25 October, 2026 10:04 AM IST | Mumbai | Rashmin Shah
ઇલસ્ટ્રેશન
મુંબઈને ઘનઘોર અંધકારે પોતાના કબજામાં લઈ લીધું હતું. ભાયખલા સ્ટેશન સામેની ગલીની સ્ટ્રીટલાઇટ પણ જાણે કે અંધકારને સાથ આપતી હોય એમ બંધ થઈ ગઈ હતી. સ્ટેશનની ઘડિયાળ રાતના પોણાબે વાગ્યાનો સમય દેખાડતી હતી અને ગલીમાં આવેલા બ્રિટિશ સમયના જૂની બાંધણીવાળા ઘરની ગૅલરીના છજા નીચે સમીર ઊભો હતો. તેના હાથ સતત ધ્રૂજતા હતા. એ ધ્રુજારી શરૂ થતા શિયાળાની ગુલાબી ઠંડીને કારણે નહીં પણ અંતરના એ ભયંકર પતનની હતી જે પગલું તે આજે ભરવાનો હતો.
સમીર... સમીર જોશી.
૪ વર્ષ પહેલાં સમીર મુંબઈની ખ્યાતનામ ફાઇનૅન્સ ફર્મમાં કામ કરતો હતો. પોતાના રિસર્ચ પર કંપનીને કમાતી જોઈને સમીરના મોઢામાં લાળ આવી અને તેણે જૉબ છોડીને જાતે જ શૅરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું, પણ અધૂરો ઘડો વધુ છલકાય જેવો ઘાટ સર્જાયો અને લૉસ આવવા માંડ્યો. આટલું ઓછું હોય એમ પપ્પા મનોહરલાલને ૩ વર્ષ પહેલાં કૅન્સર આવ્યું. કૅન્સરની ટ્રીટમેન્ટ, કીમોથેરપી, મેડિસિન અને પ્રાઇવેટ હૉસ્પિટલના લાખો રૂપિયાનાં બિલ અને એ પછી પણ પપ્પાના ડેથે સમીરને માત્ર માનસિક જ નહીં, આર્થિક રીતે પણ તોડી નાખ્યો હતો. પપ્પાના મૃત્યુ પછી માથા પર ચડી ગયેલા તોતિંગ દેવાને ઉતારવા સમીરે સ્ટૉકમાર્કેટમાં ફ્યુચર ટ્રેડિંગ શરૂ કર્યું અને પરિણામ એ આવ્યું કે દેવું ઘટવાને બદલે વધીને પચાસ લાખે પહોંચી ગયું.
આજે સવારે જ લેણદારો તેના ભાડાના ઘરે આવીને ધમકી આપી ગયા હતા.
lll
‘એક વાત યાદ રાખજે, પૈસા નહીં આવે તો તારી આ નાની બહેનને વેચીને પૈસા વસૂલી લઈશું... પણ પૈસા તો તારી પાસેથી કઢાવીશું જ.’
૨૪ વર્ષની નાની બહેનના ગાલ પર હાથ ફેરવતાં એક લેણિયાતે તેનો હાથ બહેનની છાતી તરફ ફેરવ્યો અને સમીરની ચીસ નીકળી ગઈ.
‘હાથ નહીં લગાડતો...’
‘જો હાથ ન લગાડવા દેવો હોય તો... પૈસા અમારા હાથમાં...’ એક લેણિયાત આગળ આવ્યો, ‘બાકી આ હાથને તો ચળ છે જ આવા કુમળા શરીરને ચૂંથવાની.’
સમીર ધ્રૂજી ગયો અને તેણે એ જ સેકન્ડે નિર્ણય લઈ લીધો.
સવારે તે પૈસા આ લેણિયાતોના મોઢા પર મારશે.
lll
‘જો પપ્પાએ મહેનત કરી હોત, જો પપ્પાએ બચત કરી હોત, જો પપ્પાએ તેમનાં સંતાનો વિશે વિચાર્યું હોત તો આજે આવો દિવસ ન આવ્યો હોત...’
સમીર એકલો-એકલો બબડતો હતો. તેને અત્યારે પપ્પા પર ભારોભાર ગુસ્સો આવતો હતો. આખી જિંદગી પ્રામાણિકતાથી જીવનારા પપ્પા પાસે કોઈ બચત નહોતી રહી એટલે પોતાની જિંદગી ખરાબ થઈ એવું સમીરના મનમાં દૃઢપણે છપાઈ ગયું.
