વૉલ સ્ટ્રીટ પાછળ વિશ્વબજારો માયૂસ, સેન્સેક્સમાં ૬ દિવસની રૅલી અટકી

19 November, 2025 06:13 AM IST  |  Mumbai | Anil Patel

બિટકૉઇન વધુ ખરડાઈને ૯૦,૦૦૦ ડૉલરની અંદર, ૭ મહિનાના તળિયે : નીરસ રિઝલ્ટ આપનાર બૉમ્બે બર્મા તગડા કામકાજે ૧૮૧ રૂપિયા ઊછળ્યો, ગૅબ્રિયલમાં નરમાઈ વધી : વર્કમૅટ્સના SME IPOમાં ૮૦ ટકા પ્લસનું માતબર રિટર્ન: જેફરીઝના બુલિશ વ્યુ પાછળ વીવર્ક ઇન્ડિયામાં કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં અત્યાર સુધીનાં કૉર્પોરેટ પરિણામ અપેક્ષા કરતાં એકંદર સારાં રહ્યાં છે. કૉર્પોરેટ નફાવૃદ્ધિનો દર ડબલ ડિજિટ સાથે છેલ્લાં ૬ ક્વૉર્ટરમાં બેસ્ટ નોંધાયો છે. પરિણામોમાં નેગેટિવ સરપ્રાઇઝ નથી જોવા મળ્યું. સરવાળે ખરાબ સમય વીતી ગયો હોવાની લાગણી પેદા થઈ છે. અમેરિકા સાથે ટ્રેડ-ડીલનો મામલો નજીકમાં હલ થઈ જવાની આશા છે. એટલે થર્ડ અને ફોર્થ ક્વૉર્ટર બહેતર રહેવા સંભવ છે. આનો એક અર્થ એ થયો કે બજાર હવે તેજી તરફી બ્રેકઆઉટની તૈયારીમાં છે. છેલ્લાં ૮ વર્ષ દરમ્યાન માર્કેટ સતત, વર્ષોવર્ષ નવી ઑલટાઇમ હાઈ બનાવતું ગયું છે, ૨૦૨૫નું ચાલુ વર્ષ પણ એમાં જોડાશે એમ લાગે છે. રહી વાત ૨૦૨૬ની, તો જૂન સુધીમાં નિફ્ટીમાં ૨૯,૦૦૦ના ગોલ્ડમૅનના વરતારા પછી હવે મૉર્ગન સ્ટૅન્લીવાળાએ ડિસેમ્બર ૨૬ના અંત સુધીમાં ૧.૦૭ લાખનો સેન્સેક્સ ભાખી નાખ્યો છે.

હાલની વાત કરીએ તો વૉલસ્ટ્રીટમાં વેચવાલીના પ્રેશરમાં ડાઉ ઇન્ડેક્સ સવા ટકા નજીક કે ૫૫૭ પૉઇન્ટ ગગડીને બંધ આવતાં મંગળવારે વિશ્વબજારોનો મૂડ બગડેલો હતો. એશિયા ખાતે સાઉથ કોરિયન કૉસ્પી સાડાત્રણ ટકા, જૅપનીઝ નિક્કી ૧૪૭૦ પૉઇન્ટ કે ત્રણ ટકા, તાઇવાન અઢી ટકા, હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, સિંગાપોર અને ચાઇના પોણો ટકો, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયા પોણો ટકો ડૂલ થયા છે. યુરોપ અડધાથી સવા ટકાની આગલા દિવસની નબળાઈ બાદ ગઈ કાલે રનિંગમાં એકથી દોઢ ટકો નરમ દેખાયું છે. બિટકૉઇન વધુ ખરડાઈ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન નીચામાં ૮૯,૩૬૮ ડૉલરની સાતેક મહિનાની બૉટમ બનાવી અઢી ટકા જેવી ખરાબીમાં ૮૯,૯૬૧ ડૉલરની અંદર ચાલતો હતો. જાણકારો ટૂંકમાં ૮૦,૦૦૦ ડૉલરનો ભાવ જુએ છે.

ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી ૯૮ પૉઇન્ટ પ્લસ ૮૫,૦૪૨ ખૂલ્યા બાદ છેવટે ૨૭૮ પૉઇન્ટની પીછેહઠમાં ૮૪,૬૭૩ તથા નિફ્ટી ૧૦૩ પૉઇન્ટ ઘટીને ૨૫,૯૧૦ બંધ થયો છે. મતલબ બજારની સળંગ ૬ દિવસની રૅલીને બ્રેક લાગી છે. શૅરઆંક ઉપરમાં ૮૫,૦૪૨ અને નીચામાં ૮૪,૫૫૮ થયો હતો. ખાસ્સી નબળી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૯૬૯ શૅરની સામે ૨૧૬૮ જાતો માઇનસ થઈ છે. માર્કેટકૅપ ૨.૫૨ લાખ કરોડ રૂપિયાના ઘટાડે ૪૭૪.૬૨ લાખ કરોડ રહ્યા છે. લગભગ બધાં સેક્ટોરલ રેડઝોનમાં હતાં. રિયલ્ટી બેન્ચમાર્ક બે ટકા, IT ૧.૨ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૧ ટકા, હેલ્થકૅર પોણો ટકો ડાઉન હતો. બૅન્ક નિફ્ટી ૫૯,૧૦૩ની નવી ટૉપ દેખાડી નજીવો ઘટી ૫૮,૮૯૯ રહ્યો છે. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩,૨૦૨નું નવું શિખર નોંધાવી અડધો ટકો ઘટી ૧૩,૧૨૦ હતો.

બૉમ્બે બર્માએ આવકમાં પોણાચાર ટકાના વધારા સામે સાડાચાર ટકા જેવા ઘટાડામાં ૨૪૨ કરોડ નેટ પ્રૉફિટ સાથે નીરસ પરિણામ રજૂ કર્યાં હતાં. રિઝલ્ટ પછી સાધારણ ઘટેલો શૅર ગઈ કાલે ૫૮ ગણા જંગી કામકાજમાં ઉપરમાં ૨૦૪૯ થઈ પોણાદસ ટકા કે ૧૮૧ રૂપિયા ઊછળી ૨૦૨૨ બંધમાં એ-ગ્રુપ ખાતે ઝળક્યો છે. ગૅબ્રિઅલ ઇન્ડિયા રિઝલ્ટનો વસવસો જાળવી રાખતાં ૯૪૮ની અંદર જઈ ૩.૭ ટકા બગડી ૯૮૫ રહી છે. બાયબૅક માટે બોર્ડમીટિંગની જાહેરાતમાં આગલા દિવસે ૨૦ ટકાના ઉછાળા બાદ VLS ફાઇનૅન્સ ગઈ કાલે ૨૬૯ થઈ ૧.૮ ટકા વધીને ૨૫૫ રહી છે. 

ઍક્સેલ સૉફ્ટ શૅરદીઠ ૧૨૦ના ભાવે આજે મૂડી બજારમાં

આજે મેઇન બોર્ડમાં મૈસૂરની વર્ટિકલ Saas કંપની ઍક્સેલ સૉફ્ટ ટેક્નૉલૉજીઝ ૧૦ના શૅરદીઠ ૧૨૦ની અપર બૅન્ડ સાથે ૩૨૦ કરોડની ઑફર ફૉર સેલ સહિત કુલ ૫૦૦ કરોડનો ઇશ્યુ કરવાની છે. ૨૦૦૦માં સ્થપાયેલી આ કંપનીએ ગયા વર્ષે ૨૪ ટકા વધારામાં ૨૪૯ કરોડ જેવી આવક ઉપર ૧૭૨ ટકા વૃદ્ધિદરથી ૩૪૬૯ લાખ નેટ નફો બતાવ્યો છે. ચાલુ વર્ષે પ્રથમ ૩ મહિનામાં ૬૦૨૮ લાખની આવક તથા ૬૦૧ લાખ નેટ પ્રૉફિટ કર્યો છે. દેવું ૩૭૮૨ લાખ છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધી ૧૧૫ કરોડ વટાવી જશે. ચાલુ વર્ષના ૩ મહિનાની કમાણીને ઍન્યુલાઇઝડ કરતાં ઇશ્યુ પ્રાઇસ ૫૭.૪નો PE સૂચવે છે. ગ્રેમાર્કેટમાં ૩૦થી શરૂ થયેલું પ્રીમિયમ ૨૦ થઈ હાલમાં ૧૬ ચાલે છે. મધ્ય પ્રદેશના ઇન્દોરની ગેલાર્ડ સ્ટીલ ૧૦ના શૅરદીઠ ૧૫૦ની અપર બૅન્ડમાં ૩૭૫૦ લાખનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. ૨૦૧૫માં સ્થપાયેલી આ કંપનીનાં છેલ્લાં બે વર્ષનાં જ રિઝલ્ટ આવ્યાં છે. ગયા વર્ષે ૯૨ ટકા વધારામાં ૫૩૫૨ લાખની આવક ઉપર ૯૦ ટકા વૃદ્ધિદરથી ૬૦૭ લાખ નેટ નફો બતાવી દીધો છે. ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં આવક ૩૨૧૪ લાખ અને ચોખ્ખો નફો ૪૨૯ લાખ નોંધાવ્યો છે. દેવું ૧૯૧૩ લાખનું છે. ઇશ્યુ બાદ ઇક્વિટી વધીને ૯૫૦ લાખ થશે, ગ્રેમાર્કેટમાં ૧૧થી શરૂ થયેલું પ્રીમિયમ હાલ પણ ત્યાં જ ચાલે છે.

