જ્યાં ને ત્યાં જમવા બેસનારો કોડીની કિંમતનો હોય છે

03 January, 2022 01:58 PM IST  |  Mumbai | Swami Sachidanand

કશા જ સમાચાર વિના ૧૦-૧પ માણસોએ જમવાના સમયે કે મોડા સમયે પહોંચી જવું, પેલા માણસો પાસે ફરીથી રસોઈ કરાવડાવીને જમવું એ કુટેવ છે. 

પ્રતીકાત્મક તસવીર

જીવનમાં કેટલાક નિયમો હોવા જોઈએ. કોઈને ત્યાં મહેમાન થઈને જવું હોય તો અગાઉથી પત્ર લખીને સૂચના આપવી જોઈએ, પણ એવું કોઈ કરતું નથી. હવે તો ફોન સાવ નિઃશુલ્ક છે તો પણ કોઈ સામેવાળાની અનુકૂળતા જોતું નથી. હકીકત જુદી છે. આપણી અનુકૂળતા નહીં, પણ તેમની અનુકૂળતા જોવી જોઈએ. કશા જ સમાચાર વિના ૧૦-૧પ માણસોએ જમવાના સમયે કે મોડા સમયે પહોંચી જવું, પેલા માણસો પાસે ફરીથી રસોઈ કરાવડાવીને જમવું એ કુટેવ છે. 
બને ત્યાં સુધી ઘરેથી જમીને જ જવું અથવા રસ્તામાં યોગ્ય નાસ્તો વગેરે કરી લેવો, પણ બીજાને ત્યાં અગવડ થાય એવી અપ્રિય મહેમાનગતિ ન કરવી. જે માણસ નાછૂટકે બીજાને ત્યાં જમવા બેસે છે તે જીવનમાં ઘણાં ક્ષેત્રોમાં મક્કમતા ધરાવતો હોય છે. આવો માણસ જેટલું સ્વમાન મેળવે છે એટલું બીજો ભાગ્યે જ મેળવી શકે છે. જ્યાં-ત્યાં, જ્યારે-ત્યારે જમવા બેસી જવા તૈયાર રહેનાર માણસ કોડીની કિંમતનો થઈ જાય છે.    
આમની કુટેવ તો જુઓ, તમને પોતાને થાય કે આ તે કેવો સ્વભાવ. તેઓ કોઈના ઘરે જાય છે તો અત્યંત ધીમા પગલે ચાલે છે. પોતાના આવવાની ખબર ન પડે એ રીતે ધીરે-ધીરે તેઓ ઘરમાં પૂછ્યાગાછ્યા વિના પ્રવેશ કરે છે, પછી ક્યાંય અટકતા નથી. બધી રૂમમાં ફરી વળે અને ઠેઠ તમે બાથરૂમમાં સ્નાન કરતા હો ત્યાં સુધી આવી જાય. જો બાથરૂમની કડી બંધ ન કરી હોય તો બારણું ખોલીને તમને પૂછે : 
‘ઓહોહો, સ્નાન કરી રહ્યા છો? સારું, સારું હોં, સ્નાન કરો.’ 
તમે સ્નાન કરીને બહાર નીકળો ત્યાં સુધી ફરી પાછા તેઓ ઘરનું નિરીક્ષણ કરવા લાગી જાય. આવા માણસો કોને ગમે? આ ભારે કુટેવ કહેવાય.
ખરેખર શું કરવું જોઈએ? કોઈને મળવા જવું હોય તો પ્રથમ અવાજ કરો, અંદર આવવાની પરવાનગી માગો. પરવાનગી મળ્યા પછી જ અંદર જાઓ. કદાચ વગર પરવાનગીએ અંદર જવાનું થાય તો પણ નિર્ધારિત સ્થળે બેસીને પ્રતીક્ષા કરો. 
કોઈના ઘરમાં ગમે ત્યાં ફરવું તથા નિરીક્ષણ કરવું એ કુટેવ છે.    
આ તરફ જુઓ. બધા પંગતમાં જમવા બેઠા છે. આજે ઘણા ભદ્ર મહેમાનો આવ્યા હોય છે. હજી પીરસવાનું શરૂ જ થયું છે ત્યાં તો પેલા ભાઈએ જે આપ્યું એ જમવાનું શરૂ કરી દીધું. બીજા બધા હજી ચૂપચાપ પીરસાઈ જવાની રાહ જોઈને બેઠા છે, પણ આ ભાઈ તો સૌથી જુદા પડીને એકલા જ મોઢું ચલાવી રહ્યા છે. આ કુટેવ છે, અભદ્રતા છે અને સમાજમાં અભદ્રતા વધતી જાય છે.

columnists swami sachchidananda