‘આવા માણસને બાળકો કરવાનો હક જ ન હોવો જોઈએ...’ ઘરની બહાર નીકળતી વખતે સમીરના આ છેલ્લા શબ્દો હતા, ‘ભારરૂપ બનીને આ બુઢ્ઢાઓ જીવે છે અને પોતાનાં સંતાનોનું ભવિષ્ય બગાડતા જાય છે...’
lll
સમીરની બરાબર સામે ઊંચા કાળા પથ્થરની દીવાલો વચ્ચે ભાયખલાનું ૧૭૫ વર્ષ જૂનું પ્રાચીન જૈન દેરાસર હતું. મહાવીરસ્વામીના આ દેરાસરની ભવ્યતા મુંબઈના જૈનોમાં જાણીતી હતી. જોકે અત્યારે સમીર માટે એ આસ્થાનું સ્થળ નહીં, બચવાનો એક માર્ગ હતું.
‘જો પપ્પાએ મહેનત કરી હોત, જો પપ્પાએ બચત કરી હોત, જો પપ્પાએ તેમનાં સંતાનો વિશે વિચાર્યું હોત તો આજે આવો દિવસ ન આવ્યો હોત...’
આગળ આવીને સમીરે દેરાસરની પાછળની લોખંડની જાળીવાળી બારી જોઈ. નાનપણમાં ઘણી વાર પપ્પા સાથે તે અહીં આવતો એટલે દેરાસરના દરેક ખૂણા, થાંભલા અને CCTV કૅમેરાના બ્લાઇન્ડ સ્પૉટ્સથી તે જાણકાર હતો. સ્ક્રૂ-ડ્રાઇવર અને લોખંડના સળિયાથી તેણે બારીનો સાંધો સહેજ ઉખેડ્યો અને ધીમેકથી અંદર સરકી ગયો.
દેરાસરના સભામંડપની આરસની ફરસ બરફ જેવી ઠંડીગાર હતી. સુખડ અને ચંદનની પવિત્રતા હવામાં તરતી હતી. ગર્ભગૃહની સામે મૂકેલા અખંડ ઘીના દીવાનો મંદ પ્રકાશ આરસના સ્તંભો પર ધીમા પડછાયા પાડી રહ્યો હતો.
સમીર ગર્ભગૃહના દરવાજે પહોંચ્યો. સામે મુખ્ય મૂર્તિની ડાબી બાજુએ નાની, આશરે ૯ ઇંચની, પંચધાતુની ભગવાન મહાવીરસ્વામીની પ્રાચીન પ્રતિમા બિરાજમાન હતી. આરસપહાણના સિંહાસન પર પદમાસન મુદ્રામાં બેઠેલા મહાવીરસ્વામીના ચહેરા પરનું પરમ સ્મિત સમીરના અંતરાત્માને વીંધતું હતું. રત્નજડિત આંખો એ અંધારામાં એવી રીતે ચમકતી હતી, જાણે સમીરના દિલના અંધકારભર્યા વિચારોને વાંચી રહી હોય.
‘મને માફ કરજો પ્રભુ... મારે જીવવું છે, મારી બહેનને બચાવવી છે.’
આંખો મીંચીને સમીર ગર્ભદ્વારમાં દાખલ થયો અને તેણે ધ્રૂજતા હાથે મૂર્તિને પકડી. આસન પરથી મૂર્તિને છૂટી પાડવા માટે સમીરે સહેજ જોર કર્યું. એક ઝીણો ખખડાટ થયો અને મૂર્તિ તેના હાથમાં આવી ગઈ. મૂર્તિ હાથમાં આવતાં જ સમીરના શરીરમાં કંપારીભર્યો ઝણઝણાટ પસાર થઈ ગયો. ધાતુની એ મૂર્તિમાં હૃદયને હચમચાવી નાખે એવી શીતળતા હતી. સમીરે મૂર્તિને મખમલના કપડામાં વીંટી, પોતાની બૅગમાં નાખી અને આવ્યો હતો એ જ રસ્તે બહાર નીકળી ગયો.
તેણે ભગવાનની ચોરી કરી લીધી હતી.
ચોરબજારની સાંકડી મટન ગલીમાં પહોંચ્યો ત્યારે સમીરની ઘડિયાળમાં પોણાપાંચ વાગ્યા હતા. રહીમચાચાની જૂના ઍન્ટિક સામાનની દુકાનનું અડધું શટર ખુલ્લું હતું. રહીમચાચા ઍન્ટિકના એવા જૂના પારખુ, જે કોઈ પણ જૂની કલાકૃતિનો ઇતિહાસ માત્ર સૂંઘીને કહી દેતા.
‘ચાચા, આ જુઓ...’
સમીરે ટેબલ પર મખમલની પોટલી ખોલી અને ચાચાએ પોતાનાં ચશ્માં સરખાં કર્યાં. ટેબલ-લૅમ્પનો પ્રકાશ મૂર્તિના મુગટ અને પ્રભામંડળ પર પડ્યો અને ચાચાની આંખો પહોળી થઈ ગઈ. તેમણે મૂર્તિને હાથમાં લીધી, તળિયે કોતરાયેલી પ્રાચીન લિપિ જોઈ અને પછી સમીર સામે એવી રીતે જોયું જાણે કોઈ ભૂત જોતા હોય.
