સ્વીકારો, મોબાઇલની ઉપયોગિતા શ્રેષ્ઠ રીતે સમજાવવાનું કામ આ કાળ કરી ગયો

25 October, 2021 11:16 AM IST  |  Mumbai | Manoj Joshi

ઑનલાઇન એજ્યુકેશન પણ આ મોબાઇલને કારણે જ સુવિધામય બન્યું અને એક આખી પેઢીએ પોતાના જીવનનું એક શૈક્ષણિક વર્ષ મોબાઇલ પર ભણીને પસાર કર્યું.

પ્રતીકાત્મક તસવીર

વર્ક ફ્રૉમ હોમની જેમ જ કોવિડે મોબાઇલના ઉપયોગની નવી દ‌િશા દેખાડવાનું કામ પણ કર્યું. અગાઉ મોબાઇલનો ઉપયોગ થતો હતો, પણ એ ઉપયોગમાં માત્ર બે જ મહત્ત્વના હતા. એક તો ફોન કરવાની અને બીજી, ચૅટ કરવાની, પણ કોવિડના પિરિયડમાં મોબાઇલના અનેક ઉપયોગ ખૂલી ગયા. ઑનલાઇન પેમેન્ટથી માંડીને બૅન્કિંગ કામ પણ મોબાઇલ પર થવા માંડ્યાં. ઝૂમ કૉલની મીટિંગ પણ આ જ પિરિયડમાં શરૂ થઈ અને હવે એ જીવનનો એક ભાગ બની ગઈ. ઑનલાઇન એજ્યુકેશન પણ આ મોબાઇલને કારણે જ સુવિધામય બન્યું અને એક આખી પેઢીએ પોતાના જીવનનું એક શૈક્ષણિક વર્ષ મોબાઇલ પર ભણીને પસાર કર્યું.
આવું કલ્પ્યું હતું તમે ક્યારેય કે મોબાઇલ પર ભણવામાં આવે અને મોબાઇલ ભણાવવાનું કામ કરે? અરે, ૧૦માંથી ૯ મમ્મી માનતી હતી કે મોબાઇલ આવ્યા પછી આ નવી જનરેશન હાથમાંથી ગઈ છે અને એ જ મોબાઇલે અનેક વખત સંબંધોને જોડવાનું કામ અદ્ભુત રીતે આ પેન્ડેમિકમાં કર્યું. આ પેન્ડેમિક દરમ્યાન સૌકોઈને મોબાઇલનું મહત્ત્વ સમજાઈ ગયું અને સમજાયેલા આ મહત્ત્વ વચ્ચે સૌકોઈને એની પણ સભાનતા આવી ગઈ કે મોબાઇલ હવે મહત્ત્વનો અને જીવનનો અવિભાજ્ય અંગ બની ગયો છે.
પહેલાં ખબર હતી, પણ એની અ‌નિવાર્યતા આ સમયે ખબર પડી. આ જ સમયમાં કોવિડના પેશન્ટ્સ સાથે ફૅમિલીને જોડવાનું કામ પણ આ મોબાઇલના શિરે આવ્યું અને એ કામ પણ એણે ઉમદા રીતે પાર પાડ્યું. જે મોબાઇલે ત્રાસવાદ ફેલાવ્યો હતો એ જ મોબાઇલે આશાવાદ ફેલાવવાનું કામ કોવિડ-પિરિયડમાં કર્યું. હૉસ્પિટલમાં રહેલા સ્વજનની સાથે મેળાપ પણ એણે કરાવ્યો તો જોજનો દૂર ભણવા ગયેલાં અને પછી અટવાઈ ગયેલાં સંતાનો સાથે જોડવાનું કામ પણ એણે જ કર્યું. કોવિડ-પિરિયડમાં મોબાઇલનો વપરાશ વધ્યો એ હકીકત છે અને હવે સમય જતાં એનો વપરાશ ઘટાડવાનો છે એ પણ એટલું જ સાચું છે, પણ એ બધા પછી પણ એક વાત તો કહેવી જ પડે કે કોવિડ-પિરિયડમાં મોબાઇલની સાચી ઉપયોગિતા બહાર આવી. મોબાઇલે સમજાવ્યું કે એ હાથમાં રહેલું ટાઇમપાસ રમકડું નથી. 
કોવિડ-પિરિયડમાં મોબાઇલ પર ડ‌િઝાઇન બનાવી શકાય એ વાત પણ દેશવાસીઓ સમજી શક્યા અને યોગના ક્લાસ દ્વારા સ્વાસ્થ્યકારી યોજનાઓ પણ દુનિયા સમક્ષ મૂકી શકાય એ પણ સમજાયું. સમજાયું કે મોબાઇલ પેમેન્ટ કરવા માટે પણ ઉપયોગી છે અને એ પણ સમજાયું કે મોબાઇલ હાથમાં હશે તો જીવનનિર્વાહ ચલાવવાનું કામ પણ સરળ થઈ શકે છે. મોબાઇલે દુનિયાને દેખાડ્યું કે એ હરતા-ફરતા કમ્પ્યુટરથી સહેજ પણ ઓછું નથી અને મોબાઇલે જ સમજાવ્યું કે એ તમારા પર્સનલ ટીવીની ગરજ પણ સારી શકે છે. મોબાઇલ-ઍપ્સની આખી દુનિયા જગત સામે ખૂલી ગઈ અને મોબાઇલ-ઍપ્સ દ્વારા જ્ઞાનની પાઠશાળા પણ વિશ્વ સામે ઓપન થઈ ગઈ. થૅક્સ ટુ કોવિડ. પેન્ડેમિકના અધૂરા ભરેલા ગ્લાસે સમજાવ્યું કે ટેક્નૉલૉજીનો સદુપયોગ જીવનમાં સરળતા ભરવાનું કામ કરે છે.

columnists manoj joshi