ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફની અસર દેખાવા લાગી, ભારતની નિકાસ ૪ મહિનામાં ૩૭ ટકા ઘટી

04 November, 2025 08:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કાપડ, રત્નો અને ઘરેણાં, રસાયણો, કૃષિઉત્પાદનો અને મશીનરી જેવાં ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થયાં; નિકાસ-કમાણી ૪.૮ બિલ્યન ડૉલરથી ઘટીને ૩.૨ બિલ્યન ડૉલર થઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ-ડીલ પર વાટાઘાટો ચાલી રહી છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધો હોવા છતાં અમેરિકા દ્વારા ૫૦ ટકા સુધીની ભારે ટૅરિફ લાદવામાં આવી છે, જેની ભારતની નિકાસ પર ઊંડી અસર પડી રહી છે. નવો ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકાના બજાર પર ભારતની પકડ નબળી પડી રહી છે.

નિકાસમાં સતત ઘટાડો

ભારત દ્વારા અમેરિકામાં થતી નિકાસમાં મે અને સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ૩૭.૫ ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમ્યાન નિકાસનો કુલ જથ્થો ૮.૮ બિલ્યન ડૉલરથી ઘટીને ૫.૫ બિલ્યન ડૉલર થયો હતો, જે તાજેતરનાં વર્ષોમાં સૌથી તીવ્ર ઘટાડો છે.

ઘણાં ક્ષેત્રોને ગંભીર અસર

કાપડ, રત્નો અને ઘરેણાં, રસાયણો, કૃષિઉત્પાદનો અને મશીનરી જેવાં શ્રમ-સઘન ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડી હતી. સ્માર્ટફોન અને ફાર્માસ્યુટિકલ નિકાસને સૌથી વધુ અસર થઈ હતી. ગયા વર્ષે નોંધપાત્ર વધારો થયા બાદ આ વર્ષે સ્માર્ટફોનની નિકાસમાં ૫૮ ટકાનો ઘટાડો થયો છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પણ બાકાત રહ્યું નથી, ૧૫.૭ ટકા ઘટ્યું છે. ઍલ્યુમિનિયમમાં ૩૭ ટકા, તાંબામાં ૨૫ ટકા, ઑટોના ભાગોમાં ૧૨ ટકા અને લોખંડ અને સ્ટીલમાં ૮ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

રત્નો અને ઝવેરાતની નિકાસમાં થાઇલૅન્ડ અને વિયેટનામ અમેરિકન બજારમાં ભારતનું સ્થાન લેવાનું શરૂ કરી ચૂક્યાં છે. 

business news tariff donald trump united states of america india