‘આ તું ક્યાંથી લાવ્યો?’
‘એ બધી પંચાત છોડો ચાચા. મને પચાસ લાખ રોકડા જોઈએ છે. બપોરે ૧૨ પહેલાં.’ નિષ્ફિકરાઈ સાથે સમીરે કહ્યું, ‘આ પંચધાતુની ૧૫૦ વર્ષ જૂની મૂર્તિ છે. તમને ખબર છે કે ઇન્ટરનૅશનલ માર્કેટમાં આના કરોડો આવે.’
જવાબ આપવાને બદલે ચાચા ખુરસી પરથી ઊભા થયા, દુકાનનું શટર પાડીને તેમણે અંદરથી કડી લગાવી દીધી.
‘સમીર, આ મૂર્તિને હું હાથ પણ નહીં લગાડું.’ સમીરની પહોળી થયેલી આંખો જોઈને ચાચાએ ચોખવટ કરી, ‘આ મૂર્તિ ચોરાયેલી નથી સમીર... આ મૂર્તિ તારા પોતાના ઘરમાંથી આવી છે...’
‘શું બકવાસ કરો છો ચાચા?’ સમીરની આંખોમાં અચરજ હતું, ‘હું પોતે આને આજે રાત્રે ભાયખલાના દેરાસરમાંથી ચોરીને લાવ્યો છું.’
‘બેટા, તું આ વાંચ...’ ચાચાએ મૂર્તિને ઊંધી કરી, ‘જો આ...’
ચાચાએ સિંહાસનની નીચે આંગળી ચીંધી. ત્યાં જૂની ગુજરાતી લિપિમાં બારીક અક્ષરે કોતરેલું હતું:
‘સમર્પિત : સ્વ. કસ્તુરચંદ જોશી પરિવાર - સુરત/મુંબઈ.’
‘કસ્તુરચંદ જોશી તારા પરદાદા હતા સમીર.’ ચાચાએ ફોડ પાડ્યો, ‘આ મૂર્તિ કોઈ સાર્વજનિક સંપત્તિ નથી. ૧૯૭૦ના દાયકામાં જ્યારે તારા દાદાનું બધું લૂંટાઈ ગયું અને તારા બાપુજી મનોહરલાલ રસ્તા પર આવી ગયા ત્યારે તેમણે આ પવિત્ર કુળ-પ્રતિમાને વેચવાને બદલે ભાયખલા દેરાસરના ટ્રસ્ટને માત્ર સાચવવા માટે, એક અનામત આસ્થા તરીકે સોંપી. આ મૂર્તિ તારા પરદાદાને ખેતરમાં ખોદકામ દરમ્યાન મળી અને એ પછી તે બ્રાહ્મણ હોવા છતાં પણ જૈન ધર્મ પાળતા થયા. બેટા, તું એ જ મૂર્તિને ભંગારના ભાવે વેચવા નીકળ્યો છે?!’
સમીરના પગ નીચેથી જમીન સરકી ગઈ.
જે ભગવાનને તે પારકા માનતો હતો, કોઈ મંદિરની મિલકત સમજીને લૂંટવા ગયો હતો એ તેના પોતાના વડવાઓની આસ્થા હતી. પોતાના જ પૂર્વજોએ દેરાસરમાં સાચવવા મૂકેલા ઈશ્વરને તેણે પોતે જ ચોર્યા હતા.
‘ચાચા... પણ મારે પૈસા જોઈએ છે. ગણપતના માણસો મારી બહેનને...’
સમીર રડી પડ્યો.
‘સાંભળ બેટા...’ ચાચાએ નિસાસો નાખ્યો, ‘એ જે હોય એ, પણ એક વાત નક્કી છે કે જો હું આ મૂર્તિ ખરીદીશ તો તારા બાપુજીના આત્મા સાથે દગો થશે. મારી એક વાત માન. જો તારે તારી બહેનને બચાવવી હોય તો આ મૂર્તિ સીધી તે માણસ પાસે લઈ જા જે આનું સાચું મૂલ્ય ચૂકવી શકે.’
‘કોની પાસે...’
‘ભાયખલા દેરાસરમાં અત્યારે ચોમાસુ કરવા આવેલા આચાર્ય દેવપ્રભસૂરીશ્વરજી પાસે.’ ચાચાએ કહ્યું, ‘તે ધારે તો તારું દેવું એક ક્ષણમાં ઉતારી દેશે. જા, તેમની પાસે જઈને તારું પાપ કબૂલ કર...’
