એક સારું આૅડિટોરિયમ પાંચ હૉસ્પિટલની ગરજ સારે

17 May, 2022 10:02 AM IST  |  Mumbai | Sarita Joshi

નવી સ્કૂલ બને, મંદિર બને, કમ્યુનિટી હૉલ બને અને હૉસ્પિટલ બને; પણ નવું એક પણ ઑડિટોરિયમ બનતું નથી. આપણા ગુજરાતીઓ શું કામ આ કામ માટે આગળ ન આવે, શું કામ મનોરંજનનું આ મંદિર વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ દિશામાં કામ ન કરે?

મારું ધ્યાન ભાઈદાસ ઑડિટોરિયમ તરફ ગયું અને સાહેબ એ તૂટેલા પથ્થર, વેરણછેરણ થઈ ગયેલી ભાઈદાસની દીવાલ અને પડીને પાદર થઈ ગયેલી એ જગ્યા જોઈને મારા હૃદયમાં ચીરા પડી ગયા.

વાત આપણે કરીએ છીએ ઇન્દુમાંથી સરિતા બન્યા પછીના મારા પહેલા નાટક ‘અમલદાર’ની અને એ પછી આપણે વાતો કરીશું મારાં એ તમામ નાટકોની જે નાટકો હું જીવી છું અને તમે જેને દિલથી માણ્યાં છે, પણ સાહેબ, વાત નાટકની થતી હોય એવા સમયે કેવી રીતે તમે ઑડિટોરિયમને ભૂલી શકો.
આ ઑડિટોરિયમ તો અમારા કલાકારો માટે મંદિર છે. નટરાજનું મંદિર, એવું મંદિર જ્યાં દરરોજ અમે અમારી કલા ભગવાન નટરાજના ચરણે ધરીએ છીએ. આ મંદિર અમારું તૂટતું હોય ત્યારે એને તોડવા માટે લાગતો હથોડાનો એકેક ઘા એ દીવાલ પર નહીં, અમારા હૈયા પર પડતો હોય છે, અમારા મન પર થતો હોય છે અને હું જાણું છું કે તમે પણ સમજી ગયા હશો કે આપણે શાની વાત કરીએ છીએ. હા, ભાઈદાસ ઑડિટોરિયમની.
હમણાં હું મારા વર્સોવાના ઘરેથી નીકળીને જુહુ તરફ જવા રવાના થઈ ત્યારે વચ્ચે ભાઈદાસ ઑડિટોરિયમ આવ્યું અને સહજ રીતે મારું ધ્યાન એ દિશામાં ગયું. તમે જેમ સિદ્ધિવિનાયક મંદિર કે પછી તમારા ઘરની આસપાસ આવેલા કોઈ મંદિર કે દેરાસર પાસેથી પસાર થતા હો અને તમારું ધ્યાન એ દિશા તરફ ખેંચાઈ જાય એવી જ રીતે. અંદર બેઠેલા ભગવાનને મનમાં ને મનમાં તમે પગે લાગી લેતા હો છો એ જ રીત. મારું ધ્યાન ભાઈદાસ ઑડિટોરિયમ તરફ ગયું અને સાહેબ એ તૂટેલા પથ્થર, વેરણછેરણ થઈ ગયેલી ભાઈદાસની દીવાલ અને પડીને પાદર થઈ ગયેલી એ જગ્યા જોઈને મારા હૃદયમાં ચીરા પડી ગયા. શરીરમાં કંપારી છૂટી ગઈ. પહેલાં જ્યારે ભાઈદાસને જોતી ત્યારે કાનમાં પ્રેક્ષકોની તાળીઓનો અવાજ ગુંજવા માંડતો, પણ એ દિવસે પડી ગયેલા ભાઈદાસને જોઈને મનમાં પ્રેક્ષકોનું રુદન સંભળાતું હતું. ભાઈદાસના સર્જનકાળની એકેક ક્ષણ મારી આંખો સામે છે.
હું, પ્રવીણ જોષી, ઉપેન્દ્ર ત્રિવેદી, વિજય દત્ત, શૈલેશ દવે, ભરત દવે, અરવિંદ જોષી અને એવા અનેક કલાકાર-કસબીઓ ભાઈદાસને એના ગર્ભાધાનથી ઓળખીએ, જાણીએ. ભાઈદાસનું સર્જન શરૂ થયું ત્યારથી એનાં અલગ-અલગ કામમાં અમે બધાં જોડાયેલાં રહ્યાં છીએ. મને અત્યારે પણ યાદ છે કે ભાઈદાસનું બાંધકામ શરૂ થયું એ સમયે પ્રવીણને ખૂબ આદરથી બોલાવવામાં આવતા, તેના વિચારો લેવામાં આવે અને બાંધકામ ચાલુ હતું એ દેખાડવામાં આવે. સ્ટેજથી માંડીને એની એકેક ચૅર, ગૅન્ગવે અને ગ્રીનરૂમમાં પણ પ્રવીણ જોડાયેલા હોય અને ભાઈદાસના કર્તાહર્તા પ્રવીણના વિચારોને આદર સાથે સ્વીકારે.
