ગરોળીથી ડરતો અભિજિત નાનપણમાં લિટરલી કૉક્રૉચને હાથમાં લઈને રમાડતો

26 July, 2026 05:08 PM IST  |  Mumbai | Rashmin Shah

ટૉક ઑફ ધી નૅશન બની ગયેલા કૉક્રૉચ જનતા પાર્ટીના ફાઉન્ડર પ્રેસિડન્ટ અભિજિત દીપકેએ તો અમેરિકામાં જૉબ શોધવા માંડી હતી, પણ વીસ લાખથી વધુ મેસેજ આવ્યા અને તેને પોતાનો પ્લાન પડતો મૂકી દીધો

અભિજિત દીપકે

મજાક-મજાકમાં પણ અંદરખાને ગુસ્સા સાથે એક ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ થાય, નામ મળે એને કૉક્રૉચ જનતા પાર્ટી અને એ પછી એ જ કૉક્રૉચ જનતા પાર્ટી આજે સરકારનો માથાનો દુખાવો બની જાય. છેલ્લાં ચૌદ વર્ષમાં ન થયો હોય એ સ્તરે દેશમાં સરકાર વિરોધી માહોલ ઊભો કરી દે અને એ પછી પણ એ કૉક્રૉચ જનતા પાર્ટી શરૂ કરનારા અભિજિત દીપકે વિશે આજે પણ લોકો બહુ ઓછું જાણે છે. એક સમય હતો કે અભિજિતની કોઈ વૅલ્યુ નહોતી એટલે તેની ફૅમિલી કે તેના વિશે કોઈને કશી ખબર નહોતી અને આજે, અભિજિત જેન-ઝીનો ફેવરીટ લીડર બની ગયો છે એટલે તે સાવચેત રહે છે કે તેની ઓછામાં ઓછી વાતો બહાર આવે. કારણ બહુ ક્લીઅર છે. અભિજિત કહે છે, ‘હું સરકારની વિરુદ્ધ છું એટલે બની શકે કે મારી ફૅમિલીને કે પછી મારા રિલેટિવ્સને હેરાન કરવામાં આવે. હું નથી ઇચ્છતો કે મારે કારણે એ લોકો હેરાન થાય.’

અચાનક જ દેશની જેન-ઝી માટે આશાનો દીવો બની ગયેલા આ અભિજિત દીપકે વિશે જાણવા જેવું છે. ડિજિટલ કન્ટેન્ટ ક્રિયેટર અને પોતાની જાતને પૉલિટિકલ કમ્યુનિકેશન સ્ટ્રૅટેજિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરતો આ અભિજિત દીપકે ચર્ચાસ્પદ બની ગયેલા યુવા આંદોલન કૉક્રૉચ જનતા પાર્ટી એટલે કે CJPનો સ્થાપક છે. આ સંગઠન નૉન-રજિસ્ટર્ડ પૉલિટિકલ-પાર્ટી છે, પણ અભિજિત માને છે કે જો જરૂર પડશે તો તે એનું રજિસ્ટ્રેશન પણ કરાવશે. અભિજિત કહે છે, ‘દેશ બરાબર ચાલતો હોત, દેશના યુવાનો ખુશ હોત તો હું ક્યારેય ઇન્ડિયા પાછો આવ્યો જ ન હોત, પણ હું આવ્યો ઇન્ડિયન યંગસ્ટર્સ માટે. તેમને સાથની જરૂર હતી અને તે બધા મારી પાસે સાથ માગતા હતા. મને થયું કે કોઈએ તો આગળ આવવું પડશે...’

એજ્યુકેશન માટે અમેરિકા ગયેલા અભિજિત દીપકે ઇન્ડિયા આવ્યો, પણ એ પહેલાં તે શું કરતો હતો અને તેના જીવનમાં કેવા ઉતારચડાવ આવ્યા હતા એ જાણવા જેવું છે.

પરિવારને નડતર... 

કૉક્રૉચ જનતા પાર્ટીના સર્જન પછી અભિજિત દીપકે અમેરિકામાં હતો ત્યારે એક રાતે તેના ઘરે કેટલાક અજાણ્યા લોકો પહોંચી ગયા અને તેમણે તોડફોડ કરવાની કોશિશ કરી, પણ આડોશીપાડોશી આવી જતાં તે લોકો ભાગી ગયા. એ પછી અભિજિતે તેના પૅરન્ટ્સને પંદર દિવસ માટે અજાણી જગ્યાએ મોકલી દેવા પડ્યા અને પોતે ઇન્ડિયા આવવા માટે નીકળ્યો ત્યારે પરિવારને ઘરે બોલાવ્યા.