‘પણ... પછી તે પોલીસ-ફરિયાદ...’
‘સત્ય સ્વીકાર્યા પછી જે સજા મળવી હોય એ મળે બેટા...’ ચાચાએ મૂર્તિ સામે જોયું, ‘મહાવીરસ્વામી બધું સારું કરશે. તું જા તેમની પાસે...’
સમીર મૂર્તિ લઈને નીકળી ગયો. જોકે તેનું મન માનતું નહોતું અને એ અકળ મન સાથે ત્યાં જ બેસી રહ્યો. અલબત્ત, હવે તેના હાથમાં રહેલી મૂર્તિ માત્ર ધાતુનો ટુકડો નહીં પણ આખા ખાનદાનના પાપ અને પશ્ચાત્તાપ વચ્ચે ઝોલાં ખાતો હીંચકો બની ગઈ હતી.
lll
બપોરે ૧૨ વાગ્યાની આસપાસ સમીર ફરી દેરાસર પહોંચ્યો. પણ આ શું? દેરાસરની ચહલપહલ સામાન્ય હતી. પોલીસ નહોતી, કોઈ ગોકીરો નહોતો, માણસોનાં ટોળાં નહોતાં. સમીર માટે એ આશ્ચર્યજનક હતું. સામાન્ય રીતે આવી ચોરી પછી આખું મંદિર સીલ થઈ જવું જોઈએ, પણ અહીં બધું શાંત હતું અને શ્રદ્ધાળુઓ શાંતિથી દર્શન કરતા હતા.
સમીર સીધો દેરાસરની પાછળ આવેલા ઉપાશ્રયમાં ગયો. આચાર્ય દેવપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબ એકલા જ બેઠા હતા. તેમના હાથમાં કલમ હતી અને તે કાગળ પર કશું લખતા હતા.
ભારે પગલે સમીર અંદર દાખલ થયો અને તેણે કાંપતા હાથે બૅગમાંથી મૂર્તિ કાઢીને આચાર્યનાં ચરણોમાં મૂકી.
‘મહારાજસાહેબ... હું પાપી છું.’ સમીરની આંખોમાં આંસુ હતાં, ‘કાલે રાત્રે ગર્ભગૃહમાંથી મેં આ મૂર્તિ ચોરી. ચોરબજારના રહીમચાચા પાસેથી મને ખબર પડી કે આ મૂર્તિ દેરાસરને મારા વડવાઓએ જ આપી હતી...’
‘ચોરી કરવાનું કારણ...’
‘મારી લાચારી મહારાજસાહેબ... મારા પર પ૦ લાખનું દેવું છે.’ રડતી આંખે સમીરે કહ્યું, ‘એ જે હોય એ, પણ મેં બહુ મોટી ભૂલ કરી... તમે મને પોલીસને સોંપી દો, મને જેલમાં પુરાવી દો. બસ, મારી નાની બહેનનું ધ્યાન રાખજો.’
આચાર્યશ્રીએ મૂર્તિ સામે જોયું. તેમના ચહેરા પર આશ્ચર્ય, ક્રોધ કે આઘાતનો ભાવ નહોતો. તેમણે કરુણામય સ્મિત સાથે સમીર સામે જોયું.
‘ભાઈ, મને ખબર હતી કે તું જ આ મૂર્તિ લઈને ગયો છે... એટલે તો મેં સવારથી પોલીસમાં ફરિયાદ કરી નથી.’
સમીરે ચોંકીને માથું ઊંચું કર્યું.
‘તમને કેવી રીતે ખબર પડી કે ચોરી મેં કરી છે?’
‘કાલે રાત્રે જ્યારે તું બારીમાંથી અંદર આવ્યો ત્યારે મેં તને જોયો હતો.’ આચાર્યશ્રીએ શાંત અવાજે કહ્યું, ‘મેં તને મૂર્તિ લેતાં રોક્યો નહીં. મેં તને ચોરી કરવા દીધી.’
સમીર અવાક થઈ ગયો.
‘તમે... તમે મને ચોરી કરતાં જોયો છતાં રોક્યો નહીં?! કેમ?!’
‘કેમ કે આ મૂર્તિ અહીં રહેવા માટે બની જ નહોતી.’ આચાર્યશ્રીના ચહેરા પર સ્મિત અકબંધ હતું, ‘આ મૂર્તિ દેરાસરમાં એક અમાનત જ હતી. ભાઈ, તારા બાપુજી મનોહરલાલે મરતાં પહેલાં મને એક વચન આપ્યું હતું.’
‘મારા બાપુજીએ?!’ સમીર માટે બધી વાતો અચરજ પમાડનારી હતી, ‘તેમણે તમને...’
