09 July, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાગેશ્રી પારેખ ફૅમિલી કોર્ટનાં રિટાયર્ડ જજ છે અને તેમણે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસમાં સામાજિક કાર્યકર તરીકે કામ કર્યું છે. હાલમાં તેઓ લોકમાન્ય તિલક સેવા સંઘના દિલાસા ઇનિશિયેટિવ સાથે સંકળાઈને સિનિયર સિટિઝનો માટે હેલ્પલાઇન ચલાવે છે.
આજના સમયમાં વડીલોની શારીરિક બીમારીઓ કરતાં પણ વધુ ગંભીર સમસ્યા તેમનું સાઇલન્ટ ડિપ્રેશન અને એકલતા છે. ન્યુક્લિયર ફૅમિલીના દોરમાં સંતાનોની વ્યસ્તતાને કારણે ઘરના મોભીઓ વગર વાંકે એકલતાના ખૂણામાં ધકેલાઈ જાય છે. નિવૃત્તિ પછીનો ખાલીપો અથવા જીવનસાથીનો સાથ છૂટી જવો વડીલોને માનસિક રીતે તોડી નાખે છે. આ વાસ્તવિકતા વચ્ચે સિનિયર સિટિઝનો માટે શરૂ થયેલી આ વિશેષ હેલ્પલાઇન માત્ર ફોન-નંબર નથી, વડીલોને માનસિક સધિયારો આપતું ચોક્કસ માધ્યમ પણ છે.
વડીલો ઘણી વાર એ ડરથી પોતાના મનની વાત પરિવારને નથી કહી શકતા કે તેઓ કોઈના પર બોજ સમાન લાગશે. આ હેલ્પલાઇન તેમને એક એવું પ્લૅટફૉર્મ આપે છે જ્યાં તેઓ કોઈ પણ સંકોચ વગર, પોતાની ઓળખ છતી કર્યા વિના મન હળવું કરી શકે છે. કાઉન્સેલર્સ વડીલોની વાતને કોઈ પૂર્વગ્રહ વગર સાંભળે છે અને ઍન્ગ્ઝાઇટી તથા ડિપ્રેશનનાં લક્ષણોને વૈજ્ઞાનિક રીતે સમજીને તેમને હકારાત્મક માર્ગદર્શન પૂરું પાડે છે જે સામાન્ય પારિવારિક સંવાદ કરતાં વધુ અસરકારક નીવડે છે.
લોનલીનેસને કારણે જ્યારે અચાનક નકારાત્મક વિચારો આવે ત્યારે માત્ર એક ફોનકૉલ પર સામે છેડેથી મળતો સહાનુભૂતિભર્યો અવાજ વડીલોમાં જીવવાની નવી આશા જગાડે છે અને સંભવિત માનસિક કટોકટીને અટકાવે છે.
મેડિકલ સાયન્સના વિકાસને કારણે સરેરાશ આયુષ્ય વધ્યું છે. પરિણામે સિનિયર સિટિઝનોની સંખ્યા વધી રહી છે. આ મોટા વર્ગના માનસિક સ્વાસ્થ્યને સાચવવા માટે માત્ર એક જ હેલ્પલાઇન પૂરતી નથી. રાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે આવાં અનેક નેટવર્ક ઊભાં કરવાં જરૂરી છે.
બધાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વડીલો ડિપ્રેશનનો ભોગ બને છે. જો આવાં ઇનિશ્યેટિવ્સ વ્યાપક બનશે તો પ્રાદેશિક ભાષાઓમાં કાઉન્સેલિંગ આપીને વડીલ સુધી પહોંચી શકાશે.
શારીરિક રોગો માટે જેમ હૉસ્પિટલો ઉપલબ્ધ છે એમ માનસિક સ્વાસ્થ્ય માટે હેલ્પલાઇનની સુવિધા સહજ હોવી જોઈએ. આવા વધુ પ્રોજેક્ટ્સ શરૂ થવાથી સમાજમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેનો સંકોચ દૂર થશે.
કોઈ પણ સક્ષમ સમાજની સાચી ઓળખ એના વડીલોની ખુશી છે. વડીલો એકલતાના અંધકારમાં ન જીવે એ માટે આ હેલ્પલાઇન જેવાં ડિજિટલ અને માનવીય ઇનિશ્યેટિવ્સને સરકારી તેમ જ સામાજિક સ્તરે વધુ વેગ આપવો એ આજના સમયની તાતી જરૂરિયાત છે.