લો બોલો! આપણે સૌથી વધુ ભુલકણા?

11 June, 2022 05:49 PM IST  |  Mumbai | Jigisha Jain

માયાનગરી મુંબઈને ભારતમાં પહેલા નંબરના ભુલકણા શહેરનો ટૅગ મળ્યો છે ત્યારે આ અતિ મજેદાર સર્વે થકી થોડું સમજવાની કોશિશ કરીએ કે કેમ મુંબઈવાસીઓ પોતાની વસ્તુ રિક્ષા, ટૅક્સી કે ટ્રેન જેવા ટ્રાન્સપોર્ટમાં ભૂલી જાય છે

લો બોલો! આપણે સૌથી વધુ ભુલકણા?

એક પ્રાઇવેટ ટૅક્સી કંપનીનો સર્વે કહે છે કે ટૅક્સીમાં સૌથી વધુ વસ્તુઓ ભૂલી જનારાઓમાં મુંબઈગરા મોખરે છે. માયાનગરી મુંબઈને ભારતમાં પહેલા નંબરના ભુલકણા શહેરનો ટૅગ મળ્યો છે ત્યારે આ અતિ મજેદાર સર્વે થકી થોડું સમજવાની કોશિશ કરીએ કે કેમ મુંબઈવાસીઓ પોતાની વસ્તુ રિક્ષા, ટૅક્સી કે ટ્રેન જેવા ટ્રાન્સપોર્ટમાં ભૂલી જાય છે

