ફ્લેક્સિકૅપ ફંડ એટલે શું? એમાં રોકાણ કરવા જેવું ખરું?

05 August, 2021 03:29 PM IST  |  Mumbai | Amit Trivedi

આજે આપણે ફ્લેક્સિકૅપ ફંડ વિશે વાત કરીએ એ સમયોચિત છે

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં એક ફ્લેક્સિકૅપ ફંડની ન્યુ ફંડ ઑફર (એનએફઓ)માં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું. કોઈ પણ એનએફઓમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું કલેક્શન છે. આ પાર્શ્વભૂમાં આજે આપણે ફ્લેક્સિકૅપ ફંડ વિશે વાત કરીએ એ સમયોચિત છે.

આ વિષયે આગળ વધતાં પહેલાં આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. ઑક્ટોબર ૨૦૧૭માં સેબીએ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ્સની શ્રેણીઓ બદલવા બાબતે એક પરિપત્ર બહાર પાડ્યું હતું. એમાંની એક શ્રેણી હતી મલ્ટિકૅપ ફંડની. સેબીના આ પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે મલ્ટિકૅપ ફંડ માર્કેટ કૅપિટલાઇઝેશનના આધારે મોટા, મધ્યમ અને નાના કદની કંપનીઓ તરીકે શ્રેણીબદ્ધ થતી કંપનીઓમાં રોકાણ કરી શકે છે. એ પરિપત્ર બહાર પાડવા પાછળનું કારણ મલ્ટિકૅપ શ્રેણીને કારણે ઊભી થયેલી ગૂંચવણ દૂર કરવાનું હતું.

શું આ પ્રકારના ફંડે હંમેશાં નિશ્ચિત પ્રમાણમાં અલગ-અલગ કદની કંપનીઓમાં રોકાણ કરવું પડે કે પછી ફંડ મૅનેજર અલગ-અલગ કદના આધારે રચાયેલી શ્રેણીમાં રોકાણની ટકાવારી પોતાની રીતે નક્કી કરી શકે? આ પ્રશ્નનો જવાબ નિશ્ચિત સ્વરૂપે આપવામાં આવ્યો નહીં હોવાથી સેબીએ ૨૦૨૦માં ઉક્ત પરિપત્રમાં સુધારો કરીને નવું પરિપત્ર બહાર પાડ્યું.

નવા પરિપત્રમાં કહેવામાં આવ્યું કે મલ્ટિકૅપ ફંડે લાર્જ કૅપ, મિડ કૅપ અને સ્મૉલ કૅપ એ ત્રણે શ્રેણીની કંપનીઓમાં રોકાણ કરવું જરૂરી છે. એનો અર્થ એવો થયો કે મલ્ટિકૅપ ફંડ ધરાવતી ઍસેટ મૅનેજમેન્ટ કંપનીએ સંબંધિત એયુએમ (ઍસેટ અંડર મૅનેજમેન્ટ)ની અમુક નિશ્ચિત ટકા રકમ દરેક શ્રેણીમાં રોકવી.

નિશ્ચિત ટકાવારીની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે ફંડ મૅનેજરની ફ્લેક્સિબિલિટી અમુક હદ સુધી ઘટી જાય. આ સંજોગોમાં એવા ફંડની જરૂર ઊભી થઈ જે ફંડ મૅનેજરને પોતાના મંતવ્ય મુજબ રોકાણ કરવાની છૂટ આપે. 

ઉક્ત બાબતને ધ્યાનમાં રાખીને સેબીએ ૨૦૨૦ના એ પરિપત્રના થોડા મહિનાઓ બાદ નવા પ્રકારની સ્કીમ માટે પરવાનગી આપી, જેને ફ્લેક્સિકૅપ ફંડ એવું નામ આપવામાં આવ્યું. આમ, મ‌લ્ટિકૅપ અને ફ્લેક્સિકૅપ વચ્ચે તફાવત સ્પષ્ટ થયો. મલ્ટિકૅપ ફંડે એયુએમના અમુક નિશ્ચિત ટકા રકમ અલગ-અલગ શ્રેણીમાં રોકવી પડે છે, જ્યારે ફ્લેક્સિકૅપ ફંડમાં એવી કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. ફ્લેક્સિકૅપ ફંડના ફંડ મૅનેજર પોતાની મુનસફી મુજબ કોઈ પણ એક માર્કેટ કૅપ શ્રેણીમાં વધારે કે ઓછું રોકાણ કરી શકે છે.

આ રીતે ફ્લેક્સિકૅપ ફંડ એવા લોકો માટે સારી પસંદગી બને છે, જેઓ વિવિધ માર્કેટ કૅપમાં રોકાણ કરવાનું પસંદ કરતા હોય અને કઈ શ્રેણીમાં કેટલું રોકાણ કરવું એનો નિર્ણય ફંડ મૅનેજરની નિપુણતા પર છોડવા તૈયાર હોય. ટૂંકમાં, ફ્લેક્સિકૅપ ફંડના ફંડ મૅનેજરને પોતાની કુશળતાનો ઉપયોગ કરવાની છૂટ મળે છે.

એમ તો આવી સ્કીમ લાંબા સમયથી ચાલી રહી છે, પરંતુ ફરક એટલો જ છે કે સેબીએ તેના પરિપત્રમાં ફ્લેક્સિકૅપ તરીકે તેનો ઉલ્લેખ કર્યો છે.

સવાલ તમારા…

શૅરબજારમાં ચંચળતા વધારે છે. આવામાં શું રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું વિચારવું જોઈએ?

શૅરબજારમાં ચંચળતા તો હંમેશાં રહેવાની. જો એમાં ચંચળતા ન હોય તો ડરી જવું, કારણ કે એ તેના સ્વભાવથી વિપરીત વાત કહેવાય. ઇક્વિટી માર્કેટની ચંચળતાને અપનાવીને રોકાણ કરવું કે પછી એમાં રોકાણ કરવાથી દૂર રહેવું એનો નિર્ણય દરેક વ્યક્તિ પોતાની જોખમ ખમવાની ક્ષમતા પર આધાર રાખે છે.

તમારે એ ધ્યાનમાં રાખવું કે ફુગાવાથી વધારે વળતર જોઈતું હોય તો ઇક્વિટી ફંડ ઉપયોગી થાય છે. જો તમે ઇક્વિટી માર્કેટથી દૂર રહો તો ફુગાવાની અસરથી મુક્ત રહેવાની તક ગુમાવી દો છો. સાથે સાથે એ પણ કહી દેવું ઘટે કે સ્ટૉક માર્કેટમાં રોકાણ કરવાથી તમને હંમેશાં ફુગાવા કરતાં વધુ વળતર મળે એવું પણ હોતું નથી.

business news