‘હા...’ આચાર્યશ્રીએ પોતાના સામાનમાંથી પીળો પડી ગયેલો કાગળ કાઢ્યો, ‘આ તારા બાપુજીનું વસિયતનામું છે જે તેમણે મૃત્યુના એક અઠવાડિયા પહેલાં અહીં ઉપાશ્રયમાં બેસીને સ્વહસ્તે લખીને મને સાચવવા આપ્યું. વાંચ...’
સમીરે ધ્રૂજતા હાથે કાગળ લીધો.
પપ્પાના પરિચિત અક્ષરો આંસુઓ વચ્ચે આંખ સામે તરવરવા લાગ્યા.
‘હું જાણું છું કે મારા ગયા પછી મારો દીકરો સમીર દેવાં અને હતાશાના એવા અંધકારમાં ધકેલાશે કે તેને કોઈ રસ્તો નહીં દેખાય. જો એવા સમયે તે લાચારીમાં આવીને દેરાસરમાંથી આ કુળ-પ્રતિમા ચોરવાની હિંમત કરે તો હે મહારાજસાહેબ, તેને ચોર ન ગણશો. તેને આ મૂર્તિ લઈ જવા દેજો, કારણ કે એ દિવસે એ સાબિત થશે કે તે સંપૂર્ણપણે તૂટી ચૂક્યો છે અને તેને ઈશ્વરના સાક્ષાત્કારની જરૂર છે.’
સમીરની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યાં. પપ્પા મૃત્યુ પહેલાં જ જાણી ગયા હતા કે તેમનો દીકરો કઈ હદે લાચાર બની જશે.
‘મહારાજસાહેબ, એક વાત પૂછું...’ સમીરે ડૂસકું ભરતાં પૂછ્યું, ‘જો તેમને બધી ખબર જ હતી તો તેમણે આ મૂર્તિ મને જીવતેજીવ કેમ ન આપી? મારે આ ચોરીનું કલંક તો ન ભોગવવું પડ્યું હોત...’
‘તારા બાપુજીને ખબર હતી કે જો મૂર્તિ તને સીધી વારસામાં મળશે તો તું એ સટ્ટાબજારની લત વચ્ચે ક્યારનીયે સોના-પિત્તળના ભાવે વેચી નાખત.’ આચાર્યની આંખોમાં પહેલી વાર ભીનાશ આવી, ‘માણસને મફતમાં મળેલી વસ્તુની કદર નથી હોતી. તારા બાપુજી ઇચ્છતા હતા કે તું પાપના અંતિમ છેડા સુધી પહોંચે, તારા હુંપણાનો નાશ થાય અને જ્યારે તું પશ્ચાત્તાપની આગમાં બળીને ભસ્મ થઈ જાય ત્યારે જ આ મૂર્તિની સાચી હકીકત તારી સામે ખૂલે, એની સત્ય હકીકત તારી સામે આવે.’
‘એની સત્ય હકીકત?’ સમીરે આશ્ચર્યથી પૂછ્યું, ‘એ શું મહારાજસાહેબ...’
આચાર્યએ મૂર્તિ ઉપાડી અને મૂર્તિના પાછળના ભાગમાં રહેલા કમળ આસનની નીચે એક નાનકડો સ્ક્રૂ જેવો ભાગ સમીર સામે ધર્યો, જે સ્પષ્ટ દેખાતો નહોતો.
‘સમીર, તારા બાપુજી મનોહરલાલ ગરીબ નહોતા. તેમણે આખી જિંદગી તારી સામે ગરીબીનો ઢોંગ કર્યો, કારણ કે તારી સટ્ટાની લતની તેમને ખબર હતી. તેમને ડર હતો કે જો આમ જ ચાલતું રહ્યું તો તું ખાનદાનની પેઢીઓની સંપત્તિ તારા આ શૅરબજારના જુગારમાં ઉડાડી નાખીશ.’
આચાર્યએ ધીમેથી એ આસનનો નીચેનો હિસ્સો ક્લૉક-વાઇઝ ફેરવ્યો અને સહેજ અવાજ સાથે મૂર્તિનું પોલાણ ખૂલ્યું. અંદરથી એક નાનકડું કવર નીકળ્યું, જેને વાળી-વાળીને બે ઇંચની સાઇઝનું કરી નાખવામાં આવ્યું હતું.
આચાર્યએ કવર ખોલ્યું એટલે અંદરથી બે વસ્તુઓ નીકળી. એક ચાવી અને ૧૬ આંકડાના બે નંબર.
