટીમાં નેસ્લે એકાદ ટકો વધી ૧૪૨૮ પ્લસ થઈ છે. અપોલો હૉસ્પિટલ્સ પોણાબે ટકા તથા વિપ્રો દોઢ ટકાના ઘટાડે નિફ્ટીમાં તો ટ્રેન્ટ અને TCS ૧.૪ ટકા તથા ભારતી ઍરટેલ સવા ટકો ઘટી સેન્સેક્સ ખાતે નરમાઈમાં મોખરે હતી. HDFC બૅન્ક એક ટકો અને ICICI બૅન્ક પોણા ટકાથી વધુ ઘટી બજારને ૧૬૬ પૉઇન્ટ નડી છે. રિલાયન્સ પોણા ટકાની નબળાઈમાં ૧૩૫૭ થઈ છે. ONGC રિઝલ્ટ પહેલાં ૦.૯ ટકા વધી ૨૮૭ હતી.
માર્કસન્સ ફાર્માએ આવકમાં ૨૧ ટકા વધારા સામે ૬૩.૫ ટકા વધારામાં ૧૪૮ કરોડ નેટ નફો કરતાં શૅર ૧૨ ગણા કામકાજે ૧૫.૫ ટકા ઊછળી ૨૫૪ વટાવી ગયો છે. ઍસ્ટ્રા માઇક્રો તેજીની આગેકૂચમાં ૧૩૯૦ના શિખરે જઈને ૯.૬ ટકા ઊછળી ૧૭૫૬ થઈ છે. અદાણી ટોટલ સવાઆઠ ટકા વધી ૭૧૩ નજીક ગઈ છે. ટેક્નો ઇલેક્ટ્રિકનો નફો ૧૫ ટકા ઘટતાં શૅર ૧૨.૪ ટકા કે ૧૬૯ તૂટી ૧૨૦૧ બંધ થયો છે.
હૈદરાબાદની ટીમટેક ફૉર્મવર્ક સૉલ્યુશન્સ પાંચના શૅરદીઠ ૬૩ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટમાં બેથી શરૂ થઈ છેલ્લે બોલાતા પાંચના પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૭૫ ખૂલી ૭૩ નજીક બંધ થતાં એમાં ૧૫.૯ ટકા લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. નવી દિલ્હીની વિગોરામાં પંજાબી અંજીઠીનો ૧૦ના શૅરદીઠ ૭૭ના ભાવનો SME ઇશ્યુ આજે બુધવારે BSE ખાતે લિસ્ટેડ થશે. હાલ આઠનું પ્રીમિયમ બોલાય છે. આગલા દિવસે પોણાછ ટકા લિસ્ટિંગ લૉસ આપનારી NEP સંપૂર્ણ ફૂડ્સ ગઈ કાલે પાંચ ટકા તૂટી ૪૯ના તળિયે બંધ થઈ છે. ચેન્નઈની એમ. આર. મણિવેણી ફૂડ્સ ૧૦ના શૅરદીઠ પરની ઇશ્યુ પ્રાઇસ સાથે ૨૭૦૪ લાખનો BSE SME IPO લાવેલી છે તે ગઈ કાલે રીટેલમાં બેગણા સહિત કુલ પોણાબે ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. જયપુરની યશ્વી જ્વેલર્સનો ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવનો ૪૩૮૮ લાખનો SME ઇશ્યુ બુધવારે બંધ થવાનો છે. તે અત્યાર સુધીમાં કુલ ૭૮ ટકા ભરાયો છે. સુરતની હરિકાન્તા ઓવરસીઝનો ઇશ્યુ પ્રથમ ટ્રાયલમાં ફ્લૉપ નીવડતાં તારીખ લંબાવી ૨૭ મે કરાઈ છે. તે અત્યાર સુધી કુલ ૫૭ ટકા જ ભરાયો છે.
અમદાવાદની SMR જેવેલ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ની અપરબૅન્ડમાં કુલ ૬૭૨૩ લાખ રૂપિયાનો BSE SME IPO પ્રથમ દિવસે ગઈ કાલે રીટેલમાં બે ટકા સહિત કુલ ૨૫ ટકા ભરાયો છે, જ્યારે જયપુરની રાજનંદિની ફૅશનનો ૧૦ના શૅરદીઠ ૬૩ના ભાવનો ૧૮૨૧ લાખનો BSE SME IPO રીટેલમાં ૪૩ ટકા સહિત કુલ ૧.૭ ગણો ભરાયો છે. હાલમાં રાજનંદિનીમાં ગ્રેમાર્કેટ ખાતે છ રૂપિયા તથા SMR જ્વેલ્સમાં ઝીરો પ્રીમિયમ ચાલે છે.
