દમ મારો દમ:સ્વીકારો કે અત્યારે તમે સુપરસ્ટાર શાહરુખ ખાન કરતાં વધારે સુખી છો

27 October, 2021 09:33 AM IST  |  Mumbai | Manoj Joshi

હું તો કહીશ કે એ ન્યુઝ જોતાં-જોતાં જ તમારા દીકરાને પાસે બોલાવજો, તમારી દીકરીને બાજુમાં બેસાડજો અને તેને થૅન્ક યુ કહેજો કે તેમણે તમને કાળી ટીલી લગાડવાનું કામ નથી કર્યું.

શાહરુખ ખાન (તસવીર સૌજન્ય મિડ-ડે)

આર્યન ખાનની જે હાલત ઊભી થઈ છે એ હાલત માટે આર્યન નહીં પણ સુપરસ્ટાર શાહરુખ ખાન જવાબદાર છે અને તેની હાલત જોઈને જ કહેવાનું મન થાય છે કે અત્યારે તમે કિંગ ખાન કરતાં પણ વધારે સુખી છો જો તમારો દીકરો સીધા રસ્તે હોય તો. તમે કિંગ ખાન કરતાં પણ વધારે સુખી છો જો તમારી દીકરી સવારે ઑફિસ જવા અને રાતે ઘરે પાછી આવવા માટે સીધા રસ્તે જ પાછી આવે છે. કબૂલ કરો, સ્વીકારો કે અત્યારે તમે સુપરસ્ટાર શાહરુખ ખાન કરતાં પણ વધારે સુખી છો. સ્વીકારો અને એના માટે ભગવાનનો પાડ પણ માનો. તમારાં સંતાનોને બગાડે એવું વાતાવરણ તેની આજુબાજુમાં છે જ અને એ પછી પણ તે તમારા અને તમારા પૂર્વજોના સંસ્કાર વચ્ચે બગડ્યાં નથી. આનાથી વિશેષ શું જોઈએ તમને?
ખરેખર તમે સુખી છો જો તમારા દીકરાના મોબાઇલમાં એક પણ પ્રકારનું લૉક ન હોય અને એ મોબાઇલ એમ જ પડ્યો રહેતો હોય તો. તમે સુખી છો જો તમારી દીકરીના બૉયફ્રેન્ડની તમને ખબર હોય અને તેનામાં પણ કોઈ અવગુણ નથી એની તમને ખબર હોય. તમે સુખી છો સાહેબ, ખરેખર સુખી છો અને ધારજો, અત્યારે તમારા આ સુખની ઈર્ષ્યા બીજું કોઈ નહીં પણ ખુદ શાહરુખ ખાન કરતો હશે, કારણ કે તેના નસીબમાં આ સુખ લખાયું નથી. નથી આ સુખ લખાયેલું અને એટલે જ તમારે ખુશ થવાનું છે. આજ સુધી તમને શાહરુખની શોહરત દુખી કરતી હતીને? આજ સુધી તમને શાહરુખની લક્ઝરીની પીડા હતીને? થાઓ રાજી, શાહરુખ તમારા જેવો નિશ્ચિંત બનીને જીવી નથી શકતો. તેણે અત્યારે સતત વકીલો સાથે વાર્તાલાપ કરવો પડે છે અને તમે ઘરમાં બેસી, લાંબા પગ કરીને એ ન્યુઝ માણી રહ્યા છો. હું તો કહીશ કે એ ન્યુઝ જોતાં-જોતાં જ તમારા દીકરાને પાસે બોલાવજો, તમારી દીકરીને બાજુમાં બેસાડજો અને તેને થૅન્ક યુ કહેજો કે તેમણે તમને કાળી ટીલી લગાડવાનું કામ નથી કર્યું.
તમે સુખી છો, ૧૦૦ ટકા સુખી છો તમે, કારણ કે આ દિવાળીએ તમારા ઘરમાં હોળી નથી. તમે સુખી છો, કારણ કે તમારે આ દિવાળીએ જીવ નથી બાળવાનો. તમે સુખી છો, કારણ કે તમારે હવે તમારાં સંતાનોની બાબતમાં રીથિન્ક કરવાનો સમય નથી આવ્યો. શાહરુખના ઘરમાં આ બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો વચ્ચે તે રાતે સૂતો કેવી રીતે હશે એ પણ જરા વિચારજો. વિચારજો કે સેન્ટ્રલી ઍરકન્ડ‌િશનની ટાઢક તેને અત્યારે કેવી દાહક લાગતી હશે અને વિચારજો જરા કે ઘરે બનતાં બત્રીસ જાતનાં પકવાનો એને પેટમાં કેવી ઍસિડિટી પેદા કરતાં હશે? ગંભીરતા સાથે વિચારશો તો તમને તમારા ઘરે બનેલી રોટલી અને ભીંડાના શાકમાં પણ બત્રીસ જાતનાં પકવાનની મીઠાશ મળશે એ નક્કી છે, કારણ કે તમે સુખી છો. તમારાં સંતાનો તમારી આબરૂના ધજાગરા બહાર નથી ઉડાડતા અને તમારાં સંતાનો ક્યાંય તમારા પરિવારને નીચું જોવું પડે એવું વર્તતાં નથી. તમે ખરેખર સુખી છો કે તમને અત્યારે શાંતિની ઊંઘ આવે છે અને એ ઊંઘમાં પૂંઠે પડતા લાઠીના મારની પીડાને લીધે પડનારા ચિત્કાર નથી સંભળાતા. સાહેબ, સુખી છો તમે. 
ખરેખર.

columnists manoj joshi