શરૂઆતના દિવસો...

૧૯૯પની ૨૯ સપ્ટેમ્બરે મહારાષ્ટ્રના ઔરંગાબાદ એટલે કે આજના છત્રપતિ સંભાજીનગરમાં જન્મેલા અભિજિત દીપકેના પપ્પા ભગવાનરાવ દીપકે અને મમ્મી અનીતા દીપકે છે. અભિજિતને એક મોટી બહેન છે. નાનપણમાં શાંત એવા અભિજિતે ટેન્થ સુધીનું એજ્યુકેશન અલ્ફોન્સા સ્કૂલમાંથી લીધું તો ૧૧મું અને ૧૨મું ધોરણ છત્રપતિ સંભાજીનગરની એસ. બી. કૉલેજમાંથી પૂરું કરી તેણે એન્જિનિયરિંગમાં ઍડ્‍મિશન લીધું. એક વર્ષ પૂરું કર્યા પછી તેને લાગ્યું કે તે એન્જિનિયરિંગ જેવા અઘરા વિષયો માટે નથી બન્યો એટલે તેની બહેનની ઍડવાઇઝ પ્રમાણે તેણે પુણેમાં
માસ-કમ્યુનિકેશન અને જર્નલિઝમ કમ્પ્લીટ કર્યું. જર્નલિઝમમાં ભણતો હતો એ જ વખતે તે આમ આદમી પાર્ટીના કૉન્ટૅક્ટમાં આવ્યો અને ૨૦૨૦માં તેણે આમ આદમી પાર્ટીની સોશ્યલ મીડિયા ટીમ માટે કામ શરૂ કર્યું. ૨૦૨૦ની દિલ્હી વિધાનસભા ઇલેક્શનમાં દીપકેએ બનાવેલાં મીમ્સ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત પૉપ્યુલર થયાં અને એનો બહોળો ફાયદો આમ આદમી પાર્ટીનો થયો. અભિજિત દીપકે બે વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સોશ્યલ મીડિયા માટે કામ કરતો રહ્યો, પણ એ પછી તેને અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં ઍડમિશન મળતાં માસ્ટર્સ ઇન પબ્લિક રિલેશન્સ માટે તે અમેરિકા ગયો. શરૂઆતના સમયે તેણે બોસ્ટનથી પણ આમ આદમી પાર્ટી માટે કામ કર્યું, પણ પછી ધીમે-ધીમે એ કામ છોડી દીધું. અભિજિત કહે છે, ‘અમેરિકા જવા માટે મારો કોઈ ખાસ ગોલ નહોતો. મારી સિસ્ટરે અમેરિકામાં એમ. એસ. કર્યું હતું એટલે મેં ઘરમાં જીદ કરી હતી કે મને પણ અમેરિકા ભણવા જવું છે અને બસ, હું એમ જ અમેરિકા ભણવા ગયો.’

બાય ધી વે, અભિજિત દીપકેના પપ્પા ભગવાનરાવ દીપકે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવપલમેન્ટ કૉર્પોરેશન એટલે કે MIDCના રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર છે તો મમ્મી અનીતા દીપકે હાઉસવાઇફ છે.

અમેરિકાનો દિવસ...

