01 November, 2026 08:55 AM IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર
કોઈ વિકટ સમસ્યામાં ફસાઈ જઈએ ત્યારે એમાંથી નીકળતાં ઘણી વાર લાગે છે. જેણે આગળ વધવામાં મદદ કરી હોય એવો અંગત મિત્ર આપણને જ હડસેલીને દૂર થતો જાય ત્યારે રંજ થાય. સજ્જનનો મુખવટો લઈને ફરતી વ્યક્તિને આપણે સ્નેહભાવે આર્થિક સહાય કરીએ અને લીધેલી રકમ તે પાછી આપવાનો ઇનકાર કરે ત્યારે આપણી શ્રદ્ધા હચમચી જાય. શિક્ષણ માટે કે તબીબી સારવાર માટે પૈસાની તાતી જરૂર છે એવું કહીને કોઈ માણસ એ સહાયનો દુરુપયોગ કરે ત્યારે લક્ષ્મીનું હાડોહાડ અપમાન થાય. પૈસા જાય એનાથીયે વિશેષ આઘાત ભરોસો તૂટવાનો હોય છે. આદિલ મન્સૂરી પરિસ્થતિને બહારથી અને અંદરથી સમજવાનો પ્રયાસ કરે છે...
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો
મનમાં વિચાર આવે છે દુઃખના પ્રકારથી
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે, ‘આદિલ’ બહારથી
યુરોપના દેશોની ખુશનુમા સ્થિતિ ખંડેર બનતી જાય છે. વિવિધ દેશોમાં વિવિધ કારણોસર ફાટી નીકળેલાં તોફાનોમાં સરકારી સંપત્તિને પારાવાર નુકસાન થયું છે. ક્યાંક કથળેલા શિક્ષણ વિશે ફરિયાદ છે તો ક્યાંક વધતી જતી મોંઘવારી સામે આક્રોશ છે. ફ્રાન્સ જેવા વિશાળ દેશને આવક ઘટવાને કારણે ઇકૉનૉમી ચલાવવા વધારે ઋણ લેવું પડે છે એટલે વ્યાજનો વધારે માર પડે છે. થોડાં વર્ષો આ ચક્કર ચાલે એટલે આર્થિક ભારણ હરણમાંથી હાથીપગું થઈ જાય અને પરિણામે સત્તાધીશ પ્રત્યે અણગમો વધતો જાય. ચિનુ મોદી ગૂંગળામણ વ્યક્ત કરે છે...
જીવ મારો આ શરીરે ક્યારનો મૂંઝાય છે
બ્હાર કાઢો બિંબને, એ કાચમાં ક્હોવાય છે
આંસુઓનાં મોતી, આજે પણ ગમે છે એમને
એ સ્મરણમાં આવે ત્યારે આંખ ભીની થાય છે
આંસુઓનાં સાચાં મોતી દિલ્હીના વેપારીઓની આંખે બાઝ્યાં છે. જંતર મંતરમાં થયેલાં પ્રદર્શનોને કારણે અંદાજે ૩૦૦૦ કરોડનો ચૂનો લાગ્યો. પહેલી નવેમ્બરે રાહુલ ગાંધી આણિ કંપનીના પ્રસ્તાવિત વિરોધ-પ્રદર્શનને કારણે ૧૦,૦૦૦ કરોડનો ફટકો પડવાનો પ્રાથમિક અંદાજ વેપારી આલમે પ્રગટ કર્યો છે. દિવાળી પહેલાં ધૂમ ખરીદી નીકળતી હોય છે એ બધી ધુમાડો થઈ જવાની શક્યતા વેપારી સંઘે વ્યક્ત કરી છે. દેશને હચમચાવી નાખે એવા કોઈ પ્રચંડ મુદ્દા વગર સત્તાપલટ કરવાના ધમપછાડા કરી રહેલા વિરોધ પક્ષની હેસિયત કિશોર જીકાદરાની પંક્તિઓમાં પડઘાય છે...
તોરતરીકા અસ્સલ એના તારા જેવા
ખુદને મળવા દર્પણ એ ફોડીને આવે
છેદ કરું હું દરિયામાં તો દરિયો ડૂબે
સપનું આવું નાનકડી હોડીને આવે
રાજકારણમાં તંદુરસ્ત સ્પર્ધા દેશ માટે આવકાર્ય છે, પણ કરચલાની જેમ એકબીજાના પગ ખેંચીને ઉપર ચડવાની પ્રથા નુકસાનકારક છે. વિરોધ કરવામાં કે નારાબાજી કરવામાં મર્યાદાનું માતબર ઉલ્લંઘન થાય છે. CJPના પ્રદર્શનમાં કહેવાતા જેન-ઝી પ્રદર્શનકારીઓ જે સ્લોગનો દર્શાવતા અને બોલતા હતા એ OTT પ્લૅટફૉર્મ પર વપરાતી બીભત્સ ભાષાની સ્પર્ધામાં ઊતરે એવાં સક્ષમ હતાં. ભણેલા લોકો અભણ હોય એ રીતે વર્તે ત્યારે લોકશાહીના હિત વિશે ચિંતા થાય. કશું રચનાત્મક કરવાને બદલે વિનાશાત્મક આચરવાની વૃત્તિ વિસ્તરી રહી છે. હર્ષ બ્રહ્મભટ્ટ જિંદગીના ઊર્ધ્વગમન માટે સલાહ આપે છે...
બિચારું ઘર આ જોઈ થરથરે છે
દીવાલોને દીવાલો છેતરે છે
મજા આવે કશું ત્રીજું કરે તો
ફક્ત લોકો જીવે છે ને મરે છે
મરેલા લોકોને પાછા મરવાનો શાપ આપે એવા વિચક્ષણ લોકો રાજકારણમાં છે. બિહારની એક સભામાં કૉન્ગ્રેસના જ એક કાર્યકરની ટિપ્પણીથી ઉશ્કેરાઈને મલ્લિકાર્જુન ખડગેએ ‘મોદી કા બાપ ભી જાએગા’ જેવી અભદ્ર વાણી ઉચ્ચારી. અમનના આકાશને આંબવાને બદલે પતનના પાતાળ તરફ લઈ જતા આવા શબ્દપ્રયોગો પીઢ રાજકારણીને ન શોભે. આથમતી સંધ્યાએ સૂર્યોદયની ઈર્ષા કરીને કોઈ ફાયદો નથી. મુકુલ ચોકસી સુખ-દુઃખ વચ્ચેની પાતળી ભેદરેખા દોરે છે...
આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું?
ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદ્ભાગ્ય કહેવાનું
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું
લાસ્ટ લાઇન
ફૂલ થઈને ડાળમાંથી બ્હાર આવે છે
લાગણી પેટાળમાંથી બ્હાર આવે છે
હે શિકારી, તું ઘરે જઈ જાળ ખોલી જો
એક ઈશ્વર જાળમાંથી બ્હાર આવે છે
પ્રેમ, મમતા, વ્હાલ જે કંઈ મા તું આપે
એ જ તારા બાળમાંથી બ્હાર આવે છે
ભેજથી તરબોળ મારી આંખ જોઈને
વાદળી ભૂતકાળમાંથી બ્હાર આવે છે
એ જ શેરી, એ જ ઘર, પણ તું ન હો ત્યારે
જાત માયાજાળમાંથી બ્હાર આવે છે
ચૈતાલી જોગી