‘આ જે ચાવી છે એ ચાવી લૉકરની છે અને આ જે બે નંબર છે એ... શૅરબજારના ડીમૅટ અકાઉન્ટના છે.’ આચાર્યએ બન્ને ચીજ સમીરના હાથમાં મૂકી, ‘તારા અને તારી બહેનના નામે તારા બાપુજીએ દેશની અનેક જાણીતી કંપનીઓના શૅર ડીમૅટ કરાવીને સરખા હિસ્સામાં તમને બન્નેને આપી દીધા છે. આ શૅર અને લૉકરમાં પડેલી સંપત્તિનું આજના બજારભાવ પ્રમાણે મૂલ્ય આશરે ૧૨ કરોડ રૂપિયા થાય છે. તારા પિતાએ આખી જિંદગી સાદગીથી વિતાવી, કૅન્સરની સારવાર વખતે પણ આ સંપત્તિને અડ્યા નહીં, માત્ર એટલા માટે કે તેમના ગયા પછી તારે કે તારી બહેને ક્યારેય કોઈ સામે હાથ ન ફેલાવવો પડે. પણ તેમની શરત માત્ર એટલી હતી કે આ ચાવી તને ત્યારે જ મળે જ્યારે તું પોતાની ભૂલ સમજીને, સાચા દિલથી પશ્ચાત્તાપ કરીને પ્રભુનાં ચરણોમાં માથું ટેકવે.’
સમીરનું હૃદય ફાટી ગયું.
જે બાપને આખી જિંદગી તે કોસતો રહ્યો કે પપ્પાએ તેમના માટે કંઈ ન કર્યું એ જ બાપ પોતાનાં સંતાનોના ભવિષ્ય માટે કરોડોની સંપત્તિ આ મૂર્તિમાં છુપાવીને બેઠા હતા. પોતે જેને લૂંટવા આવ્યો હતો એ ભગવાન ખુદ તેના ઉદ્ધારની ચાવી સાચવીને બેઠા હતા.
સમીર રડતો-રડતો આચાર્યશ્રીનાં ચરણોમાં ઢળી પડ્યો.
‘મહારાજસાહેબ... હું આ સંપત્તિને લાયક નથી. મેં જે પાપ કર્યું છે એ પછી મને આ પૈસા વાપરવાનો કોઈ અધિકાર નથી. હું તો ભગવાનનો ચોર છું.’
વાતાવરણ એકદમ શાંત થઈ ગયું.
પંખાનો ધીમો અવાજ અને સમીરનાં ડૂસકાં સિવાય ઉપાશ્રયમાં કશું સંભળાતું નહોતું. આચાર્ય દેવપ્રભસૂરીશ્વરજી મહારાજસાહેબે સમીરના બન્ને ખભા પકડીને તેને ઊભો કર્યો. મહારાજસાહેબની આંખોમાં અગમ્ય સ્નેહ છલકાતો હતો.
‘સમીર, હવે હું તને આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો અંગત વળાંક કહું... જે તારા બાપુજીએ પણ તારાથી છુપાવ્યો છે.’ સમીરે ભીની આંખો આચાર્ય સામે જોયું, ‘તને ખબર છે તારા બાપુજી મનોહરલાલે આ મૂર્તિ અને પોતાની આટલી મોટી વસિયત મને જ શું કામ સોંપી? મુંબઈમાં બીજા કેટલાય ટ્રસ્ટીઓ, વકીલો અને સંસ્થાઓ હતાં... પણ એ કોઈ નહીં ને હું જ... શું કામ?’
‘શું કામ?’
‘કારણ કે તારા બાપુજી મનોહરલાલ મારા સગા મોટા સંસારી ભાઈ, સમીર. હું તારો સંસારી કાકા દેવેન્દ્ર જોશી છું.’
સમીરના પગ નીચેની પૃથ્વી સરકવા માંડી.
‘કાકા...?! તમે... તમે મારા દેવેન્દ્રકાકા છો?!’
‘હા બેટા...’ આચાર્યના સંયમી સાધુ-મુખ પર હવે વડીલ સ્વજનનો વત્સલ પ્રેમ છલકાતો હતો, ‘૪૦ વર્ષ પહેલાં, તારો જન્મ પણ નહોતો થયો ત્યારે મેં સંસાર છોડીને દીક્ષા અંગીકાર કરી. સંસારત્યાગ પછી સાધુ કોઈ લૌકિક સંબંધ રાખતો નથી એટલે મેં ક્યારેય તમારા ઘરમાં પગ નહોતો મૂક્યો. પણ જ્યારે તારા બાપુજી મરણપથારીએ હતા ત્યારે તે એક સંસારી ભાઈ તરીકે નહીં પણ એક લાચાર પિતા તરીકે આ ઉપાશ્રયમાં આવ્યા. તેમણે મારાં ચરણોમાં માથું મૂકીને કહ્યું કે તમે તો સંસાર છોડીને મુક્તિનો માર્ગ પકડી લીધો... પણ મારો સમીર સંસારના કાદવમાં ખેંચાતો જાય છે. તેને ઉગારવાની જવાબદારી હવે તમારી. એક સંન્યાસી હોવા છતાં મેં મારા મુમુક્ષુ ધર્મની મર્યાદામાં રહીને તારા બાપુજીને વચન આપ્યું કે હું તારા આત્માને પતન તરફ નહીં જવા દઉં.’