અમેરિકામાં પણ અભિજિતની નજર ઇન્ડિયા પર તો હતી જ. નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રેન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર લીકની ઘટનાએ અભિજિતને ઝાટકો આપ્યો, પણ વધારે ઝાટકો તેને ત્યારે લાગ્યો જ્યારે તેણે વાંચ્યું કે પીપર લીકના કારણે વીસથી વધુ સ્ટુડન્ટ્સે સુસાઇડ કર્યું. આ જ દિવસો દરમ્યાન દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે એક કેસના જજમેન્ટ સમયે સ્ટેટમેન્ટ કર્યું જેનો ભાવાર્થ એવો કાઢવામાં આવ્યો કે દેશના બેરોજગાર યુવાનો કૉક્રૉચ સમાન છે અને આ સ્ટેટમેન્ટ સાથે દેશના યુવાનો સળગી ઊઠ્યા. આ સ્ટેટમેન્ટના વિરોધમાં જ અભિજિત દીપકેએ કટાક્ષ કરતાં સોશ્યલ મીડિયા પર લખ્યું કે બધા કૉક્રૉચો (એટલે કે યુવાનોએ) પૉલિટિકલ પાર્ટી બનાવવી જોઈએ) અને તેણે લખેલી આ કમેન્ટ પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો, જેને જોઈને અભિજિતે પોતે ૨૦૨૬ની ૧૬મી મેના દિવસે કટાક્ષત્મક પૉલિટિકલ પાર્ટી કૉક્રૉચ જનતા પાર્ટીની સ્થાપના કરી અને સોશ્યલ મીડિયા પર એ પાર્ટીને વધાવી લેવામાં આવી. ગણતરીના દિવસોમાં આ કૉક્રૉચ જનતા પાર્ટીને મિલિયન્સ ફૉલોઅર્સ મળી ગયા. અભિજિતે તો કટાક્ષ ખાતર આ પાર્ટી બનાવી હતી, પણ એને ફૉલો કરનારાઓના મેસેજનો ઢગલો થઈ ગયો કે પ્લીઝ, તમે સામે આવો. અમે તમારી સાથે જોડાઈને દેશ માટે કામ કરવા માગીએ છીએ. અભિજિત કહે છે, ‘વીસ લાખથી વધારે લોકોના ડીએમ (ડિરેક્ટ મેસેજ) આવ્યા, જે જોઈ-વાંચીને મને થયું કે મારે ઇન્ડિયા જવું જોઈએ.’

મજાની વાત એ છે કે અભિજિતની ફૅમિલીને તો આ બધાની કંઈ ખબર પણ નહોતી. અભિજિતની મમ્મી અનીતા દીપકે કહે છે, ‘અભિજિતે પાર્ટી બનાવી એ પછી અડતાલીસ કલાકે સોસાયટીની એક છોકરીએ આવીને મને કહ્યું કે માસી, તમે સોશ્યલ મીડિયા જોયું, અભિજુતદાદાના કરોડો ફૉલોઅર્સ થઈ ગયા, તેમણે કૉક્રૉચ પાર્ટી બનાવી છે, બધા એની જ વાતો કરે છે.’


અભિજિત દીપકેના  પપ્પા ભગવાનરાવ અને મમ્મી અનીતા.

મમ્મીએ દીકરાને ફોન કરી પૂછ્યું કે આ ઝુરળ-ઝુરળ (મરાઠીમાં કૉક્રૉચ) શું ચાલે છે? ત્યારે અભિજિતે કહ્યું કે એ બધું હું રૂબરૂ આવીને કહીશ...

અભિજિતને ડર હતો કે ભારત પહોંચતાં જ તેની એરેસ્ટ કરવામાં આવશે. આ જ કારણે અભિજિતે ફ્લાઇટની જર્ની દરમ્યાન માસ્ક, કૅપ અને ગૉગલ્સ પહેરી રાખ્યાં હતાં. કૉક્રૉચ જનતા પાર્ટીની સ્થાપના કરનારા અભિજિત દીપકેની કેટલીક પર્સનલ વાતો જાણવા જેવી છે.

હવે આ જ છે કામ...

અભિજિત દીપકેનું માનવું છે કે જો હવે તે આંદોલન વચ્ચેથી છોડશે તો લોકો તેને ઑપોર્ચ્યુનિસ્ટ માનશે, જે પોતે છે નહીં. અભિજિત કહે છે, ‘ઇન્ડિયા આવતાં પહેલાં મેં વકીલોની ઍડવાઇઝ લીધી હતી, મને તેમણે સલાહ આપી હતી કે નૅશનલ સિક્યુરિટી ઍક્ટ હેઠળ મારી અરેસ્ટ થઈ શકે છે. મેં એની મનોમન તૈયારી કરી લીધી અને આગળ વધવાનું નક્કી કર્યું તો હવે આ જ કામ મારું આગળ વધશે.’

અભિજિત દીપકેની તમામ માગ પૂરી કરવામાં આવે એ પછી પણ કૉક્રૉચ જનતા પાર્ટી ચાલુ જ રહેશે. અભિજિત કહે છે, ‘આપણે સંસ્થા કરતાં વ્યક્તિ મોટી બનાવી દઈએ છીએ, જે ખરેખર બહુ મોટી ભૂલ છે. કૉક્રૉચ જનતા પાર્ટી પણ મારી એકની આસપાસ ન રહે એનો હું સતત પ્રયાસ કરતો રહું છું અને એટલે જ અમે સોનમ વાંગચુક જેવા એજ્યુકેશન-એક્સપર્ટ્‍સને આગળ લાવ્યા.’

ડર લાગે ગરોળીનો...

અભિજિત દીપકે ગરોળીથી ડરે છે. એણે નાનપણમાં એક વાર ડરના માર્યા ગરોળી મારી નાખી અને પછી એની હલતીચલતી પૂંછડી જોઈને હેબતાઈ ગયો હતો. અભિજિતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને ક્યારેય કૉક્રૉચનો કોઈ ડર નથી લાગ્યો કે મને એનાથી ચીતરી નથી ચડતી. હું કૉક્રૉચને સરળતા સાથે હાથમાં લઈ શકું અને એને રમાડી પણ શકું. કૉક્રૉચ જનતા પાર્ટીના કારણે તે આવું સ્ટેટમેન્ટ કરે છે કે નહીં એ તો અભિજિત કે એના ફૅમિલી મેમ્બર જાણે, પણ હા, અભિજિત ભૂખ્યો સહેજ પણ નથી રહી શકતો. આ જ કારણ હતું કે અનશન પર તે બેઠો નહોતો. અભિજિત કહે છે, ‘મને માઇગ્રેનનો પ્રૉબ્લેમ છે. જરા ભૂખ્યો રહું તો તરત જ મારું માથું દુખવાનું શરૂ થઈ જાય.’

અમેરિકા હતો ત્યાં સુધી અભિજિતની ઇચ્છા હતી કે ઇન્ડિયા પાછા ન આવવું અને અમેરિકાના જ કોઈ મીડિયા-હાઉસમાં જૉબ શોધી લેવી. સમય જતાં તે પોતાની યુટ્યુબ ચૅનલ પણ શરૂ કરવા માગતો હતો. જોકે હવે એ બધી વાતો સપના જેવી બની ગઈ છે.

અભિજિતની ફૅમિલીમાંથી કોઈ પૉલિટિક્સમાં નથી અને તેમને રાજકારણ પસંદ પણ નથી. અભિજિત જ્યારે આમ આદમી પાર્ટી સાથે કામ કરતો હતો ત્યારે પણ તેની મમ્મીએ તેને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી. અભિજિતનાં મમ્મી-પપ્પાની ઇચ્છા હતી કે અભિજિત ક્લાસ-વન ઑફિસર બને.

અભિજિત દીપકેના શોખ ટિપિકલ ઇન્ડિયન મિડલ ક્લાસ યંગસ્ટર્સ જેવા છે. તેને ટી-શર્ટ અને જીન્સ પહેરવાં ગમે છે તો તેને રેસ્ટોરાંમાં જમવા જવું ગમે છે. ગાડી કરતાં બાઇક તેને વધુ ગમે. ટેક્નૉલૉજીનો પણ તે ભરપૂર ઉપયોગ કરે છે. અભિજિત દીપકે કહે છે, ‘હું મારી જાત સાથે એકલો રહી શકું, પણ હા, મને મોબાઇલ જોઈએ.’

પોતાના નવરાશના ટાઇમમાં અભિજિત દીપકે Ai પર પડ્યોપાથર્યો રહે છે. કૉક્રૉચ જનતા પાર્ટીનો લોગો પણ તેણે Ai નો ઉપયોગ કરીને જ બનાવ્યો હતો તો કૉક્રૉચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો પણ તેણે Aiનો ઉપયોગ કરીને જ બનાવ્યો હતો. અભિજિત કહે છે, ‘મારો આવો કોઈ પ્લાન જ નહોતો. જો મારે આવું કશું કરવું હોત તો હું ભારતમાં જ રહ્યો હોત, અમેરિકા ન ગયો હોત, પણ ત્યાં જઈને કૉક્રૉચ જનતા પાર્ટી નામનું સટાયર ઊભું કરતાં મને ખબર પડી કે દેશના યુવાનોમાં ઘણાં વર્ષોથી જે આક્રોશ અને હતાશા છે, એ હતાશા જ આજના આ આંદોલનનું પરિણામ બન્યું છે.’

શુક્રવારે સવારે જ અભિજિત દીપકેને તેની મમ્મીએ ફોન પર કહ્યું હતું કે ૨૦મી તારીખ પછી હું સૂઈ શકતી નથી, તું હવે પાછો આવી જા. અભિજિતે મમ્મીને જવાબ આપતાં કહ્યું હતું કે મારી મજાકમાં રહેલું સત્ય જો આટલા સ્ટુડન્ટ્સને ટચ કરી ગયું હોય તો હવે મારે બીજી કોઈ ચિંતા ન કરવી જોઈએ.

abhijit dipake Sonam Wangchuk cockroach janata party new delhi gujarati mid day columnists jantar mantar indian government neet exam