18 May, 2026 01:22 PM IST | Mumbai | Varsha Chitaliya
અરિન પપ્પા સાથે એવરેસ્ટ બેઝ કૅમ્પ પર.
માઇનસ ૧૫ ડિગ્રી તાપમાન અને સુસવાટા મારતા પવનોનો સામનો કરીને ૫૩૬૪ મીટરની એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધીની રોમાંચક સફર ખેડી આવેલા ૧૩ વર્ષના અરિન શાહે સાબિત કરી દીધું કે જુસ્સો બુલંદ હોય તો પર્વતો પણ ઝૂકી જાય. ૧૧ દિવસના સાહસિક ટ્રેક માટે ગયેલી ટીમનો તે યંગેસ્ટ ટ્રેકર હતો. સાડાચાર વર્ષની ઉંમરથી પપ્પા સાથે મહારાષ્ટ્રમાં ટ્રેકિંગ કરતો આ યંગ બૉય બર્થ-ડે પાર્ટી માટે ફ્રેન્ડ્સને પણ ટ્રેકિંગ પર લઈ ગયો હતો
જેમનો જુસ્સો બુલંદ હોય તે પડકારોને અવસરમાં બદલી શકે છે. ચેમ્બુરમાં રહેતો ૧૩ વર્ષનો અરિન શાહ હિમનદીઓ, બરફાચ્છાદિત પહાડો અને સુસવાટા મારતા પવનોનો સામનો કરીને એવરેસ્ટ બેઝ કૅમ્પની રોમાંચક સફર ખેડી આવ્યો છે. માઇનસ ૧૫ ડિગ્રી તાપમાનમાં પણ પોતાના ઇરાદામાં મક્કમ રહેલા આ કચ્છી બૉયે આવાં તો ઘણાં હેરતઅંગેજ કારનામાં કર્યાં છે. માત્ર સાડાચાર વર્ષની ઉંમરે મહારાષ્ટ્રની સહ્યાદ્રિ રેન્જથી ટ્રેકિંગની શરૂઆત કરનાર અરિનના સાહસની વાતો જાણવા જેવી છે.
નઝારો જોઈને મજા પડી
હિમાલયના પહાડોમાં દિવસોના દિવસો રહો તોય મન ભરાય નહીં એવી બ્યુટિફુલ જગ્યા છે એવું ઉત્સાહપૂર્વક જણાવતાં અરિન કહે છે, ‘એવરેસ્ટ બેઝ કૅમ્પની રીલ્સ અને વિડિયો જોઈને આકર્ષાયો હતો. ઘણા સમયથી હિમાલયનો ટ્રેક કરવાનું મન હતું. પપ્પાના ફ્રેન્ડ્સ પ્લાન કરી રહ્યા હતા એ જોઈને ઇરાદો મજબૂત થયો. જોકે પપ્પાએ પહેલાં ના પાડી હતી. હું જીદ કરીને તેમને લઈ ગયો. એવરેસ્ટ બેઝ કૅમ્પ સુધી પહોંચતાં ૮ દિવસ અને નીચે ઊતરવામાં ૩ દિવસ લાગ્યા. દરરોજ ૭-૮ કલાક ચાલતા. વન-વે ટ્રેકિંગ ૬૫ કિલોમીટર હતું. જોશ એટલો હતો કે પપ્પાથી આગળ-આગળ નીકળી જતો. હિમનદીઓ જોવા ઊભો રહી જતો. ગાઇડની ઇન્સ્ટ્રક્શનને બરાબર ફૉલો કરતો. શરીરને હાઇડ્રેટેડ રાખવા ૩ લીટર પાણી,
એનર્જી-બાર અને ડ્રાયફ્રૂટ્સ સાથે રાખ્યાં હતાં. ચારે બાજુ બરફની ચાદર પથરાયેલી હોય એવો સુંદર નઝારો જોઈને દિલ ખુશ થઈ ગયું. દરેક જગ્યાએ બરફના થરની જાડાઈ અને લંબાઈ એકસરખી ન હોય એટલે સંભાળીને ચાલવું પડે. જેમ-જેમ ઉપર ચડતા જઈએ એમ હવામાન બદલાઈ જાય. ક્યારેક ઠંડી વધી જાય અને જોરદાર પવન ફૂંકાવા લાગે તો કોઈક વાર વરસાદ પડે. ત્રણ-ચાર જૅકેટ પહેરવાં પડે. વરસાદને કારણે ચડાણમાં ચાલવાની સ્પીડ ઘટી જાય. એક વાર સ્લિપ થઈ ગયો. ટ્રેકિંગમાં પડવા-આખડવાની તૈયારી રાખવી પડે. પહાડ પર ઑક્સિજનનું લેવલ ઘટી જાય, પણ ડરવા જેવું નથી. મારું ઑક્સિજન ૮૦ની આસપાસ રહેતું હતું. બ્રીધિંગ કન્ટ્રોલ કરતાં આવડે છે. આખો દિવસ ચાલવામાં થાક નહોતો લાગતો, પણ સવારે પાંચ વાગ્યામાં ઊઠવાનો કંટાળો આવતો. સમિટ પર પહોંચ્યા પછી જોયું તો આકાશ કેટલું નીચે છે, હાથ ઊંચો કરીને અડી લઉં એવું થયું. કેટલીયે વાર સુધી પથ્થર પર બેઠા-બેઠા ઊંચા પર્વતો જોતો રહ્યો. એક દિવસ એવરેસ્ટ સર કરવો છે.’
પ્લાનિંગ અને પ્રૅક્ટિસ
એવરેસ્ટ બેઝ કૅમ્પનો પ્લાન કઈ રીતે બન્યો એ વિશે વાત કરતાં અરિનના પપ્પા વિનીત શાહ કહે છે, ‘રાઇઝર્સ ગ્રુપના મેમ્બરો સાથે અમે નાના ટ્રેક કરતા હતા. અમારા ગ્રુપમાંથી કેટલાક ટ્રેકર્સે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એવરેસ્ટ બેઝ કૅમ્પનો પ્લાન કર્યો હતો. એ વખતે કોઈ કારણસર લંબાઈ ગયું. અરિનને ત્યારે પણ જવું હતું. જોકે હું ના-ના કરતો હતો. વાસ્તવમાં આ ટ્રેક માટે તેણે મને પ્રોત્સાહિત કર્યો કે ચાલો પપ્પા મજા આવશે, આપણે કરી લઈશું. તેનું બહુ મન હતું તેથી મેં હા પાડી. બરફાચ્છાદિત પહાડો ચડવાનો અનુભવ નહોતો એટલે બધાએ ટ્રેકિંગની ટ્રેઇનિંગ આપતી કંપની આદ્રારસના કૅપ્ટન સ્વામીનાથનના માર્ગદર્શનમાં ૩ મહિના ટ્રેઇનિંગ લીધી. લૉન્ગ રન, સ્ટેર-ક્લાઇબિંગ, બ્રીધિંગ એક્સરસાઇઝ તથા ક્યારેક અપર બૉડી તો કયારેક લોઅર બૉડીની તાલીમ લેતા. સ્કૂલ, પરીક્ષાઓ અને સ્પોર્ટ્સ ઍક્ટિવિટીને લીધે અરિન રોજ પ્રૅક્ટિસમાં જોડાઈ નહોતો શકતો. સાંજે મને પૂછી લેતો કે આજે શું કર્યું? પછી તે જાતે વ્યાયામ કરે. આદ્રારસે નેપાલની એજન્સીને હૅન્ડઓવર કર્યું. શરૂઆતથી જ તેનું કૉન્ફિડન્સ-લેવલ જબરદસ્ત હતું. તેનું એક્સાઇટમેન્ટ જોઈને મને ખાતરી થઈ ગઈ કે તે આ ટ્રેક આરામથી કરી લેશે. ટ્રેકિંગમાં તે મારાથી પચીસ મીટર આગળ ચાલતો હતો. તેને જોઈને હું મોટિવેટ થતો. તેનું મિશન પૂરું થયું ત્યારે તે બહુ ખુશ હતો. તે ગ્રુપમાં ઉંમરમાં સૌથી નાનો હતો.’
