રશિયા-યુક્રેન વચ્ચેનો તનાવ વધવાની અસરે ઘઉં, મકાઈ, ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ વધશે

18 January, 2022 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુરોપિયન દેશો અને અમેરિકાની દખલગીરીથી અનેક કૉમોડિટીની સપ્લાય પર અસર થશે

પ્રતીકાત્મક તસવીર

રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ વધતાં નૅચરલ ગૅસ, ઘઉં અને મકાઈ જેવા કૉમોડિટી બજાર પર પ્રતિકૂળ સર પડી શકે છે. વેપારીઓએ હજી જોખમનું સંપૂર્ણ અવલોકન કર્યું નથી.
આઇએનજીના કૉમોડિટીઝ સ્ટ્રૅટેજીના હેડ વોરન પેટરસને કહ્યું કે ‘આ બે દેશો વચ્ચે સંભવિત મતભેદો વધશે તો કૉમોડિટીના પ્રવાહ પર તેની અસર જોવા મળશે. આ મતભેદમાં યુરોપિયન યુનિયન અને અમેરિકા પણ દખલગીરી કરી શકે છે. પરિણામે વૈશ્વિક બજારની ઘણી કૉમોડિટી બજારોની સપ્લાય પર પ્રતિકૂળ અસર પડશે.સીમા ઉપર સૈન્ય તહેનાત કરાતાં રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ બાબતે તાજેતરમાં અમેરિકાએ પણ રશિયા સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ તણાવ વધુ તીવ્ર બન્યો હતો. જો રશિયા સીમા ઉપરથી તેમનું સૈન્ય પાછું ખેંચશે નહીં તો તેમનાં પર નિયંત્રણો લાદવામાં આવશે, એવી ચીમકી અમેરિકા અને તેમના સાથી દેશોએ આપી છે.
આ તણાવની સૌથી વધુ અસર નૅચરલ ગૅસ પર પડશે. રશિયા હાલમાં યુરોપમાં નૅચરલ ગૅસની સપ્લાય કરે છે. યુરોપમાં નૅચરલ ગૅસની કુલ માગમાં ૫૦ ટકા માગ રશિયા પૂરી કરે છે. રશિયા યુરોપમાં જે માર્ગે સપ્લાય કરે છે એમાં વચ્ચે યુક્રેન પણ આવે છે. પવન ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળીનું પ્રમાણ ઘટતાં અને વૈશ્વિક ધોરણે માગ વધતાં નૅચરલ ગૅસના ભાવ છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર વધ્યા છે. યુરોપમાં વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં સ્ટૉક નીચલી સપાટીએ છે. યુરોપમાં નૅચરલ ગૅસની સપ્લાય કરવા માટે રશિયાના વૈકલ્પિક માર્ગ (નોર્ડ સ્ટ્રીમ-૨)ને જર્મનીએ હજી લીલી ઝંડી આપી નથી. યુરોપમાં ફ્રન્ટ મન્થ નૅચરલ ગૅસના વાયદા તેમની પાંચ વર્ષની સરેરાશની સરખામણીએ ચાર ગણા ઊંચા ભાવે ટ્રેડ થઈ રહ્યા છે. જોકે યુક્રેન સાથેના તણાવને લીધે પાઇપલાઇન જોખમમાં મુકાઈ છે એથી આગામી સમયમાં નૅચરલ ગૅસ વાયદામાં તીવ્ર વૉલેટિલિટી જોવા મળી શકે છે. આ સિવાય વૉશિંગ્ટન પણ નોર્ડ સ્ટ્રીમ-૨ બાબતે શું વલણ અપનાવે છે એ જોવાનું રહેશે.  રશિયા પ્રતિદિન ૧.૧ કરોડ ટન ક્રૂડ તેલનું ઉત્પાદન કરે છે. એવામાં રશિયા પર કોઈ પણ પ્રકારનાં નિયંત્રણો લાદવામાં આવે તો ક્રૂડ તેલ બજાર પર પણ એની નકારાત્મક અસર જોવા મળશે. ઑપેક ઉત્પાદનમાં વધારો કરવામાં હાલ સક્ષમ નથી. એવામાં જો રશિયાથી પણ ઉત્પાદન ઓછુ આવે તો ક્રૂડ તેલ વાયદામાં ઉછાળો આવી શકે છે.

business news