હું પણ પ્રવીણ સાથે ભાઈદાસ પર આવતી. પ્રવીણ કંઈ પૂછે તો તેને સજેશન આપું અને પ્રવીણ પણ કરે એવું જ. જ્યાં પણ ઍક્ટ્રેસની સુવિધાની વાત આવે ત્યાં તરત જ મને પૂછે, ‘સરિતા, તમને લોકોને કેવું જોઈએ? તું જ સમજાવ અમને...’
આજે એ જગ્યા ખાલી અને સાવ ખુલ્લી જોઈને મારી આંખોમાં પાણી આવી ગયાં, ખૂબ દુઃખ થયું. મારી અંદર ભૂતકાળનો એ આખો પ્રવાહ વેગ સાથે દોડવા માંડ્યો હતો. મારા પ્રિય પ્રેક્ષકો મને દેખાતા હતા, શો દરમ્યાન મળતો રિસ્પૉન્સ મને સંભળાતો હતો અને સાથોસાથ મને મારા એકેક સાથીકલાકારો યાદ આવતા હતા, જેમણે આ ભાઈદાસના સર્જનમાં પોતપોતાની રીતે યથાશક્તિ ફાળો આપ્યો હતો.
હું કહીશ કે ઑડિટોરિયમ અમારા કલાકારો માટે મંદિર છે, તો ભાઈદાસ એ અમારા સૌનું કાશી છે. હું કહીશ, બે હાથ જોડીને નમ્ર વિનંતી સાથે ભાઈદાસ ઑડિટોરિયમ સાથે સંકળાયેલા સૌકોઈને કહીશ કે એક કલ્ચર ઍક્ટિવિટી તમે શરૂ કરી છે એને ક્યાંય છોડતા નહીં. કૉલેજોને જોઈને મને ખૂબ આનંદ થાય છે, બહુ સારું છે કે નવી-નવી કૉલેજો બને અને બાળકોને શિક્ષણની સાથોસાથ શ્રેષ્ઠ સુવિધા ધરાવતા કૅમ્પસ મળે. બાળકોને સારી સુવિધા મળશે તો જ દેશની ઉન્નતિ થાય અને જો દેશ ઉન્નતિના માર્ગે ચાલે તો જ દુનિયામાં એનું નામ રોશન થાય, પણ સાહેબ, એ બધા પછી પણ ભૂલવું નહીં કે ઉન્નતિ ત્યારે જ આવે જ્યારે માણસના મનમાં આનંદ, ખુશી અને મનોરંજક વાતાવરણ બનેલું રહે. આનંદ માણસ માટે જરૂરી છે, અનિવાર્ય છે અને એ અનિવાર્યતા સાચવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.
આજે મુંબઈ જેવા શહેરમાં મહાનગરપાલિકાએ ગર્વ લેવા જેવાં થિયેટર બાંધ્યાં છે. પ્રબોધન હોય કે સાહિત્ય સંઘ હોય, બિરલા ક્રીડા કેન્દ્રને પણ કેમ ભૂલી શકાય, પણ અનિવાર્ય સંજોગોમાં એ પણ તૂટી ગયું છે. તેજપાલ છે, પણ હવે પાટકર નથી. આ બધી એ જગ્યા છે જ્યાં અનેકાનેક કલાકારોએ પાત્રો જીવંત કર્યાં. ‘સંતુ’ પણ આ બધા વચ્ચે જ મોટી થઈ અને ‘કાનજી’ પણ આ જ ઑડિટોરિયમમાં મોટો થયો હતો. ‘બે બાયડીવાળો સુંદર’ પણ આ જ ઑડિટોરિયમોને કારણે લોકોનાં મન સુધી પહોંચીને તેમના ચહેરા પર સ્મિત લાવી શક્યો અને ‘ઠાકોરજી’ પણ આ જ ઑડિટોરિયમમાં મારા પ્રેક્ષકોને સાક્ષાત્કાર કરાવી ગયા. સાહેબ, આ બધાં મંદિરો છે, એનું જતન કરો અને ધંધાદારી માનસિકતા છોડીને મનોરંજનના ભાવને અકબંધ રાખો. જુઓ તમે આજે, એક પણ નવું ઑડિટોરિયમ બનતું નથી અને એની સામે દિવસે-દિવસે ઑડિટોરિયમ તૂટતાં જાય છે, ઘટતાં જાય છે. ગુજરાતમાં હજી થોડું સારું છે, ઑડિટોરિયમ તૂટતાં નથી, પણ એમાં ઉમેરો કરવામાં આવતો જાય છે. એક સમયે રાજકોટમાં એક જ ઑડિટોરિયમ હતું. અરવિંદભાઈ મણિયાર ઑડિટોરિયમ અને એક ઓપન ઍર થિયેટર હતું, પણ આજે ત્રણ ઇનડોર ઑડિટોરિયમ અને બે ઓપન ઍર થિયેટર છે.