હિતાચી એનર્જી ઇન્ડિયાએ માર્ચ ક્વૉર્ટરમાં ૪૬ ટકા વધારામાં ૨૭૫૪ કરોડની આવક ઉપર ૭૯.૭ ટકાના વૃદ્ધિદરથી ૩૩૦ કરોડ પ્લસનો ત્રિમાસિક નેટ નફો મેળવી બેના શૅરદીઠ ૮નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શૅર ગઈ કાલે નીચામાં ૩૪૦૦૦ બનાવી સવા ટકો સુધરી ૩૬૦૫૦ બંધ થયો છે. ૧૬ જાન્યુઆરીના રોજ ૧૬૧૦૪ના વર્ષના તળિયે હતો. સુપ્રજિત એન્જિનિયરિંગની ત્રિમાસિક આવક ૧૮.૮ ટકા વધી ૧૦૪૨ કરોડ તથા નફો ૧૬૧ ટકા ઊછળી ૭૧ કરોડ નોંધાયો છે. શૅર ઉપર ૫૦૭ થઈ ૫.૯ ટકા વધી ૪૭૧ હતો. રેલ વિકાસ નિગમની આવક માર્ચ ક્વૉર્ટરમાં સવાચાર ટકા વધી ૬૬૯૬ કરોડ થઈ છે, પરંતુ નફો ૫૯ ટકા ગગડી ૧૮૭ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૨૫૯ થઈ ૪.૬ ટકા ઘટી ૨૬૦ થયો છે.
સિટી યુનિયન બૅન્ક તરફથી ૩૧ ટકા જેવા વધારામાં ૭૮૬ કરોડની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પર ૨૪.૯ ટકા વધારામાં ૩૬૦ કરોડ નેટ નફો દર્શાવાયો છે. બૅન્ક તરફથી ૩ શૅરદીઠ એક બોનસ માટે ૧૨ જૂનની રેકૉર્ડ ડેટ નક્કી કરવામાં આપી છે. ભાવ ગઈ કાલે ઉપર ૨૫૭ થઈ ૧.૭ ટકા વધી ૨૫૪ બંધ થયો છે. LIC શૅરદીઠ એક બોનસમાં શુક્રવારે બોનસ બાદ થવાની છે. ભાવ ગઈ કાલે નીચામાં ૯૩૪ થઈ ૨.૧ ટકા વધી ૮૫૫ હતો. અગાઉ ઇન્ડિયન બેવરેજિસ તરીકે ઓળખાતી મુંબઈના ઘાટકોપર-ઈસ્ટની આઇબી ઇન્ફોટેક ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ગઈ કાલે એક્સ-સ્પ્લિટ થતાં ઉપરમાં ૬૮ થઈ પાંચ ટકા ઊછળી ત્યાં જ બંધ થઈ છે.
સરકારની ૫૪.૮ ટકા માલિકીની કન્ટેનર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાએ માર્ચ ક્વૉર્ટરમાં એક ટકા ઘટાડામાં ૨૨૬૩ કરોડની આવક પર સાડાબાર ટકા ઘટાડામાં ૨૬૩ કરોડ નજીક નેટ નફો કર્યો છે. શૅર નીચામાં ૪૭૨ થઈ ૭.૧ ટકા તૂટી ૪૭૬ હતો. અમરરાજા એનર્જી એન્ડમાં બિલિટીની આવક સાડાપંદર ટકા વધી ૩૫૩૬ કરોડ થઈ છે તથા નેટ નફો ૯૪.૫ ટકા વધારામાં ૩૧૪ કરોડ આવ્યો છે. ભાવ ગઈ કાલે ઉપર ૯૨૪ બતાવી ૦.૭ ટકા સુધરી ૮૮૯ રહ્યો છે. પાઇન લૅબ્સની આવક ૧૭ ટકા વધી ૭૦૦ કરોડ વટાવી ગઈ છે. કંપની ૨૯ કરોડની નેટ લૉસમાંથી ૫૯ કરોડના ચોખ્ખા નફામાં આવી છે. શૅર ૧૩૬ નીચે નીચું બૉટમ બનાવી ૫.૮ ટકા તૂટી ૧૩૮ હતો. કંપની ગયા નવેમ્બરમાં એકના શૅરદીઠ ૨૨૧ના ભાવથી ૧૮૨૦ કરોડની OFS સહિત કુલ ૩૯૦૦ કરોડનો ઇશ્યુ લાવી હતી.
