ગૃહિણીઓને યોગની જરૂર સૌથી વધારે છે

30 June, 2026 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણા લોકોને લાગે છે કે વ્યાયામ અને યોગ બન્ને એક જ છે. જોકે બન્નેમાં ફરક છે. વ્યાયામમાં ભારે કસરતો કરવાની, પરસેવો પાડવાની અને સ્નાયુઓ ખેંચવાની વાત હોય છે

ભરત પારેખ ઘંટાળી મિત્ર મંડળ સંચાલિત ઘાટકોપર બ્રાહ્મણ સમાજના યોગ વિભાગના પ્રમુખ છે અને છેલ્લાં પચીસ વર્ષથી ઘાટકોપરમાં નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે

લાઇફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે કે સવારે ઊઠતાંની સાથે જ જાણે કોઈ મૅરથૉન શરૂ થઈ જાય છે. આ દોડધામમાં આપણે બધું જ મૅનેજ કરી લઈએ છીએ - ઑફિસના પ્રોજેક્ટ્સ, બાળકોનું હોમવર્ક, સોશ્યલ મીડિયાની રીલ્સ... જોકે જે મૅનેજ કરવાનું ભૂલી જઈએ છીએ એ છે આપણું પોતાનું શરીર. હેલ્થ પ્રત્યે જાગૃતિની વાતો તો બહુ થાય છે, પણ જ્યારે શરૂઆત કરવાની આવે ત્યારે મનમાં મોટો સવાલ થાય કે યાર, હવે જિમમાં જઈને વજન ઊંચકવાનું આપણું ગજું નહીં! પણ ઊભા રહો, ફિટ રહેવા માટે ડમ્બેલ્સ ઉપાડવા જ પડે એવું જરૂરી નથી.

ઘણા લોકોને લાગે છે કે વ્યાયામ અને યોગ બન્ને એક જ છે. જોકે બન્નેમાં ફરક છે. વ્યાયામમાં ભારે કસરતો કરવાની, પરસેવો પાડવાની અને સ્નાયુઓ ખેંચવાની વાત હોય છે. હવે ૬૦ વર્ષના દાદાને આપણે કહીએ કે રોજ સવારે અડધો કલાક દોડો કે વેઇટ-ટ્રેઇનિંગ કરો તો તે બિચારાના ઘૂંટણ જવાબ આપી દે. વ્યાયામ દરેક ઉંમરે નથી થઈ શકતો, જ્યારે યોગ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરની વ્યક્તિ પ્રેમથી કરી શકે છે. વળી જિમમાં જઈએ તો મોંઘાં સાધનો, ટ્રેઇનરની ફી અને સ્પેશ્યલ કપડાંનો ખર્ચો થાય. યોગમાં? બસ, એક સાદી ચટાઈ બિછાવો અને તમે રેડી. કોઈ સાધનની પળોજણ જ નહીં. અહીં સૌથી મોટો તફાવત શ્વાસનો છે. જિમમાં કસરત કરતી વખતે શ્વાસ અધ્ધર થઈ જાય છે, જ્યારે યોગ અને પ્રાણાયામમાં તો શ્વાસ પર નિયંત્રણ રાખવાનું શીખવવામાં આવે છે. એટલે કે હાંફવાનું નહીં, પણ હળવા થવાનું.

કોઈ પૂછે કે યોગની સૌથી વધુ જરૂર કોને છે? તો હું કહીશ આપણી ગૃહિણીઓને, ઘરની હોમમેકર્સને. ગૃહિણી જો સ્વસ્થ હશે તો આખું ઘર હસતું-રમતું અને સુવ્યવસ્થિત રહેશે.

સવારની ચાથી લઈને રાતના દૂધ સુધી ઘરનું આખું મૅનેજમેન્ટ જેના ખભા પર છે તે સ્ત્રી જો પોતે જ થાકેલી કે બીમાર રહેશે તો આખું ઘર ખોરવાઈ જશે. ગૃહિણીઓ આખો દિવસ બધાનું ધ્યાન રાખે છે, પોતાનું જ ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તેથી જ તેમના માટે રોજ અડધો કલાક યોગ કરવો એ લક્ઝરી નથી, બેઝિક જરૂરિયાત છે. યોગ તેમને એ માનસિક અને શારીરિક ઊર્જા આપશે જેનાથી તેઓ ઘરને વધુ સ્માર્ટ્લી મૅનેજ કરી શકશે.

આ એક સમાજ પૂરતું સીમિત ન રહેવું જોઈએ. જેમ આ ઝુંબેશ એક સ્તરે ધૂમ મચાવી રહી છે એમ બીજા બધા જ સમાજોએ અને લોકોએ પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે આવાં સેવાભાવી કાર્યો દરેક સોસાયટી અને મહોલ્લામાં અને સમાજના લેવલ પર નિયમિત થવાં જોઈએ.

yoga columnists exclusive gujarati mid day