ડેરિવેટિવ્ઝના સેગમેન્ટમાં સેબીનાં સાવચેતીનાં પગલાંનાં પરિણામ ખરેખર શું આવ્યાં?

31 August, 2026 08:37 AM IST  |  Mumbai | Jayesh Chitalia

ફ્યુચર્સ-ઑપ્શન્સમાં નાના ટ્રેડરોનું નુકસાન ઘટ્યાનો નાણામંત્રાલયનો દાવો છે, પરંતુ ૧૦માંથી ૯ ટ્રેડરોને લૉસ થાય છે. સેબીના અભ્યાસ મુજબ ૨૦૨૫-’૨૬માં વ્યક્તિગત ટ્રેડર્સનું નુકસાન વધ્યું છે અને STTની આવક પણ વધી છે.

પ્રતીકાત્મક તસવીર

ઇક્વિટી માર્કેટના ટ્રેન્ડને બદલે આ વખતે ડેરિવેટિવ્ઝ માર્કેટની કેટલીક હકીકતો પર નજર કરીએ, કારણ કે આ માર્કેટમાં પણ અનેક રીટેલ ઇન્વેસ્ટર્સ (ખરેખર તો ટ્રેડર્સ) ભાગ લે છે અને આ ફ્યુચર્સ એન્ડ ઑપ્શન્સ (F&O) સોદાઓમાં ૧૦માંથી ૯ ટ્રેડર્સ નાણાં ગુમાવે છે, આ વિષયમાં ખુદ નિયમન તંત્ર સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ વારંવાર ચેતવણી આપ્યા પછી એની અસર કેટલી થઈ એ તો SEBI જાણે જ છે, જ્યારે કે તાજેતરમાં નાણાપ્રધાને આ વિષયમાં રીટેલ ટ્રેડર્સ-ઇન્વેસ્ટર્સનું નુકસાન ઘટ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી તેમ જ ટ્રેડર્સની સંખ્યા પણ અગાઉ કરતાં ઘટી હોવાનું કહ્યું હતું. જોકે આ સેગમેન્ટના ટર્નઓવરના આંકડા કંઈક જુદી કથા વ્યક્ત કરે છે. હાલ તો આ સેગમેન્ટમાં બદલાયેલા ટ્રેડિંગ સમય વિશેની નવી સમસ્યા પણ ચર્ચામાં છે. આ કથિત સમસ્યા ટ્રેડિંગ સમયના નવા નિયમ લાગુ કર્યા બાદ ઊભી થઈ છે. અલબત્ત, SEBI ચૅરમૅન આ બાબતે બધું બરાબર હોવાનું માને છે. બાકી બજારના ખેલાડીઓ જાણે.

ચેતવણીની સૂચના લૉગ-ઇન વખતે દેખાઈ

સૌપ્રથમ નોંધીએ કે NSEમાં ઇક્વિટી ડેરિવે‌ટિવ્ઝમાં દરરોજ આશરે ૯૦,૦૦૦ કરોડ રૂપિયાની વૅલ્યુના સોદા થાય છે. તાજેતરમાં સંસદમાં આપેલા નિવેદનમાં નાણાપ્રધાને જણાવ્યું હતું કે ‘SEBIનાં સાવચેતીનાં પગલાંના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં F&O સેગમન્ટમાં પાકતી તારીખે રીટેલ રોકાણકારોનું નુકસાન ઘટ્યું હોવાનું કહેવાય છે. જોકે સત્તાવાર માહિતી મુજબ F&Oના સોદાઓ પર સિક્યૉરિટીઝ ટ્રાન્ઝેક્શન ટૅક્સ (STT) દ્વારા થયેલી આવક વધી છે.
SEBIએ વ્યક્તિગત ખેલાડીઓને આ સેગમેન્ટના જોખમથી ચેતવવાનું ફરજિયાત બનાવીને બ્રોકર્સને એવો ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે જે મુજબ ૧૦માંથી ૯ વ્યક્તિગત ટ્રેડર્સે  F&O સોદાઓમાં નુકસાન કર્યું છે, એવી ચેતવણી ગ્રાહક ટ્રેડિંગ પ્લૅટફૉર્મ પર લૉગ ઇન કરે કે તરત જ દેખાય અને સ્પષ્ટ વાંચી શકાય એ રીતે આપવી જરૂરી હોય છે. આ પગલું ચોક્કસ આવકાર્ય ગણાય. જોકે અેના પરિણામરૂપે આ ચેતવણીની કોઈ નોંધનીય અસર થઈ નથી. એક્સચેન્જિસ પણ આ વર્ગને ચેતવણી આપતાં રહ્યાં છે એ નોંધવું રહ્યું.

રીટેલ ટ્રેડરની સરેરાશ નુકસાની વધી?

SEBI દ્વારા લેવામાં આવેલાં અનેક નિયમનકારી પગલાંને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૬માં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વ્યક્તિગત રીટેલ ટ્રેડરોનું ચોખ્ખું નુકસાન નાણાકીય વર્ષ ૨૦૨૫ કરતાં ઘટ્યું છે, એમ નાણામંત્રાલયે સંસદને માહિતી આપી હતી. SEBIનાં આવાં અનેક પગલાંઓના કારણે ૨૦૨૫-૨૬માં ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં પાછલા વર્ષની તુલનામાં વાર્ષિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે જેને ચેતવણીની અસર પણ કહેવાય અને અથવા ટ્રેડર્સ-રોકાણકાર વર્ગનો પોતાના અનુભવનું સબક પણ ગણાય. જોકે F&Oમાં સોદા કરનારી પ્રતિ વ્યક્તિને સરેરાશ નુકસાન નાણાકીય વર્ષ ૨૦૨૬માં ૧.૧૬ લાખ રૂપિયા થયું છે જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૧.૧૪ લાખ રૂપિયા હતું.