ગઈ કાલે બૅન્ગલોરની કેપિલરી ટેક્નૉલૉજીઝ બેના શૅરદીઠ ૫૭૭ના ભાવનો ૮૭૭ કરોડ પ્લસનો IPO આખરી દિવસે રીટેલમાં ૧૪.૫ ગણા સહિત કુલ ૫૩ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ૨૯થી વધી હાલ ૪૫ બોલાય છે. 

ડલ માર્કેટમાં ભારતી ઍરટેલ લાઉડ રિંગ સાથે ઑલટાઇમ હાઈ

ડલ માર્કેટમાં ભારતી ઍરટેલ સરેરાશ કરતાં પચીસ ટકા વૉલ્યુમે ૨૧૫૯ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૮ ટકા વધી ૨૧૫૦ બંધમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બનીને સેન્સેક્સને ૮૮ પૉઇન્ટ ફળી છે. ભારતી હેક્સાકોમ ૨.૭ ટકા પ્લસ તો ઇન્ડ્સ ટાવર સવા ટકો નરમ હતી. ઍક્સિસ બૅન્ક ઇન્ટ્રા-ડેમાં ૧૨૭૩ની ટૉપ બનાવી સવા ટકો વધી ૧૨૬૫ થઈ છે. સ્ટેટ બૅન્ક ૯૭૭ નજીક નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી નજીવા ઘટાડામાં ૯૭૨ હતી. મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, પાવરગ્રીડ, ટાઇટન અડધા ટકા સુધી સુધરી છે. બન્ને બજારમાં ઘટાડામાં ટેક મહિન્દ્ર ૨.૨ ટકા, ઇન્ડિગો ૨.૨ ટકા, હિન્દાલ્કો ૧.૩ ટકા, જિયો ફાઇનૅન્સ બે ટકા, બજાજ ફાઇનૅન્સ સવા ટકો, તાતા કન્ઝ્યુમર ૨.૧ ટકા, ઇન્ફી દોઢ ટકાની નરમાઈ સાથે મોખરે હતા. રિલાયન્સ નહીંવત‌્ વધીને ૧૫૨૦ રહી છે.

બૅ​ન્કિંગમાં ગઈ કાલે સ્ટેટ બૅન્ક ઉપરાંત એયુ બૅન્ક, કૅનેરા બૅન્ક, DCB બૅન્ક, ફેડરલ બૅન્ક, ઇન્ડિયન બૅન્કમાં નવા ઊંચા ભાવ દેખાયા હતા. ૪૧માંથી ૧૭ બૅન્ક-શૅર પ્લસ થયા છે. ફેડરલ બૅન્ક અઢી ટકા, સાઉથ ઇન્ડિયન બૅન્ક દોઢ ટકા, ઇસફ સ્મૉલ બૅન્ક ૨.૭ ટકા, કૅપિટલ બૅન્ક ૨.૨ ટકા વધી મોખરે હતી. સૂર્યોદય બૅન્ક ૩.૯ ટકા ગગડી છે. હીરો મોટો કૉર્પમાં જેએમફાઇ તરફથી ૬૬૫૦ તથા એમ્કે ગ્લોબલ દ્વારા ૬૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી બુલિશ વ્યુ જાહેર થયા છે. શૅર ગઈ કાલે ૫૮૮૦ની ૧૪ મહિનાની ટૉપ બતાવી ૫૮૦૦ના લેવલે યથાવત્ બંધ થયો છે.