મુંબઈની કદાચ સૌથી અઘરી વસ્તુ કમ્યુટ માની શકાય. મુંબઈવાસીઓ જુદાં-જુદાં સાધનો દ્વારા ટ્રાવેલ કરતા હોય છે જેમાં રિક્ષા, ટૅક્સી, ટ્રેન મહત્ત્વનાં છે. જ્યારે આપણે ઘરેથી નીકળીએ છીએ ત્યારે દુનિયાભરનો સામાન આપણી સાથે હોય. ટિફિન (ઓછામાં ઓછું એક અને વધુમાં વધુ ચાર ટંકનું), વૉટર બૉટલ, પૈસા, ફોન, લૅપટૉપ, વરસાદ આવે તો છત્રી, ઑફિસના એસીમાં ઠંડી લાગે એટલે સ્વેટર કે જૅકેટ, વચ્ચેથી ઘર માટે કોઈ સારો સામાન મળી રહે તો એ, સ્ટેશનેથી ખરીદેલી શાકભાજી, નાની-મોટી શૉપિંગ જેટલો સામાન તો લગભગ દરરોજ જ લઈને ફરતા હોઈએ છીએ. એમાં એવું કેટલી વાર બનતું હશે કે તમે એ સામાનમાંથી ક્યાંક કશુક ભૂલી જાઓ? એનો કોઈ હિસાબ હોય ખરો? હા ભારતભરનાં ટૅક્સી પ્રોવાઇડ કરતી એક પ્રાઇવેટ ટૅક્સી કંપનીએ હાલમાં એનો હિસાબ કર્યો અને એ અનુસાર ભારતનાં બધાં શહેરોમાંથી મુંબઈના લોકો સૌથી વધુ ભુલકણા સાબિત થયા છે. 
ભૂલવાની ઇન્ટરેસ્ટિંગ વાતો
પ્રાઇવેટ ટૅક્સીમાં ડ્રાઇવરનો નંબર અને ડીટેલ પણ તમારી પાસે હોય છે. એટલે જો તમે કશું ભૂલી ગયા તો ડ્રાઇવરને કે સીધા ઉબરને જાણ કરી શકો છો કે તમારી આ વસ્તુ ભુલાઈ ગઈ છે અને મોટા ભાગે એ મળી જતી હોય છે. એટલે જ એમની પાસે એ રેકૉર્ડ રહે છે જેનું મૂલ્યાંકન એમણે હાલમાં પ્રકાશિત કર્યું હતું. ૨૦૨૨ના લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ ઇન્ડેક્સ મુજબ ભારતમાં સૌથી વધુ મુંબઈમાં એ પછી દિલ્હી અને પછી લખનઉમાં લોકો ટૅક્સીમાં સામાન ભૂલી ગયા હતા. 
ફોન, કૅમેરા, લૅપટૉપ, બૅકપૅક, સ્પીકર્સ, હેડફોન્સ, વૉલેટ, કપડાં, પૈસા અને બૅગ્સ ખોવાઈ જતા સામાનના ટૉપ લિસ્ટમાં આવે છે. એ પછી જરૂરિયાતની વસ્તુઓ જેમ કે કરિયાણું, થર્મસ, વૉટરબૉટલ અને ફોન ચાર્જર આવે છે. સ્ટડી જણાવે છે કે લોકો ટૅક્સીમાં આધાર કાર્ડ, વાંસળી, સ્ટિકર્સ, બર્થ-ડે કેક, કેરી, ડમ્બેલ જેવી ઘણી વસ્તુઓ ભૂલી ગયા હતા. સ્ટડી કહે છે કે શનિવાર જેવા દિવસે મોટા ભાગે પૅસેન્જર્સ પોતાનાં કપડાં ટૅક્સીમાં ભૂલી જાય છે. જ્યારે બુધવારે લૅપટૉપ વધુ ભુલાયાં છે. રવિવારે આરામના દિવસે વૉટર બૉટલ કૅબમાં પડેલી મળે અને હેડફોન કે સ્પીકર જેવી વસ્તુઓ કામઢા સોમવાર અને રિલૅક્સ કરી શકાય એવા શુક્રવારે વધુ મળે છે એટલું જ નહીં, બપોરે ૧-૩ વાગ્યા સુધીમાં લોકો વધુ ભૂલે છે એવું પણ તારણ એમાં કાઢવામાં આવ્યું છે. આ સિવાય માર્ચ સૌથી વધુ ભુલકણો મહિનો ગણાવવામાં આવ્યો છે, કારણ કે જે પાંચ દિવસોમાં સૌથી વધુ લોકો સામાન ભૂલ્યા એ પાંચેય દિવસો માર્ચ મહિનાના જ છે. 
ભૂલવાની આદત 
ડોમ્બિવલીનાં રહેવાસી આરતી સૈયા હસતાં-હસતાં કહે છે કે હું તો કેટલી વસ્તુઓ ભૂલી ગઈ છું એ પણ હવે તો ભુલાઈ ગયું છે. આરતીબહેનને ડોકનો દુખાવો છે જેને લીધે ગળામાં કંઈ પણ પહેરે તો ભાર લાગતો હોય એને લીધે એ કેટલીય ઓઢણીઓ રિક્ષામાં કે ટૅક્સીમાં ભૂલી ગયાં છે. એમના ઘરમાં એમનાં મમ્મી એમને એને લીધે જ સોનાનો ચેઇન પહેરવા દેતાં નથી. ચોમાસામાં એટલી બધી છત્રી તેઓ ખોઈ બેઠાં છે કે એમના ઘરમાં નિયમ છે કે ઘરે