સમીર સ્તબ્ધ થઈને આચાર્ય સામે જોઈ રહ્યો.
જે સંબંધોને તે સંસારમાં શોધતો હતો એ સંબંધ, એ હૂંફ ત્યાગનાં શ્વેત વસ્ત્રો પહેરીને તેની સામે ઊભો હતો.
‘આ જ કારણ સમીર....’ આચાર્યશ્રીએ વાત આગળ વધારી, ‘કાલે રાતે જ્યારે તે મૂર્તિ ઉપાડી ત્યારે હું પોલીસ બોલાવી શકતો હતો, પણ મારે તને જેલના સળિયા પાછળ નહોતો ધકેલવો. મારે તારા અંતરાત્માને જગાડવાનો હતો. તેં જે ચોરી કરી એ પાપ હતું... પણ તું પાછો આવ્યો એ તારું પ્રાયશ્ચિત્ત પણ હતું અને તારા અહંકારનું વિસર્જન પણ હતું.’
સમીરનું હૃદય પશ્ચાત્તાપ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું.
‘તમે... તમે મને... હવે આદેશ આપો. હું આ સંપત્તિમાંથી મારું બધું દેવું ચૂકવી દઈશ, મારી બહેનને બેસ્ટ લાઇફ આપીશ... પણ હું આજીવન ક્યારેય વ્યસન કે સટ્ટા સામે નહીં જોઉં. હું પ્રતિજ્ઞા લઉં છું. બસ, મને આદેશ આપો, આદેશ આપો કે હું... હું આ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કેવી રીતે કરું?’
‘તારી પ્રતિજ્ઞા સાચી છે ભાઈ, પણ...’ આચાર્યના ચહેરા પર ફરી એક વાર સ્મિત પ્રસરી ગયું, ‘પ્રાણપ્રતિષ્ઠાની તારી ઇચ્છા પૂરી નહીં થાય.’
‘કેમ?’
ટેબલ પર પડેલી પંચધાતુની મૂર્તિ સામે જોઈને આચાર્યએ ઉપાશ્રયની બારીની બહાર દેખાતા ગર્ભગૃહ તરફ આંગળી ચીંધી.
‘તેં જે મૂર્તિ કાલે ચોરી... જે મૂર્તિ તું ચોરબજારમાં લઈ ગયો... અને જે મૂર્તિ અત્યારે અહીં મારા ટેબલ પર પડી છે...’ ચિરપરિચિત સ્મિત સાથે આચાર્યએ કહ્યું, ‘એ મૂર્તિ તારા પરિવારની અસલી મૂર્તિ નથી.’
‘શું?! આ અસલી નથી?!’
‘ના...’ આચાર્યશ્રી હળવું હસ્યા, ‘તારા બાપુજીએ જે અસલી મૂર્તિ દેરાસરને સોંપી હતી એ તો ક્યારની દેરાસરની તિજોરીમાં સુરક્ષિત રીતે મૂકી દીધી છે. ગર્ભગૃહમાં મૂકેલી આ મૂર્તિ તો બીજા એક કુશળ શિલ્પી પાસે ખાસ તારા માટે તૈયાર કરાવી હતી.’
‘મારા માટે?! પણ કેમ?!’
‘કારણ કે તારા ગ્રહો મેં જોયા અને એ જોયા પછી મેં તારા બાપુજીને કહ્યું હતું કે એકાદ મોટું અપકૃત્ય આ છોકરાના હાથમાં લખેલું છે. તારા બાપુજીએ જ ધારણા માંડી કે જો તું આ મૂર્તિ ચોરે અને રસ્તામાં કોઈ ગુંડો કે ચોર તારી પાસેથી એ મૂર્તિ આંચકી લે કે પછી...’ આચાર્યએ સામે રહેલી પાટ પર સમીરના જન્માક્ષર મૂક્યા, ‘તું એને ગમે ત્યાં વેચી નાખે તો તારા બાપુજીના વડવાઓની ૧૫૦ વર્ષ જૂની પવિત્ર ધરોહર નષ્ટ થઈ જાત. મેં તારા બાપુજીની સલાહથી જ ગર્ભગૃહમાં આ નકલી મૂર્તિ પધરાવી હતી, પણ...’
આચાર્યશ્રીએ સમીરની આંખોમાં જોયું.
‘ભલે આ મૂર્તિ ધાતુની દૃષ્ટિએ નકલી હોય; તારા બાપુજીની વસિયત, આ ડીમૅટ અકાઉન્ટ નંબર અને બૅન્ક-લૉકરની ચાવી અમે અસલી જ રાખ્યાં અને આ નકલી મૂર્તિમાં રાખી દીધાં. શું કામ ખબર છે તને?’
સમીરે નકારમાં ગરદન હલાવી એટલે આચાર્યએ વાત આગળ વધારી.
‘તારા બાપુજીએ કહ્યું હતું કે જો મારો દીકરો અસલી ભગવાનને પામી ન શકે તો કંઈ નહીં, પણ જો તે પશ્ચાત્તાપ કરીને આ નકલી મૂર્તિ પણ પાછી મૂકવા આવે તો સમજવું કે તેનો અંતરાત્મા સાચો છે અને જેનો અંતરાત્મા સાચો હોય તેને જ આ સંપત્તિ મળવી જોઈએ.’
સમીરનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં.
કેવી અદ્ભુત, અકલ્પ્ય યોજના!
જો સમીરે રહીમચાચા પાસે મૂર્તિ સસ્તામાં વેચી દીધી હોત તો એ નકલી મૂર્તિ સાથે કરોડો રૂપિયાની વસિયત પણ ગઈ હોત અને સમીર આખી જિંદગી રસ્તા પર ભટકતો રહ્યો; પણ સમીરે પૈસાની લાલચ છોડીને પોતાના જીવના જોખમે, માત્ર પશ્ચાત્તાપના ભાવથી એ મૂર્તિ પાછી લાવવાનો નિર્ણય કર્યો... અને એ જ એક નિર્ણયે તેને સાચો વારસદાર સાબિત કરી દીધો.
બપોરના બે વાગ્યા હતા.
બહાર સૂર્ય વાદળો ચીરીને સંપૂર્ણ તેજ સાથે પ્રકાશી રહ્યો હતો. દેરાસરના શિખર પરની ધ્વજા મંદ પવનમાં લહેરાતી હતી.
આચાર્યશ્રીએ સમીરની સામે જોયું.
‘જા ભાઈ, તારા બાપુજીની આ મહેનતની પવિત્ર સંપત્તિ સ્વીકાર. તારું દેવું ચૂકવી દે, તારી બહેનનું જીવન સુધારી લે અને સમાજમાં સજ્જન બનીને જીવી બતાવ. પણ યાદ રાખજે, જીવનમાં જ્યારે પણ ભટકી જાય ત્યારે આ ગર્ભગૃહમાં બેઠેલા પ્રભુ મહાવીરને યાદ કરજે...’
સમીરની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી, પણ એ આંસુઓમાં હવે કોઈ પાપ, કોઈ ડર નહોતો.
‘મારાથી, આ... આનો સ્વીકાર હવે કેમ થાય મહારાજસાહેબ?’
‘હવે જ આનો સ્વીકાર થાય ભાઈ...’ આચાર્યએ સસ્મિત જવાબ આપ્યો, ‘પાપ અને પુણ્યનો આ જ તો સંબંધ છે. પાપ કરનારો પોતાના એ કૃત્યમાં રહેલી બહાદુરીને વીર માનીને બેસી રહે પણ જે પાપ સ્વીકારે, ખરા મનથી પ્રાયશ્ચિત્ત કરે, સાચા હૃદય સાથે ભૂલનો સ્વીકાર કરે તે સાચા અર્થમાં મહાવીર પુરવાર થાય. જા... મહાવીરસ્વામીનાં દર્શન કરીને તારું કામ આગળ વધાર...’
lll
સમીર ધીમા પગલે દેરાસરના મુખ્ય ગર્ભગૃહ સામે ગયો. ત્યાં આરસના સિંહાસન પર ભગવાન મહાવીરસ્વામી બિરાજમાન હતા. પ્રભુના ચહેરા પરનું પરમ શાંત સ્મિત જાણે તેને કહેતું હતું : ‘માણસ જ્યારે ભગવાનની ચોરી કરવા નીકળે ત્યારે હકીકતમાં ભગવાન તેનાં તમામ પાપો અને દુર્ગુણોની ચોરી કરીને તેને એક શુદ્ધ આત્મા બનાવે છે.’
સમીરે ગર્ભગૃહ પર માથું ટેકવ્યું.
દેરાસરની બહાર નીકળતી વખતે સમીરના ચહેરા પર એક નવો સૂર્યોદય ચમકતો હતો. એક ચોર પાછો વળી ગયો હતો અને એક સાચો માણસ જીતી ગયો હતો. પાપનો અંત આવ્યો હતો અને પુણ્યએ જન્મ લીધો હતો. વીરતા ઓસરી ગઈ હતી અને મહાવીરપણું છલકવા માંડ્યું હતું.
(સમાપ્ત)