લાયકા લૅબ્સ ત્રણ ટકા ગગડી ૮૩ તથા કોપરાન ૧૩૬ની વર્ષની નવી નીચી સપાટીએ ગઈ છે. જોકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝ ૩૮,૭૫૦ની વર્ષની બૉટમ બનાવી નજીવા સુધારામાં ૩૯,૫૦૦ રહી છે. સિક્વન્ટ સાયન્ટિફિક ૨૪૯ની ટૉપ દેખાડી ૭ ટકાની મજબૂતીમાં ૨૪૭ વટાવી ગઈ છે. આઇનૉક્સ ગ્રીન એનર્જી ૬.૭ ટકા ગગડી ૨૩૪ હતી. 

ઇન્ડોકેમને પ્રદૂષણ બોર્ડની ક્લોઝર નોટિસ, શૅરમાં ગાબડું

પેટીએમમાં કેટલાક ઇન્વેસ્ટર્સ તરફથી શૅરદીઠ ૧૩૦૭ના ભાવે બ્લૉકડીલ મારફત ૧૭૨૨ કરોડનો માલ વેચવામાં આવતાં ભાવ નીચામાં ૧૩૦૫ થયા બાદ બાઉન્સ બૅકમાં ૧૩૪૭ બતાવી અંતે ૨.૯ ટકા ઘટી ૧૨૯૫ બંધ થયો છે. એમક્યૉર ફાર્મામાં પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ બેઇન કૅપિટલ દ્વારા ૧૨૯૬ની ફ્લોર પ્રાઇસથી બે ટકા માલ વેચી ૪૯૩ કરોડ ઊભા કરવાની જાહેરાત પાછળ શૅર નીચામાં ૧૩૨૫ થઈ અઢી ટકા ઘટી ૧૩૬૦ રહ્યો છે. ઇન્ડોકેમ લિમિટેડને પ્રદૂષણના મામલે એનો અંબરનાથ પ્લાન્ટ ૭૨ કલાકમાં બંધ કરવાની મહારાષ્ટ્ર પ્રદૂષણ બોર્ડે નોટિસ આપતાં શૅર નીચામાં ૮૨૯ થઈ પાંચ ટકા તૂટીને ૮૨૯ થયો છે. ૨૦૨૪ની બીજી ડિસેમ્બરે શૅરનો ભાવ ૭૨ના વર્ષના તળિયે હતો એ વધતો રહી તાજેતરમાં ૧૩ નવેમ્બરે ૯૩૦ના બેસ્ટ લેવલે ગયો હતો.

મુંબઈના સાંતાક્રુઝની ઑટો રાઇડર ઇન્ટરનૅશનલ એક શૅરદીઠ પાંચ શૅરના બોનસમાં બોનસ બાદ થતાં ગઈ કાલે ૮૪૯ના લેવલે લગભગ યથાવત્ બંધ રહી છે. ૨૦૨૪ની ૯ ડિસેમ્બરે ભાવ તળિયે હતો. શ્રી અધિકારી બ્રધર્સમાં ૧૯.૭ ટકા હિસ્સો ધરાવતી સેરા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા પોણો ટકો કે બે લાખ શૅરને ૧૦૩૦ના ભાવે વેચવામાં આવતાં શૅર નીચામાં ૯૭૪ થઈ પાંચ ટકા ઊછળી ૧૦૭૬ બંધ થયો છે. ઝિન્કા લૉજિસ્ટિક્સવાળી બ્લૅકબકમાં પ્રમોટર્સ ઍન્ટિટી તરફથી શૅરદીઠ ૬૭૦ની બેઝ પ્રાઇસથી ૨૪૦ કરોડનો માલ વેચાયો હોવાના અહેવાલ છે. ભાવ ઉપરમાં ૭૦૧ થયા બાદ ૬૬૧ થઈ અડધો ટકો વધીને ૬૮૭ બંધ રહ્યો છે.