બીજું કોઈ છત્રી ભૂલી ગયું હોય એ વાળી છત્રી આરતીબહેને લઈ ન જવી, કારણ કે એ ખોઈ જ આવશે. અવારનવાર પોતાની સાથે બનતા બનાવો પાછળનું કારણ જણાવતાં આકાશવાણીનાં અનાઉન્સર આરતીબહેન કહે છે, ‘રેડિયો પર પ્રોગ્રામ કરવા જતી વખતે મારું સંપૂર્ણ ધ્યાન સ્ક્રિપ્ટમાં હોય. લાઇવ પ્રોગ્રામ કરવાનો છે એ વાત ખાસ્સું ફોકસ માગી લે છે. એ સમયે સ્ક્રિપ્ટ અને ફોન સિવાયની કેટલીયે બીજી વસ્તુઓ મારાથી ક્યાંકને ક્યાંક છૂટી જતી હોય છે.’
આરતીબહેનનાં મોટાં બહેન 
અમીષા પણ પોતાની સાથે બનેલો એક મહત્ત્વનો બનાવ જણાવતા કહે છે, ‘મેં એક વાર ૧૨-૧૩ જેટલા ડ્રેસ ખરીદ્યા હતા. હું ઘરે આવી. જમવા બેઠી. જમીને મને એકદમ ધ્યાન ગયું કે 
થેલો ક્યાં ગયો? મારા પેટમાં ફાળ પાડી. હું અને મારી બહેન તરત ભાગ્યાં. ૧-૨ કલાક મહેનત કરીને ટ્રેનને ટ્રેસ કરી. એ ડબ્બો પણ શોધી કાઢ્યો પરંતુ 
એમાં મારો થેલો ન મળ્યો ત્યારે હું નિરાશ થઈ ગઈ હતી. પછી અમે સ્ટેશન માસ્ટર પાસે ગયાં અને કોઈ ભલું માણસ એમની પાસે મારો થેલો મૂકી ગયું 
હતું. ફાઇનલી મને એ મળી ગયો ત્યારે હાશ થઈ.’ 
અઢળક વસ્તુ ખોવાય 
મુંબઈમાં લોકો કમ્યુટ વખતે કેમ ભૂલી જાય છે એ અઢળક વખત સ્વાનુભવ ધરાવતા અંધેરીમાં રહેતા એન્જિનિયર દિગંત દોશી કહે છે, ‘મેં મારી કેટલીયે કીમતી વસ્તુઓ રિક્ષામાં, ટૅક્સીમાં અને મેટ્રોમાં ખોઈ છે. ખાસ કરીને રિક્ષામાં આવા બનાવો વધુ બન્યા છે. હું અત્યાર સુધી મારા ચાર ફોન, મારું વૉલેટ, ઘણીબધી છત્રીઓ, ઘરની ચાવી, ટિફિન બૅગ આ રીતે ભૂલી ગયો છું. એક વખત તો કૉલેજમાં હતો ત્યારે કૉલેજનું બૅકપૅક જ આખું ભૂલી ગયેલો જે ચોપડા સહિત મને પાછું મળ્યું નહીં. આવું મારી સાથે એટલી વાર બન્યું છે કે એક સમય પછી તમે થાકી જાઓ. મને કોઈ વસ્તુ હાથમાં રાખવાની આદત નથી. ફોન, પર્સ કે પૈસા હાથમાં હોય તો હું એને ક્યાંકને ક્યાંક મૂકી દઉં છું. પરંતુ બૅગમાં હોય તો સચવાઈ રહે. બૅગ પણ પીઠ પર લદાયેલી હોય એ જરૂરી છે. જો એ પણ હાથમાં હોય તો મુકાઈ જાય ક્યાંક.’ 
ટેક્નૉલૉજિકલ ઉપાય
પણ આવું થવા પાછળ શું કારણ છે? એનો જવાબ આપતાં દિગંત દોશી કહે છે, ‘મેં માર્ક કર્યું છે કે મલ્ટિટાસ્ક કરીએ ત્યારે બેધ્યાન થઈ જવાય છે. મગજ એક દિશામાં ૧૦૦ ટકા દોડે એટલે બીજી દિશાઓ છૂટી જતી હોય છે. મુંબઈ જેવા શહેરમાં મલ્ટિટાસ્ક સિવાય તો કામ ચાલતું જ નથી. એટલે કદાચ મારા જેવા લોકો અહીં ઘણા છે. માણસની મદદે આવા સમયે મશીનો આવે છે. મેં હાલમાં જ ૧૪,૦૦૦ રૂપિયા ખર્ચીને ચાર ઍર ટૅગ્સ ખરીદ્યા છે જેને હું મારા પર્સ, લૅપટૉપ બૅગ જેવા જરૂરી અને કીમતી સામાન સાથે રાખું છું જેથી જો એ ક્યાંક ખોવાઈ જાય તો હું એને ટ્રેક કરી શકું. ખોવાયેલી વસ્તુનું સ્ટ્રેસ અલગ હોય અને તમે ફરી પાછા એ ભૂલી ગયા એ વાતનું સ્ટ્રેસ અલગ હોય. ખોવાયેલી વસ્તુની કિંમતની સરખામણી કરતાં એ ખોવાઈ જાય ત્યારે આવતું સ્ટ્રેસ એનાથી કેટલાય ગણું વધારે હોય છે. નુકસાનથી બચવા કરતાં નુકસાનથી થતા સ્ટ્રેસથી બચવા મેં આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.’

