મારે દુખી થવું નથી

13 October, 2025 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણીતા લેખકો અને ચિંતકોએ સુખી થવાના અને રહેવાના ઉપાય સૂચવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

સુખી રહેવાનું સૌને ગમતું હોય છે પણ આપણી સમજણ કેળવાઈ નથી હોતી એટલે સુખ ઝાંઝવાના જળ જેવું રહ્યું છે.

જાણીતા લેખકો અને ચિંતકોએ સુખી થવાના અને રહેવાના ઉપાય સૂચવ્યા છે. એમાંથી મને ગમતાં કેટલાંક ઉપયોગી સૂચનો.

૧) તમે એવો નિશ્ચય કરો કે સુખી થવું જ છે અને એ માટે નાની અમથી બાબતોમાંથી પણ આનંદ મેળવવા પ્રયત્ન કરો.

૨) તમારા જે સંજોગો હોય એમાંથી ઉત્તમમાં ઉત્તમ મેળવવા પ્રયત્ન કરો. કોઈને કદી બધું મળતું હોતું નથી. મુખ્ય મુદ્દો એ છે કે મનની નારાજી કરતાં રાજીપાનું પ્રમાણ સદાય વધારે રહે એમ કરવું.

૩) આપણે દરેકને રાજી કરી શકીએ નહીં. કોઈ નારાજ થાય અને ટીકા કરે તો એનાથી દુખી થવું નહીં.

૪) તમારા માટે શું યોગ્ય છે અને શું યોગ્ય નથી એ વિશે તમારાં સગાંઓ/ પાડોશીની વાતની અસર મન પર ન જ થવા દેવી.

૫) સંતોષ સર્વથી ઉત્તમ સુખ છે. સુખ એને કહેવાય જેનાથી બીજાને સુખ મળે. સુખ અને દુઃખ વચ્ચેનું કેન્દ્રબિંદુ મન છે.

૬) મુશ્કેલીઓ આવ્યા પહેલાં એનો વિચાર કરી દુખી થવું નહીં. ખરેખર મુશ્કેલી કરતાં એની કલ્પના વધુ દુઃખકર હોય છે.

૭) કોઈના પ્રત્યેનો ધિક્કાર મન અને આત્માને મલિન કરતો હોય છે. એટલે કોઈના પ્રત્યે અભાવની લાગણી જન્મે એવું કરવું નહીં.

૮) જરૂરિયાતવાળાને માટે જે કાંઈ કરી શકાય એ સદા કરતાં રહેવું.

૯) હંમેશાં કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં રોકાયેલા રહેવું. મનને રોકાયેલું રાખવાથી દુખી થવાનો કે નાખુશ થવાનો સમય જ નહીં મળે.

૧૦) આત્મનિરીક્ષણ કરવું. એટલે કે પોતાનામાં રહેલા દોષો પ્રત્યે સભાનતા પ્રાપ્ત કરવી. ૧૧) વિચારનો અમલ પોતા પર અને શ્રદ્ધાનો અમલ બીજા પર કરવો એટલે કે પોતાના માટે ન્યાયનું ધોરણ અને બીજા માટે પ્રેમ અને ક્ષમાનું ધોરણ રાખવું.

૧૨) થયેલી ભૂલ ફરી ન કરવાનું વ્રત લઈને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવી.

૧૩) સિક્કા કરતાં વસ્તુને, વસ્તુ કરતાં વ્યક્તિને, વ્યક્તિ કરતાં વિવેકને અને વિવેક કરતાં સત્યને વધારે મહત્ત્વ આપવું.

૧૪) વ્યર્થ ચિંતનનો ત્યાગ અને વર્તમાનનો સદુપયોગ કરીને ભવિષ્યને ઉજ્જ્વળ બનાવવા પ્રયત્નો કરવા.

૧૫) અહમ્ પીગળે ત્યારે જ પ્રેમની પ્રાપ્તિ થતી હોય છે એટલે અહંકારશૂન્ય બનવા કોશિશ કરવી.

ઉપર દર્શાવેલી બાબતોનું સતત સ્મરણ રહે અને આચરણમાં ઉતારવા પ્રયત્નશીલ રહેવાય તો આપણી આસપાસ સુખ નામનો પ્રદેશ સહેલાઈથી બની શકે.

 

- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)

columnists exclusive gujarati mid day