રાઇઝર્સ ગ્રુપના મેમ્બરો અવારનવાર ઍડ્વેન્ચરસ ટ્રિપ પ્લાન કરતા હોય છે એમ જણાવીને વિનીતભાઈ વધુમાં કહે છે, ‘એવરેસ્ટ બેઝ કૅમ્પના ટ્રેક પર ૧૭ જણનું ગ્રુપ ગયું હતું જેમાંથી ૧૧ મેમ્બર કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજના હતા. બાવીસમી એપ્રિલે મુંબઈથી કાઠમાંડુ જવા નીકળ્યા. બીજા દિવસે પશુપતિનાથ મંદિરમાં દર્શન કરીને રામચેપ ગયા. ૨૪ એપ્રિલે રામચેપથી લુકલાની ફ્લાઇટ હતી. અહીંથી ૨૦૦ મીટરનું ટ્રેકિંગ કરીને ટૉકટૉક પહોંચ્યા. ત્યાંથી નામચે બજારનો ૮૦૦ મીટરનો ટ્રેક હતો. નામચે બજારથી તાપમાન ઘટતું ગયું. પહેલી મેએ ૫૩૬૪ મીટરની ઊંચાઈએ એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચ્યા. ૩ દિવસના રિટર્ન ટ્રેક બાદ ૪ મેએ લુકલા આવ્યા. અરિનને રિટર્નમાં કાલા પથ્થર ટ્રેક કરવો હતો. ત્યાંથી એવરેસ્ટનો ક્લિયર વ્યુ દેખાય છે. જોકે હવામાન ખરાબ હોવાને લીધે શેરપાએ ના પાડી. પોતાના લક્ષ્યને પાર કરીને ૬ મેએ મુંબઈ પાછા આવી ગયા.’
ટ્રેકિંગનો ચસકો લાગ્યો
અરિનના પેરન્ટ્સને ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીનો શોખ છે. તેઓ મહારાષ્ટ્રમાં નાના ટ્રેક્સ કરીને પહાડોનો આનંદ ઉઠાવતા. વિનીતભાઈ કહે છે, ‘સાડાચાર વર્ષની ઉંમરે અરિનને ટ્રેકિંગ પર લઈ ગયો હતો. તેનો ફર્સ્ટ ટ્રેક નાનેઘાટ હતો. મુંબઈથી આશરે ૧૬૫ કિલોમીટર દૂર આવેલો આ ટ્રેક રિવર્સ વૉટરફૉલ માટે પ્રખ્યાત છે. નાનપણથી અરિન નેચર સાથે કનેક્ટ થઈ ગયો છે. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટીમાં તેની રુચિ જોઈને મૉન્સૂનમાં સહ્યાદ્રિ રેન્જના ટ્રેકિંગ પ્લાન કરતા. મહારાષ્ટ્રનું એવરેસ્ટ કહેવાતો કળસુબાઈ ટ્રેક પણ કર્યો છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં લગભગ ૭૦ વખત ટ્રેકિંગ પર જઈ આવ્યો છે. ઘણાબધા નાઇટ-ટ્રેક્સ કર્યા છે. હિમાલયનો તેનો આ ફર્સ્ટ ટ્રેક હતો.’
મહારાષ્ટ્રના ટ્રેક્સની વાત નીકળતાં અરિન કહે છે, ‘હંમેશાં કંઈક નવું કરવામાં ગમ્મત પડે. તેરમી વર્ષગાંઠની ઉજવણી માટે ૩૮ ફ્રેન્ડ્સને કર્જત નજીક કુંડાણા ટ્રેક પર લઈ ગયો હતો. રાયગડ જિલ્લામાં આવેલો આ ટ્રેક રોમાંચક ડેસ્ટિનેશન છે. સલામતી માટે પપ્પા અને તેમના ફ્રેન્ડ્સ સાથે આવ્યા હતા. ફ્રેન્ડ્સના પેરન્ટ્સે મારી આ પહેલને ખૂબ વખાણી હતી. ઘણા ફ્રેન્ડ્સે પહેલી વાર ટ્રેકિંગ કર્યું હતું. આ મારો યાદગાર બર્થ-ડે હતો. હવે ઑગસ્ટમાં ૧૪મી વર્ષગાંઠ પર નવું પ્લાન કરીશ.’
ટ્રેકિંગનાં ટેક્નિકલ પાસાંને સમજવા અરિનને પર્વતારોહણની તાલીમ લેવી છે. તેને વરસાદમાં ભીંજાવાનું બહુ ગમે. વેકેશન ટ્રિપમાં સ્પોર્ટ્સ ઍક્ટિવિટી ઍડઑન કરે. દેવલાલી ફરવા જાય તો નાશિકમાં ટ્રેઇલ કરી આવે. મૉરિશ્યસ ફરવા ગયા ત્યારે આસપાસમાં હાઇકિંગ કર્યું હતું. બાલીમાં સ્કૂબા ડાઇવિંગ કરવાની ઇચ્છા હતી પરંતુ ઉંમરને કારણે તેને હજી આવાં ઍડ્વેન્ચર કરવાની પરવાનગી મળતી નથી. માટુંગાની શિશુવન સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો અરિન સ્પોર્ટી છે. વૉલીબૉલ ફેવરિટ સ્પોર્ટ છે. ફુટબૉલ અને ક્રિકેટ પણ રમે છે. તેના પપ્પાનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે અને મમ્મી કેતકીબહેન સ્પૅનિશ ભાષાનાં ટીચર છે.
સાહસ યુવાનીમાં જ થાય એવું કોણે કહ્યું?
હિમાલય જેવું સૌંદર્ય વિશ્વના કોઈ પર્વતો પર જોવા નહીં મળે. જીવનમાં એક વાર હિમવર્ષાના સાંનિધ્યમાં રહેવાનો આનંદ માણવા જેવો છે. રાઇઝર્સ ગ્રુપના સૌથી મોટી વયના ટ્રેકર સંજય ગોસર કહે છે, ‘અનુભવ જબરદસ્ત રહ્યો. જીવનમાં કંઈક મોટું અચીવ કર્યું હોય એવો આનંદ થયો. ફિટનેસ પ્રત્યે સજાગતાને લીધે ૬૨ વર્ષની ઉંમરે પહાડ ચડી ગયો. છેલ્લાં ૧૦ વર્ષથી ૪૨ કિલોમીટરની ફુલ મૅરથૉન દોડું છું એટલે ફેફસાં મજબૂત છે. મારું પૅશન રનિંગ છે પરંતુ ગ્રુપ સાથે મજા કરવા તેમ જ ઍડ્વેન્ચર માટે વર્ષમાં એકાદ નાનકડો ટ્રેક કરી લેતો. હિમાયલના પહાડો ચડવાનો વિચાર ક્યારેય નહોતો કર્યો. એવરેસ્ટ બેઝ કૅમ્પ વિશે જાણકારી નહોતી છતાં જોખમ ખેડ્યું. મને વિશ્વાસ હતો કે તબિયત નહીં બગડે. જોકે બરફમાં ચાલવાનું ટફ લાગ્યું. ખાસ કરીને નીચે ઊતરતી વખતે ઘૂંટણ પર પ્રેશર આવતું હતું. ૧૧ દિવસ સતત બરફમાં ચાલવું સરળ નથી. અરિનને જોઈને મોટિવેટ થતો. ગ્રુપમાં બધા એકબીજાની હિંમત વધારતા. અત્યાર સુધી મહારાષ્ટ્રના ડુંગરો ચડ્યો છું, હવે હિમાલયનો ખોળો ખૂંદવાની ઇચ્છા જાગી છે. ભવિષ્યમાં આવા ટ્રેક કરી શકીશ એવો વિશ્વાસ દૃઢ બન્યો છે. ક્યારેય ન ધારેલા આવા સરસ મજાના પ્રવાસો કરવા મળે એને જ સાચા અર્થમાં સપનાં સાકાર થયાં કહેવાય. આ ટ્રેકમાં મને શીખવા મળ્યું કે સાહસ કરવાની કોઈ ઉંમર નથી હોતી. ઇરાદા મજબૂત હોય તો હિમાલય પણ ઢૂંકડો લાગે.’
સંજય ગોસર, શૈલેષ નિસર, વિનીત શાહ, ધીર નિસર, અરિન શાહ, સિમ્મી શાહ, કેકિન ભેદા, હસ્તી નિસર, કિરણ ગડા, હેતલ ગાલા, ચિરાગ મારુ, ભાવેશ વોરા, અભિલાષ શાહ, સપના શાહ, જગદીશ ડાંગી, નીતા સહાની, ચંચલા શેટ્ટી