વીવર્ક ઇન્ડિયામાં જેફરીઝે ૭૯૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જાહેર કરતાં ૬૩૪ બંધ આવ્યો છે. ફાઇવ પૈસા કૅપિટલમાં સવાનવ ટકા હિસ્સો ધરાવતી WF એશિયાએ પોણાઆઠ ટકા માલ શૅરદીઠ ૨૮૯ના ભાવે વેચ્ચો છે. શૅર ગઈ કાલે આ અહેવાલ પાછળ ઉપરમાં ૩૬૦ બતાવી ૯.૪ ટકાના ઉછાળામાં ૩૪૫ બંધ રહ્યો છે. 

ફિઝિક્સવાલાનું ધારણા કરતાં ઘણું બહેતર લિ​સ્ટિંગ

મેઇન બોર્ડમાં ગઈ કાલે બે ભરણાં લિસ્ટેડ થયાં છે. હાઈ પ્રોફાઇલ પણ ખોટ કરતી ફિઝિક્સવાલા એકના શૅરદીઠ ૧૦૯ની ઇશ્યુ પ્રાઇસ તથા ગ્રેમાર્કેટ ખાતે ૯ રૂપિયાથી શરૂ થયા બાદ ઝીરો થઈ પછી છેલ્લે બોલાતા ૧૪ના પ્રીમિયમ સામે ૧૪૩ ખૂલી ઉપરમાં ૧૬૨ અને નીચામાં ૧૩૮ થઈ ૧૫૫ બંધ રહેતાં એમાં ૪૨.૪ ટકા લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. જ્યારે એમ્વી ફોટો વૉલ્ટિક બેના શૅરદીઠ ૨૧૭ની ઇશ્યુ પ્રાઇસ અને ૨૦થી શરૂ થઈ ઝીરો થઈ ગયેલા પ્રીમિયમ સામે ૨૧૭ ખૂલી ઉપરમાં ૨૨૮ તથા નીચામાં ૨૦૭ થઈ ૨૧૯ બંધ થતાં એમાં એક ટકો લિ​સ્ટિંગ ગેઇન મળે છે. SME સેગમેન્ટમાં કલકત્તાની વર્કમૅટ્સ કોરટુક્લાઉડ સૉલ્યુશન્સ ૧૦ના શૅરદીઠ ૨૦૪ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૨૦થી શરૂ થયા બાદ ઉપરમાં ૯૨ બતાવી છેલ્લે બોલાતા ૮૮ના પ્રીમિયમ સામે ૩૮૭ ખૂલી ૩૬૮ બંધ થતાં એમાં ૮૦.૫ ટકાનો માતબર લિ​સ્ટિંગ ગેઇન છૂટ્યો છે. નવી દિલ્હીની મહામાયા લાઇફ સાય​ન્સિસ ૧૦ના શૅરદીઠ ૧૧૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૧૬ ખૂલી ઉપલી સર્કિટમાં ૧૨૨ નજીક જઈ ૧૧૫ બંધ રહેતાં એમાં પોણો ટકો લિ​સ્ટિંગ ગેઇન મળે છે.

દરમ્યાન પ્રોત્સાહક ૩૧ ટકાના લિ​સ્ટિંગ ગેઇન બાદ ગ્રોવાળી બિલિયન બ્રેઇન્સ નવાં શિખર બનાવવાનું ચાલુ રાખતાં ગઈ કાલે ૧૯૪ નજીક બેસ્ટ લેવલે જઈને આઠ ટકા ઊછળી ૧૮૯ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલા અન્ય શૅરમાં ગઈ કાલે લેન્સકાર્ટ ૧.૭ ટકા ઘટી ૪૨૪ રહી છે. પાઇનલૅબ્સ નહીંવત્ સુધારે ૨૪૧ હતી. સ્ટડ્સ એસેસરીઝ ૬૦૦ નજીક ઑલટાઇમ હાઈ નોંધાવી ૪.૪ ટકા વધીને ૫૭૦ હતી. જ્યારે MTR ફૂડ્સવાળી ઑર્કલા ઇન્ડિયા સવા ટકાના ઘટાડે ૬૭૧ બંધ આવી છે. તામિલનાડુની ટેનેકો ક્લીન ઍર ઇન્ડિયાનું લિસ્ટિંગ આજે થવાનું છે. પ્રીમિયમ ૧૧૪ ચાલે છે. 

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange