ખુલ્લું ઘર, દૂધ, શરીર, આવાસ જોખમી તો પછી ખુલ્લો માણસ?

24 May, 2022 07:23 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

‘ખુલ્લું ઘર ચોર માટે આમંત્રણનું કારણ બની રહે એવી પૂરી શક્યતા છે

મિડ-ડે લોગો

‘ખુલ્લું ઘર ચોર માટે આમંત્રણનું કારણ બની રહે એવી પૂરી શક્યતા છે. દૂધની ખુલ્લી રહી જતી તપેલી બિલાડી માટે અને દહીંની ખુલ્લી રહી જતી તપેલી કાગડા માટે આમંત્રણનું કારણ બની રહે એવી પૂરી શક્યતા છે. ખુલ્લા પૈસા ખિસ્સાકાતરુને લલચાવી શકે છે તો યુવતીના શરીર પરનાં ખુલ્લાં વસ્ત્રો વ્યભિચારીને અયોગ્ય પગલાં ભરવા માટે લલચાવી શકે છે. ખુલ્લું મકાન કાગડા, કૂતરા, ગધેડાનું આવાસસ્થાન બની શકે છે.’ 
પ્રવચનનો વિષય હતો ‘પાબંદી’. ‘વ્રત-નિયમો વિનાનું સ્વચ્છંદી જીવન અનેક પાપો માટેનું આશ્રયસ્થાન બની શકે છે. સાચે જ જીવનને જો સુરક્ષિત રાખી દેવા માગો છો, મનને પવિત્ર રાખવા ઇચ્છો છો, પરલોકની સધ્ધરતા અકબંધ કરી દેવા માગો છો તો જીવનને જાતજાતનાં વ્રત-નિયમોથી સુશોભિત કરતા જાઓ. ઘણાને એવું લાગતું રહે છે કે વ્રત અને નિયમો તો પાબંદીકારક છે અને માણસે પાબંદી ન રાખવી જોઈએ, પણ એ અર્થહીન તર્ક છે. પાબંદી, અનુશાસન અને નીતિનિયમો જ માણસના જીવનને માનવીય જીવન બનાવે છે અને એ માનવીય જીવન જ માણસાઈનાં લક્ષણો લાવે છે.’
પ્રવચનની આ અને આવી બીજી વાતોની પ્રેરણાને શ્રોતાજનોએ જે ઉત્સાહથી ઝીલી લીધી એણે સાચે જ હૈયાને આનંદવિભોર બનાવી દીધું. પ્રવચનના દિવસે તો ખરું જ, પણ પ્રવચનના દસ-બાર દિવસ પછી પણ શ્રાવકો આવતા જ રહ્યા. રોજ સવાર પડે અને યુવક-યુવતીઓની રોજિંદા નિયમો લેવા લાંબી લાઇન લાગી જાય. નિયમની પસંદગી મારી. તેમના તરફથી સહર્ષનો જ પ્રતિસાદ. 
નવા-નવા નિયમો શોધવા ક્યારેક તો મારે ભેજું કસવું પડે તો ઘણી વાર એવું બને કે યુવક-યુવતીઓ પોતે જ સામેથી એવું કહે કે ‘આ નિયમ તો સરળ છે, આનાથી થોડો વધારે કઠિન નિયમ આપો’. 
કહે પણ ખરાં અને સાથોસાથ પોતે પણ અઘરા કહેવાય એવા નિયમો સૂચવે અને એ નિયમ માટે પોતાની તૈયારીઓ પણ દેખાડે. નિયમોનું પાલન આજના સમયમાં અઘરું હોઈ શકે, ના નહીં; પણ અઘરું હોય એની જ પ્રાપ્તિ વધારે ખુશી આપે. આવતા થોડા સમય માટે હવે એવા જ થોડા નિયમોની વાત કરવાની છે. જે નિયમો દર્શાવવામાં આવશે એ નિયમો પ્રવચન પછીના 
સમયમાં બનાવ્યા. આ નિયમોમાંથી જો અમુક નિયમોનું પણ પાલન થઈ શકે તો ખુલ્લા જીવનને એક સુરક્ષા-કવચ મળશે અને એ સુરક્ષા-કવચ પ્રભુ તરફ લઈ જવાનું કામ કરશે.
જીવનમાં લેવા જેવા કેટલાક અગત્યના નિયમોની ચર્ચા કરીશું આપણે હવે આવતા મંગળવારે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists