અમેરિકાનાં ભાઈ-બહેનોને કહેવું છે કે તમારા પ્રેસિડન્ટને થોડીક સમજણ આપો

30 March, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમે જુઓ આજે સોશ્યલ મીડિયા પર સરહદ પર લડવા જતા અમેરિકનો અને ઈરાનીઓના વિડિયો, તેમના પરિવાર સાથેની એ લાગણીસભર ઘડીઓ. શા માટે આ યુદ્ધને હવા આપવામાં આવી રહી છે?

સ્વતંત્રતાસેનાનીનાં દીકરી ૭૦ વર્ષનાં પુલોમા દલાલ અગ્રણી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને જાણીતાં સ્પીકર પણ છે.

અત્યારે આપણે કાળચક્રના એ સમયમાં છીએ જ્યાં પરસ્પરનો સાથ અને સહકાર જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ. ટેક્નૉલૉજીના વિકાસ વચ્ચે ઘણુંબધું કરવા જેવું છે અને એ બધું છોડીને દુનિયાના એક નેતાની લવારીને કારણે યુદ્ધ ફાટી નીકળે એ કેટલી દુખદ બાબત કહેવાય. આજકાલ હું દરરોજ સવારે બે પ્રાર્થના કરું છું. સૌથી પહેલાં તો વિશ્વશાંતિ સ્થપાય, યુદ્ધમાં વગર કારણે જોતરાયેલા લોકોને શાંતિ મળે અને આ યુદ્ધ અટકે. બીજી પ્રાર્થના, ડોનલ્ડ ટ્રમ્પને ભગવાન સદ્બુદ્ધિ આપે. આજે ઈરાન અને ઇઝરાયલ સાથેના યુદ્ધમાં ટ્રમ્પનો અહમ્ આડે આવ્યો છે. બાકી બન્ને દેશો યુદ્ધ રોકી શકે એમ છે; પણ ના, અમેરિકાને દુનિયાના ક્રૂડ ઑઇલ પર પોતાનું વર્ચસ જોઈએ છે. દુનિયા અમારી કરન્સી વાપરે, અમે ભલે ગમે એટલા ન્યુક્લિયર વેપન બનાવીએ પણ જો કોઈ બીજું એવું કરે તો અમે દંડો લઈને ઊભા રહી જઈએ. શું ચાલી રહ્યું છે આ બધું?

તમે જુઓ આજે સોશ્યલ મીડિયા પર સરહદ પર લડવા જતા અમેરિકનો અને ઈરાનીઓના વિડિયો, તેમના પરિવાર સાથેની એ લાગણીસભર ઘડીઓ. શા માટે આ યુદ્ધને હવા આપવામાં આવી રહી છે? હા, હું કોઈ જિયોપૉલિટિક્સની નિષ્ણાત નથી. યુદ્ધ થવું જોઈએ કે નહીં એનાં મૉરલ્સ વિશેની પણ આ ચર્ચા નથી. વાત એક જ છે કે એક દેશના તુંડમિજાજી નેતાને કારણે જો દુનિયા બાખડતી હોય અને હજારો નિર્દોષ બાળકો, સ્ત્રીઓ અને નાગરિકોના જીવ જોતરાતા હોય તો એ દુનિયાના જ એક નાગરિક તરીકે મારાથી જોવાતું નથી. મારો અવાજ અમેરિકનો સુધી પહોંચે કે ન પહોંચે, પણ જો પહોંચવાનો હોય તો કહેવું છે કે તમે તમારા જ દેશના ચૂંટેલા નેતાને સીધા કરો, દુનિયા તમારી આભારી હશે. આજના સિવિલાઇઝ્ડ વિશ્વમાં યુદ્ધ નહીં શાંતિ અને નૉલેજનો મહિમા વધવો જોઈએ. ભારતે હંમેશાં વિશ્વશાંતિ અને વસુધૈવ કુટુંબકમની વાત કરી છે. આ વાતને વધુ જોરશોરથી કરવી જોઈએ. આપણને જે માધ્યમો મળે એ બધાં માધ્યમો પર જઈને યુદ્ધ રોકવાની અને યુદ્ધ પાછળ જવાબદાર ટ્રમ્પની બુદ્ધિને ઠેકાણે લાવવાની અરજ કરવી જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધથી ક્યારેય કોઈનું ભલું નથી થયું. આજે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલાં સંકટો સામે લડી રહ્યા છીએ ત્યારે બનીબનાવેલી દુનિયાને ખેદાનમેદાન કરીને પ્રકૃતિ સામે મોટાં જોખમો શું કામ મૂકવાં જોઈએ? યુદ્ધ માત્ર આર્થિક, સામાજિક કે માનવતાવાદી જોખમો જ નથી લાવતું; દુનિયાના કોઈ પણ ખૂણે રમાતું યુદ્ધ આખી દુનિયાના પર્યાવરણના ફુરચેફુરચા બોલાવે છે. આને રોકવામાં જો એક તણખા જેટલું કામ પણ મારાથી થાય તો મારે એ કરવું જોઈએ અને મારી સાથે આપ સૌએ પણ. એક પ્રાર્થના પણ પાવરફુલ બની શકે, જો આપણે સાથે કરીએ તો. 

middle east crisis united states of america iran israel columnists exclusive