 રેડિયો પર પ્રોગ્રામ કરવા જતી વખતે મારું સંપૂર્ણ ધ્યાન સ્ક્રિપ્ટમાં હોય. એ સમયે સ્ક્રિપ્ટ અને ફોન સિવાયની કેટલીયે બીજી વસ્તુઓ મારાથી ક્યાંક ને ક્યાંક છૂટી જતી હોય છે.
આરતી સૈયા, ડોમ્બિવલી

વિજ્ઞાન શું કહે છે? 

નાની-નાની વસ્તુઓ આપણે કેમ ભૂલી જઈએ છીએ એનું વિજ્ઞાન સમજાવતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘કોઈ પણ વસ્તુ યાદ રાખવા માટે બે પૉઇન્ટ મહત્ત્વના છે. એક તો એ કે એનું મહત્ત્વ તમારા માટે વધુ હોવું જોઈએ. અને બીજું એ કે એ યાદ રાખતી વખતે તમારું કૉન્સન્ટ્રેશન સારું હોવું જોઈએ. વ્યક્તિ બેધ્યાન હોવાથી ભૂલી જાય છે અથવા એક જગ્યાએ વધુપડતું ફોકસ હોય તો બીજી બાબતો ભૂલી જાય છે. આ સિવાય જો તમારી ઊંઘ વ્યવસ્થિત ન હોય તો પણ ભુલાઈ જાય છે. વધુપડતું સ્ટ્રેસ પણ મેમરી પર અસર કરે છે. અમારી પાસે એવા ઘણા લોકો આશંકા સાથે આવે છે કે મને બધું ભૂલી જવાની આદત છે ત્યારે અમે એને બે રીતે મૂલવીએ છીએ. એક કે જો વ્યક્તિ કામની જગ્યાએ ભૂલી જતી હોય તો બીજું એ કે ભૂલવાના એપિસોડ વારંવાર બનતા હોય તો એને તપાસની જરૂર છે. કામની જગ્યાએ વ્યક્તિનું કૉન્સન્ટ્રેશન સૌથી વધુ હોય એમ ધારીએ તો ત્યાં ભૂલવાનું ઓછું બનવું જોઈએ. બાકી ભૂલી જવાના બનાવો કેટલા રુટિન છે એના આધારે ખબર પડે કે ખરેખર મેમરી પ્રૉબ્લેમ છે કે નહીં.’
ભૂલી જવાની બાબત પર તેઓ કહે છે, ‘આપણે માણસ તરીકે માનીએ છીએ કે મેમરી જેટલી શાર્પ હોય એટલું સારું. એટલે જ આજની તારીખે આપણે વધુને વધુ મેમરીવાળા ફોન લઈએ છીએ. હકીકતે બ્રેઇનનું એક ફીચર છે ભૂલી જવું. જરૂરિયાત કરતાં વધુ મેમરીનો સંગ્રહ પણ મગજ માટે નુકસાનદાયક છે. એટલે ક્યારેક જો તમે ભૂલી જતા હો તો સ્ટ્રેસ ન લો. ઊલટું ભૂલી જવું એ એક રીતે વરદાનરૂપ પણ છે.’

columnists Jigisha Jain