10 May, 2026 01:20 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર
અત્યારે અમારું ગુજરાત ધગધગે છે એવો જ ધગધગતો એ દિવસ હતો. ગામડાની નાનકડી બૅન્કમાં ભારે ગિરદી. લોન લેવા એક વડીલ ખરેતડકે બૅન્કમાં દાખલ થયા અને મૅનેજરને મળવા વેઇટિંગ એરિયામાં બેઠા. ઉંમરલાયક એટલે થોડી વારમાં તરસ લાગી. એ જ સમયે બૅન્કમાં છોકરડા જેવો એક જુવાન એન્ટર થયો. કાકાએ તેને રોકીને ઑર્ડર કર્યો, ‘ભઈલા, પાણી પાશો?’ પેલા જુવાને કાકાને કળશિયો આપ્યો. ભવોભવના તરસ્યા પિતૃની જેમ કાકા પાણી ગટગટાવી ગ્યા. ‘થૅન્ક યુ’ કહેવાનો કાકાનો સ્વભાવ નહીં. થોડી વાર પછી કાકા લોન માટે મૅનેજરની ચેમ્બરમાં દાખલ થયા.
મૅનેજરની સીટ પર બેઠેલા ભાઈને ભાળીને કાકાને વગર ભૂકંપે ૭ પૉઇન્ટનો આંચકો અનુભવાયો, કારણ કે આ એ જ વ્યક્તિ હતી જેના હાથનું ૨૦ મિનિટ પહેલાં કાકાએ પાણી પીધું’તું! બહુ કોશિશ કરી પણ કાકાના ગળે થૂંક પણ ન ઊતર્યું. પેલા મૅનેજરે બેસવાનું કહ્યું. કાકાનું શરીર બેઠું, જીવ તો તેમનો ઊભો જ રહ્યો. ફાઇલ ચેક કર્યા બાદ મૅનેજરે હળવેથી કહ્યું, ‘કાકા, તમારી લોન મંજૂર નહીં થાય.’
‘ક...ક... કારણ...’
કાકાએ ઓતરાસ લેતાં પૂછ્યું. મૅનેજરે જવાબ આપ્યો...
‘કાગળ તો બધા બરાબર છે, પણ મને લાગે છે કે તમે હપ્તા નહીં ભરો.’
‘અરે હોય સાહેબ, હપ્તા તો ભરવાના જ હોયને!’
આશાનું કિરણ દેખાતાં કાકાએ તરત જવાબ વાળ્યો, પણ મૅનેજરે શંકા વ્યક્ત કરી...
‘મને ભરોસો નથી કાકા. જે વ્યક્તિ ૧૦ ફુટ દૂરથી પાણીનો ગ્લાસ પણ ન ભરે તે બૅન્કના હપ્તા કેવી રીતે ભરે?’
મૅનેજરના તર્ક સામે કાકાએ મૌન સેવ્યું અને ચાલતી પકડી.
‘પાણીનો કળશિયો’ કાકાને ૧૦ લાખનો પડ્યો. ગયા રવિવારે આપણી વાત અતુલની લોનની ચાલતી હતી. અતુલે રાજકોટમાં ફ્લૅટનું ટોકન આપી દીધું. ૨૦ લાખની લોન લેવા બૅન્કની પ્રદક્ષિણા કરી. જીવનભર STમાં મુસાફરી કરનારા અતુલને GST સમજાવવામાં એજન્ટને પણ ફીણ આવી ગયાં હતાં. ‘અમે ઇન્કમ-ટૅક્સવાળા એક સાહેબની દીકરીનાં લગનનો ડાયરો પણ કરેલો છે. એ ઓળખાણ ઉપર ફ્રીમાં રિટર્ન ન ભરાવી દયે!’
આવી તદ્દન અર્થહીન દલીલોથી અતુલનો એજન્ટ હવે પાકી ગયો.
એકાવન હજારના ટોકને જાણે આખેઆખા અતુલને ‘ટો’ કરી લીધો. ફલાણો અને ઢીંકણો કાગળ બૅન્કને આપવામાં જાણે અતુલ પોતે કાગળ જેવો થઈ ગયો. લોન રખડી પડી અને સાથે અતુલનું સપનું પણ. ગોંડલનું મકાન વેચાઈ ગયું અને રાજકોટનું મકાન લેવાયું નહીં. સલવાણી માતા ગરબે રમે જેવો ઘાટ ઘડાયો. વિધાનસભ્ય તરીકે ચૂંટણીમાં જીતવાનાં સપનાં સેવનારની ડિપોઝિટ ડૂલ થાય અદ્દલ એવી જ હાલત અતુલની થઈ.
મહાણેથી કદી જેમ લાકડાં ને બર્મુડા ટ્રાયેન્ગલમાંથી વિમાન ને શૅરબજારમાંથી જેમ રૂપિયા પાછા નથી આવતા એવી જ રીતે બિલ્ડરને આપેલું ટોકન કદી પાછું નથી આવતું.
