17 December, 2025 12:52 PM IST | Mumbai | Kajal Rampariya
જીવનને જીવવાનો તેમનો દૃષ્ટિકોણ ખરેખર અન્યના જીવનમાં ઉત્સાહ અને સકારાત્મકતા ભરી દે છે
ઉંમર માત્ર એક આંકડો છે એ વાતને વિલે પાર્લેમાં રહેતા સૂર્યકાંત ઝવેરી ઉર્ફે સુરુભાઈ પોતાના રોજિંદા જીવનથી સાબિત કરી રહ્યા છે. ૯૪ વર્ષની વયે તેઓ પોતાના બિઝનેસમાં સક્રિય છે અને દરરોજ ઑફિસ આવીને બિઝનેસની અપડેટ્સ લેતા હોય છે. પગમાં સર્જરી થયા બાદ સ્ટીલનો રૉડ બેસાડ્યો હોવા છતાં તેઓ દરરોજ વિલે પાર્લેથી સાકીનાકા તેમની ઑફિસ સુધી આવે છે. ઑફિસ પહેલા માળે હોવાથી તેઓ ૪૦ પગથિયાં પણ ચડે છે. નિવૃત્તિની વયમાં પ્રવૃત્તિનો માર્ગ અપનાવનારા સુરુભાઈ આ ઉંમરે પણ આટલા ચુસ્ત કઈ રીતે છે એવો સવાલ તો તમને પણ થતો હશેને? તો ચાલો આ સવાલ તેમને જ પૂછીએ.
૯૪ વર્ષની ઉંમરમાં પોતાનાં કામ પોતે કરી લે, ચાલવામાં અને બોલવામાં પણ કોઈ જાતની તકલીફ નહીં, વાતચીત કરે તો તેમની વાતો સ્પષ્ટ સમજાય એટલું જ નહીં; પોતે ઊભા કરેલા બિઝનેસમાં શું ચાલી રહ્યું છે, કેવા ચેન્જિસની જરૂર છે એ બધી બાબતોની નોંધ સુરુભાઈ લે છે. વર્ષોથી વિલે પાર્લેમાં રહેતા સુરુભાઈ ત્યાંની બહુ ફેમસ પર્સનાલિટી છે અને તેમનાં પત્ની ભાવનાબહેન પણ એટલાં જ ફેમસ છે. સુરુભાઈ બિઝનેસમૅન અને ભાવનાબહેન મૅટ્રિમોનિયલ સાઇટ ચલાવતાં હોવાથી સોશ્યલી બહુ ઍક્ટિવ હતાં. હજી પણ બન્ને પતિ-પત્ની તેમનાં દીકરા-વહુ અને પૌત્ર સાથે ખુશખુશાલ જીવન વ્યતીત કરી રહ્યાં છે.
આજથી પાંચ દાયકા પહેલાં સૂર્યકાંત ઝવેરીએ કાર-ઍક્સેસરી વેચવાનો બિઝનેસ શરૂ કર્યો હતો. મિલન સબવે ખાતે આવેલી કાર-ઍક્સેસરીઝની માર્કેટનો પાયો નાખવાનું શ્રેય પણ તેમને જ જાય છે. તેમણે કેવા સંજોગોમાં બિઝનેસ શરૂ કર્યો એ વિશે સૂર્યકાંતભાઈ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં જણાવે છે, ‘મારું શરૂઆતનું જીવન પડકારજનક હતું. એક વખત હું મારા દોસ્તાર સાથે વિલે પાર્લે સ્ટેશનથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજર ભાવના પર પડી. અમે એકબીજા સાથે થોડી વાતો કર્યા બાદ વધુ જાણવાની ઇચ્છા થઈ અને પછી પ્રેમ થઈ ગયો. આજથી સાત દાયકા પહેલાં ઇન્ટરકાસ્ટ મૅરેજ બહુ જ મુશ્કેલ હતાં. હું જૈન અને ભાવના બ્રાહ્મણ. બન્નેએ નક્કી કર્યું હતું કે જીવન તો સાથે જ વિતાવીશું એટલે પરિવારના વિરોધ છતાં અમે ભાગીને લગ્ન કર્યાં. કોઈ શોધવા ન આવે એટલે અમે સાઉથ બૉમ્બેમાં છુપાઈ ગયાં. પછી નવા જીવનની શરૂઆત ૧૦ બાય ૧૦ ફુટની રૂમમાંથી કરી. મારે જીવનમાં બિઝનેસ કરવો હતો એ પાકું હતું. એ સમયે ઍમ્બૅસૅડર કાર બહુ ચાલતી હતી તેથી એ કાર માટે ટૉવેલનાં કવર્સ બનાવીને વેચ્યાં. આ જ પરિશ્રમ અને જુસ્સાથી આજે મારી ‘ભાવિ મોટર્સ’ કંપની ઊંચાઈ પર પહોંચી છે.’