SEBI દ્વારા લેવામાં આવેલાં પગલાં

SEBIએ બજારમાં સ્થિરતા જાળવી રાખવા અને રોકાણકારોનાં હિતોના રક્ષણ માટે અનેક નિયમનકારી અને દેખરેખનાં પગલાં અમલમાં મૂક્યાં છે. F&O સેગમેન્ટને મજબૂત બનાવવા માટે સેબીએ નવેમ્બર ૨૦૨૪થી અનેક પગલાંઓ લેવાનું શરૂ કર્યું હતું જેમાં સાપ્તાહિક ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું રૅશનલાઇઝેશન, ઑપ્શન્સ સમાપ્તિના દિવસે વધારાનું જોખમ કવરેજ કરવા વધારાનું માર્જિન, ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝની કૉન્ટ્રૅક્ટ સાઇઝ વધારવી, મન્થલી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું પણ રૅશનલાઇઝેશન, ખરીદનારાઓ પાસેથી ઑપ્શન પ્રીમિયમ સોદો પંચ થાય એ અગાઉ જ અે જમા કરાવવું, વલણ સમાપ્તિના દિવસે કૅલેન્ડર સ્પ્રેડના સોદા પર પ્રતિબંધ અને પૉઝિશન મર્યાદાનું ઇન્ટ્રા-ડે સઘન મૉનિટરિંગનો સમાવેશ થયો છે. 
મે ૨૦૨૫માં SEBIએ બહુવિધ એક્સચેન્જોમાં વિવિધ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ્સની સમાપ્તિના દિવસોને (એક્સપાયરી-ડે) સુવ્યવસ્થિત કર્યા અને F&Oમાં જોખમની વધુ સારી દેખરેખ અને જાહેરાત માટે પૉઝિશન મર્યાદા વિશે યોગ્ય જોખમ મૅટ્રિક્સ લાગુ કરવાના હેતુથી વધુ પગલાં પણ લીધાં હતાં. જોકે SEBIના આંકડા કહે છે કે ૨૦૨૫માં ૧૦માંથી ૯ ટ્રેડર્સની લૉસ ચાલુ રહી છે. જોકે લૉસનું પ્રમાણ ૪૧ ટકા વધીને ૧ લાખ કરોડ ઉપર પહોંચી ગયું છે. દર વર્ષે આ સેગમેન્ટમાં સોદા કરતા ૯૦થી ૯૨ ટકા વ્યક્તિગત ટ્રેડર્સ લૉસ નોંધાવી રહ્યા છે. આમાં વળી સોદા ખર્ચનો બોજ યા ભાર વધારાનો ગણવો પડે.

F&Oના સોદા પર STT

STT માટે એક ટેક્નૉલૉજી સંચાલિત, મધ્યસ્થી-આધારિત વસૂલાત પદ્ધતિ અમલમાં આવી છે જે નિયમન કરાયેલ સિક્યૉરિટીઝ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ સ્વચાલિત ટૅક્સ રિકવરીને સમાવી લે છે જેનાથી કરચોરીની તકો નોંધપાત્ર રીતે ઓછી થતી હોવાનું પણ નોંધાયું છે. અલબત્ત, સત્તાવાર આંકડા અનુસાર, F&O ટ્રેડ્સ પર STT દ્વારા થયેલી આવક નાણાકીય વર્ષ ૨૦૨૬માં વધીને ૨૭,૬૯૫ કરોડ રૂપિયા થઈ હતી જે નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૨૨,૨૨૫ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૨માં વાર્ષિક આવક માત્ર ૬૬૩૪ કરોડ રૂપિયા જ હતી.

રીટેલ ટ્રેડર્સ કયાં માર ખાય છે?

હવે જ્યારે આ સોદામાં વ્યક્તિગત ટ્રેડર્સને સતત નુકસાન થઈ રહ્યું છે ત્યારે એનાં કારણોમાં આટલું સમજી લેવું જોઈએ. આ સેગમેન્ટમાં નાની મૂડીથી ટ્રેડર્સ પૉઝિશન મોટી લઈ શકે છે જે તેમને લલચાવે છે. ઑપ્શન્સમાં આખેઆખું પ્રીમિયમ ગુમાવવાનું આવી શકે છે. હાઈ ફ્રિકવન્સી ટ્રેડિંગમાં જેમ વધુ ટ્રેડર્સ અેમ ભૂલો કરવાની વધુ તક અને ઊંચો સોદા ખર્ચ. એ વરેજ કરવાની ભારે પડતી ભૂલો. નાના ટ્રેડર્સ મોટા સંસ્થાકીય ખેલાડીઓ સાથે સ્પર્ધા કરતા હોય છે જેમાં તેઓ હારતા હોય છે. યાદ રહે, F&O રિસ્ક મૅનેજમેન્ટનું સારું સાધન ગણાય છે, પરંતુ નાના ટ્રેડર્સ માટે સંપત્તિસર્જન માટેનું બહુ જ મુશ્કેલ સાધન છે. રોકાણકારો-ટ્રેડર્સ પોતે નહીં સમજે અને આ માર્ગમાં અટવાયા કરશે તો ૧૦માંથી ૯નું નુકસાન પાકું માની શકાય. હવે ચેતવણી કોણ અને કેટલી વાર આપે?

business news nifty sensex stock market share market national stock exchange bombay stock exchange sebi jayesh chitalia