આદિત્ય બિરલા ફૅશન્સની આવક પોણાસોળ ટકા વધી ૧૯૯૦ કરોડ થઈ છે, સાથે નેટ લૉસ ૧૭ કરોડ નજીક હતો તે પણ તગડા વધારામાં ૧૪૮ કરોડ વટાવી ગઈ છે. શૅર ઉપરમાં ૬૮.૪૦ થઈ ૩.૭ ટકા ગગડી ૬૫ રહ્યો છે. વર્કસ્પેસ સૉલ્યુશન પ્રોવાઇડર કંપની ઑફિસસ્પેસ સૉલ્યુશન્સે ૨૦.૭ ટકા વધારામાં ૪૧૦ કરોડની આવક ઉપર ૧૦૭ ટકા વધારામાં ૨૩૨૦ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. શૅર ઉપર ૪૨૮ બતાવી અડધો ટકો ઘટી ૩૫૭ હતો. કંપની મે ૨૦૨૪માં ૧૦ના શૅરદીઠ ૩૮૩ના ભાવે ૫૯૯ કરોડનું ભરણું લાવી હતી. માન ઇન્ડસ્ટ્રીઝની આવક પાંચ ટકા ઘટતાં નફો ૨૫.૪ ટકા ગગડી ૫૦૮૫ લાખ થયો છે. શૅર ઉપર ૫૮૯ થઈ ૧.૪ ટકા ઘટી ૫૫૦ બંધ હતો.
સુદર્શન કેમિકલ્સે માર્ચ ક્વૉર્ટરમાં બમણાથી વધુ ૨૭૯૦ કરોડની આવક પર ૪ કરોડની નેટ લૉસ સામે ૭૮૭૦ લાખ નેટ પ્રૉફિટ કરીને શૅરદીઠ પાંચનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૧૧૭ થઈ ૪ ટકા ગગડીને ૧૦૦૨ થયો છે. નેસ્કો લિમિટેડની આવક ૩૧ ટકા વધીને ૨૫૨ કરોડ થઈ છે. ગ્રોસ માર્જિન ૫૫.૬ ટકાથી ઘટીને ૪૬.૭ ટકા રહેતાં નેટ નફો પાંચ ટકા વધીને ૯૩ કરોડ આવ્યો છે. શૅરદીઠ સાતનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. ભાવ ઉપરમાં ૧૨૮૧ બતાવીને અઢી ટકા ઘટી ૧૨૩૯ થયો છે. IFB ઇન્ડસ્ટ્રીઝે સવાબાર ટકા વધારામાં ૧૪૯૮ કરોડની આવક પર ૧૯ કરોડની સામે ૪૨.૭ કરોડનો તગડો નફો બતાવ્યો છે. શૅર ઉપર ૧૨૧૫ થઈને ૯ ટકાના ઉછાળે ૧૧૪૮ રહ્યો છે.
ટેક્સટાઇલ કંપની જિંદલ વર્લ્ડવાઇડની ત્રિમાસિક આવક પોણાછ ટકા વધીને ૬૪૦ કરોડ થઈ છે. માર્જિન ૮.૧ ટકાથી ઘટીને ૬.૪ ટકા નોંધાયું છે પણ નેટ પ્રૉફિટ ૧૮.૭ ટકા વૃદ્ધિદરમાં ૨૬૧૦ લાખ જોવાયો છે. શૅર ઉપર ૩૧.૨૮ બતાવી ૧૩ ટકા ઊછળી ૩૦ ઉપર બંધ થયો છે. KSH ઇન્ટરનૅશનલે બમણા વધારામાં ૧૦૨૮ કરોડની આવક પર માર્જિન સવાસાત ટકાથી ઘટી ૬.૪ ટકા રહેવા છતાં ૮૭ ટકાના વધારામાં ૩૪૫૦ લાખ ચોખ્ખો નફો કર્યો છે. શૅર ગઈ કાલે અઢીગણા વૉલ્યુમે ૭૯૮ના શિખરે જઈ ૬.૧ ટકાની તેજીમાં ૭૩૬ થયો છે. કંપની ડિસેમ્બરમાં પાંચના શૅરદીઠ ૩૮૪ના ભાવે ૬૨૬ કરોડનો ઇશ્યુ લાવી હતી. લિસ્ટિંગમાં ભાવ ૩૫૪ બંધ રહ્યો હતો.