નિવૃત્તિની ઉંમરમાં પ્રવૃત્ત રહેવાનું પસંદ કરનારા સુરુભાઈ કહે છે, ‘હું મારો નિત્યક્રમ પતાવીને નાસ્તો કરી લઉં પછી પત્ની સાથે વાતો કરી-કરીને કેટલી વાતો કરું? ઑફિસમાં જાઉં તો બે નવી ચીજો જાણવા અને શીખવા મળે અને સાથે કોઈને મારા માર્ગદર્શનની જરૂર હોય તો હું એ પણ આપી શકું. ઑફિસમાં ડિરેક્ટરનું પદ મારો દીકરો સંજીવ સંભાળે છે. ઑફિસમાં મારાં વહુ બિનિતા અને પૌત્ર સિદ્ધાર્થ અને શોભિત પણ હોય છે એટલે મને ક્યારેય એકલવાયું લાગ્યું નથી. લોકો વચ્ચે અને લોકો સાથે રહેવું મને બહુ ગમે છે.’
સૂર્યકાંતભાઈ અને ભાવનાબહેને થોડા સમય પહેલાં જ લગ્નજીવનનાં ૭૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. આ માઇલસ્ટોનને અચીવ કરવો પણ મોટી વાત કહેવાય. તેમની ઑફિસના સ્ટાફે મૅરેજ-ઍનિવર્સરીની ઉજવણી કરી હતી.
ઑફિસ સ્ટાફના ‘પપ્પા’
સુરુભાઈને લોકો સાથે વાતચીત કરવી અને તેમની પાસેથી નવી-નવી માહિતી જાણવી બહુ ગમે છે એમ જણાવતાં તેમની કંપનીમાં કામ કરતા અકાઉન્ટ્સ મૅનેજર ભરત પંડ્યા કહે છે, ‘સૂર્યકાંતભાઈ ઝવેરી અમારી ઑફિસ માટે સર નહીં પણ ફાધર-ફિગર છે એટલે જ અમે બધા તેમને સર નહીં પણ પપ્પા જ કહીએ છીએ. તેમને પણ આ ગમે છે. હંમેશાં તેઓ બધા જ સ્ટાફ માટે હેલ્પફુલ રહ્યા છે. કાર-ડ્રાઇવર સાથે પણ શાંતિથી અને હસતા મુખે સન્માનપૂર્વક વાત કરે. એ જ લહેકામાં તેઓ પ્રોફેશનલ્સ સાથે વાત કરે. એટલે તેમણે પોઝિશનના હિસાબે કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું. થોડા સમય પહેલાં જ એક સ્ટાફને ઘરમાં પ્રૉબ્લેમ હતો તો કોઈને ખબર ન પડે એ રીતે કાગળમાં વીંટીને તેમણે નાણાકીય સહાય આપી. એક હાથથી આપેલું દાન બીજા હાથને ખબર ન પડે એ રીતે કરવું જોઈએ એ વાતને તેઓ બહુ સારી રીતે માને છે અને અમે તેમની પાસેથી આ એજમાં પણ ખુશ અને તંદુરસ્ત કેવી રીતે રહેવું એની પ્રેરણા લઈએ છીએ.’
ફિટનેસનું રહસ્ય
સુરુભાઈના દીર્ઘાયુ જીવનનું રહસ્ય જણાવતાં ભરતભાઈ કહે છે, ‘કોઈ પણ વ્યક્તિ આનંદમાં હોય તો ઓછું ભોજન પણ તેના શરીરને લાગે છે. તેમનું વ્યક્તિત્વ સમાનતાના સિદ્ધાંત પર ચાલે છે. બધા સાથે આદરથી વાત કરો, સુખમાં ઘમંડ ન કરવો અને દુ:ખમાં નબળા ન પડીને તમામ પરિસ્થિતિને હસતા મોઢે અને સહજતાથી સ્વીકારી છે. તેમની ઉદારતા તેમને એક સંસ્થાપક કે ડિરેક્ટર નહીં પણ એક માર્ગદર્શક બનાવે છે. તેઓ ફક્ત ખાવાપીવામાં સરખું ધ્યાન આપે છે અને રેગ્યુલર વૉક કરે છે. એનાથી વિશેષ તેઓ ફિટનેસને જાળવવા કંઈ કરતા નથી. અંદરથી ખુશ રહે છે અને ખુશીને વહેંચે છે એ જ તેમની ફિટનેસનું સાચું રહસ્ય છે એમ કહેવું ખોટું નહીં કહેવાય. ઘરની ગાડી ઉપલબ્ધ ન હોય તો પૌત્રને કહે કે મને ઑનલાઇન કૅબ બુક કરી આપ. એટલે તેમની પાસેથી કન્સિસ્ટન્સી પણ શીખવા જેવી છે. સ્વાસ્થ્યને આ કન્સિસ્ટન્સી પણ બહુ લાભ આપે છે.’