ફ્લૅટનો સોદો કૅન્સલ થયો, પરંતુ અતુલનો ઇરાદો નહીં. ઘરનું ઘર વેચીને અતુલ વીર ભાડૂતવાળો થયો. બિલાડી જેમ પોતાનાં બચ્ચાંને મોટાં કરવામાં ૭ ઘર બદલાવે એમ અતુલે પણ દોઢ વર્ષમાં ૭ ઘર બદલી નાખ્યાં.
એકાવન હજારના ગુજરી ગયેલા ટોકનના બદલાની આગ અતુલના દિલમાં સતત પ્રજ્વલિત રહી. પછી તો તે થિયેટરમાં પૉપકૉર્નનું ટોકન લેવાની પણ ધસીને ના પાડે. ફૅમિલી ફ્રેન્ડ્સ વચ્ચે હાઉઝી રમવાનું ટોકન પણ અતુલને મન ઝેર થઈ ગયેલું.
દોઢ વરસમાં ૭ મકાન બદલાવવાનાં પણ અતુલ પાસે જેન્યુઇન કારણો હતાં. કો’ક મકાનમાં પાણી આવતું નહોતું તો કો’કમાં ઉપરથી ટપકતું હતું, ક્યાંક પાડોશી ખાંડ દેતા નહોતા તો ક્યાંક દરરોજ ખાંડ લેવા આવી જતા હતા, ક્યાંક દરરોજ છાંટોપાણીવાળા હતા તો ક્યાંક ચાપાણી પણ પીતા નહોતા. ૭ ઘર ફેરવતાં-ફેરવતાં અતુલ અને ભાભી બન્નેને આખું રાજકોટ મીરાબાઈના ઝેરના કટોરા જેવું લાગવા લાગ્યું.
મ્યુનિસિપલ કૉર્પોરેશનનો ટાઉન-પ્લાનર જે નજરે દબાણ કરેલાં ઝૂંપડાઓ સામે જુએ કંઈક એવી જ શંકાસ્પદ નજરે અતુલ રાજકોટની તમામ બિલ્ડિંગ-સાઇટ્સને જોવા લાગ્યો. કેટલાય મારા જેવા નિર્દોષ લોકોના ટોકનની સમાધિ પર આટલી ઊંચી ઇમારતો ખડકાતી હશે. ‘હે ફ્લૅટધારકો...! ક્યારેક તમારી લિફ્ટ આઠમા માળે અટકી જશે, ક્યારેક તમારા ફ્લૅટમાં વાઇ-ફાઇ નહીં આવે, તમે માથે શૅમ્પૂ કર્યું હશે અને તમારા ફ્લૅટમાં પાણી વયું જાશે, છાપાવાળો તમારા ઘરે રવિવારે જ ભૂલથી અંગ્રેજી છાપું નાખી જાશે, તમારો સિક્યૉરિટીવાળો રોજ રાત્રે સૂઈ જ જાશે! જાઓ, તમને એક ટોકનભગ્ન ભાડૂતના શ્રાપ છે.’ આમ કહીને અતુલ નવા સૉફેસ્ટિકેટેડ નાના-નાના શ્રાપ અલગ-અલગ ફ્લૅટધારકોને રોજ આપ્યા કરે.
એવામાં દોઢ વર્ષ પછી ગોંડલથી તે ભાઈનો જ ફોન આવ્યો જેને અતુલે પોતાનું મકાન વેચ્યું હતું. તે કહે, ‘અતુલભાઈ, હું વરલી મટકાના ચક્કરમાં અટવાઈ ગયો છું. મારે રૂપિયાની અર્જન્ટ જરૂર છે. તમે ૫૦,૦૦૦ ઓછા દેજો પણ તમારું મકાન પાછું લઈ લો તો આપણા બેયનું સચવાઈ જાય.’
ગોંડલવાળા ગ્રાહક જાણે પ્રભુ બનીને પધાર્યા. જય હો! ભોળાનો ભગવાન હોય છે એમ માનીને અતુલે અને ભાભીએ બાવીસ લાખમાં વેચેલું પોતાનું મકાન એકવીસ લાખ પચાસ હજારમાં પાછું લીધું. રાતોરાત ભાડાનું ઘર ખાલી કરીને અતુલ ગોંડલ ભેગો થયો. એકાવન હજારના પોતાના ટોકનની વ્યવસ્થા ઈશ્વરે આ ગ્રાહકને વરલી મટકામાં સલવાડીને પણ કરી દીધી એવું માનતો અતુલ હરખાયો અને ભાભીએ પણ રાજકોટની લાઇફસ્ટાઇલ અને ફૅશનની બૂરાઈથી ગોંડલની પોતાની પરંપરાગત ઓટલા પરિષદ ફરી શરૂ કરી. પોતાનું મકાન લેવાનો અને વેચવાનો અતુલને જબરો અનુભવ થયો. હવે ભાભી રાજકોટ ફિલ્લમ જોવા આવવાની પણ ના પાડે છે.
પાછું ક્યાંક ટોકન દેવાઈ જાય તો?