મુંબઈ એ બધામાં કેમ પાછળ રહી શકે? આપણે તો દુનિયાને આટલું મનોરંજન આપીએ છીએ, આપણે તો બૉલીવુડ ઊભું કર્યું અને આપણે જ ટીવી પર આટલી સિરિયલ દરરોજ આપીએ છીએ. ઑડિટોરિયમ તો એ બધાની પાઠશાળા છે. કલાકાર જો પાઠશાળામાં નહીં ભણે તો પછી કેવી રીતે બાકીની આ બધી ઇન્ડસ્ટ્રી પણ ટકશે?
હું મારા એકેક પ્રેક્ષક વતી, સ્વર્ગમાં સિધાવી ગયેલા મારા એકેક કલાકાર-સાથી વતી ભાઈદાસ ઑડિટોરિયમના મૅનેજમેન્ટના દરેક મંત્રી, સંત્રી અને તંત્રીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે થિયેટર રાખજો. સાંભળ્યું છે કે તમે નવેસરથી થિયેટર બનાવવાના જ છો અને એ ઇન્ટરનૅશનલ સ્તરનું હશે, પણ મને ખબર નથી કે એ વાતમાં તથ્ય કેટલું છે એટલે હું ફરી વાર કહીશ કે કલાજગતને ધબકતું રાખવા માટે થિયેટરને અકબંધ રાખજો. આ ભાઈદાસની હવામાં જ નજાકત હતી, એની હવામાં કલા વહેતી હતી. બહુ લાંબા સમયથી અમે એ હવાથી દૂર રહ્યા છીએ. બીજું તો શું કહી શકીએ અમે અદના કલાકાર, પણ એટલું ચોક્કસ કહીશું કે કલાને સાથ આપશો તો મા લક્ષ્મી પણ તમને સદા સાથ આપતી રહેશે.
આ જ વાતને આગળ વધારતાં મારે કહેવું છે કે ઑડિટોરિયમ વધે એ માટે આપણે સૌએ સભાનતા સાથે કામ કરવું પડશે. ગુજરાતીશ્રેષ્ઠીઓએ આગળ આવવું પડશે અને તેમણે કલાકારોને સાથે જોડવા પડશે. આજે અનેક જગ્યાએ જ્ઞાતિની વાડીઓ બને છે અને કમ્યુનિટી હૉલ પણ બનતા રહ્યા છે. મંદિરો પણ બને છે અને સ્કૂલ, હૉસ્પિટલ પણ બને છે, પરંતુ કોઈ ઑડિટોરિયમ બનાવવા આગળ નથી આવતું. સરકાર જાગે એ માટે પણ આપણે સૌએ મહેનત કરવી પડશે અને સમજાવવું પડશે કે મનોરંજનનો અભાવ જ નબળા સ્વાસ્થ્યનો પુરાવો છે. એક સારું ઑડિટોરિયમ પાંચ હૉસ્પિટલની સારવાર જેટલી ગરજ સારે છે. મનોરંજનને વિદેશમાં તો થેરપી માનવામાં આવે જ છે અને આપણે પણ એ દિશામાં કામ કરતા થયા છીએ તો હજી શું કામ આપણે ઑડિટોરિયમ બનાવવાની બાબતમાં નીરસ રહીએ.
ગુજરાતીઓ ગર્વ લેવા માટે જન્મ્યા છે ત્યારે શું કામ પાંચ એવા વીર ગુજરાતીઓ સામે ન આવે જે મુંબઈમાં નવાં એક-બે ઑડિટોરિયમ ન બનાવી શકે? કહેવત છેને કે ‘મન હોય તો માળવે જવાય.’ બસ, મન કરો. બાકીનું બધું આપોઆપ આગળ વધતું જશે.

ગુજરાતીઓ ગર્વ લેવા માટે જન્મ્યા છે ત્યારે શું કામ પાંચ એવા વીર ગુજરાતીઓ સામે ન આવે જે મુંબઈમાં નવાં એક-બે ઑડિટોરિયમ ન બનાવી શકે? કહેવત છેને કે ‘મન હોય તો માળવે જવાય.’ બસ, મન કરો. બાકીનું બધું આપોઆપ આગળ વધતું જશે.

columnists sarita joshi